[:gj]કબરની વચ્ચે દુનિયાની એકમાત્ર રેસ્ટોરન્ટ અમદાવાદમાં[:]

[:gj]અમદાવાદમાઃ લાલ દરવાજા પાસે 60 વર્ષ જૂની આ રેસટોરાંની જગ્યા ઉપર  કબ્રસ્તાન હતું. આ કબરો મૂળભૂતે તો 16 મી સદીમાં થઈ ગયેલા એક સૂફી સંતના અનુયાયીઓની છે.

1947 માં દેશ આઝાદ થયો અને ત્યાર બાદ સરકારે શહેરોના વિકાસ માટે ખાલી પડેલ જગ્યાઓ વેચવા માંડી હતી. એવી જ એક જગ્યા અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ લકી રેસ્તુંરાંવાળી હતી. આ જગ્યા પાસે કબ્રસ્તાન હતું. કેરળથી આવેલ બે મિત્રો કે.એચ. મોહમ્મદ અને ક્રિશ્નન કુટ્ટીએ આ કબ્રસ્તાનની ખાલી જગ્યા ખરીદી લીધી અને લકી ટી ના નામથી ચા વેચવાની શરૂઆત કરી. શરૂમાં લોકો કબર પાસે ઉભા રહીને ચા પીતા. અને પછી ચાની સાથે મસ્કા બન આપવાની શરૂઆત કરી.

સવારના નાસ્તામાં કે બપોરની ચા સાથે મસ્કા બન અમદાવાદ માટે જરૂરીયાત બની ગયું અને આમ લકીની ટી અમદાવાદમાં લોકપ્રિય થવા લાગી. કબરોવાળી જગ્યા કુટ્ટી અને મોહમ્મદને ફળી અને માફક આવી ગઈ તેથી ત્યાં આવેલી 26 કબરોને ખસેડવાને બદલે તેની આજુબાજુ જ પાકું બાંધકામ કરી લકી ટી વિકસાવ્યું. 26 માંથી 12 કબરો અને એક લીમડાનું વૃક્ષ રેસ્તુંરાંની અંદર છે જેના લીધે દેખાવ મોહક લાગે છે.

મસાલા ચાની સાથે મળતું મસ્કા બન જેની પર પાઈનેપલ જામ, ફ્રુટ જામ, બટર, વ્હાઈટ બટર વગેરે લગાવીને અનેક વેરાયટીથી લોકોને આકર્ષ્યા અને આખા અમદાવાદમાં લકીની ચા અને મસ્કાબન ફેમસ થઈ ગયા લકીની આજુબાજુ બેંકો, વિમા કંપનીઓ, સરકારી કચેરીઓ. કોલેજો અને બજારો આવેલા હતા. ગ્રાહકોની અપેક્ષા પણ વધવા લાગી અને ધીમે ધીમે માલિકોએ ફ્રેશ જ્યુસ, વિવિધ લસ્સી,આઈસકરીમ, ઠંડા પીણાઓ. સેન્ડવીચ, નાસ્તાઓ વગેરે વગેરે આપવાનું શરૂ કર્યું. પરિણામે લકી શહેરની મધ્યમાં આવેલ સૌને પ્રિય રેસ્તુંરા બની ગયું. ધીમેધીમે મસાલા, રવા ડોસા, ઉત્તપમ. ઈડલી અને પંજાબી ભોજન પણ મળતું થઈ ગયું.

લકીને આંતરરાષ્ટ્રીય પ્રસિધ્ધિ પણ મળી જ્યારે સિધ્ધહસ્ત ચિત્રકાર એમ.એફ. હુસૈન તેની મુલાકાતે આવવા લાગ્યા. હુસૈનને લકીની ચા અને મસ્કા બન બહુ પસંદ. એવી જ એક મુલાકાત દરમિયાન હુસૈને ચા અને મસ્કા બન ખાતા ખાતા એક ચિત્ર ત્યાં બનાવ્યું અને લકીના માલિકોને ભેટ આપ્યું જે આજે પણ લકીની દિવાલ ઉપર છે. આ ચિત્રમાં રણ, ખજુરીનું ઝાડ અને ઊંટને પ્રતિકાત્મકરીતે દર્શાવ્યા છે. હુસૈનના આ ચિત્રની આજે અઢી કરોડ રુપિયા ગણાય છે પણ ક્રિશ્નન કુટ્ટીને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે આ ચિત્રને વેચીએ. તેમનું માનવું છે કે આ ચિત્ર દોસ્તીનું પ્રતિક છે સાથોસાથ એક વ્યક્તિનો આ જગ્યા સાથેનો લગાવ પણ છે.

હુસૈને એકવાર કહ્યુંહતું કે લકીમાં વારંવાર આવવું એટલા માટે ગમે છે કે કબરની વચ્ચે તેમને જીવન અને મૃત્યુનો આભાસ થાય છે. અહીંયા કબરોની વચ્ચે બેસું છું ત્યારે મનમાં એક ખળભળાટ અને પછી નીરવ શાંતીનો અનુભવ થાય છે. આ જગ્યામાં એવી કોઈ આભા હશે કે અસંખ્ય અમદાવાદીઓ પોતાની ધારેલી ઈચ્છા પૂરી કરવા અહીંયા આવે છે અને કબરોના સાન્નિધ્યમાં ઈશ્વર કે ખુદાનું સ્મરણ કરી ચા પીયને કામમાં ફતેહ કરવા નીકળી પડે છે.

જગ્યાની પવિત્રતા જળવાઈ રહે તે માટે હોટેલનો સ્ટાફ વહેલી સવારે સાડાચાર વાગ્યામાં કબરોની સફાઈ કરી આખી જગ્યાને સ્વચ્છ કરે છે અને દરેક કબર ઉપર તાજા ફૂલો ચડાવે છે અને પછી જ કિચન ચાલું કરવામાં આવે છે. સવારના પાંચા વાગ્યાથી રાતના બાર સુધી આ રેસ્તુંરાં ચાલુ રહેતું હોય છે.

જગતનું આ એક જ એવું રેસ્તુંરાં છે જે કબરોની વચ્ચે આવેલું હોય. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ ફક્ત લકીની ચા અને મસ્કા બન ખાવા માટે ખાસ આવતા હોય છે. પરદેશી પ્રવાસીઓને પણ અહીં લોકો પાસેથી સાંભળેલી વાતોથી આશ્ચર્યચકિત થઈ જોવા આવતા હોય છે. તેમને ખરું આકર્ષણ કબરોની વચ્ચે નીરવ જગ્યામાં લોકો સતત આવતા-જતા હોય છે અને અને ચા ની સાથે મસ્કા બનનો સ્વાદ માણતા હોય છે તેનું હોય છે.

રાજેશ ઘોઘારી :

નીચે છબિઓમાં :

1. લકીનું પ્રવેશદ્વાર
2. એમ.એફ. હ્સૈન
3. લકીના ચા અને મસ્કા બન
4. 5. 6.7.8.. કબરોની વચ્ચે ચા ની ચુસ્કીઓ
9. હુસૈનનું ચિત્ર
10. લકીનો રાત્રીનો દેખાવ[:]