- અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના અધ્યક્ષ વિજય નહેરાનો શ્રેષ્ઠ નિર્ણય
અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2020
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) સિમેંટ કોંક્રીટના રસ્તા બનાવવા માટે ગુજરાતમાં હવે જાણીતું બની ગયું છે. સિંધુભવન રોડ સિમેંટથી બનેલો સફળ રોડ છે. આવા અનેક સિમેંટના રોડ બનાવેલા છે. એક વર્ષમાં 3 શહેરી વિકાસ યોજનાના 10 ચોરસ કિલો મીટર વિસ્તારના અંદાજે 50 કિલો મીટરના રસ્તા સિમેન્ટના જ બનાવવાનો શ્રેષ્ઠ નિર્ણય લીધો છે. સિમેન્ટથી બનેલો રસ્તો 50 વર્ષ સુધી ટકે છે અને તેની જાણવણી 50 વર્ષ સુધી કરવી પડતી નથી. સમગ્ર અમદાવાદના તમામ રોડ સિમેંટના બને તો ડામરના રોડનો ભ્રષ્ટાચાર અટકે. લોકોને ખરાબ રસ્તાના કારણે આરોગ્યના અને સમયના પ્રશ્નો ઊભા થાય છે તે અટકી શકે તેમ છે. ઔડાના અધ્યક્ષ વિજય નહેરાએ અમદાવાદ માટે શ્રેષ્ઠ અને લોકોના હિતમાં નિર્ણય કર્યો છે.
સાણાંદના રસ્તા સિમેંટના
ઔડા દ્વારા કાણેટી-ચેખલા, નિધરાડ, ગોધાવી વિસ્તારમાં બનાવેલ લોજિસ્ટીક ઝોન પૈકી ટી.પી.સ્કીમ નં 437, 438 અને 439 કે જે દિલ્હી-મુંબઇ ડેરીકેટેડ ફોર કોરીડોર સાથે જોડાયેલી છે, તેમાં સાણંદ વિસ્તારની જમીનની જળસંગ્રહ શિક્તિને ધ્યાને લેતા અને લોજિસ્ટીક ઝોનમાં ફરનાર ભારે વાહનોને ધ્યાને લેતો ટકાઉ રોડ રસ્તાઓ બને તે માટે ઉપરોક્ત ટી.પી.સ્કીમોમાં કોંક્રીટ રસ્તાઓ બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિસ્તારની ટી.પી.સ્કીમાં એક જ ટેન્ડર કરી એક જ એજન્સી પસંદ કરી ફૂટપાથ, રસ્તા અને સ્ટ્રોમ વોટરની કામગીરીના અમલીકરણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે, જે માટે કુલ 289.76 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
168 ગામડાઓનું 929 કરોડનું અંદાજપત્ર
ઔડા વિસ્તારના 168 ગામોના અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ની ઔડાનું 2020-2021નું રૂ.929 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવી ટીપી સ્કીમ જે ઔડા દ્વારા બનાવાઈ રહી છે તેમાં હવે આખી ટીપી સ્કીમના રસ્તા એક સાથે ખોલી એક જ ટેન્ડર દ્વારા રોડ, ડ્રેનેજ, લાઈટ અને પાણીની લાઈન નાખવામાં આવશે.
એકી સાથે 4 પુલ ખુલ્લા મૂકાશે
ઔડા વિસ્તારમાં આગામી બજેટમાં નર્મદા મેન કેનાલ ભાટ, ઘુમા રેલ્વે એલ.સી 16/1, તથા ભાટ એપોલો જંક્શન ખાતે રૂ. 105.00 કરોડના ખર્ચે બ્રિજ નિર્માણનું આયોજન કરી ચાલું વર્ષે રૂ. 5 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ દહેગામ જંક્શન, સનાથલ જંકશન, શાંતિપુરા જંકશન તથા ઝુંડાલ જંકશનના બ્રીજ માટે રૂ. 312.37 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજોનું લોકાર્પણ તા.31-03-2021 પહેલા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ આસપાસ 5 હજાર સસ્તા મકાનો બનશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કલોલ, અમીયાપુર અને દહેગામ ખાતે ચાલી રહેલા કુલ 630 આવાસોનું રૂ. 56.31 કરોડના ખર્ચે પૂર્ણ કરી જૂન-2020માં લોકાર્પણ કરવામાં આવશે. તેમજ ચાલું નાણાકીય વર્ષમાં પણ કુલ 6 સ્થળો જેમ કે, સાણંદ, ઝુંડાલ, કઠવાડા, મહેમદાવાદ અને બોપલ-2 કુલ 5080 આવાસોની કામગીરીનું નિર્માણ હાથ ધરવા માટે રૂ. 10.00 કરોડની જોગવાઇ સાથે ચાલું નાણાંકીય વર્ષમાં કુલ રૂ. 100 કરોડના ખર્ચની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.
ગટર પાણીની યોજના
ઔડા વિસ્તારના સાણંદ, મહેમદાવાદ, લપકામણ, ઘુમા, ખોરજ તથા સિંગરવા ખાતે ડિસેન્ટ્રલાઇઝેશન સીવરેજ સિસ્ટમના નિર્માણ માટે રૂ. 150 કરોડ જ્યારે બોપલ વિસ્તારમાં 73.53 કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેક્ટની કામગીરીના નિર્માણ માટે જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત ચાલું વર્ષે ઔડા વિસ્તારમાં રણાસણ, દહેગામ અને કુંજાડ ખાતે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરની નવી કામગીરી માટે રૂ. 5.00 કરોડની જોગવાઇ તથા નવા તેમજ જૂના કામો માટે કુલ રૂ. 41.46 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે મહેમદાવાદ ખાતે ઓડિટોરીયમના નિર્માણ માટે રૂ. 5.00 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
તળાવ અને ગાર્ડન
ઔડા વિસ્તારની પ્રારંભ અને અંતિમ મંજૂર થયેલી વિવિધ ટી.પી.માં બાગ બગીચાના નિર્માણ માટે 113 પ્લોટ ઉપલબ્ધ છે. તેમજ ઔડાના આર.એચ.વિસ્તારમાં 18 તથા ગ્રોથ સેન્ટર તથા ટી.પી.માં 28 મળી કુલ 46 તળાવોના તબક્કાવાર વિકાસ માટે પ્રારંભિક તબક્કે રૂ. 9.48 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ ઔડા દ્વારા 167 ગ્રામ પંચાયત તથા 6 નગરપાલિકામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના યોગ્ય વિભાજનથી ગ્રામપંચાયત તથા નગરપાલિકાને જૈવિક ખાતર બનાવવા ટેકનોલોજી પૂરી પાડવા અને આર્થિક સહાય પૂરી પાડવા માટે રૂ. 1 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રમત-ગમત મેદાનો
સિંગરવા ખાતે પાર્ટી પ્લોટ બનાવવા માટે રૂ. 25.00 લાખની જોગવાઇ, ઔડા વિસ્તારમાં બોપલ, મણીપુર તથા કલોલ ખાતે રમત-ગમત મેદાનો વિકસાવવા માટે રૂ. 10 કરોડની જોગવાઇ, વનીકરણ માટે રૂ. 2.00 કરોડની જોગવાઇ, સાણંદ, કલોલ, દહેગામ તથા મહેમદાવાદ ગ્રોથ સેન્ટોરમાં માળખારીય સુવિધા ઊભી કરવા માટે કુલ રૂ.20 કરોડની જોગવાઇ, ઔડા વિસ્તારના 168 ગામોના વિકાસ કામો માટે સહાય થવા રૂ.10.00 કરોડની જોગવાઇ, બોપલ તથા ઘુમા ખાતે નવા સ્મશાન ગૃહો બનાવવા માટે રૂ. 1. કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ઔડા વિસ્તારના વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં આંગણવાડી તથા સામાન્ય જનતાના ઉપયોગ માટે જાહેર શૌચાયલ બનાવવાની નવીન કામગીરી માટે રૂ.50.00 લાખની જોગવાઇ, સ્વચ્છતા અભિયાન ફંડ તરીકે રૂ. 50 લાખની જોગવાઇ તેમજ ઔડા વિસ્તારમાં બોપલ ખાતે નિર્માણધિન ફાયર સ્ટેશનના નિર્માણ માટે રૂ. 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમ ઉપરોક્ત વિગતો ઔડાના અધ્યક્ષ વિજય નહેરાએ આપી હતી.