The mystery of the last days of Pakistan’s Jinnah पाकिस्तान के जिन्ना के आखिरी दिनों का रहस्य
18 જુલાઈ 2020
14 જુલાઈ, 1948નો એ દિવસ હતો. એ સમયના ગવર્નર જનરલ મહમદ અલી ઝીણાને, તેઓ બીમાર હોવા છતાં ક્વેટાથી ઝિયારત લઈ જવાયા હતા.
એ પછી તેઓ ત્યાં માત્ર 60 દિવસ જીવતા રહ્યા હતા અને 11 સપ્ટેમ્બર, 1948ના રોજ આ દુનિયામાંથી તેમણે વિદાય લીધી હતી.
પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણાના જીવનના એ 60 દિવસમાં શું-શું થયું હતું, એ મારા આ લેખનો વિષય છે.
કાયદે આઝમ મહમદ અલી ઝીણા ગંભીર રીતે બીમાર હોવા છતાં તેમને ક્વેટાથી ઝિયારત લઈ જવાની સલાહ કોણે આપી હતી, એ રહસ્ય આજે પણ ઉકેલાયું નથી.
ઝિયારત તેનાં દેવદારનાં વૃક્ષો માટે વિશ્વમાં વિખ્યાત છે અને ક્વેટાથી 133 કિલોમીટર દૂર, સમુદ્રની સપાટીથી 2,449 મીટરની ઊંચાઈએ આવેલું છે.
આ સ્થળે ખરવારી બાબા નામના એક સંત રહેતા હતા. એ કારણસર આ સ્થળને ઝિયારત કહેવામાં આવે છે. ઝીણાનો કાયદે આઝમ રૅસિડેન્સી નામનો બંગલો ઝિયારતથી 10 કિલોમીટર દૂર આવેલો છે.
ઝીણાનાં બહેન ફાતિમાએ તેમના પુસ્તક ‘માય બ્રધર’માં લખ્યું છે કે ક્વેટાથી ઝિયારત જવાનો નિર્ણય ખુદ ઝીણાનો હતો, કારણ કે સરકારી તથા બિનસરકારી વ્યસ્તતાને કારણે તેમને ક્વેટામાં આરામ કરવાની કોઈ તક મળતી નહોતી.
વિવિધ એજન્સીઓ અને અનેક નેતાઓ તરફથી, સભામાં ઉપસ્થિત રહેવાના તથા લોકોને સંબોધિત કરવાનાં આમંત્રણ તેમને સતત મળતાં હતાં.
તેમ છતાં ઝીણાને ઝિયારત વિશે કોણે જણાવ્યું અને ત્યાં જવાની સલાહ કોણે આપી હતી એ અસ્પષ્ટ છે.
ઇમેજ કૅપ્શન,પોતાની બહેન ફાતિમા સાથે ઝીણા
13થી 21 જુલાઈ : ડૉક્ટરોની સલાહથી બચીને ઝિયારત પહોંચ્યા બાદ પણ ઝીણાએ કોઈ સર્ટિફાઈડ ડૉક્ટર પાસેથી ઇલાજ કરાવવા પર ધ્યાન આપ્યું ન હતું.
એ દિવસોમાં તેમને જાણવા મળ્યું હતું કે વિખ્યાત ડૉ. રિયાઝ અલી શાહ એક દર્દીને તપાસવા માટે ઝિયારત આવ્યા છે. ફાતિમા ઝીણાએ ભાઈને કહ્યું હતું કે ડૉ. રિયાઝ અલી શાહ ઝિયારત આવ્યા છે એ તકનો લાભ લેવો જોઈએ, પણ ઝીણાએ આ સૂચનને ફગાવતાં જણાવ્યું હતું કે તેમને કોઈ વધુ ગંભીર બીમારી નથી અને તેમના પેટમાં ભોજનનું પાચન સારી રીતે થશે તો તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે.
ફાતિમા ઝીણાના જણાવ્યા અનુસાર, “શું કરવું, શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ઊંઘવું અને કેટલો સમય ઊંઘવું વગેરે જેવી ડૉક્ટરોની સલાહનું તેઓ સંપૂર્ણપણે પાલન કરતા ન હતા. ઇલાજથી બચવાની તેમની આ જૂની આદત વારંવાર બહાર આવતી હતી.”
જોકે, તેઓ તેઓ ટૂંક સમયમાં જ એ જૂની આદત છોડવા મજબૂર થઈ ગયા હતા. ઝિયારત પહોંચ્યાના એક જ સપ્તાહમાં તેમની તબિયત એટલી બગડી ગઈ હતી કે તેમનું સ્વાસ્થ્ય તેમના જીવનમાં પહેલી વાર ખુદ તેમના માટે ચિંતાનું કારણ બની ગયું હતું.
એ સમય સુધી તેઓ એવું માનતા હતા કે તેઓ તેમનું સ્વાસ્થ્ય ઇચ્છાનુસાર જાળવી શકે છે, પણ 21 જુલાઈ, 1948ના રોજ ઝિયારત પહોંચ્યાને એક સપ્તાહ જ પસાર થયું હતું ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે સ્વાસ્થ્ય બાબતે વધારે જોખમ લેવું જોઈએ નહીં અને સારી તબીબી સલાહને હવે ખરેખર જરૂર છે.
ફાતિમા ઝીણાના જણાવ્યા અનુસાર, તેમને તેમના ભાઈના આ ઈરાદાની જાણ થઈ કે તરત જ તેમણે તેમના અંગત સચિવ ફારુખ અમીન મારફત કૅબિનેટના સેક્રેટરી જનરલ ચૌધરી મહમદ અલીને સંદેશો મોકલાવ્યો હતો કે તેઓ લાહોરના વિખ્યાત ફિઝિશિયન ડૉ. કર્નલ ઈલાહી બક્ષને વિમાન મારફત ઝિયારત મોકલવાની વ્યવસ્થા કરે.
ડૉ. ઈલાહી બક્ષ 23 જુલાઈ, 1948ના રોજ ક્વેટા અને ત્યાંથી કાર મારફત ઝિયારત પહોંચ્યા હતા. દિવસ આખો પ્રવાસ કરવા છતાં તેઓ છેક સાંજે ઝિયારત પહોંચ્યા હતા અને ઝીણા સાથે તેમની મુલાકાત બીજા દિવસે સવારે થઈ શકી હતી.
તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે :
“મેં તેમની સાથે તેમની બીમારી બાબતે વાત કરી ત્યારે પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ એકદમ સ્વસ્થ છે અને તેમનું પેટ ઠીક થઈ જશે તો તેઓ જલદી સાજા થઈ જશે.”
ઝીણાને તપાસ્યા બાદ ડૉ. ઈલાહી બક્ષે એવું તારણ કાઢ્યું હતું કે તેમનું પેટ તો બરાબર છે, પણ તેમની છાતી અને ફેફસાંની હાલત સંતોષકારક નથી.
ડૉ. ઈલાહી બક્ષની સલાહ મુજબ ક્વેટાના સિવિલ સર્જન ડૉ. સિદ્દીકી અને ક્લિનિકલ પેથોલૉજિસ્ટ ડૉ. મહમૂદ જરૂરી સાધનો તથા સામાન લઈને બીજા દિવસે ઝિયારત પહોંચી ગયા હતા.
એ પછી તેમણે ઝીણાના વિવિધ ટેસ્ટ કર્યા અને તેના રિપોર્ટે ડૉ. ઈલાહી બક્ષની શંકાને સાચી સાબિત કરી કે ઝીણા ક્ષય રોગ (ટીબી)થી પીડાઈ રહ્યા છે.
ડૉ. ઈલાહી બક્ષે ઝીણાની બીમારી બાબતે સૌથી પહેલાં ફાતિમા ઝીણાને જણાવ્યું હતું અને એ પછી તેમના કહેવાથી તેમણે દર્દી એટલે કે મહમદ અલી ઝીણાને પણ તેની જાણ કરી હતી.
ડૉ. ઈલાહી બક્ષે લખ્યું છે :
“કાયદે આઝમે જે રીતે મારી વાત સાંભળી, તેનાથી હું બહુ પ્રભાવિત થયો હતો.”
ચૌધરી મહમદ હુસૈન ચટ્ઠાએ તેમના એક ઇન્ટરવ્યૂમાં ઝમીર અહમદ મુનીરને જણાવ્યું હતું કે ડૉ. ઈલાહી બક્ષે ઝીણાને તેમની બીમારી બાબતે જણાવ્યું ત્યારે ઝીણાએ તેમને કહ્યું હતું કે “ડૉક્ટર, આ વાત તો હું 12 વર્ષથી જાણું છું, પણ હિંદુઓ મારા મોતની રાહ જોતા ન થઈ જાય એટલે મેં આ બીમારીની વાત જાહેર કરી ન હતી.”
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વિશેના વિખ્યાત પુસ્તક ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’ના લેખકો લૅરી કૉલિસ અને ડૉમિનિક લૅપિયરે બરાબર લખ્યું છે કે ”આ અસામાન્ય રહસ્ય મુંબઈના વિખ્યાત ડૉક્ટર જે. એલ. પટેલની ઑફિસની તિજોરીમાં કાળજીપૂર્વક રાખવામાં આવ્યું હતું. એપ્રિલ-1947માં માઉન્ટબેટન, જવાહરલાલ નહેરુ કે મહાત્મા ગાંધીને એ રહસ્યની જાણ થઈ ગઈ હોત તો હિન્દુસ્તાનનું વિભાજન કદાચ ક્યારેય થયું જ ન હોત અને આજે એશિયાના ઇતિહાસનો પ્રવાહ કોઈ અલગ દિશામા વહી રહ્યો હોત.”
”એ રહસ્યથી બ્રિટિશ સિક્રેટ સર્વિસ પણ અજાણ હતી. એ રાઝ ઝીણાનાં ફેફસાંનો એક્સ-રે ફિલ્મના સ્વરૂપમાં હતો. તેમાં ફેફસાં પર ટેબલ ટેનિસના બૉલની સાઇઝના બે મોટાં ધાબાં સ્પષ્ટ દેખાતાં હતાં. બન્ને ધાબાંની ચોતરફ ફેલાયેલી સફેદી સ્પષ્ટ દર્શાવતી હતી કે ટીબીની બીમારી ઝીણાનાં ફેફસાંમાં આક્રમક રીતે ફેલાઈ ચૂકી છે.”
ડૉ. પટેલે ઝીણાની સૂચનાને કારણે તે એક્સ-રે બાબતે કોઈને કશું ક્યારેય જણાવ્યું ન હતું. જોકે, તેમણે ઝીણાને ઇલાજની તથા સ્વસ્થ રહેવાની સલાહ જરૂર આપી હતી. તેમનું કહેવું હતું કે આ બીમારીનો ઇલાજ માત્ર અને માત્ર આરામ જ છે, પણ પાકિસ્તાનના સંસ્થાપક પાસે આરામ કરવાનો સમય ક્યાં હતો?
ઝીણા પાસે સમય બહુ ઓછો હતો અને કામ બહુ વધારે હતું. તેઓ નિયમિત રીતે ઇલાજ કરાવી શકયા ન હતા.
તેમણે તેમની બીમારી બાબતે તેમની સૌથી પ્યારી બહેનને પણ જણાવ્યું ન હતું. ડૉ. ઈલાહી બક્ષ પોતે એ તારણ પર પહોંચી ચૂક્યા હતા ત્યારે જ તેમણે તેમને પણ બીમારી બાબતે જણાવ્યું હતું.
માઉન્ટબેટન લાંબા સમય પછી લૅરી કૉલિન્સ અને ડૉમિનિક લૅપિયરને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તમામ તાકાત ઝીણાના હાથમાં હતી. તેમણે કહ્યું હતું, “તેઓ ટૂંક સમયમાં આ દુનિયામાંથી ચાલ્યા જવાના છે એવું મને કોઈએ જણાવ્યું હોત તો મેં હિન્દુસ્તાનના ભાગલા થવા દીધા ન હોત. હિન્દુસ્તાન અખંડ રહી શકયું હોત. અડચણરૂપ માત્ર મિસ્ટર હતા. બીજા નેતાઓ આટલા જિદ્દી ન હતા. મને ખાતરી છે કે કૉંગ્રેસે એ લોકો સાથે કોઈક સમાધાન કર્યું હોત અને પાકિસ્તાન ક્યારેય અસ્તિત્વમાં આવ્યું જ ન હોત.”
ડૉ. ઈલાહી બક્ષે લખ્યું છે, “બીમારીનું નિદાન થઈ ગયું એટલે મેં એક તરફ ઇલાજ અને ભોજનમાં કેટલાક ફેરફાર કર્યા હતા. બીજી તરફ લાહોરથી ડૉ. રિયાઝ અલી શાહ, ડૉ. એસ.એસ. આલમ અને ડૉ. ગુલામ મહમદને ટેલિગ્રામ કર્યો હતો કે તેઓ જરૂરી સામાન તથા પૉર્ટેબલ એક્સ-રે મશીન લઈને તરત જ ઝિયારત પહોંચી જાય.”
30 જુલાઈ, 1948ના રોજ બધા ડૉક્ટરો ઝિયારત પહોંચી ગયા હતા. ઝીણાની સારવાર માટે ક્વેટાથી એક અનુભવી નર્સ ફિલ્સ ડિલહમને એક દિવસ અગાઉ જ ઝિયારત બોલાવી લેવાયાં હતાં.
ઝીણાનો ઔપચારિક ઇલાજ શરૂ કરવાની શક્યતા સર્જાઈ હતી ત્યાં એક દિવસ એવી ઘટના બની કે જેનું રહસ્ય આજ સુધી બહાર આવ્યું નથી. જે લોકો એ ઘટના બાબતે જાણે છે તેઓ પણ કહે છે કે હવે એ રહસ્યને રહસ્ય જ રહેવા દેવું જોઈએ.
એ ઘટના બાબતે સૌથી પહેલાં ફાતિમા ઝીણાએ તેમનાં પુસ્તક “માય બ્રધર”માં લખ્યું હતું. તેમણે એ પુસ્તક જી. અલાનાની મદદ વડે લખ્યું હતું.
તેમનાં મૃત્યુ પછી તેનો મુસદ્દો જે દસ્તાવેજોમાંથી મળ્યો હતો તેને હવે ઈસ્લામાબાદસ્થિત નેશનલ આર્કાઇવ્ઝમાં રાખવામાં આવ્યા છે.
એ મુસદ્દાને 1987માં કાયદે આઝમ અકાદમી, કરાચીએ પુસ્તકના સ્વરૂપમાં પ્રકાશિત કર્યો હતો, પણ એ ફાતિમા ઝીણાએ 30 જુલાઈ, 1948ના રોજ બનેલી ઘટના બાબતે જે લખ્યું હતું એ ફકરાને તે પુસ્તકમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો.
ફાતિમા ઝીણાએ તેમના પુસ્તકમાં લખ્યું હતું, “વડા પ્રધાન લિયાકત અલી ખાન અને ચૌધરી મહમદ અલી અગાઉથી જાણ કર્યા વિના જુલાઈના અંતમાં એક દિવસ અચાનક ઝિયારત પહોંચી ગયા હતા. વડા પ્રધાને ડૉ. ઈલાહી બક્ષને પૂછ્યું હતું કે ઝીણાની બીમારી બાબતે શું જાણવા મળ્યું છે. ડૉકટરે જણાવ્યું હતું કે તેમને ફાતિમાજીએ બોલાવ્યા છે અને તેઓ તેમના દર્દી બાબતે માત્ર ફાતિમાજીને જ માહિતી આપી શકે. વડા પ્રધાને જિદ્દ કરી હતી કે વડા પ્રધાન હોવાને નાતે હું ગવર્નર જનરલના સ્વાસ્થ્ય બાબતે હું ચિંતિત છું, પરંતુ એ સમયે પણ ડૉ. ઈલાહી બક્ષે એવું જ કહ્યું હતું કે મારા દર્દીની પરવાનગી વિના હું કોઈને કશું જણાવી શકું નહીં.”
ફાતિમા ઝીણાએ આગળ લખ્યું છે, “વડા પ્રધાન અને કૅબિનેટના સેક્રેટરી જનરલ ઝીણાને મળવા ઇચ્છે છે એવું મને જણાવવામાં આવ્યું એ સમયે હું ભાઈ પાસે બેઠી હતી. મેં આ વાત ભાઈને જણાવી ત્યારે તેમણે સ્મિત કરતાં કહ્યું હતું કે ફાતી, તેઓ અહીં શા માટે આવ્યા છે એ તો તું જાણે જ છે. તેઓ એ જોવા ઇચ્છે છે કે મારી બીમારી કેટલી ગંભીર છે અને હું હવે કેટલા દિવસ જીવતો રહેવાનો છું.”
થોડી મિનિટો બાદ તેમણે તેમની બહેનને કહ્યું હતું, “નીચે જાઓ.વડા પ્રધાનને કહો કે હું તેમને પણ મળીશ.”
ફાતિમાએ ભાઈને વિનંતી કહી હતી કે “અત્યારે બહુ મોડું થઈ ગયું છે. તમે તેમને સવારે મળી લેજો…પણ ઝીણાએ કહ્યું હતું કે નહીં, તેમને હમણાં જ આવવા દો. તેઓ પોતે તેમની નજરથી ભલે જોઈ લે.”
ફાતિમા ઝીણાએ પુસ્તકમાં એમ પણ લખ્યું છે, “બન્નેની મુલાકાત અડધા કલાક સુધી ચાલતી રહી હતી. લિયાકત અલી ખાન નીચે આવ્યા કે તરત જ હું ભાઈ પાસે ઉપર ગઈ હતી. તેઓ બહુ થાકી ગયા હતા અને તેમનો ચહેરો પડી ગયો હતો. તેમણે મારી પાસે ફ્રૂટ જ્યૂસ માગ્યો હતો અને પછી ચૌધરી મહમદ અલીને અંદર બોલાવ્યા હતા. તેઓ 15 મિનિટ તેમની સાથે રહ્યા હતા. ભાઈ ફરી એકલા પડ્યા ત્યારે હું તેમની પાસે ગઈ હતી અને પૂછ્યું હતું કે જ્યૂસ કે કૉફી પીવાનું ગમશે? તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. તેઓ ઊંડા વિચારમાં હતા. ત્યાં સુધીમાં રાતના ભોજનનો સમય થઈ ગયો હતો. ભાઈએ મને કહ્યું હતું કે તમે નીચે જઈને તેમની સાથે ભોજન કરો તો સારું.”
“મેં ભારપૂર્વક કહ્યું હતું કે હું તમારી પાસે જ બેસીને અહીં જ જમીશ. ભાઈએ કહ્યું હતું કે આ યોગ્ય નથી. તેઓ આપણે ત્યાં મહેમાન છે. જાઓ અને તેમની સાથે ભોજન કરો.”
ફાતિમા ઝીણાએ આગળ લખ્યું છે, “ભોજન કરતી વખતે વડા પ્રધાન ખુશખુશાલ મૂડમાં હતા. તેઓ જોક્સ સંભળાવી રહ્યા હતા અને મજાકમસ્તી કરતા હતા, જ્યારે હું ઉપરના માળે બીમારીના ખાટલે પડેલા ભાઈના સ્વાસ્થ્ય બાબતે ચિંતિત હતી. ભોજન દરમિયાન ચૌધરી મહમદ અલી ચૂપચાપ, કોઈ વિચારમાં ડૂબેલા હતા. ભોજન પતાવીને હું ઉપર ગઈ. હું ઓરડામાં દાખલ થઈ ત્યારે ભાઈએ મને જોઈને સ્મિત કર્યું હતું અને કહ્યું હતું કે ફાતી, તારે હિંમતથી કામ લેવું જોઈએ.”
“મારી આંખમાં ધસી આવેલાં આંસુને છુપાવવાના ઘણા પ્રયાસ મેં કર્યા હતા.”
પાકિસ્તાન ટાઇમ્સમાં 17 ઓક્ટોબર, 1979ના રોજ શરીફુદ્દીન પીરઝાદાનો એક લેખ પ્રકાશિત થયો હતો. તેનું શીર્ષક હતુ – લાસ્ટ ડેઝ ઑફ ધ કાયદે આઝમ.
તેમણે એ લેખમાં વિખ્યાત કાયદાવિદ્ એમ.એ. રહેમાનના એક પત્રનો હવાલો આપ્યો હતો. પત્રમાં રહેમાને જણાવ્યું હતું કે ડૉ. ઈલાહી બક્ષના દીકરા હુમાયુ ખાને પણ તેમને આ ઘટના બાબતે જણાવ્યું હતું.
એ લેખમાં જણાવ્યા અનુસાર, “કાયદે આઝમ પર દવાની અસર સારી રીતે થઈ રહી હતી અને તેમની તબિયત સુધરી રહી હતી. એક દિવસ લિયાકત અલી ખાન કાદયે આઝમને મળવા માટે ઝિયારત આવ્યા હતા. તેઓ તેમની સાથે લગભગ એક કલાક રહ્યા હતા. એ દરમિયાન દવા આપવાનો સમય થઈ ગયો હતો, પણ મારા પિતા અંદર જઈને કાયદે આઝમને દવા આપી શકે તેમ ન હતા, કારણ કે અંદર અત્યંત ગુપ્ત મિટિંગ ચાલી રહી હતી. મિટિંગ પૂરી થાય અને કાયદે આઝમને દવા ખવડાવી શકાય એટલે તેઓ બહાર રાહ જોતા રહ્યા હતા.”
“લિયાકત અલી ઓરડાની બહાર નીકળ્યા કે તરત જ મારા પિતા કાયદે આઝમને દવા ખવડાવવા ઓરડાની અંદર પ્રવેશ્યા હતા. કાયદે આઝમ બહુ ચિંતિત હતા અને તેમના ચહેરા પર હતાશા છવાયેલી હતી. તેમણે દવા ખાવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે હું હવે જીવતો રહેવા ઇચ્છતો નથી. એ પછી મારા પિતાના પારાવાર પ્રયાસો અને સમજાવટ છતાં કાયદે આઝમે ડૉકટરની વાત માનવાનો ઇન્કાર કર્યો હતો.”
હુમાયુ ખાને આગળ જણાવ્યું હતું કે “કાયદે આઝમના મોત પછી તરત જ લિયાકત અલી ખાને મારા પિતાને બોલાવ્યા હતા. લિયાકત અલી ખાને તેમને પૂછ્યું હતું કે એ દિવસે હું ઝિયારતમાં ઓરડામાંથી બહાર આવ્યો અને તમે અંદર ગયા ત્યારે કાયદે આઝમે તમારી સાથે શું વાત કરી હતી”
“મારા પિતાએ લિયાકત અલી ખાનને એવું ભારપૂર્વક જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે તમારી બન્ને વચ્ચે થયેલી કોઈ વાત કાયદે આઝમે મને કરી નથી. એ પછી તેમણે દવા ખાવાનું જરૂર બંધ કરી દીધું હતું. મારા પિતાના જવાબથી લિયાકત અલી ખાનને સંતોષ થયો ન હતો.”
“લિયાકત અલી ખાન લાંબા સમય સુધી મારા પિતા પર દબાણ લાવવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. તેમની મુલાકાત પૂરી થઈ પછી મારા પિતા ઓરડામાંથી બહાર નીકળતા હતા ત્યારે લિયાકત અલી ખાને તેમને પાછા બોલાવ્યા હતા અને ચેતવણી આપી હતી કે તેમને એ મુલાકાત બાબતે કોઈ અન્ય મારફત કશું સાંભળવા મળશે તો તેનું ગંભીર પરિણામ મારા પિતાએ ભોગવવું પડશે.”
આ ડૉ. ઈલાહી બક્ષના દીકરા હુમાયુ ખાનનું નિવેદન છે, જે એમ. એ. રહેમાન અને શરીફુદ્દીન પીરઝાદા મારફત અમારા સુધી પહોંચ્યું હતું.
આ નિવેદનની સચ્ચાઈ બાબતે ચર્ચા થઈ શકે છે, કારણ કે ખુદ ડૉ. કર્નલ ઈલાહી બક્ષે પોતાના પુસ્તક “કાયદે આઝમ કે આખરી દિન”માં એ ઘટના બાબતે અલગ વાત લખી છે.
એ ઘટના સંબંધે ડૉ. ઈલાહીનું નિવેદન અલગ છે.
ડૉ. કર્નલ ઈલાહી બક્ષે લખ્યું છે કે “નીચે ઊતર્યો ત્યારે ડ્રોઈંગ રૂમમાં વડા પ્રધાન સાથે મુલાકાત થઈ હતી. તેઓ એ દિવસે મિસ્ટર મહમદ અલી સાથે કાયદે આઝમની ખબર કાઢવા આવ્યા હતા. તેમણે બહુ ઉત્સુકતા સાથે કાયદે આઝમના સ્વાસ્થ્ય બાબતે પૂછ્યું હતું અને દર્દીને તેના ડૉક્ટર પર વિશ્વાસ હોવાની વાતે સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેની તેમના સ્વાસ્થ્ય પર સારી અસર થશે.”
“તેમણે બહુ ભારપૂર્વક કહ્યું હતું કે કાયદે આઝમની લાંબી બીમારીના મૂળને જરૂર શોધવું જોઈએ. મેં તેમને ખાતરી આપી હતી કે કાયદે આઝમની તબિયત ગંભીર છે, પણ કરાચીથી મગાવવામાં આવેલી નવી દવા તેઓ ખાશે તો તેઓ સાજા થઈ જાય એ શક્ય છે.”
“આશાસ્પદ બાબત એ છે કે દર્દીની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત છે. વડા પ્રધાન તેમના નેતા અને જૂના દોસ્તની બીમારીથી બહુ દુઃખી હતા અને તેથી હું ઘણો પ્રભાવિત થયો છું.”
સવાલ એ છે કે આ બન્ને નિવેદનમાંથી સાચું નિવેદન કોનું છે? સચ્ચાઈ તો એ સમયે હાજર હતા એ પાંચ-છ લોકોને જ ખબર છે. સંયોગવશ એમાંથી કોઈ પણ આજે જીવંત નથી.
એ ઘટના પર પણ 72 વર્ષના મહિનાઓની ધૂળ જામી ગઈ છે અને એ ઘટનાની સચ્ચાઈ દેશને જણાવી શકે એવો કોઈ સ્રોત બચ્યો નથી.
ઇમેજ કૅપ્શન,15 ઑગસ્ટ, 1947ના રોજ પાકિસ્તાનના ગઠન ઝીણાનું વિધાનસભામાં પહેલું ભાષણ
બે-ત્રણ દિવસમાં ઝીણાની હાલત એટલી સુધરી ગઈ હતી કે 3 ઑગસ્ટે ડૉ. કર્નલ ઈલાહી બક્ષે તેમની પાસેથી લાહોર જવાની પરવાનગી પણ લઈ લીધી હતી.
તેનું દેખીતું કારણ એ હતું કે થોડા દિવસ પછી ઈદ આવવાની હતી અને ડૉ. ઈલાહી બક્ષ ઈદનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવવા ઇચ્છતા હતા.
તેઓ લાહોર પહોંચ્યાને એક જ દિવસ થયો હતો ત્યાં તેમને ડૉ. આલમ સાથે અલ્ટ્રાવાયોલેટ ઍપરેટ્સ મશીન લઈને તત્કાળ ઝિયારત પહોંચવા જણાવવામાં આવ્યું હતું. 6 ઑગસ્ટે તેઓ મશીન લઈને ઝિયારત પહોંચી ગયા હતા. ડૉ. રિયાઝ હુસૈન શાહે તેમને જણાવ્યું હતું કે તેમની ગેરહાજરીમાં ઝીણા બહુ નબળા પડી ગયા હતા અને તેમનું
બ્લડપ્રેશર ઘટી ગયું હતું, પણ ઇન્જેક્શન આપવાથી તેમની હાલતમાં સુધારો થયો હતો.
બીજા દિવસે 7 ઑગસ્ટ, 1948ના રોજ ઈદ-ઉલ-ફિત્ર હતી. એ સાંજે ઝીણાનો ઇલાજ શરૂ કરવામા આવ્યો હતો, પણ એ તેમને માફક આવ્યો ન હતો. તેમના પગમાં સોજા ચડી ગયા હતા.
9 ઑગસ્ટે ડૉક્ટરોએ સલાહ આપી હતી કે ઝિયારત સમુદ્રની સપાટીથી ઘણે ઊંચે આવેલું હોવાથી દર્દી માટે અનુકૂળ નથી. તેથી તેમને ક્વેટા લઈ જવા જોઈએ.
ઝીણા 15 ઑગસ્ટ પહેલાં જવા તૈયાર જ ન હતા, કારણ કે સ્વાતંત્ર્ય દિવસ 15ને બદલે 14 ઑગસ્ટે ઊજવવાનો નિર્ણય એ વર્ષે જૂન મહિનામાં જ થઈ ગયો હતો. ડૉક્ટરોના કહેવાથી ઝીણા 13 ઑગસ્ટે ક્વેટા જવા રાજી થયા હતા.
ઝીણા ઝિયારતમાં રહેતા હતા એ સમયની વાત છે. ડૉ. કર્નલ ઈલાહી બક્ષે ફાતિમા ઝીણાને પૂછ્યું હતું કે “તમારા ભાઈ તેમની પસંદગીના ભોજન બાબતે જણાવે એ માટે તેમને કઈ રીતે રાજી કરી શકાય?”
ફાતિમા ઝીણાએ જણાવ્યું હતું કે “મુંબઈમાં તેમને ત્યાં એક રસોઈયો હતો. તે એવું ભોજન રાંધતો હતો કે ભાઈ બહુ રસપૂર્વક જમતા હતા, પણ પાકિસ્તાનની રચના પછી એ રસોઈયો ક્યાંક ચાલ્યો ગયો છે.”
તેમને યાદ હતું કે એ રસોઈયો લાયલપુર (હાલનું ફૈસલાબાદ)નો વતની હતો અને ત્યાંથી તેની ખબર મળે એ શક્ય છે.
આ સાંભળીને ડૉક્ટર સાહેબે પંજાબ સરકારને વિનંતી કરી હતી કે એ રસોઈયાને શોધીને તત્કાળ ઝિયારત મોકલવામાં આવે. એ રસોઈયો કોઈ રીતે મળી આવ્યો હતો અને તેને તત્કાળ ઝિયારત મોકલવામાં આવ્યો હતો. જોકે, ઝીણાને તેના આગમન બાબતે કશું જણાવવામાં આવ્યું ન હતું.
ડાઇનિંગ ટેબલ પર પોતાની પસંદગીનું ભોજન જોઈને ઝીણાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને ખુશ થઈને સારી રીતે જમ્યા હતા. આજે ભોજન કોણે રાંધ્યું છે એવું ઝીણાએ પૂછ્યું ત્યારે તેમનાં બહેને જણાવ્યું હતું કે પંજાબ સરકારે આપણા મુંબઈવાળા રસોઈયાને શોધીને અહીં મોકલ્યો છે અને તેણે તમારી પસંદગીનું ભોજન રાંધ્યું છે.
ઝીણાએ બહેનને પૂછ્યું હતું કે તે રસોઈયાને શોધવાનો અને અહીં મોકલવાનો ખર્ચ કોણે કર્યો? એ કામ પંજાબ સરકારે કર્યું છે એવું જણાવવામાં આવ્યું ત્યારે ઝીણાએ રસોઈયા સંબંધી ફાઇલ મંગાવી હતી અને તેના પર લખ્યું હતું કે
“ગવર્નર જનરલની પસંદગીનો રસોઈયો અને ભોજન ઉપલબ્ધ કરાવવાનું કામ એકેય સરકારી વિભાગનું નથી. ખર્ચનું વિવરણ તૈયાર કરો, જેથી હું તેની ચુકવણી કરી શકું.” પછી એવું જ થયું હતું.
ઝિયારતમાં એક મહિનો રહ્યા બાદ ઝીણા 13 ઑગસ્ટ, 1948ની સાંજે ક્વેટા પાછા પહોંચ્યા ત્યારે તેમણે પોતાના ડૉક્ટરોને કહ્યું હતું કે “તમે મને અહીં લાવ્યા એ સારું થયું. ઝિયારતમાં હું પિંજરામાં કેદ હોઉં એવું લાગતું હતું.”
ક્વેટા પહોંચ્યા બાદ 16 ઑગસ્ટે ડૉક્ટરોએ તેમના એક્સ-રે તથા બીજા ટેસ્ટ કર્યા હતા. એક્સ-રેના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે ઝીણાની તબિયત સુધરી રહી છે. તેથી ડૉક્ટરોએ ઝીણાને વ્યસ્ત રાખવા માટે તેમને અખબારો વાંચવાની છૂટ આપી હતી. તેમને કેટલીક સત્તાવાર ફાઇલો બાબતે નિર્ણય લેતા પણ અટકાવવામાં આવ્યા ન હતા.
ક્વેટા પહોંચ્યા પછી થોડા દિવસમાં ઝીણાની તબિયત એટલી સારી થઈ ગઈ હતી કે તેઓ થાક અનુભવ્યા વિના રોજ એક કલાક કામ કરવા લાગ્યા હતા. તેમનું પેટ પણ સારી રીતે કામ કરતું હતું. ડૉક્ટરોની સલાહને અવગણીને એક દિવસ તેમણે હલવા-પૂરી તૈયાર કરાવીને તેનો આસ્વાદ માણ્યો હતો.
થોડા દિવસ પછી ડૉક્ટરોની સલાહ મુજબ સિગારેટ પીવાનું પણ શરૂ કરી દીધું હતું. ડૉક્ટરો એવું માનતા હતા કે કોઈ વ્યક્તિને સિગારેટનું બંધાણ હોય અને એ બીમારી દરમિયાન સિગારેટ માગે તો એ બાબત તેનું સ્વાસ્થ્ય સુધરતું હોવાની નિશાની હોય છે.
એ પછી ડૉક્ટરોએ ઝીણાના સ્વાસ્થ્યની તપાસ કરીને તેમની વિનંતી કરી હતી કે તેમણે હવે ક્વેટાથી કરાચી ચાલ્યા જવું જોઈએ, પણ ઝીણા સ્ટ્રેચર પર લાચાર હાલતમાં ગવર્નર જનરલ હાઉસ જવા ઇચ્છતા ન હતા.
તેમને વારંવાર કહેવામાં આવ્યું ત્યારે તેઓ એક શરતે કરાચી જવા તૈયાર થયા હતા. શરત એ હતી કે તેઓ ગવર્નર જનરલ હાઉસમાં નહીં, પણ મલેરમાંના નવાબ ઑફ બહાવલપુરના ઘરમાં રહેશે. બહાવલપુરના નવાબ એ દિવસોમાં બ્રિટનમાં રહેતા હતા.
ઝીણાને જણાવવામાં આવ્યું હતું કે એ મકાનમાં રહેવા માટે તેમણે એક પત્ર લખવો પડશે, પણ તેમનાં મૂલ્યોએ તેમને એ પત્ર લખતા રોક્યા હતા. દેશના ગવર્નર જનરલ હોવા છતાં પોતાના દેશમાંના એક રાજ્યના નવાબ પાસેથી કોઈ સુવિધા મેળવવા માટે ઔપચારિક પરવાનગી મેળવવાનું તેમને મંજૂર ન હતું.
29 ઑગસ્ટ, 1948ના રોજ ડૉ. ઈલાહી બક્ષે ફરી એક વખત ઝીણાને તપાસ્યા હતા.
તેમણે લખ્યું છે કે “કાયદે આઝમને તપાસ્યા પછી મેં એવી આશા વ્યક્ત કરી છે કે જે રીતે તમે દેશને અસ્તિત્વમાં લાવ્યા છો એ રીતે તેને મજબૂત તથા સ્થિર કરવા માટે લાંબો સમય જીવતા રહો. મારા આ વિચારથી તેઓ દુઃખી થઈ જશે, એ મેં વિચાર્યું ન હતું. તેમના એ શબ્દો અને હતાશાભરી શૈલીને હું ક્યારેય ભૂલી નહીં શકું.”
ઝીણાએ ડૉ. ઈલાહી બક્ષને કહ્યું હતું કે “તમને યાદ છે, તમે જ્યારે પહેલી વાર ઝિયારત આવ્યા હતા ત્યારે હું જીવતો રહેવા ઇચ્છતો હતો, પણ હવે મારું મોત જીવવા સમાન છે.”
ડૉ. ઈલાહી બક્ષે લખ્યું છે કે “આ શબ્દ બોલતાં તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. લાગણીથી બહુ દૂર રહેતા અને લોખંડ જેવા કઠોર ગણવામાં આવતા પુરુષને રડતો જોઈને હું દિગ્મૂઢ થઈ ગયો હતો.”
ઝીણા એ સમયે અગાઉની સરખામણીએ વધારે સ્વસ્થ હતા. તેથી ઝીણાની વિનમ્રતાથી તેમને વધારે આશ્ચર્ય થયું હતું. તેમણે કારણ પૂછ્યું તો ઝીણાએ કહ્યું હતું કે “હું મારું કામ પૂર્ણ કરી ચૂક્યો છું.”
ડૉ. ઈલાહ બક્ષે લખ્યું છે કે “તેમના જવાબથી મારી મૂંઝવણ વધી ગઈ હતી. મેં વિચાર્યું કે તેઓ અસલી વાત છુપાવી રાખવા ઇચ્છતા હશે અને તેમણે જે કારણ કહ્યું એ તો માત્ર ટાળવા માટે હશે. હું વિચારતો રહ્યો કે આજથી પાંચ સપ્તાહ પહેલાં તેમનું કામ પૂર્ણ થયું ન હતું અને હવે અચાનક પૂર્ણ થઈ ગયું છે. મને એ સમજાઈ ગયું હતું કે કોઈ એવી વાત જરૂર છે, જેણે તેમની જીવતા રહેવાની ઇચ્છાને મારી નાખી છે.”
આ ઘટના બાબતે ફાતિમા ઝીણાએ પણ તેમના પુસ્તકમાં લખ્યું છે, પણ તેમણે અલગ શબ્દોમાં લખ્યું છે.
તેમણે લખ્યું છે કે “ઑગસ્ટના અંતિમ દિવસોમાં ઝીણા પર અચાનક હતાશા છવાઈ ગઈ હતી. એક દિવસ મારી આંખોમાં ધારીને જોતાં કહ્યું હતું કે ફાતી, હવે મને જીવતા રહેવામાં કોઈ રસ નથી. જેટલો જલદી ચાલ્યો જાઉં એટલું સારું.”
“એ અપશુકનિયાળ શબ્દો હતા. વીજળીના જીવંત તારને સ્પર્શી ગઈ હોઉં એમ હું થથરી ગઈ હતી. મેં ધીરજ અને હિંમત રાખીને કહ્યું હતું કે તમે ઝડપથી સાજા થઈ જશો. ડૉક્ટરોને ઘણી આશા છે.”
“મારી વાત સાંભળીને તેમણે સ્મિત કર્યું. એ સ્મિતમાં હતાશા છુપાયેલી હતી. તેમણે કહ્યું હતું કે નહીં હવે હું જીવતો રહેવા ઇચ્છતો નથી.”
ઝીણાએ પહેલી સપ્ટેમ્બર, 1948ના રોજ ઝિયારતથી પાકિસ્તાની નૌકાદળના તત્કાલીન વડા જનરલ ડગલસ ગ્રૅસીને એક પત્ર લખ્યો હતો, જે કમનસીબે તેમણે લખેલો છેલ્લો પત્ર હતો.
પત્રમાં તેમણે લખ્યું હતું કે “મેં તમારા પત્રની એક નકલ કાયદે આઝમ રિલીફ ફંડના ઉપાધ્યક્ષને મોકલી આપી છે અને એ ફંડમાંથી ત્રણ લાખની મદદની મંજૂરી મેં આપી દીધી છે. એ થલ પ્રોજેક્ટના સૈનિકોના વિકાસ માટે છે.”
એ દિવસે ડૉ. ઈલાહી બક્ષે નિરાશાભર્યા અવાજમાં ફાતિમા ઝીણાને જણાવ્યું હતું કે તેમના ભાઈને બ્રેઇન હેમરેજ થઈ ગયું છે અને તેમને તત્કાળ કરાચી લઈ જવા પડશે, કારણ કે ક્વેટાની ઊંચાઈ તેમના માટે અનુકૂળ નથી. એ પછીના દિવસોમાં ઝીણાનું સ્વાસ્થ્ય કથળતું રહ્યું હતું. તેમને ન્યુમોનિયા પણ થયો હોવાની ખબર ડૉક્ટરોને પાંચ સપ્ટેમ્બરે પડી હતી.
ડૉ. ઈલાહી બક્ષે અમેરિકાસ્થિત પાકિસ્તાનના રાજદૂત મિર્ઝા અબુલ હસન અસફહાનીને લખ્યું હતું કે ઝીણા માટે કેટલાક ડૉક્ટરોને મોકલી આપો. એ ડૉક્ટરોનાં નામ ડૉ. ફૈયાઝ અલી શાહે સૂચવ્યાં હતાં.
એ દરમિયાન ડૉ. ઈલાહી બક્ષે કરાચીથી ડૉ. મિસ્ત્રીને પણ ક્વેટા બોલાવી લીધા હતા. તેમ છતાં ઝીણાની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો.
આ એ દિવસોની વાત છે, જ્યારે ઝીણાના સેક્રેટરી ફારુખ અમીન કોઈની મુલાકાત ઝીણા સાથે કરાવવા ઇચ્છતા હતા અને તેમણે વારંવાર કહેવા છતાં ડૉ. ઈલાહી બક્ષે તેની મંજૂરી આપી ન હતી.
ડૉ. ઈલાહી બક્ષે લખ્યું છે કે “તેમને મળવા ઇચ્છતી વ્યક્તિનું નામ જણાવવામાં આવ્યું ન હતું. જોકે, એ સમયના હૈદરાબાદના વડા પ્રધાન મીર લાયક અલીએ પોતાના પુસ્તક ટ્રેજેડી ઑફ હૈદરાબાદમાં એક પ્રકરણ લખ્યું હતું. એ પ્રકરણનું શિર્ષક હતુઃ ઝીણા ઑન ડેથ બેડ. એ પ્રકરણમાં તેમણે લખ્યું છે કે તેઓ ઝીણાને મળવા ઇચ્છતા હતા. અલબત્ત, વારંવાર કહેવા છતાં તેઓ મળી શક્યા ન હતા.”
ડૉ. ઈલાહી બક્ષે 10 સપ્ટેમ્બર, 1948ના રોજ ફાતિમા ઝીણાને જણાવ્યું હતું કે હવે ઝીણાના જીવતા રહેવાની કોઈ શક્યતા નથી અને હવે તેઓ જૂજ દિવસોના મહેમાન છે.
11 સપ્ટેમ્બર, 1948ના રોજ ઝીણાને સ્ટ્રેચર પર સૂવડાવીને તેમના ખાસ વિમાન વાઇકિંગ્ઝ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તેમને વિમાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે સ્ટાફે તેમને સલામી આપી હતી. એવી હાલત હોવા છતાં ઝીણાએ સલામીનો તત્કાળ પ્રતિસાદ આપ્યો એ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તેમના હાથની હિલચાલથી સમજી શકાતું હતું કે મોતની પથારી પર પડ્યા હોવા છતાં વર્તનનો અહેસાસ હતો.
ક્વેટાથી કરાચી સુધીની યાત્રા બે કલાકમાં પૂર્ણ થઈ હતી. એ દરમિયાન ઝીણા બહુ બેચેન જણાયા હતા. તેમને વારંવાર ઓક્સિજન આપવો પડતો હતો. એ ફરજ ક્યારેય ફાતિમા ઝીણા તો ક્યારેક ડૉ. ઈલાહી બક્ષ બજાવતાં રહ્યાં હતા. ડૉ. મિસ્ત્રી, નર્સ ડેલહમ, નૌકાદળના એ.ડી.સી. લેફ્ટનન્ટ મઝહર અહમદ અને ઝીણાના પ્રાઇવેટ સેક્રેટરી ફારુખ અમીન પણ વિમાનમાં સવાર હતાં.
વિમાને બપોરે સવા ચાર વાગ્યે મારી પુરના ઍરપૉર્ટ પર ઉતરાણ કર્યું હતું. ઝીણાના આદેશ અનુસાર તેમને લઈ આવેલા લોકોમાં સરકારનો કોઈ મોટો હોદ્દેદાર સામેલ ન હતો. તેમના આગમન બાબતે જિલ્લા વહીવટીતંત્રને કોઈ સૂચના પણ આપવામાં આવી ન હતી.
ઍરપૉર્ટ પર તેમનું સ્વાગત ગવર્નર જનરલના મિલિટરી સેક્રેટરી લેફ્ટનન્ટ કર્નલ જૅફ્રીએ કર્યું હતું. તેમના સિવાય બીજું કોઈ ત્યાં ન હતું.
ગવર્નર જનરલના સ્ટાફે તેમને સ્ટ્રેચર પર સૂવડાવીને લશ્કરી ઍમ્બ્યુલન્સમાં પહોંચાડ્યા હતા. ફાતિમા ઝીણા અને ફિલ્સ ડેલહમ તેમની સાથે બેઠાં, જ્યારે ડૉ. ઈલાહી બક્ષ, ડો. મિસ્ત્રી અને કર્નલ જૅફ્રી ઝીણાની કૅડિલૅક કારમાં સવાર થયા હતા.
ઝીણાની ઍમ્બ્યુલન્સે ચાર માઈલનું અંતર કાપ્યું હશે ત્યાં તેનું એન્જિન પેટ્રોલ ખતમ થઈ જવાને કારણે એક ઝટકા સાથે બંધ થઈ ગયું હતું. તેથી ઍમ્બ્યુલન્સની પાછળ આવતી કૅડિલૅક કાર, સામાનનો ટ્રક અને બીજાં વાહનો પણ થંભી ગયાં હતાં.
કાયદે આઝમની હાલત એવી ન હતી કે રસ્તામાં કારણ વિના ક્ષણભરનો વિલંબ કરવામાં આવે. ડ્રાઇવર 20 મિનિટ સુધી એન્જિનનું સમારકામ કરતો રહ્યો હતો. અંતે ફાતિમા ઝીણાના કહેવાથી મિલિટરી સેક્રેટરી પોતાની કારમાં વધુ એક ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા રવાના થયાં હતાં. ડૉ. મિસ્ત્રી પણ તેમની સાથે હતા.
ઍમ્બ્યુલન્સમાં બહુ ઉકળાટ હતો. શ્વાસ લેવાનું મુશ્કેલ બનતું જતું હતું. આ અકળામણથી વધારે ખરાબ વાત ઝીણાના ચહેરા પર ઊડી રહેલી સેંકડો માખીઓ હતી અને ઝીણામાં તેમને દૂર ધકેલવાની શક્તિ પણ ન હતી.
ફાતિમા ઝીણા અને સિસ્ટર ડેલહમ પૂંઠાના એક ટુકડાનો પંખો બનાવીને તેમને હવા નાખતા હતા. પ્રત્યેક પળ અત્યંત મુશ્કેલીમાં પસાર થતી હતી.
કર્નલ નવેલ અને ડૉ. મિસ્ત્રી રવાના થયા તેને લાંબો સમય થઈ ગયો હતો, પણ લશ્કરી ઍમ્બ્યુલન્સનું એન્જિન ચાલુ થયું ન હતું કે બીજી કોઈ વ્યવસ્થા પણ થઈ ન હતી.
ડૉ. ઈલાહી બક્ષ અને ડૉ. રિયાઝ વારંવાર કાયદે આઝમના ધબકારા ચેક કરતા હતા અને તે અગાઉની સરખામણીએ ધીમા પડતા જતા હતા. ઝીણાને ઍમ્બ્યુલન્સમાંથી કારમાં શિફ્ટ કરવાનું પણ શક્ય ન હતું, કારણ કે કારમાં સ્ટ્રેચર રાખી શકાય તેમ ન હતું. ઝીણામાં એટલી હામ ન હતી કે તેઓ કારમાં બેસી કે સૂઈ શકે.
આ ઘટનામાં આશ્ચર્યજનક વાત એ છે કે રાજધાનીમાંથી કોઈએ એ જાણવાનો પ્રયાસ સુધ્ધાં કર્યો ન હતો કે સવા ચારે ઍરપૉર્ટ પર ઉતરાણ કરવા છતાં કાયદે આઝમ અત્યાર સુધી ગવર્નર જનરલ હાઉસ કેમ નથી પહોંચ્યા? તેમનો કાફલો ક્યાં છે? તેમની તબિયત કેવી છે?
કેટલાક લોકો કહે છે કે ઝીણા કરાચી આવી રહ્યા છે એ વાત ગુપ્ત રાખવામાં આવી હતી, પણ સરકારના ઉચ્ચ પદાધિકારીઓ ખરેખર ઝીણાના આગમન બાબતે બેખબર હતા?
કોઈને એ ખબર ન હતી કે ગવર્નર જનરલનું સ્પેશિયલ વિમાન એ સવારે જ ક્વેટા મોકલવામાં આવ્યું છે અને સાંજે કોઈ પણ સમયે તેઓ રાજધાનીમાં આવી શકે છે?
જાણકારો જણાવે છે કે કૅબિનેટના સેક્રેટરી જનરલ ચૌધરી મહમદ અલી ગવર્નર જનરલના ખરાબ સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને 4 સપ્ટેમ્બર, 1948ના રોજ કરાચી પરત પહોંચ્યા એ સાંજે જ કૅબિનેટની તાકીદની બેઠક યોજવામાં આવી હતી. એ બેઠકમાં ઝીણાની તબિયત બાબતે ચર્ચા ન થઈ હોય એ અશક્ય છે.
એ પછી મીર લાયક અલી ગવર્નર જનરલને મળ્યા વિના કરાચી પાછા ફર્યા ત્યારે તેમણે ગુલામ મહમદના નિવાસસ્થાને લિયાકત અલી ખાન, ચૌધરી મહમદ અલી અને સર જફરુલ્લાખાનને ઝીણાની ગંભીર હાલત બાબતે જાણ કરી હતી. મીર લાયકના જણાવ્યા અનુસાર, “બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.”
આ પશ્ચાદભૂમિમાં ઝીણાના કરાચી આગમન બાબતે સરકારની બેદરકારી અને બેધ્યાનપણું કઈ તરફ ઈશારો કરે છે? આ સવાલ આજે પણ ચિંતાનો વિષય છે.
પાકિસ્તાનમાં ભારતના પહેલા હાઈ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રીપ્રકાશે તેમના પુસ્તક “પાકિસ્તાન : ક્યામ ઔર ઈબ્તિદાઈ હાલત” નામના પુસ્તકમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
મહમદ અલી ઝીણાઇમેજ સ્રોત,Getty Images
તેમણે લખ્યું છે કે “એ દિવસોમાં સ્થાનિક રેડ ક્રૉસના ઇન્ચાર્જ જમશેદ મહેતા હતા. કરાચીની દરેક વ્યક્તિ તેમનો આદર કરતી હતી. તેમણે મને જણાવ્યું હતું કે એક માણસ બહુ બીમાર છે. આપ તેના માટે ઍમ્બ્યુલન્સ મોકલી શકશો કે કેમ એવું જણાવતો સંદેશો મને સાંજે મળ્યો હતો. આ ઘટના સાંજે સાડા પાંચ વાગ્યાની છે.”
કર્નલ નવેલ્ઝ અને ડૉ. મિસ્ત્રી બીજી ઍમ્બ્યુલન્સ લઈને પાછા આવ્યા હતા. તે ઍમ્બ્યુલન્સ શ્રીપ્રકાશે જેનો ઉલ્લેખ કર્યો હતો તેની જ હશે એવું સમજી શકાય.
ઝીણાને સ્ટ્રેચર પર સૂવડાવીને બીજી ઍમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને એ રીતે સાંજે છ વાગીને દસ મિનિટે તેઓ ગવર્નર જનરલ હાઉસ પહોંચ્યા હતા.
ઍરપૉર્ટથી ગવર્નર હાઉસ સુધીનું 9 માઈલનું અંતર વધુમાં વધુ 20 મિનિટમાં કપાઈ જવું જોઈતું હતું, પણ તેમાં લગભગ બે કલાક થઈ. એટલે બે કલાક ક્વેટાથી કરાચી અને બે કલાક ઍરપૉર્ટથી ગવર્નર જનરલ હાઉસ સુધી.
આ મુશ્કેલીભર્યો પ્રવાસ ઝીણાએ જે પરિસ્થિતિમાં કર્યો હતો તેનો જોટો આપણા ઇતિહાસમાં જડવો મુશ્કેલ છે.
શ્રીપ્રકાશે તેમના પુસ્તકમાં લખ્યું છે કે “મિસ્ટર ઝીણાના મૃત્યુ વખતે ફ્રાન્સના રાજદૂતાલયમાં કોકટેલ પાર્ટી ચાલતી હતી. એ પાર્ટીમાં મેં નવાબઝાદા લિયાકત અલી ખાનને મિસ્ટર ઝીણાની વિદાય બાબતે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે મિસ્ટર ઝીણા સાદા મિજાજના માણસ એટલે પોતાના આગમન વખતે ધમાલ થાય એવું તેમને પસંદ ન હતું.”
ગવર્નર જનરલ હાઉસ પહોંચ્યા પછી ઝીણા સવા ચાર કલાક જીવતા રહ્યા હતા અને એ સમય દરમિયાન લગભગ બેહોશ રહ્યા હતા.
ડૉક્ટરોએ તેમને શક્તિનું ઇન્જેક્શન આપ્યું હતું. ડૉ. ઈલાહી બક્ષના જણાવ્યા અનુસાર, ઝીણા ભાનમાં આવ્યા અને તેમણે ઝીણાને એવું કહ્યું કે તમે જલદી સાજા થઈ જશો ત્યારે ઝીણાએ આરામથી કહ્યું હતું કે “નહીં… હું જીવતો નહીં રહું.”
ડૉ. ઈલાહી બક્ષના જણાવ્યા અનુસાર, તે કાયદે આઝમ મહમદ અલી ઝીણાના અંતિમ શબ્દો હતા.
ડૉ. રિયાઝ અલી શાહે લખ્યું છે કે ઝીણાના અંતિમ શબ્દો “અલ્લાહ…પાકિસ્તાન” હતા.
બીજી તરફ ફાતિમા ઝીણાએ ‘માય બ્રધર’માં લખ્યું છે કે “ઝીણાએ બે કલાકની ગાઢ નિંદ્રા પછી પોતાની આંખો ખોલી અને આંખના ઈશારા વડે મને તેમની નજીક બોલાવી. મારી સાથે વાત કરવાના છેલ્લા પ્રયાસમાં તેમણે ફફડતા હોઠથી કહ્યું, “ફાતી,..ખુદા હાફિઝ…લા ઈલાહા ઈલ્લલ્લાહ મોહમ્મુદુ રસૂલુલ્લાહ.”
એ પછી તેમનું મસ્તક ધીમેથી જમણી તરફ ઢળી પડ્યું અને તેમની આંખો બંધ થઈ ગઈ.(બીબીસી ગુજરાતીનો સાભાર)