પાર્થ એમ એન
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વિહોણા દલિતો પાસે જમીન તો છે પણ માત્ર કાગળ પર. વહીવટી ઉદાસીનતા અને જ્ઞાતિ ભેદભાવ રાજ્યમાં ઘણા લોકોને તેમને ફાળવવામાં આવેલી મિલકત પર તેમનો દાવો કરતા અટકાવે છે
57 વર્ષીય બાલાભાઈ ચાવડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ એકર ખેતીની જમીન ધરાવે છે. તે ફળદ્રુપ છે. તેમાં પાણી પણ છે. તેઓ 25 વર્ષથી તેની માલિકી ધરાવે છે. જો કે, ત્યાં માત્ર એક સમસ્યા છે. તેમની માલિકીની ખેતીની જમીન નજીક જવાની તેમને મંજૂરી નથી.
તેમના જમીનના માલિકી–હકના કાગળો, કે જે હવે ફાટી જાય તેવા અને પીળા પડી ગયેલા છે, તે બતાવતાં તેઓ કહે છે, “મારી પાસે મારી માલિકીનો પુરાવો છે. પરંતુ [જમીનનો] કબજો ઉચ્ચ જાતિના લોકો પાસે છે.”
અનુસૂચિત જાતિના ચમાર સમુદાયના મજૂર બાલાભાઈ મદદ માટે દરેક વ્યક્તિ તરફ વળ્યા છે — મદદ માટે હવે કોઈ દરવાજા ખટખટાવવાના બાકી નથી. તેઓ ઉમેરે છે, “હું દરરોજ ચૂક્યા વિના જમીન પર જાઉં છું. હું તેને દૂરથી જોઉં છું, અને કલ્પના કરું છું કે મારું જીવન કેવું હોત.”
ધ્રાંગધ્રા તાલુકાના ભરાડ ગામે આવેલ તે ખેતીની જમીન, 1997માં ગુજરાતની જમીન વિતરણ નીતિ હેઠળ બાલાભાઈને ફાળવવામાં આવી હતી. ગુજરાત કૃષિ જમીનની ટોચમર્યાદા અધિનિયમ 1960 , જે અંતર્ગત કૃષિ જમીનની માલિકી પર ટોચ મર્યાદા લાદવામાં આવી હતી, તે હેઠળ સંપાદિત કરાયેલ ‘વધારાની જમીન’ ને “સામાન્ય ભલાઈ માટે” નિર્ધારિત કરવામાં આવી હતી.
સાંથણી જમીન તરીકે ઓળખાતા આ સંપાદિત જમીન વિસ્તારોને, સરકારની માલિકીની પડતર જમીન સાથે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયોના સભ્યોના પ્રાધાન્ય સાથે — ખેડૂતોની સહકારી મંડળીઓ, જમીનવિહોણા વ્યક્તિઓ અને ખેતમજૂરો સહિત — “ખેતી માટે જમીનની જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓ” માટે અલગ રાખવામાં આવ્યા હતા.
આ યોજના કાગળ પર કારગર પુરવાર થાય છે. પણ વ્યવહારમાં, એટલી નહીં.
જમીનનો માલિકી–હક મળ્યા પછી બાલાભાઈએ તેમની જમીન પર કપાસ, જુવાર અને બાજરીની ખેતી કરવાની યોજના બનાવી હતી. તેમણે ખેતરમાં એક નાનું ઘર બનાવવાનું પણ વિચાર્યું હતું, જેથી તેઓ જ્યાં કામ કરે ત્યાં રહી શકે. તે સમયે તેઓ 32 વર્ષના હતા, જે વખતે તેમનો એક યુવાન પરિવાર હતો અને ભવિષ્યમાં તેને આગળ ધપાવવાનું લક્ષ્ય હતું. તેઓ કહે છે, “મારે ત્રણ નાના બાળકો હતા. હું મજૂર તરીકે કામ કરતો હતો. મને લાગ્યું કે બીજાઓને ત્યાં સખત મહેનત કરવાના દિવસો હવે ખતમ થઈ ગયા છે. મારી પોતાની જમીન સાથે, મેં વિચાર્યું કે હું મારા પરિવારને સારું જીવન આપી શકીશ.”
બાલાભાઈ ચાવડા ભરાડ ગામમાં તેઓ તેમની જે પાંચ એકર જમીનનો કબજો મેળવવા છેલ્લા 25 વર્ષથી રાહ જોઈ રહ્યા છે તેના કાગળ બતાવી રહ્યા છે
પરંતુ બાલાભાઈને એક મોટો આઘાત લાગવાનો હતો. તેઓ તેમની જમીનનો કબજો લે તે પહેલાં જ ગામના બે પરિવારોએ તેમની જમીન પચાવી પાડી હતી. તે પરિવારો — એક રાજપૂત સમુદાયનો અને બીજો પટેલ સમુદાયનો, તે પ્રદેશની પ્રભાવશાળી જાતિઓ — આજે પણ જમીન પર અતિક્રમણ કરી રહ્યા છે. અને બાલાભાઈને મજૂર તરીકે કામ કરવા જવું જ પડે છે. તેમના પુત્રો રાજેન્દ્ર અને અમૃત, અનુક્રમે 35 અને 32 વર્ષીય, જ્યારે તેઓ હજી ઘણા નાના હતા ત્યારે ખેતરોમાં કામ કરવાનું શરૂ કરવું પડ્યું હતું. જ્યારે તેમને કામ મળે ત્યારે તેઓ એક દિવસના 250 રૂપિયા કમાય છે, અઠવાડિયામાં લગભગ ત્રણ વખત.
બાલાભાઈ કહે છે, “મેં મારો દાવો રજૂ કરવાના ઘણા પ્રયાસ કર્યા છે, પરંતુ જમીનનો ટુકડો પ્રભાવશાળી જાતિના લોકોની માલિકીની મિલકતોથી ઘેરાયેલો છે. તેઓ મને તે વિસ્તારમાં પ્રવેશવા દેતા નથી. શરૂઆતમાં, મેં મારો અધિકાર [જમીન પર ખેતી કરવાનો] મેળવવાનો દાવો કર્યો અને ઝઘડો થયો, પણ તેઓ પ્રભાવશાળી અને શક્તિશાળી લોકો છે.”
90ના દાયકાના અંતમાં થયેલા એક ઝઘડાને લીધે બાલાભાઈએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમના પર પાવડા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી તેમના હાથમાં ફ્રેક્ચર થયું હતું. તેઓ કહે છે, “મેં પોલીસમાં ફરિયાદ કરી હતી. મેં [જિલ્લા] વહીવટીતંત્રનો સંપર્ક કર્યો હતો. તેનાથી કામ નહોતું થયું. સરકાર દાવો કરે છે કે તેણે જમીન વિહોણા લોકોને જમીનનું વિતરણ કર્યું છે. પરંતુ વાસ્તવમાં, તેમણે માત્ર કાગળો જ આપ્યા છે. જમીન તો પહેલાં જેવી હતી તેવી જ છે.”
2011ની વસ્તી ગણતરી સમયે, ભારતમાં 14.4 કરોડથી વધુ ભૂમિહીન ખેતમજૂરો હતા. અગાઉની વસ્તી ગણતરી, 2001માં તે આંકડો 10.7 કરોડ હતો, તેના કરતાં આ સંખ્યામાં 35 ટકાનો વધારો થયો હતો. એકલા ગુજરાતમાં, તે સમયગાળામાં 17 લાખ લોકો ભૂમિહીન મજૂરો બન્યા – જે 32.5 ટકાનો વધારો છે. (51.6 લાખથી 68.4 લાખ).
ગરીબીનું એક સૂચક એવી ભૂમિહીનતા જાતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જો કે અનુસૂચિત જાતિઓ ગુજરાતની કુલ વસ્તીના 6.74 ટકા (2011ની વસ્તીગણતરી) છે, તેઓ રાજ્યમાં ખેતી હેઠળના વિસ્તારના માત્ર 2.89 ટકા ભાગમાં જ – જમીન માલિક તરીકે કે અન્યથા – કામ કરે છે. રાજ્યની વસ્તીમાં 14.8 ટકા વસ્તી ધરાવતા અનુસૂચિત જનજાતિના લોકો 9.6 ટકા જમીન પર કામ કરે છે.
2012માં દલિત અધિકાર કાર્યકર્તા જીગ્નેશ મેવાણીએ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા જમીન સુધારણા નીતિઓનો અમલ ન કરાતો હોવાનો આરોપ લગાવ્યો હતો. ટોચમર્યાદા કાયદા હેઠળ સંપાદિત કરવામાં આવેલી સાંથણી જમીનો જેમને ફાળવવાની હતી – જમીન વિહોણા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને – તેમને ફાળવવામાં આવી ન હતી.
જમીન ટોચમર્યાદા કાયદાના અમલીકરણ પર કેન્દ્ર સરકારનો ત્રિમાસિક પ્રગતિ અહેવાલ (સંચિત) કોર્ટની કાર્યવાહીમાં ટાંકવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2011 સુધી, ગુજરાતમાં 37,353 લાભાર્થીઓને 163,676 એકર જમીનનું વિતરણ કરવામાં આવ્યું હતું – અને માત્ર 15,519 એકર જમીનનું વિતરણ કરવાનું બાકી હતું.
જો કે, મેવાણીની પીઆઈએલ, જેની હજુ પણ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તે ફાળવેલ જમીનનો કબજો છીનવી લેવાની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંખ્યાબંધ કેસોમાં, તેઓ જણાવે છે – આરટીઆઇ જવાબો અને સરકારી રેકોર્ડના આધારે – લોકોને ફાજલ જમીન અને તેમને ફાળવવામાં આવેલી પડતર જમીનનો કબજો મળ્યો નથી.
બાલાભાઈ બે દાયકા કરતાં વધુ સમયથી રાહ જોઈ રહ્યા છે. તેઓ કહે છે, “હું શરૂઆતમાં કબજો મેળવવા માટે લડ્યો હતો. હું 30 વર્ષનો હતો. મારી પાસે ઘણો જુસ્સો અને શક્તિ હતી. પરંતુ પછી મારા બાળકો મોટા થવા લાગ્યા અને હું વ્યસ્ત થઈ ગયો. મારે તેમની સંભાળ રાખવાની હતી અને તેમની સલામતી વિષે પણ વિચારવાનું હતું. હું એવું કંઈ કરવા માગતો ન હતો જેનાથી તેમનો જીવ જોખમાય.”
મેવાણીની 1,700 પાનાની લાંબી અરજીમાં, સમગ્ર ગુજરાતનાં ઉદાહરણો છે, જે સૂચવે છે કે બાલાભાઈનો કેસ કંઇ એકલો અટૂલો બનાવ નથી.
હાલમાં ગુજરાત વિધાનસભામાં વડગામ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મેવાણી કહે છે, “કેટલાક કિસ્સાઓમાં, લાભાર્થીઓએ જમીનનો કબજો મેળવ્યો છે પરંતુ કાર્યકરો દ્વારા સતત દરમિયાનગીરી કર્યા પછી જ.” તેઓ ઉમેરે છે કે તેમની અરજીનો જવાબ આપતી વખતે રાજ્ય અને વહીવટીતંત્રએ તેમની ખામીઓ સ્વીકારી હતી.
ઉદાહરણ તરીકે, 18 જુલાઈ, 2011ના રોજ લખેલા પત્રમાં, અમદાવાદના જીલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ (ડીઆઈએલઆર) એ જણાવ્યું હતું કે મહેસૂલ વહીવટી અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે અમદાવાદ જિલ્લાના કેટલાક ગામોમાં જમીન માપણીનું કાર્ય અધૂરું રહ્યું છે. થોડા વર્ષો પછી, 11 નવેમ્બર, 2015ના રોજ, ભાવનગર જિલ્લાના ડીઆઈએલઆરે સ્વીકાર્યુ હતું કે, 50 ગામોમાં 1971 થી 2011 સુધી ફાળવવામાં આવેલી જમીનો માટે સીમાંકન કરવામાં આવ્યું નથી.
17 ડિસેમ્બર, 2015ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલ સોગંધનામામાં, રાજ્યના મહેસૂલ વિભાગના ઉપસચિવ હરિશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે 15,519 એકર જમીન કે જેનું વિતરણ કરવાનું બાકી હતું તે મુકદ્દમા હેઠળ છે – અને તેના પર 210 મુકદ્દમા પડતર છે.
પ્રજાપતિએ એમ પણ જણાવ્યું હતું કે કૃષિ જમીન ટોચમર્યાદા અધિનિયમને અમલમાં મૂકવા માટે એક પદ્ધતિની દરખાસ્ત કરવામાં આવી હતી – જેમાં ચાર અધિકારીઓની નિમણૂક અને રાજ્યના ઝોનલ વિભાગનો સમાવેશ થાય છે. સોગંધનામામાં જણાવવામાં આવ્યું હતું કે, “કબજાની વધુ ચકાસણી સહિત જમીનના દરેક ટુકડાની ભૌતિક રીતે ચકાસણી કરીને કવાયત હાથ ધરવામાં આવશે. આમાં હજારો એકર જમીનની ભૌતિક રીતે ચકાસણી કરવાનું એક વિશાળ કાર્ય શામેલ હશે.”
ગુજરાતના જાણીના વકીલ અને હાઈકોર્ટમાં દાખલ કરેલ પીઆઈએલમાં મેવાણીનો પક્ષ રજૂ કરતા આનંદ યાજ્ઞિક કહે છે કે સાત વર્ષમાં વધારે કંઈ બદલાયું નથી. તેઓ કહે છે, “રાજ્ય પ્રભાવશાળી જાતિના લોકો પાસેથી કબજો લીધા વિના વિતરણમાં ન્યાય થયો છે તેવું કાગળ પર બતાવવા માટે જમીન ફાળવે છે.” જો અનુસૂચિત જાતિના લાભાર્થી કબજો મેળવવાનો આગ્રહ રાખે છે, તો તેમને માર મારવામાં આવે છે. સ્થાનિક વહીવટીતંત્ર ક્યારેય મદદ કરતું નથી. તેથી વિતરણ વ્યવસ્થામાં ન્યાય ફક્ત કાગળ પર જ રહે છે અને સ્વતંત્ર ભારતમાં સભ્યતાનો દોષ ચાલુ રહે છે.
આ રિપોર્ટરે હાલમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની અને જમીન સુધારણાના કમિશનર સ્વરૂપ પી. ને ગુજરાતમાં જમીન વિતરણની વર્તમાન સ્થિતિ વિષે પૂછવા માટે પત્ર લખ્યો હતો. જો તેઓ પ્રતિભાવ આપશે તો આ વાર્તાને અપડેટ કરવામાં આવશે.
43 વર્ષીય છગનભાઈ પિતામ્બરના કિસ્સામાં, તેમની જમીન અન્ય કોઈ દ્વારા કબજે ન કરાઇ હોવા છતાંય વહીવટીતંત્રથી તેમને નિરાશ સાંપડી છે. તેમને 1999માં ભરાડમાં જે પાંચ એકર જમીન ફાળવવામાં આવી હતી તે ચંદ્રભાગા નદીની મધ્યમાં છે. તેઓ અમને ત્યાં લઈ જઈને કહે છે, “તે મોટે ભાગે પાણીમાં જ હોય છે તેથી હું તેમાં કંઈ વધારે કરી શકતો નથી.”
કાદવવાળા પાણીના ખાબોચિયા તેમની જમીનના મોટા ભાગને આવરી લે છે, અને બાકીનો ભાગ લપસણો છે. તેઓ કહે છે, “1999માં જ મેં નાયબ કલેક્ટરને જમીન બદલવા માટે પત્ર લખ્યો હતો. 2010માં, મામલતદાર [તાલુકાના વડા] એ મારી વિનંતીને એવું કહીને નકારી કાઢી હતી કે ફાળવણીને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને હવે કંઈ કરી શકાશે નહીં. વહીવટી વિભાગે 10 વર્ષ સુધી કંઈ ન કર્યું એ મારી ભૂલ છે?”
આ બેદરકારીની અસર છગનભાઈ અને તેમના પરિવાર પર ઘણી સખત રહી છે. તેમનાં પત્ની કંચનબેન કહે છે કે જ્યારે આખું ઘર માત્ર વેતન મજૂરી પર નિર્ભર હોય છે, ત્યારે વૃદ્ધિ કે સુરક્ષાનો કોઈ અવકાશ નથી હોતો. તેઓ કહે છે, “તમે દિવસમાં કમાઓ છો અને રાત્રે ખાવાનું ખરીદો છો. જો તમારી પાસે જમીન હોય, તો તમે ઓછામાં ઓછું તમારા માટે ખાવાની વસ્તુઓ તો ઉગાડી શકો છો, અને મજૂરીના કામમાંથી મળતી રોકડ અન્ય જરૂરિયાતો માટે વાપરી શકાય છે.”
આ પરિવારે બાળકોના શિક્ષણ માટે ખાનગી શાહુકારો પાસેથી ઉછીના પૈસા લેવા પડ્યા છે. 40 વર્ષીય કંચનબેન કહે છે, “લગભગ 10 વર્ષ પહેલાં, અમે મહિને 3 ટકાના દરે 50,000 રૂપિયા લીધા હતા. અમારે ચાર બાળકો છે. અને અમે તે દિવસોમાં પ્રતિ દિન 100-150 રૂપિયા કમાણી કરતા હતા, અમારી પાસે વધારે વિકલ્પો ન હતા. અમે હજુ પણ દેવું ચૂકવી રહ્યા છીએ.”
જમીનના અધિકારો ગુમાવવાના પરિણામો બહુવિધ છે. તેના માટે અરજી કરવા માટે વેડફાતો સમય અને શક્તિ તથા તે પછી પણ તેને ન મેળવી શકવાના તણાવ ઉપરાંત, વર્ષોથી ઉપાર્જિત નાણાકીય નુકસાનનો અંદાજ ઘણીવાર ઓછો આંકવામાં આવે છે.
જો એવું ધારવામાં આવે કે એક ખેડૂત બે પાકની સિઝનમાં એક એકરમાંથી 25,000 રૂપિયા કમાણી કરી શકે છે, તો મેવાણીની પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે 5-7 વર્ષમાં નુકસાન 175,000 રૂપિયા પ્રતિ એકર છે.
બાલાભાઈ પાસે પાંચ એકર જમીન છે, અને તેમને 25 વર્ષથી તેમની જમીનમાં ખેતી કરવાની મંજૂરી આપવામાં નથી આવી. મોંઘવારી માટે સમાયોજિત કર્યા પછી, ન થયેલી કમાણી લાખો રૂપિયા સુધી હોઈ શકે છે. અને બાલાભાઈ જેવા ખેડૂતો હજારોની સંખ્યામાં છે.
તેઓ કહે છે, “આજના બજારમાં ફક્ત જમીનની કિંમત જ 25 લાખ રૂપિયા હોત. હું રાજાની જેમ જીવ્યો હોત. અને મારી પોતાની એક મોટરસાઇકલ ખરીદી શક્યો હોત.”
જમીનનો કબજો માત્ર નાણાકીય સ્થિરતા જ સુનિશ્ચિત નથી કરતો પણ ગામમાં ગૌરવ અને સન્માન પણ અપાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામમાં 75 વર્ષીય ત્રિભુવન વાઘેલા કહે છે, “જ્યારે તમે તેમની ખેતીની જમીનમાં મજૂર તરીકે કામ કરો છો ત્યારે ઉચ્ચ જાતિના જમીનમાલિકો તમારી સાથે ખરાબ વર્તન કરે છે. તેઓ તમને અપમાનિત કરે છે કારણ કે તમે તેમની દયા પર છો. તમે રોજગાર માટે તેમના પર નિર્ભર છો તેથી તમે તે બાબતે કંઈ કરી શકતા નથી.”
વાઘેલા, જેઓ અનુસૂચિત જાતિના બન્કર સમુદાયના છે, તેમને 1984માં રામદેવપુરમાં 10 એકર જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ તેમને તેનો કબજો છેક 2010માં મળ્યો હતો. તેઓ કહે છે, “તેમાં આટલો લાંબો સમય થયો કારણ કે સમાજ જાતિના ભેદભાવથી આંધળો છે. હું નવસર્જન ટ્રસ્ટના સંપર્કમાં આવ્યો. તેમના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનો કર્યા અને વહીવટીતંત્ર પર [કાર્યવાહી કરવા] દબાણ કર્યું. અમે જે કર્યું તે હિંમતભર્યું કામ હતું. તે દિવસોમાં ઠાકુર [રાજપૂત] જાતિ સામે ઊભા રહેવું સહેલું ન હતું.”
ગુજરાતમાં પ્રખ્યાત દલિત અધિકાર કાર્યકર્તા અને નવસર્જન ટ્રસ્ટના સ્થાપક, માર્ટિન મેકવાન જમીન સુધારણાથી સૌરાષ્ટ્રમાં – જે પ્રદેશમાં સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે – ભાડૂત ખેડૂતોને કે જેઓ મુખ્યત્વે પટેલ (પાટીદાર) જાતિના હતા તેમને કેવી રીતે ફાયદો થયો છે તે દર્શાવતાં કહે છે, “સૌરાષ્ટ્ર [રાજ્ય] ના પ્રથમ મુખ્યમંત્રી, ઉચ્છંગરાય ઢેબર, ત્રણ કાયદાઓ લાવ્યા અને 1960માં ગુજરાત અલગ રાજ્ય બન્યું [અને ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર રાજ્યનું તેમાં વિલિનીકરણ થયું] તે પહેલાં 30 લાખ [3 મિલિયન] એકર જમીન પટેલોને ફાળવી દીધી હતી. સમુદાયે તેમની જમીનની રક્ષા કરી અને વર્ષો પછી ગુજરાતમાં સૌથી પ્રભાવશાળી બની ગયા.”
વાઘેલા તે જ સમયે ખેતમજૂર તરીકે કામ કરતા હતા તેમની જમીન માટે લડી રહ્યા હતા. તેઓ કહે છે, “તે સંઘર્ષ જરૂરી હતો. મેં તે એટલા માટે કર્યો કે જેથી મારા પુત્ર અને તેના બાળકોને મેં ભોગવ્યું તેવું ન ભોગવવું પડે. તે જમીનની બજાર કિંમત આજે 50 લાખ રૂપિયા છે. અને તેઓ ગામમાં માથું ઊંચું રાખીને ચાલી શકે છે.”
વાઘેલાનાં 31 વર્ષીય પુત્રવધૂ, નાનુબેન કહે છે કે પરિવારમાં હવે આત્મવિશ્વાસ વધ્યો છે. “અમે ખેતીની જમીન પર સખત મહેનત કરીએ છીએ અને દર વર્ષે લગભગ 1.5 લાખ રૂપિયા કમાણી કરીએ છીએ. હું જાણું છું કે તે વધારે નથી. પણ અમે અમારા પોતાના માલિક છીએ. અમારે કામ કે પૈસા માટે ભીખ માગવાની જરૂર નથી. મારા બાળકોને લગ્ન કરવામાં મુશ્કેલી નહીં પડે. કોઈ પણ વ્યક્તિ પોતાના બાળકોના લગ્ન એવા પરિવારમાં નથી કરવા ઇચ્છતો જ્યાં જમીન ન હોય.”
બાલાભાઈ એ સ્વતંત્રતાનો અનુભવ કરવા માંગે છે જે વાઘેલાનો પરિવાર 10 વર્ષથી અનુભવી રહ્યો છે. તેઓ ફાટી જાય તેવા કાગળોને સરસ રીતે વાળતાં કહે છે, “મેં મારું આખું જીવન જમીનનો કબજો મેળવવાની રાહ જોવામાં વિતાવ્યું છે. હું નથી ઇચ્છતો કે મારા પુત્રો 60 વર્ષની વયે પણ મજૂર તરીકે કામ કરે. હું ઇચ્છું છું કે તેઓ અમુક મોભા અને ગૌરવ સાથે જીવે.”
બાલાભાઈ હજુ પણ કલ્પના કરે છે કે તેઓ કોઈ દિવસ જમીનનો કબજો લઈ લેશે. તેઓ હજુ પણ તેના પર કપાસ, જુવાર અને બાજરીની ખેતી કરવા માંગે છે. તેઓ હજુ પણ તેમની જમીન પર નાનું ઘર બનાવવાની યોજના ધરાવે છે. તેઓ જાણવા માંગે છે કે જમીનના માલિક બનીને કેવું લાગે છે. તેમણે 25 વર્ષ સુધી કાગળોને કાળજીપૂર્વક જાળવી રાખ્યા છે, એવું વિચારીને કે તેઓ એક દિવસ કંઈક કામમાં આવશે. પરંતુ, વધુ મહત્ત્વની વાત એ છે કે તેમણે આશા જાળવી રાખી છે. તેઓ કહે છે, “તે મને જીવંત રાખતી એકમાત્ર વસ્તુ છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ