ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-2)

Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

પહેલા વાંચો ભાગ-1: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)

એક બાજુ જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા એવી ગુલબાંગો ફૂંકવામાં આવે છે કે અમે કોરોનાને માત આપી દઇશું. એક બાજુ તંત્ર આપની સલામતી માટે સતત ચિંતિત હોવાનો ડોળ કરી રહ્યું છે જેના ભાગરૂપે લગ્નમાં 50 થી વધુ માણસો બોલાવવાના નહીં, માસ્ક પહેરો નહીં તો 1000 રૂપિયાનો દંડ, ધાર્મિક સ્થળો બંધ, વર્ષોથી ચાલી આવતી જગન્નાથજીની યાત્રા બંધ, સિનેમાઘરો અને જિમ બંધ, મેળાઓ બંધ, રાત્રે બહાર નિકળવાનું નહીં, વગેરે… જેવા નિયમો આપણા પર થોપિને અંતે આત્મનિર્ભર થવાનું જણાવી દેવામાં આવ્યું.

જેમને આપણે કોરોના વોરિયર્સ તરીકે સંબોધીને સન્માન કર્યું તેઓ તો શનિ અને રવિમાં રજા રાખનારા નીકળ્યા. વોરિયર્સ કોને કહેવાય એ ખબર છે? ભારતની સરહદ પર આપણા રક્ષણ કાજે બેઠેલા વિર-જવાનને વોરિયર કહેવાય. હવે વિચારો કે યુદ્ધ ફાટી નિકળું છે અને આ સૈનિકો એમ કહેશે કે, શનિ અને રવિની રજાઓમાં અમે યુદ્ધ નહીં કરીએ. તો આપણે શું કરવાનું? એ પણ સરકારી નોકરિયાત જ છે પરંતુ એ લોકો આ નફ્ફટ મેડિકલ ઓફિસર અને હેલ્થ ઓફિસરની જેમ આપણને સોમવારે આવજો એવું નથી કહેતા. એ પોતાની ફરજ બખૂબી નિભાવી જાણે છે. અને એટ્લે આપણે તેને વોરિયર્સ કહીને એમનું સમ્માન કાયમી કરતાં આવ્યા છીએ.

વિચારો કે, સફાઈ કર્મચારીઓ રજા રાખવા માંડ્યા તો સફાઈ અભિયાનની પુંગી વાગી જશે. વિચારો કે, પોલીસ શનિ અને રવિની રજાઓ રાખવા માંડશે તો કાયદો અને વ્યવસ્થાની ધજજીયા ઊડી જશે. વિચારો કે, વીજ કંપનીઓ પણ રજાના દિવસોમાં રજા રાખવા માંડશે તો ચોતરફ અંધકાર છવાઈ જશે. વિચારો કે, તમારા વિસ્તારમાં પૂર આવ્યું છે અને ડિઝાસ્ટર તંત્ર એવું કહે કે શનિ-રવિ હોવાથી અમે રજા પર છીએ એટ્લે અમે સોમવારે બચાવવા આવીશું. તો કેવી કફોડી હાલત થાય આપણી ? શનિ-રવિ જેલમાં રહેલો ફરજ પરનો સ્ટાફ રજામાં ઘરે કે ફરવા જતો રહે તો ગુન્હેગારો જેલમાથી ભાગી છૂટે… વિચારો વિચારો…

ચલો, એટલું વિચારો કે, આ ઘટનામાં જે મેડિકલ ઓફિસર પોતાની ડિગ્રી મેળવતી વખતે લીધેલી શપથને વળગી નથી રહ્યા એ જ ડોક્ટર સાહેબનું પોતાનું ક્લિનિક હોત તો શું એ પેશન્ટને શનિ-રવિમાં રજા હોય છે એવું જણાવત? બિલકુલ નહીં. કારણકે શનિ અને રવિમાં કે મોડી રાત્રે જે દર્દી સારવાર માટે આવે છે એમની પાસેથી વધારાની ફી મેળવવામાં આવતી હોય છે. જ્યારે સરકારી નોકરીમાં રજાઓમાં ફરજ બજાવો કે નહીં પગાર તો સમયસર અને એકસરખો જ મળતો હોય છે. એટ્લે જ અંદરનો આત્મા મારીને આવા લોકો ફરજ બજાવવાને બદલે માત્ર નોકરી કરતા જોવા મળે છે. માફ કરશો પણ હું આવા લોકોને દેશદ્રોહી ગણું છું. વોરિયાર ગણવાની વાત તો બહુ દૂર રહી જાય છે.

પબ્લિકના ટેક્ષના ભરેલા પૈસા થકી જેમનો પગાર થાય છે એવા આપણા સેવકો તરીકે કામ કરનારા સરકારી ડોક્ટરો અને આરોગ્ય વિભાગનો સ્ટાફ જો આવા એપીડેમીક સંજોગોમાં પણ જાહેર રજાઓ હોવાથી પબ્લિકને રખડતી છોડી મૂકે, તો મારી દ્રષ્ટિએ આત્મનિર્ભરતાનો તેઓએ ખોટો અર્થ કાઢ્યો લાગે છે. અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરનારા સ્ટાફના તેના અધિકારીએ વારા કરવા જોઈએ. તેમની શિફ્ટ ગોઠવવી જોઈએ. 365 દિવસ અને 24 કલાક લોકોને ટેસ્ટિંગ, દવાઓ અને સારવારની સગવડતાઓ મળવી જોઈએ. ભારત દેશના નાગરિક તરીકે આ આપણો હક છે અને એક સરકારી નોકરિયાત અને ખાસ કરીને મેડિકલ વ્યવસાયમાં હોવાથી એ એમની ફરજ છે. પણ અફસોસ કે એ લોકો એમની ફરજ નથી સમજતા અને નથી આપણે આપણો હક માંગી શકતા.

લેખક દ્વારા: સમરથ કો નહીં દોષ ગુંસાઈ

તમામ અર્બન હેલ્થ સેન્ટરના ચેરમેન તરીકે મહાનગરપાલિકાના કમિશનરશ્રીની જવાબદારી રહેલી હોય છે. એકરીતે જોવા જોઈએ તો આવી બાબતોમાં જો તેઓ રસ લેતા ન હોય અને લોકોને પડતી મુશ્કેલીઓથી જો તેઓ વાકેફ ન હોય અથવા તો તેમણે રજૂઆત કરવામાં આવતી હોવા છ્ત્તા જો તેઓ માત્ર સારો જવાબ આપવાને જ વહીવટી કુશળતા સમજતા હોય તો મારી દ્રષ્ટિએ એ એમની બહુ મોટી નબળાઈ ગણાય.

એક ભૂલને કારણે કેટલાય લોકો સંક્રમિત થવાની શકયતાઓ રહેલી છે. નવાઈની વાત તો મને એ લાગી કે, મેડિકલ ઓફિસરે કૌશિકને એવું કહ્યું કે, “વધારે ઈમરજન્સી હોય તો સિવિલમાં જતાં રહો…” અરે ભાઈ, કોરોના એ કોઈની વ્યક્તિગત ઈમરજન્સી નથી. એ તો આખા વિશ્વ માટે ઈમરજન્સી છે. આટલી પણ જેનામાં કોમનસેન્સ નથી એવા માણસોના હાથમાં આરોગ્ય તંત્રએ આપણું ભવિષ્ય સોંપી દીધું છે, એ મારી દ્રષ્ટિએ કોરોના કરતાં પણ ચિંતાજનક બાબત છે.

આ ઘટનાની મને જાણ થતાં ટેકનિકલ માહિતી મેળવવા મે મારા કેટલાક ડોક્ટર મિત્રોને તેમજ લેબટેક્નિશિયન મિત્રોને ફોન કરીને જે જાણકારી મેળવી તે બાબતે ટૂંકમાં હું આપને જાગૃત કરવા માંગુ છું કે, જો આપને કે પરિવારના કોઈપણ સભ્યને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાય તો તરત જ નજીકના સરકારી દવાખાનામાં ટેસ્ટ કરાવવા પહોંચી જવાનું. પણ ખાસ યાદ રાખવું કે ત્યાં તમારો રેપિડ ટેસ્ટ કરવામાં આવશે કે જેનું પરિણામ તમને તરત જ જણાવી આપવામાં આવશે.

જો તમે આ ટેસ્ટમાં પોઝીટિવ આવ્યા તો તમે સ્વીકારી લો અને તાત્કાલિક સારવાર મેળવવા માંડો. ઘરમાં કે અન્ય જગ્યાએ આઇસોલેટ થઈ જાવ વગેરે… પરંતુ જો તમારો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે છે તો બિલકુલ એવું માનશો નહીં કે તમે સંક્રમિત નથી. રેપિડ ટેસ્ટની સંવેદનશીલતા 30-50% છે. આથી તમે તરત જ આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ કરવાનો આગ્રહ રાખો. આ ટેસ્ટનું પરિણામ આવતા 24 થી 48 કલાક લાગતાં હોય છે. આ ટેસ્ટની સંવેદનશીલતા રેપિડ ટેસ્ટ કરતાં સારી પરંતુ 60-80% રહેલી છે. જો આર્થિક દ્રષ્ટિએ વાંધો ન હોય તો સિટીસ્કેન કરાવવાનો વિકલ્પ પહેલા પસંદ કરવો કારણકે તેની વિશ્વસનીયતા સૌથી વધારે છે. ઘણા દેશોમાં માત્ર સીટીસ્કેન કરાવવા પર જ ભાર મૂકવામાં આવે છે.

ઉકત ઘટનાની કદાચ કોઈ પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં નોંધ લેવામાં નથી આવી. પરંતુ આ ઘટના મારી નજરમાં ખૂબ ગંભીર ગણાય. જો માસ્ક ન પહેરનારને 1000 રૂપિયાનો દંડ હોય, જો લોકડાઉનમાં બહાર નીકળવા પર આઈ.પી.સી. 188 મુજબ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ થતો હોય તો આ બાબતે જો સરકાર તરફથી રજા રાખવાની કોઈ સૂચના મળેલ ન હોય તો બંને આરોગ્યમંત્રીઓ અને કડક સાડી વાળા સચિવ મેડમશ્રીએ નક્કર પગલાં લેવા જ જોઈએ.

લોકોને વિશ્વાસ અપાવવો જોઈએ કે તેઓ ગાંધીનગરમાં બેઠા બેઠા માત્ર આંકડાઓની રમત નથી રમતા પણ ખરેખર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. આ બાબતે તેમણે જે-તે મેડિકલ ઓફિસર સહિત તમામ જવાબદાર અધિકારીઓના ખુલાસા પૂછવા જોઈએ અને કડક કાર્યવાહીઓ કરવી જોઈએ. શકય હોય તો દરેક જગ્યાએ રેપિડ ટેસ્ટ બંધ કરીને આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ જ કરવાની સૂચનાઓ તંત્રે આપવી જોઈએ.

(નોંધ:- લેખમાં ઉલ્લેખિત ઘટના જુનાગઢ મહાનગરની છે. મૂળ વ્યક્તિનું નામ બદલીને કૌશિક રાખ્યું છે.)

લેખક દ્વારા: જાહેર સેવકનું લોકો સાથે વર્તન કેવું હોવું જોઈએ ?