મહાન ગુજરાતી અંગ્રેજે સ્થાપેલી ‘ફાર્બસ ગુજરાતી સભા’ને 155 વર્ષ થયા

The Farbes Gujarati Sabha, founded by the great Gujarati English, has been for 155 years

ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, અને સંસ્કૃિતના અભ્યાસ, સંશોધન, અને સંવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ‘ફાર્બસ ગુજરાતી સભા’ની સ્થાપના ૧૮૬૫માં થઈ હતી. આજના ગુજરાત રાજ્યમાં પણ આ ક્ષેત્રે કામ કરતી આટલી જૂની સંસ્થાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલી છે.

હેતુઓ :

• ગુજરાતને લગતા તેમ જ ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવા અને તેમાંના જે મુદ્રિત સ્વરૂપમાં સરંક્ષણ યોગ્ય હોય તેમના સંશોધન કરવા અને પ્રસિદ્ધ કરવા.

• અનુકૂળતા પ્રમાણે સંસ્કૃત, અંગ્રેજી, પ્રાકૃત, ફારસી તેમ જ બીજી ભાષાઓનાં શિષ્ટ અને ઉપયોગી ગ્રંથોનાં ભાષાંતર-સંપાદન કરાવવાં.

• ગુજરાતી ભાષામાં રચાયેલા સ્વતંત્ર ગ્રંથોને ઉત્તેજન આપવું.

• ગુજરાતી ઇતિહાસ, ભાષા અને સાહિત્યને લગતાં સંશોધનાત્મક પ્રકાશનો હાથ ધરવાં.

• અનુકૂળ સંજોગો ઊભા થતાં સંશોધન કેન્દ્ર શરૂ કરવું.

એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસ (Alexander Kinloch Forbes) – ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રથમ સ્કૉલર, ચાહક અને પ્રોત્સાહક. એલેક્ઝાન્ડર ફાર્બસ, (જન્મ – ૭ જુલાઈ ૧૮૨૧; મરણ – ૩૧ ઓગસ્ટ ૧૮૬૫) માત્ર ૪૪ વર્ષ જેટલું ટૂંકું પણ કરોડો ગુજરાતીઓને સદીઓ સુધી પ્રભાવિત કરનારૂં જીવન જીવી ગયા.

સ્કોટલેન્ડમાં જન્મેલાં ફાર્બસ (અંગ્રેજી નામ પ્રમાણે ફૉર્બ્સ પણ ગુજરાતી સાહિત્યવિદ્દોમાં ફાર્બસના નામે ઓળખાતા) કોલેજના અભ્યાસકાળ દરમ્યાન જ સર વિલ્યમ જોન્સનાં પુસ્તકોના અભ્યાસને કારણે ભારત પ્રત્યે આકર્ષાયા હતા. આથી તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સિવિલ સર્વિસમાં જોડાયા હતા અને ૧૮૪૩ના ડિસેમ્બરની ૩૦મી તારીખે તેમણે પહેલી વાર મુંબઈની ધરતી પર પગ મૂક્યો હતો. બ્રિટિશ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ કલેક્ટર, પોલિટિકલ એજન્ટ, આસિસ્ટન્ટ જજ વગેરે પોસ્ટ પર રહીને અહેમદનગર, ખાનદેશ, અમદાવાદ, સુરત, કાઠીયાવાડ, બોમ્બે જેવી જગ્યાઓએ કામ કર્યું. વર્ષ ૧૮૬૨ માં નવી સ્થપાયેલી બોમ્બે હાઇકોર્ટના પ્રથમ છ જજીસમાં ફાર્બસ પસંદગી પામ્યા. તેઓના ભારતીય સંસ્કૃતિ અને ભાષા પ્રત્યેના લગાવ અને સંત જેવા ચારિત્રને કારણે જ તેઓ “beloved of the Judges of his time” (“તેમના સમયના જજીસમાંના અતિ પ્રિય”) નું બિરૂદ પામ્યા હતા. આ ઉપરાંત ૧૮૫૭ માં સ્થાપાયેલ યુનિવર્સિટી ઓફ બોમ્બેના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓ નિમણુંક પામ્યા હતા. આજે પણ ફાર્બસની યાદમાં યુનિવર્સિટી ઓફ બોમ્બે દ્વારા કાયદાશાસ્ત્રની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને “કિન્લોક ફૉર્બસ ગોલ્ડન મેડલ” થી સમ્માનિત કરાય છે.

સિવિલ સેવામાં પ્રવૃત્ત ફાર્બસનો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ ૧૮૪૬ ના નવેમ્બર માસથી પાંગર્યો. આસિસ્ટન્ટ જજ તરીકે અમદાવાદમાં આવ્યા બાદ આ સાહિત્યિક જીવડાએ ગુજરાતમાં લિટરેચર સોસાયટીની ગેરહાજરીની ખાસ નોંધ લીધી. સને ૧૮૪૮ માં ગુજરાતી કવિ દલપતરામ સાથે મુલાકાત થઇ જેમની પાસેથી ફાર્બસે ગુજરાતી ભાષા અને સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. કવિ દલપતરામને તેમણે ગુજરાતી નાટક લખવા પ્રેર્યા જેના ફળસ્વરુપ લક્ષ્મી નાટક ૧૮૪૯ માં પ્રસિધ્ધ થયું.

કવિ દલપતરામ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ માટે ૨૬ ડિસેમ્બર ૧૮૪૮ નો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખાવો જોઈએ. આ દિવસે ફાર્બસે ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના અમદાવાદના જુના પ્રેમાભાઈ હૉલ ખાતે કરી કે જેણે ગુજરાતી ભાષાના સાહિત્યિક પુન:જીવનમાં (literary renaissance) મુખ્ય ફાળો આપ્યો. બરોડા સ્ટેટ અને બ્રિટિશ ઓફિસર્સ પાસેથી મેળવેલા રુપિયા ૯૬૦૧ થી શરૂઆત કરીને આ સોસાયટી દ્વારા તે સમયોમાં અમદાવાદમાં પ્રથમ પબ્લિક લાઈબ્રેરી, પ્રથમ છોકરીઓ માટેની સ્કૂલ, પ્રથમ ગુજરાતી પિરિયોડીકલ, પ્રથમ ગુજરાતી ન્યુઝપેપર (‘વર્તમાન’) અને પ્રથમ ગુજરાતી સાહિત્યિક મૅગેઝિન (‘બુદ્ધિપ્રકાશ’)ની શરૂઆત કરવામાં આવી. આ સોસાયટીની પ્રવૃતિઓ દ્વારા ગુજરાતી ભાષાના વિકાસને વેગ મળ્યો, એ સાથે ગુજરાતી ભાષા-સાહિત્યના વિદ્વાનો પ્રાપ્ત થયા, શિક્ષણને વેગ મળ્યો અને ત્યાર પછીની સામાજિક સુધારણાઓ માટે તે કારણભૂત બની. વર્ષ ૧૯૪૬ થી આ સોસાયટી ગુજરાત વિદ્યાસભાના નામથી કાર્યરત છે. આ ઉપરાંત ફાર્બસે ૧૮૫૦ માં સુરત ખાતે એન્ડ્રુસ લાઈબ્રેરી અને ૧૮૬૫ માં મુંબઈ ખાતે ગુજરાતી સભાની શરૂઆત કરી. તે સમયના ઇડર સ્ટેટ ખાતે ૧૮૫૨ માં ૩૦૦ જેટલા કવિઓ માટે તેઓએ સ્વખર્ચે મુશાયરાનું આયોજન કર્યું. ફાર્બસના ખાસ મિત્ર કવિ દલપતરામે આ મુશાયરાને તેમના પુસ્તક ‘ફાર્બસવિલાસ’ માં વિગતે વર્ણવ્યો છે.

રાસમાળા

ગુજરાતી સાહિત્ય માટેનું ફાર્બસનું અનન્ય તથા મહત્વનું પ્રદાન એટલે ‘રાસમાળા’ (Rās mālā)નું સંપાદન. ૮ મી સદી થી માંડીને બ્રિટિશર્સના આગમન સુધીનો ગુજરાતના રાજવંશો, ઐતિહાસિક પ્રસંગો અને ગુજરાતી લોક સાહિત્યોનો સંશોધાત્મક ઐતિહાસિક વર્ણનગ્રંથ બે વિભાગમાં ઘણી મહેનત સાથે ફાર્બસે તૈયાર કર્યો. અનેક હસ્તપ્રતો, પુસ્તકો, અને સરકારી દસ્તાવેજોનો અભ્યાસ કર્યો, સાથે સાથે ઘણી જગ્યાઓએ પગપાળા પ્રવાસ કરીને જૈન દેરાસરોમાં સંગ્રહિત દુર્લભ હસ્તપ્રતો અને ગુજરાતનો ઈતિહાસ ગીતો-કથાઓમાં વર્ણવતા કવિઓ (brands)ની વ્યક્તિગત મુલાકાતો કરી માહિતી અને પુરાવાઓ એકત્ર કર્યા.

સાચે જ ફાર્બસે ઘણો શ્રમ વેઠીને ગુજરાતી સાહિત્યને અને ગુજરાતીઓને અનન્ય અને કિંમતી ભેટ આપી છે જે માટે ગુજરાતીઓ ફાર્બસના પેઢીઓ સુધી ઋણી રહેશે.

બ્રિટિશ રાજ માટેની જે સામાન્ય છાપ છે તેનાથી વિભિન્ન અને વિશિષ્ટ પ્રભાવ પાડનાર ઘણાં બ્રિટિશરોમાંના એક એટલે એલેક્ઝાન્ડર ફાર્બસ. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને સ્કૉલરલી અભિગમ અને પ્રોત્સાહન ફાર્બસની પહેલ અને અથાગ પ્રયત્નોથી મળ્યો છે જેનો પ્રભાવ ત્યાર પછીના ગુજરાતી સાહિત્યકારો પર જોવા મળ્યો. ગુજરાત વિદ્યાસભા (અમદાવાદ) અને ફાર્બસ ગુજરાતી સભા (મુંબઇ) આજે પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આગવું પ્રદાન આપે છે.

૩૧ ઑગસ્ટ ૧૮૬૫ ના દિવસે પૂના ખાતે ૪૪ વર્ષની નાની ઉંમરે ટુંકી માંદગી બાદ સંકેલાયેલું ફાર્બસનું જીવન ઘણાઓને માટે આઘાતસમ હતું. તેમના નજીકના મિત્ર કવિ દલપતરામે તેમની યાદમાં ‘ફાર્બસવિરહ’ નામે શોકગીત (elegy) લખ્યું. ફાર્બસ ગુજરાતી સભાના તે સમયના અધિકારી મંડળીના સભ્ય શ્રી વિશ્વનાથ નારાયણ મંડલિકે ફાર્બસને અંજલી આપતા કહ્યું હતું કે, “ગુજરાતના કવિઓ, વિદ્વાનો, અભ્યાસીઓ વગેરે માટે તો ફાર્બસ વિક્રમાદિત્ય કે રાજા ભોજ જેવા હતા.”

ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિને પુન:જીવિત કરી નવી દિશા આપનાર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસને આ ગુજરાતીની સલામ.