ગાંધીનગર, રાજ્યમાં ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાની ઉજવણીમાં પેરામિલેટ્રી ફોર્સ, પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
રાજ્યમાં રાજ્ય કક્ષા જિલ્લા તાલુકા કક્ષા અને ગ્રામ પંચાયતમાં ૧૫ મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી પગલાઓ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ડિજિટલ ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરવાનું પણ કહેવાયું છે.
રાજ્યકક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી કોરોના વોરિયર્સ, કોરોનાને માત આપી સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત આપવા માટે પણ કહેવાયું છે. સાથે જ જિલ્લા કક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી ઉજવણી દરમિયાન સ્ટેજ ઉપર માત્ર પાંચ વ્યક્તિ અને આમંત્રિતોમાં ૧૫૦ ની સંખ્યા રાખવા માટે પણ આદેશો કરાયા છે.
રાજ્યમાં ૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં કરશે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજરી આપશે. અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જામનગરમાં આર. સી. ફળદુ હાજરી આપશે.
૧૫મી ઓગસ્ટની ઉજવણી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં કરાશે. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાશે.