ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)

Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

સમગ્ર વિશ્વમાં અત્યારે જેનો કહેર ચાલી રહ્યો છે એવા કોરોના વાયરસ વિષે હજુસુધી દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સંશોધનકારો પણ જ્યારે સંપૂર્ણપણે માહિતગાર નથી ત્યારે આપણા શહેર અને ગામમાં શેરીએ શેરીએ કેટલાય બુદ્ધિજીવીઓ પોતે કોરોનામાં પીએચ.ડી. થયા હોય એવી વાતો કરતાં નજરે પડી રહ્યા છે. જ્ઞાની માણસ અને અજ્ઞાની માણસ આ બંને સારા પરંતુ અધૂરા જ્ઞાની માણસ ક્યારેક આપણને મુશ્કેલીમાં મૂકી દે એવું પણ બને.

હમણાં જ ગયા અઠવાડિયે એક મહાનગરમાં એવું બન્યું કે, કૌશિક નામના એક 24 વર્ષીય યુવકના સ્વાદેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય એકાએક કામ કરતાં બંધ થઈ ગયા. તેને કોઈપણ પ્રકારનો સ્વાદ અને ગંધ આવવાના બંધ થઈ ગયા. થોડી થોડી અને ક્યારેક ક્યારેક ઉધરસ પણ આવતી હતી. શરીરમાં કોઈ પ્રકારની અશક્તિ, તાવ, શરદી, કળતર, માથાનો દુખાવો એવું કશું જ નહીં. 2-3 દિવસ તો ભાઈને કશી ખબર પડી નહીં પરંતુ એક દિવસ ક્યાક તેણે વાંચવામાં આવ્યું કે, સ્વાદ અને ગંધ આવવાના બંધ થાય તો એ કોરોના હોવાના લક્ષણો છે.

આ વાંચ્યા બાદ તે થોડો ગભરાયો અને સીધો જ ભાગ્યો પોતાના વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેંટરમાં ટેસ્ટિંગ માટે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત દરેક મહાનગરોમાં વર્ષ 2009 થી આ અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત છે. એકંદરે 68000 ની વસતિ દીઠ એક અર્બન હેલ્થ સેન્ટર ફાળવવામાં આવે છે. આ સિવાય તાલુકા લેવલે અને ગામડાઓમાં સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટરો કાર્યરત હોય છે. તેમજ જિલ્લા કક્ષાએ મોટા શહેરોમાં સરકારી દવાખાનાઓ ઉપલબ્ધ હોય છે કે જ્યાં તમે કોવિડ-19 નો ટેસ્ટ કરાવી શકો છો.

આ દિવસ શનિવારનો હતો. કૌશિક જ્યારે હેલ્થ સેન્ટરે પહોચ્યો ત્યારે તેને જાણવા મળ્યું કે, શનિવાર અને રવિવારે હેલ્થ સેન્ટરમાં રજા રાખવામા આવે છે. તેણે મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી હેલ્થ ઓફિસર સાહેબનો સરકારી મોબાઈલ નંબર મેળવીને તેમને ફોન કર્યો અને પોતાને કોરોનાની અસર હોવાનું જણાવ્યુ અને ટેસ્ટ કરી આપવા વિનંતી કરી. સામે છેડેથી સરકારી ભાષામાં જ પ્રત્યુત્તર મળ્યો કે, “…ભાઈ શનિ અને રવિ રજા હોય એટ્લે તમે સોમવારે આવજો. અથવા બહુ ઈમરજન્સી હોય તો સરકારી દવાખાને જતાં રહો…”

લેખક દ્વારા: જાહેર સેવકનું લોકો સાથે વર્તન કેવું હોવું જોઈએ ?

કૌશિકને ખૂબ નવાઈ લાગી કે અત્યારના આવા મહામારીના સમયમાં દવાખાના બંધ રાખવા એ વ્યાજબી વાત નથી. આથી તેણે તરત જ મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસરનો નંબર મેળવીને તેને ફોન કર્યો અને વિગતો જણાવી. મોટા સાહેબ તો નાના સાહેબ કરતાં પણ ઉગ્ર સ્વભાવના નિકળા અને કહ્યું કે, “…અમારે પણ રજા જોઈએ. 108 બોલાવીને તમે સિવિલ માં જતાં રહો…” કૌશિકે થોડી દલીલો કરી અને પોતે પોતાના 67 વરસના મમ્મી સાથે એક રૂમના મકાનમાં ભાડે રહેતો હોવાથી પોતે વધુ ચિંતિત હોવાની વાત કરી અને મદદ કરવાની આજીજી કરી પરંતુ સામે છેડેથી ફોન કટ કરી નાંખવામાં આવ્યો. ફરીથી કૌશિકે ફોન કર્યો પરંતુ મેડિકલ ઓફિસરે રિસીવ કર્યો નહીં.

આ બધી લપમાં શનિવાર પૂરો થઈ ગયો. રવિવારે કૌશિક 108 ને ફોન કરીને પોતાને સિવિલમાં લઈ જવા જણાવે છે પરંતુ 108 આવી કોઈ સગવડતા આપવાનો ઇનકાર કરે છે. આથી આ બિચારો ગરીબ છોકરો કે જેની પાસે સાઇકલ પણ નથી અને મોબાઈલ પણ ઓફિસનો વાપરે છે તે પોતાના શેઠ પાસેથી થોડા ઉછીના પૈસાની વ્યવસ્થા કરીને સ્પેશિયલ રિક્ષા કરીને શહેરની બહાર દૂર આવેલા સરકારી દવાખાનામાં પહોંચે છે. ત્યાં પોતાને કોરોનાના લક્ષણો જાણતા હોય ટેસ્ટ કરી આપવા વિનંતી કરે છે.

બે કલાકના વેઇટિંગ બાદ તેનો ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ કલાક પછી તેના ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યું છે, જલ્સા કરો એવું જણાવીને કૌશિકને રવાના કરવામાં આવે છે. કૌશિક મોજમાં આવી જાય છે અને ઘરે આવીને એના મમ્મીને અને ફોન પર તેના શેઠને પોતે નેગેટિવ હોવાના ખુશખબર આપે છે. તેના શેઠ ભણેલની સાથે ગણેલ પણ હોય છે એટ્લે તે કૌશિકને એવું જણાવે છે કે, “સ્વાદ ન આવવો અને ગંધ ન આવવી એ કોરોનાના જ પ્રાથમિક લક્ષણો છે. તું સોમવારે અર્બન હેલ્થ સેન્ટર પર જઈને ફરીથી ટેસ્ટ કરાવતો આવ.”

કૌશિકને પોતાની તબિયત સારી જણાતા અને કેટલાક ઉપર જણાવ્યા પ્રમાણેના કોરોનામા વિધાવાચસ્પતિની લાયકાત ધરાવનારા આડોશી પાડોશીઓનું માનીને પોતે સોમવારે ટેસ્ટ કરવવા જવાને બદલે પોતાની નોકરીએ ઓફિસે પહોંચી જાય છે. ત્યાં તે આખો દિવસ પોતાનું કામ કરે છે. કેટલાય લોકોના સંપર્કમાં આવે છે. અન્યો પણ આરામથી અને કોઈપણ જાતના ડર વગર કૌશિકને મળે છે કારણકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ વાતની જાણ સાંજે તેના શેઠને થાય છે અને તે ફોન પર તેને ખીજાય છે. અને બીજા દિવસે હેલ્થ સેન્ટર પર જઈને આર.ટી.-પી.સી.આર. નામનો ટેસ્ટ કરાવી આવવા આદેશ કરે છે.

લેખક દ્વારા: સમરથ કો નહીં દોષ ગુંસાઈ

કૌશિક મંગળવારે ટેસ્ટ કરાવવા જાય છે અને ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા બાદ દવા આપવાની માંગણી કરે છે પરંતુ હેલ્થ સેન્ટરમાથી ટેસ્ટનું પરિણામ ન આવે ત્યાં સુધી કોઈ દવાની કે સારવારની જરૂર નથી એવું જણાવી કૌશિકને રવાના કરે છે. શેઠ કૌશિકને પોતાની એક બીજી ઓફિસમાં કે જ્યાં કોઈ આવતું જતું નથી ત્યાં એકલો રહેવા અને કોરન્ટાઇન થવા જણાવે છે છ્ત્તા તે પોતાને કઈ નથી એવું માનીને પોતાના એક રૂમના મકાનમાં પોતાના મમ્મી સાથે જ રહે છે. બીજા દિવસે એટ્લે કે બુધવારે તેનો રિપોર્ટ પોઝીટીવ આવે છે અને તેના હાજા ગગડી જાય છે.

તરત જ ડોક્ટર અને મહાનગરપાલિકાની ટીમ તેના નિવાસસ્થાને પહોંચી જાય છે અને દવાની ટીકડી આપી અને તેના મકાનની આજુબાજુનો વિસ્તાર સેનિટાઈઝ કરીને બહાર હોમકોરન્ટાઈનનું સ્ટિકર ચિપકવીને નીકળી જાય છે. પોતાના મમ્મીની તેને ચિંતા સતાવે છે આથી તે તરત જ સરકારી આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ થાય છે. હાલ આગામી 8 મી સપ્ટેમ્બર સુધી તેને કોરાન્ટાઈન કરવામાં આવેલ છે.

વિચારો મિત્રો કે, કૌશિકની કેટલી બેફિકરાઈ! વિચારો મિત્રો કે, તંત્રની કેટલી લાપરવાહી ! વિચારો મિત્રો કે, કૌશિકનો પહેલો ટેસ્ટ નેગેટિવ આવ્યો કે જ્યારે તે હકીકતે પોઝીટીવ હતો. પછીની 24 કલાકમાં જ તેણે કેટલાયને અજાણતા સંકર્મિત કરી દીધા. રિક્ષાવાળો ભાઈ, સિવિલમાં આવેલા અન્ય લોકો, પોતાની ઓફિસનો સ્ટાફ, આડોશી-પાડોશીઓ, તેના મમ્મી વગેરે લોકો તેના સંપર્કમાં આ 24 કલાક દરમિયાન આવેલા.

(નોંધ:- લેખમાં ઉલ્લેખિત ઘટના જુનાગઢ મહાનગરની છે. મૂળ વ્યક્તિનું નામ બદલીને કૌશિક રાખ્યું છે.)

આગળ વાંચો ભાગ-2: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-2)