ભાવનગર, 12 મે 2020
કોરોના મહામારીને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ નર્સોનો ફાળો પણ ખૂબ મહત્વનો છે. ભાવનગરના નર્સિંગ કોરોના વોરિયર્સ કિન્નરી ગામીત જણાવે છે કે હું સુરતની વતની છું અને છેલ્લા ૩ વર્ષથી ભાવનગરની સર તખ્તાસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું. હું પણ કોરોના સામેની જંગમાં એક યોદ્ધા છું. આ મહામારીના સમયમાં મારો પરિવાર મારાથી દૂર છે ત્યારે મેં અહીં આવતા કોરોનાગ્રસ્ત દર્દીને જ મારો પરિવાર બનાવી લીધો છે. કારણ કે એ પણ બહાર નથી જઈ શકતા અને હું પણ.
પોતાની સંવેદના વ્યક્ત કરતાં કિન્નરી ઉમેરે છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા કરતા ભલે અમે કોરોનાગ્રસ્ત થઈ જઈએ, એનો અમને કોઈ અફસોસ નહી રહે. ભલે અમારો જીવ જતો રહે પરંતુ અમે અમારી સેવામાં લગીરે પીછેહઠ નહી કરીયે. અમે અમારી ફરજને સર્વોપરી ગણી તદ્દન ભયમુક્ત બન્યા છીએ. કારણ કે જો અમે જ ડરશું તો પછી લોકોને હિંમત કોણ આપશે એમ કહી કિન્નરીએ ફરી વખત ઉમેર્યું કે આવા વખતે અમે પાછળ નહિ હટીએ પછી ભલે જીવ પણ કેમ ન આપવો પડે.
કિન્નરી ગામીતે મુખ્યમંત્રીશ્રીએ કરેલ વિડીયો સંવાદ અંગે જણાવ્યું હતુ કે આજે મેં ખરા અર્થમા વર્લ્ડ નર્સિંગ ડે ઉજવ્યો. મુખ્યમંત્રીશ્રીએ અમારા ખબર-અંતર પૂછ્યા, અમારી કામગીરીને બિરદાવી એને હું મારું સૌભાગ્ય માનું છું. આ ક્ષણ મને આજીવન યાદ રહેશે. પ્રશાસન અમને કોઈપણ તકલીફ કે મુશ્કેલી હોય તો એની ચિંતા કરે છે અને અમારી નાનામાં નાની જરૂરિયાત અંગે પણ કાળજી લે છે. એ બાબત મારા માટે ખૂબ સંતોષકારક છે. પ્રસાસને મારા માટે PPE કિટ, ભોજન તેમજ રહેવાની વ્યવસ્થા કરી છે. મારા ઉપરી અધિકારીઓ પણ મારી એટલી જ કાળજી લે છે. હું હાલ બહાર નથી જઈ શકતી તો મારી જીવન જરૂરિયાત અંગેની તમામ વસ્તુઓ માટે તેઓ મને મદદ કરે છે, મારા કામને બિરદાવે છે અને આ બધી જ બાબતો મને કોરોના સામે લડવાનું વધુને વધુ જોમ પુરૂ પાડે છે.