કોંગ્રેસના નેતા ભરત સોલંકીએ કોરોના થયા બાદ હોસ્પિટલમાં 3 મહિનાથી સતત સારવાર લીધી, આવા થયા હાલ

અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2020
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા બાદ તેમની તબિયત નાદુરસ્ત થઈ ગઈ હતી. સૌથી તેમને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

કોરોનાની સારવાર દરમિયાન તેમના દેખાવમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. એક નજરે જોનારા લોકો એવું ન કહી શકે કે, આ ભરતસિંહ સોલંકી છે. ત્યારે હવે ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભરતસિંહ સોલંકીની તબીયતમાં સુધારો થઇ રહ્યો છે. હોસ્પિટલમાં સાત દિવસની સારવાર બાદ હાલ તેમની ફિઝિયોથેરાપી કરાવવામાં આવી રહી છે અને જેના કારણે તેમની તબિયતમાં ખૂબ જ સુધારો જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ભરતસિંહ સોલંકી વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી કોંગ્રેસના અન્ય નેતાઓમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયુ હતું. વડોદરાની હોસ્પિટલમાં ભરતસિંહ સોલંકીની તબિયત વધુ ખરાબ થતાં તેમણે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કોરોનાની સારવાર બાદ તેમના ફેફસામાં ઇન્ફેક્શન થયું હોવાના કારણે તેમને વધુ સમય હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

ઓગસ્ટ મહિનામાં ભરતસિંહ સોલંકીની તબિયત વધારે ખરાબ હોવા મામલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો અને આ વીડિયોમાં પહેલી નજરે જોનાર વ્યક્તિ આવું ન કહી શકે કે આ ભરતસિંહ સોલંકી છે. જેથી તેમના સ્વાસ્થ્યને લઈને કોંગ્રેસના નેતાઓ અને પરિવારના સભ્યોમાં પણ ચિંતા વ્યાપી ગઇ હતી. વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, સોશિયલ મીડિયામાં ભરતસિંહ સોલંકીનો વીડિયો વાયરલ થયો છે તે 20 દિવસ જૂનો છે.
હાલ તેમની તબિયત સારી છે અને તેમને કસરત કરાવવામાં આવી રહી છે. ફિઝિયોથેરાપીની સારવાર બાદ ભરતસિંહ સોલંકીને કિડનીની પણ સમસ્યા થઈ હતી અને હવે તેમાં પણ રિકવરી આવી રહી છે. ભરતસિંહ સોલંકી હાલ વ્હીલચેર પર અવર-જવર કરી રહ્યા છે.