મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડ આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૧-૦૧-૨૦૧૦ ના ઠરાવમાં પુરાવા તરીકે ગણેલ છે. તેને ૧૯૫૬ મુજબના સાચા જાતિ પ્રમાણપત્રના લાભાર્થી નકકી ન થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે. લાભાર્થી પરિવારો નકકી થયા બાદ તે પરિવારો સિવાયના લોકોએ મેળવેલ પ્રમાણપત્ર સરકાર દ્વારા રદ કરાશે અને તા.૨૧-૦૧-૨૦૧૦ના ઠરાવમાંથી જાતિ પ્રમાણપત્ર આપવા માટેના પુરાવા તરીકે મસવાડી પહોંચ તથા વિગતદર્શક કાર્ડ રદ કરવામાં આવશે.
મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડના આધારે અનુસુચિત જનજાતિ તરીકેના નવા જાતિ પ્રમાણપત્ર આપવાનું તા.૨૦-૦૨-૨૦૨૦ના રોજથી સ્થગિત કરવામાં આવે છે અને વિશ્લેષણ સમિતિ દ્વારા મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડના આધારે ચકાસણી કરવાનું તા.૨૦-૦૨-૨૦૨૦ના રોજથી સ્થગિત કરવામાં આવે છે. મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડના આધારે તા.૨૧-૦૧-૨૦૧૦થી આપેલ જાતિ પ્રમાણપત્રની ફરીથી ચકાસણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
૧૯૫૬ના નોટીફિકેશનનો યોગ્ય રીતે અમલ થાય તે માટે રાષ્ટ્રિય અનુસુચિત જનજાતિ આયોગને એક માસમાં દરખાસ્ત કરવામાં આવશે. પેરેન્ટ્સની વ્યાખ્યા માટે ભારત સરકાર પાસેથી માર્ગદર્શન મેળવવા અંગે દરખાસ્ત કરવાની કાર્યવાહી દિન-૧૦ માં પૂર્ણ કરવામાં આવશે અને તેના નિયમો દિન-૩૦માં આખરી કરાશે. નામ.ગુજરાત હાઇકોર્ટમાં ઠરાવ/પરિપત્ર બાબતે PIL No.132/2018, PIL No.237/2018, PIL No.171/2019 થયેલ છે. જેમાં આગામી મુદત પહેલાં આ ત્રણેય PILમાં એફીડેવીટ રજૂ કરાશે. જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના નિર્ણય બાદ યોગ્ય કાર્યવાહી થઇ શકશે.
૨૦૧૭માં જી.પી.એસ.સી. દ્વારા કલાસ ૧ અને ૨ ના ઉમેદવારોની જાતિ પ્રમાણપત્રની પુનઃ ચકાસણી સ્થગિત કરેલ છે. આ અંગેની કાર્યવાહી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. નામ.સુપ્રિમ કોર્ટના માધુરી પાટીલના ચુકાદામાં આપેલ ગાઇડ લાઇન મુજબ વિશ્લેષણ સમિતિ કામગીરી કરશે.