જાણવા જેવું: રેશનકાર્ડ, જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો

Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

લેખક – ડો. ચિંતન વૈષણવ

રેશનકાર્ડ ને કેટલાક ગામોમાં કૂપન તો કેટલાક ગામોમાં પરમિટ નામથી ઓળખવામાં આવે છે. લગભગ ભાગ્યે જ કોઈ વ્યક્તિ કે પરિવાર એવો હશે કે જેમની પાસે પોતાનું રેશનકાર્ડ નહીં હોય. ઘણા એવા પરિવારો પણ હશે કે જેમની પાસે રેશનકાર્ડ હોવા છ્ત્તા કોઈ અરજી સાથે જોડાણ તરીકે જોડવા પૂરતો જ ઉપયોગ કરતાં હશે. ક્યારેય રેશનકાર્ડ નો ઉપયોગ કરીને અનાજ-કેરોસીન લીધું જ નહીં હોય. આ લેખમાં આપણે રેશનકાર્ડના પ્રકારો, એમાં મળતા અનાજના જથ્થા વિષે, વિતરણ વ્યવસ્થા અને તેની સાથે સંકળાયેલા મુખ્ય કાયદાઓ અને પરીપત્રોથી થયેલ કેટલીક નવી સૂચનાઓ વિષે એકદમ સરળ શબ્દોમાં જાણીશું.

રેશનકાર્ડના પ્રકારો:-

  • APL-1, APL-2, BPL અને AAY આ 4 પ્રકારના રેશનકાર્ડ હોય છે.
  • જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર, લુહાર, સુથાર, ચામડું પકાવનાર… તથા રોજે રોજનું ક્માનારા કુલી, રિક્ષાચાલક, હાથલારી ચલાવનારા, મદારીઓ, કાગળ વિણનારા વગેરે.. કેટેગરીના ગ્રામ્ય કે શહેરી વિસ્તારના લોકોને તેમજ 60 વર્ષ ઉપરની એવી વ્યક્તિઓ કે જેમને જીવન નિર્વાહ ચલાવવાનો કોઈ આધાર ન હોય તથા વિધવા બહેનો, અશક્ત વ્યક્તિઓ, અસહ્ય બીમાર વ્યક્તિઓ, HIV positive વ્યક્તિઓ વગેરે… ને AAY (અંત્યોદય અન્ન યોજના) કાર્ડ આપવામાં આવે છે. તમામ પ્રકારોમાં સૌથી વધુ અને સસ્તો અનાજનો જથ્થો આ કેટેગરીમાં મળે છે.
  • અત્યંત ગરીબ લોકો કે જેમની સરેરાશ માથાદીઠ માસિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 324રૂ થી ઓછી હોય અને શહેરી વિસ્તારમાં 501રૂ થી ઓછી હોય તથા અરજદાર ખેતમજૂર હોય, એક એકરથી ઓછી જમીન ધરાવતો હોય BPL યાદીમાં 0 થી 16 ગુણાંક ધરાવતા લાભાર્થીઓ હોય તથા કોઈ આવાસ યોજના હેઠળ લાભ લીધો હોય તેમને BPL (બિલો પોવર્ટી લાઇન) કાર્ડ આપવામાં આવે છે.
  • આ સિવાય સામાન્ય સંજોગોમાં APL-1 અને APL-2 (અબોવ પોવર્ટી લાઇન) કાર્ડ આપવામાં આવે છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે

રેશનકાર્ડમાં મળતો જથ્થો:-

  • વર્ષ 2013 માં પસાર કરેલ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો કે જેની અમલવારી એપ્રિલ 2016થી કરવામાં આવે છે. આ કાયદા મુજબ તમામ BPL કાર્ડ ધારકોને અગ્રતા ધરાવતા કુટુંબોમા સમાવવામાં આવેલ છે. આ કાયદા અનુસંધાને નીચે મુજબ અનાજ વિતરણ કરવામાં આવે છે.
  • અંત્યોદય રેશનકાર્ડ ધારકોને આ યોજના હેઠળ માસિક ધોરણે કાર્ડ દીઠ ઘઉનો મહત્તમ જથ્થો 25 કિ.ગ્રા. પ્રતિ કિલો રૂ.2 ના ભાવે તથા ચોખાનો મહત્તમ જથ્થો 10 કિ.ગ્રા. પ્રતિ કિલો રૂ.3 ના ભાવે આપવામાં આવે છે.
  • જે કુટુંબોની માસિક સરેરાશ માથાદીઠ આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.324 અને શહેરી વિસ્તાર માટે રૂ.501 હોય તેમને અગ્રતા ધરાવતા કુટુંબોમા સમાવેશ કરીને વ્યક્તિ દીઠ ઘઉનો મહત્તમ જથ્થો 3.500 કિ.ગ્રા. પ્રતિ કિલો રૂ.2 ના ભાવે તથા ચોખાનો મહત્તમ જથ્થો 1.500 કિ.ગ્રા. પ્રતિ કિલો રૂ.3 ના ભાવે આપવામાં આવે છે.
  • આ ઉપરાંત રિફાઈન્ડ આયોડાઈઝ મીઠું પ્રતિ કિલો રૂ.1 ના ભાવે તથા ખાંડ પ્રતિ કિલો રૂ.15 ના ભાવે અંત્યોદય કાર્ડમાં અને રૂ.22 ના ભાવે BPL કાર્ડમાં તથા રિફાઈન્ડ કપાસિયા તેલ પ્રતિ કિલો રૂ.50 ના ભાવે તહેવારના દિવસોમાં આપવામાં આવે છે.
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી

રેશનકાર્ડમાં જરૂરી ફેરફારો કરવા માટે શું કરવું?:-

  • નવું બારકોડ રેશનકાર્ડ મેળવવા માટે ફોર્મ નંબર 2 ભરવાનું હોય છે. નામ ઉમેરવા માટે ફોર્મ નંબર 3 ભરવાનું હોય છે. નામ કમી કરવા માટે ફોર્મ નંબર 4 ભરવાનું થાય છે. બારકોડેડ રેશનકાર્ડના વિભાજન માટે ફોર્મ નંબર 5 ભરવાનું હોય છે. નામ કે અટકમાં સુધારો કરવા માટે ફોર્મ નંબર 6(અ) ભરી શકાય. અન્ય જિલ્લા તાલુકામાં રૅશનકાર્ડ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ નંબર 6(બ) તેમજ રાજ્ય બહાર કાર્ડ ફેરવવા માટે ફોર્મ નંબર 8 તથા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા માટે ફોર્મ નંબર 9 ભરવાનું રહે છે.
  • જો વડીલ વયના કોઈ વ્યક્તિના ફિંગરની છાપ, સિસ્ટમમાં આવતી ન હોય તો આવા કિસ્સામાં તેમણે ફોર્મ નંબર 7 -પાલક ગાર્ડિયન ભરવાનું થાય છે. આવા મોટી વયના વ્યક્તિને બદલે તેઓ જણાવે તેના ફિંગરથી અનાજ આપવામાં આવતું હોય છે.
  • ઉક્ત તમામ પ્રકારની કામગીરીઓ કરાવવા માટે મામલતદાર કચેરીના ATVT કેન્દ્ર માથી વિનામુલ્યે ફોર્મ મળે છે. સાથે જરૂરી ડોક્યુમેંટ્સ જોડીને પુરવઠા શાખામાં આ ફોર્મ જમા કરાવવાનું હોય છે. ફોર્મ સાથે જોડવાના જરૂરી કાગળો અને ફોર્મની pdf ફાઇલ તથા અન્ય જરૂરી માહિતી http://dcs-dof.gujarat.gov.in/ વેબસાઇટ પરથી મળી રહેશે.
  • ઉક્ત વેબસાઇટ પરથી તમારા રેશનકાર્ડ વિષે તથા તમારા વિસ્તારની રેશનકાર્ડ અને વ્યાજબી ભાવની દુકાનો સંદર્ભે સંપૂર્ણ માહિતી પણ મળી રહેશે. કોઈ બાબતે ફરિયાદ હોય તો પણ આ વેબસાઇટ મારફતે સીધી જ સરકારશ્રીને ઓનલાઈન ફરિયાદ પણ કરી શકાય છે.
વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા

આવશ્યક ચીજ-વસ્તુ અધિનિયમ 1955 ની મુખ્ય જોગવાઇઓ:-

  • લોકોના હિતમાં જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ઉત્પાદન, પુરવઠા અને વહેંચણી ઉપર તેમજ તેના વેપાર અને વાણિજ્ય ઉપર નિયંત્રણ મૂકવા માટે જોગવાઈ કરવા બાબતનો કેન્દ્ર સરકારે બહાર પાડેલો અધિનિયમ.
  • આ અધિનિયમ હેઠળ કુલ 65 વસ્તુઓનો સમાવેશ થાય છે.
  • આ કાયદા હેઠળ ઉત્પાદન, પુરવઠા, વહેંચણી વગેરે ઉપર નિયંત્રણ મૂકવા હુકમો ભાર પાડવાની સત્તા કેન્દ્ર સરકારને છે. કેન્દ્ર રાજ્ય સરકારને સત્તા આપી શકે છે.
  • આવશ્યક વસ્તુઓના વેપાર, સંગ્રહ, સ્ટોક જાળવણી, ભાવો અને તોલમાપ સંબંધી જરૂરી આદેશો કરવાની સત્તા રાજ્ય સરકારને છે.
  • આ કાયદા હેઠળ કબ્જે કરેલ ચીજ-વસ્તુઓ, વાહન કે પેકેજ વગેરે રાજ્યસાત કરવાની સત્તા કલેક્ટરને આપવામાં આવેલ છે. જેમાં અપીલ સત્તાધિકારી રાજ્ય સરકાર છે.
  • જિલ્લા કક્ષાએ આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ બાબતે પરવાના આપવા તથા આવશ્યક ચીજવસ્તુઓની અનધિકૃત હેરાફેરી ન થાય તેમજ બજારમાં ભાવ ને જથ્થો જળવાઈ રહે તે માટે તપાસણીની કાર્યવાહી કરવાની સત્તા જિલ્લા પુરવઠા અધિકારીને છે.
  • આ અધિનિયમ હેઠળ બહાર પાડેલ હુકમનું ઉલ્લંઘન કરવા બદલ ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. જેમાં ઓછામાં ઓછા 3 માસ અને વધુમાં વધુ 7 વર્ષ સુધી કેદની સજા અને દંડ પણ થઈ શકે છે.
  • વાજબી ભાવની દુકાનોના વિસ્તાર દીઠ તકેદારી સમિતિની રચના કરવામાં આવેલ હોય છે. ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, ગ્રામ પંચાયતના મહિલા સભ્ય અને ગરીબી રેખા નીચેના કોઈપણ 2 કાર્ડધારકો આ કમિટીના સભ્યો હોય છે. આ સભ્યો દુકાનના સ્ટોક રજીસ્ટર અને વેંચાણ રજીસ્ટરની નિયમિત ચકાસણી કરી શકે છે.
વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક

જિલ્લા પુરવઠા કચેરી તથા તાલુકા પુરવઠા શાખાની ભૂમિકા:-

  • દરેક જીલ્લામાં કલેક્ટર કચેરીમાં જિલ્લા પુરવઠા શાખા કાર્યરત હોય છે. જેના વડા જિલ્લા પુરવઠા અધિકારી જે નાયબ કલેકટર રેંકના હોય છે. આ સિવાય તેમના સ્ટાફમાં પુરવઠા ઈન્સ્પેકટરો, નાયબ મામલતદારો, ક્લાર્ક અને ઓપરેટરોનો સમાવેશ થાય છે.
  • તાલુકા લેવલે મામલતદાર કચેરીમાં મામલતદારની નીચે નાયબ મામલતદાર (પુરવઠા), ક્લાર્ક અને ઓપરેટરોનો સમાવેશ થાય છે.
  • તાલુકાના દરેક ગામોમાં એક વ્યાજબી ભાવની દુકાન (FPS) આવેલી હોય છે. આ દુકાનોનું સંચાલન કોને આપવું એના માટે જિલ્લા પુરવઠા અધિકારીનો નિર્ણય આખરી હોય છે.
  • મામલતદાર કચેરીની ટિમ તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના ઈન્સ્પેકટરોએ સમયાંતરે આ દુકાનોની સામાન્ય તપાસણીઓ કરવાની હોય છે. ક્યારેક ગંભીર ફરિયાદો મળે ત્યારે આવી દુકાનની સંપૂર્ણ સઘન તપાસણીઓ કરવાની થાય છે. જેમાં દુકાન સાથે સંકળાયેલા તમામ રેશનકાર્ડની ચકાસણીઓ કરવાની હોવાથી 3-4 દિવસ સુધી તપાસની ચાલતી હોય છે.
  • દુકાનોને મામલતદાર કચેરી દ્વારા ફાળવેલા અનાજ સરકારી ગોડાઉનમાથી મેળવી લેવાનું હોય છે. આ રીતે આપવામાં આવેલ અનાજનો જથ્થો નિયમાનુસાર કિમ્મત વસૂલીને ગામલોકોને વેંચવાનું હોય છે. તપાસણી દરમિયાન જો ફાળવેલા અને વેંચેલા જથ્થા વચ્ચે ખાસ્સો તફાવત જોવા મળે તો કેટલીક વખત કાળા બજાર નિવારક ધારા અંતર્ગત અટકાયતના પગલાં સહિત જથ્થો અથવા દુકાન SEAL કરવામાં આવે છે.
  • સમયસર જથ્થો ઉપલબ્ધ કરાવવો અને ચોખ્ખું અને ખાવાલાયક અનાજ દરેકને મળે તે જોવાની જવાબદારી તંત્રની હોય છે.

(રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો-NFSA શું છે અને તેના આધારે કોને અનાજ મળે અને કોને ન મળે એ બાબતે આપણે આગામી લેખમાં વિગતે જાણીશું.)

લેખક – ચિંતન

વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
વધુ વાંચો: એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે