સુરતીઓ કોરોનાને માત આપવામાં દેશમાં સૌથી આગળ

  • દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો સૌથી શ્રેષ્ઠ ૭૦.૨ ટકા રિકવરી રેટ
  • સ્લમ વિસ્તારના લોકોમાં વારંવાર હાથ ધોવાની ટેવ વિકસે તે માટે અત્યાર સુધી ૧૧,૦૦૦ સાબુનુ વિતરણ કરવામાં આવ્યું છે
  • પાનના ગલ્લાઓ પર સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવશે તો તેમને ફરજિયાતપણે બંધ કરાવવામાં આવશે
  • સુરત શહેરના ૧૩૪૬ અને જિલ્લાના ૯૬ મળીને કુલ ૧૪૪૨ કેસો નોંધાયા છે.

સુરત,

સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ આજ તા.26 મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રિકવરી રેટ 70.2 ટકા થયો છે. ગઈ કાલે 31 વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે.

કુલ 945 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા 1311 હતી, જેમાં 35 કેસોનો વધારો થવાથી ગઈ કાલે કુલ 1346 કેસો થયા છે. કુલ ૬૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. 4.6 ટકા મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી ગઈ કાલે કુલ 13 કેસો મળી આવ્યા છે.

મ્યુ. કમિશનર વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ 6594 લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 561 લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં 50 લોકો છે. 1673 જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે.

સ્લમ વિસ્તારોમાં કુલ 39 ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો સ્વાસ્થ્યના નિદાન માટે જાય છે, તેથી તેની સંખ્યા વધારવામાં આવશે. 60 જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે.

સ્લમ વિસ્તારના કેસોને જોતાં લોકોમાં વારંવાર હાથ ધોવાની ટેવ વિકસે તે માટે અત્યાર સુધી 11,000 સાબુનુ વિતરણ કરવામાં આવ્યું છે. ૫૨૮ ગંભીર બિમારી જેમ કે હાર્ટ, ટીબી અને એચઆઈવી ધરાવતા દર્દીઓને એક મહિનાની દવા ઘરે જઈને પુરી પાડવામાં આવી છે અને તેમનું કાઉન્સિલીંગ કરવામાં આવી રહ્યું છે.

પાનની દુકાનો માટે આજથી એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગઈ કાલે 188 પાનના ગલ્લાઓને દંડ કરવામાં આવ્યો છે, અને જો પાનના ગલ્લાઓ પર આવનારા દિવસોમાં બેદરકારી દાખવી સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવશે તો તે દુકાનોને ફરજિયાતપણે બંધ કરાવવામાં આવશે.

55,29,000 કરતા વધુ રૂપિયાનો દંડ અત્યાર સુધી કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 6,52,000 કરતા વધુ લોકોને સુરતથી પ્રવાસીઓને પોતાના વતન મોકલવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, સુરત શહેરના 1346 અને જિલ્લાના 96 મળીને કુલ 1382 કેસો નોંધાયા છે.