પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ

ફ્રાન્સમાં કોવિડ-19 મહામારીના કારણે સંખ્યાબંધ લોકોના મૃત્યુ બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ મેક્રોન સમક્ષ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વર્તમાન સમયમાં ઉભી થયેલી કટોકટીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો પર ચર્ચા થઇ હતી અને વર્તમાન પરિસ્થિતિમાં વૈશ્વિક સહયોગ તેમજ એકતાના મહત્વ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેઓ સંમત થયા હતા કે, આ વાયરસના ફેલાવાને રોકવા અંગેના પગલાં લેવા માટે અને સારવાર તેમજ રસી વિકસાવવા માટે થયેલા રીસર્ચ અંગે બંને દેશોના નિષ્ણાતોની ટીમ સક્રીય રીતે માહિતીનું આદાન-પ્રદાન કરશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ પ્રબળપણે સંમત થયા હતા કે, કોવિડ-19 કટોકટી સામે પ્રધાનમંત્રીનો દૃષ્ટિકોણ આધુનિક ઇતિહાસમાં ખરેખર ટર્નિંગ પોઇન્ટ છે અને દુનિયાને નવી વૈશ્વિકરણની માનવ કેન્દ્રિત પરિકલ્પના બનાવવાની તક આપે છે.

બંને દેશના નેતાઓએ જળવાયુ પરિવર્તન જેવી અન્ય વૈશ્વિક ચિંતાઓ પરથી પણ ધ્યાન ખસે નહીં તેના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો કારણ કે તે પણ સમગ્ર માનવજાતને અસર કરે છે. તેમણે વર્તમાન કટોકટીના સમયમાં આફ્રિકા જેવા ઓછા વિકસિત દેશો પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

મહામહિમ રાષ્ટ્રપતિ મેક્રોને પ્રધાનમંત્રીના સૂચનને ઉષ્માભેર આવકાર્યું હતું. પ્રધાનમંત્રીએ સૂચન આપ્યું હતું કે, મહામારીના કારણે પોતાના ઘરમાં જ કેદ થઇ ગયેલા લોકોની માનસિક અને શારીરિક તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે યોગ ખૂબ જ અનુકૂળ માધ્યમ છે. તેમણે પુષ્ટિ કરી હતી કે, વર્તમાન સ્વાસ્થ્ય કટોકટીની સ્થિતિમાં ફ્રાન્સમાં નવા ચિકિત્સકોમાં યોગ ખૂબ પ્રચલિત છે.

બંને નેતાઓ સંમત થયા હતા કે, ભારત- ફ્રાન્સની ભાગીદારી વર્તમાન મુશ્કેલીના સમયમાં માનવ કેન્દ્રિત એકતાની લાગણી આગળ ધપાવવામાં યોગદાન આપશે.