Tribhuvandas K. Gajjar: Gujarati alchemist
5 ફેબ્રુઆરી 2023
બીબીસી ગુજરાતી
રસાયણશાસ્ત્રમાં પારંગત ત્રિભુવનદાસ ગજ્જર મુંબઈમાં આધુનિક ‘ટેકનો કેમિકલ લૅબોરેટરી’થી માંડીને વડોદરામાં કલા ભવન (ફૅકલ્ટી ઓફ ટેકનોલોજી)ની સ્થાપના દ્વારા કેવળ પુસ્તકીયા નહીં, પણ વ્યવહારુ જ્ઞાનનું પ્રતિક બની રહ્યા. ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીના પરમ મિત્ર ગજ્જર ‘સ્વદેશી’ ચળવળના જમાના પહેલાંથી દેશમાં ઉદ્યોગોના વિકાસ માટે પ્રયત્નશીલ અને માતૃભાષા દ્વારા શિક્ષણના આગ્રહી હતા.
પોલિટેકનિકનું સપનું
સયાજીરાવ ગાયકવાડઃ ગજ્જરે તેમની મદદ લીધી-નોકરી કરી, પણ પોતાની ભૂમિકા બદલ્યા વિના
ઇમેજ કૅપ્શન,સયાજીરાવ ગાયકવાડઃ ગજ્જરે તેમની મદદ લીધી-નોકરી કરી, પણ પોતાની ભૂમિકા બદલ્યા વિના
સુરતમાં જન્મેલા ત્રિભુવનદાસ મેટ્રિક સુધી સુરતમાં ભણીને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એસસી. થયા અને ત્યાં જ ફૅલો તરીકે નીમાયા પછી એકવીસમા વર્ષે રસાયણશાસ્ત્ર સાથે એમ.એ. થયા. તેમનો અભ્યાસપ્રેમ ચોક્કસ વિષયો પૂરતો મર્યાદિત ન હતો.
રસાયણશાસ્ત્ર ઉપરાંત ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં તે આગળ વધ્યા. એટલું જ નહીં. ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં મેડિસીન ભણવા જવા લાગ્યા અને તેમના મિત્ર-સહાધ્યાયી ચીમનલાલ સેતલવડને કારણે કાયદાનો અભ્યાસ પણ આરંભ્યો. તેમાંથી કાયદામાં સિવાય બીજા બધા વિષયોમાં તેમને મુશ્કેલી નડી નહીં.
અભ્યાસ પૂરો થયા પછી અમદાવાદની ગુજરાત કૉલેજ સહિત વિવિધ કૉલેજોમાંથી અધ્યાપક તરીકે જોડાવાની તેમની પાસે તક હતી. પરંતુ બાવીસ વર્ષના, ઉત્સાહથી તરવરતા ગજ્જરે તેમની નોંધપોથીમાં લખ્યું હતું, ‘હું વિજ્ઞાનશાસ્ત્રમાં ભણ્યો તો છું, પણ વ્યવહારમાં જો એ જ્ઞાન મને ઉપયોગી ન નીવડે તો શા કામનું?…એ જ્ઞાનને અને મારી સમગ્ર શક્તિને મારે દેશના હિત માટે વાપરવી જોઈએ…દેશના હુન્નરો ખીલવવામાં મારા જ્ઞાનનો ઉપયોગ હું કરીશ.’
તેમણે સુરતમાં ધંધાદારી કેળવણી આપતી પોલિટેકનિક શરૂ કરવાનું આયોજન તૈયાર કર્યું. સુરતના તાપીદાસ શેઠ તે માટે રૂ. બે લાખ આપવા તૈયાર થયા હતા. પણ તેમનું અવસાન થતાં ગુજરાતની પહેલી પોલિટેકનિકની યોજના ફળી નહીં.
વડોદરામાં કલાભવન અને વૈવિધ્યપૂર્ણ કામગીરી
વિવિધ શહેરોની નોકરીમાંથી ગજ્જરે વડોદરા પસંદ કર્યું. કેમકે, ત્યાંના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રગતિશીલ અને હુન્નર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારા હતા. ગજ્જરની પોલિટેકનિકની યોજના સયાજીરાવને બહુ ગમી. તેમના ટેકાથી ગજ્જરે રંગ અને છાપકામના વ્યવસાયનો અભ્યાસ કર્યો. તેમનાં મદદ અને માર્ગદર્શનથી સુરત-અમદાવાદ-વાંકાનેર સહિત દેશનાં અન્ય કેન્દ્રોમાં પણ રંગનાં રાસાયણિક અને ઔદ્યોગિક પાસાં શીખવતી શાળાઓ ઊભી થઈ.
ગજ્જરની દૃઢ માન્યતા હતી કે ઉદ્યોગને લગતું શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે તો વિદ્યાર્થીઓને બહુ ફાયદો થાય. તેમની પહેલથી વડોદરા રાજ્યમાં વર્નાક્યુલર એકેડેમી શરૂ કરવામાં આવી અને તેમના મિત્ર આથલેની મદદથી ગુજરાતી તથા મરાઠી ભાષામાં વિજ્ઞાન સહિત વિવિધ વિષયોનાં પુસ્તકો પ્રગટ કરવાનું નક્કી થયું. સયાજીરાવે તે માટે રૂ. પચાસ હજારનું ભંડોળ મંજૂર કર્યું અને ‘સયાજી જ્ઞાનમંજૂષા’ અને ‘સયાજી લઘુ જ્ઞાનમંજૂષા’ નામે શરૂ થનારી ગુજરાતી અને મરાઠી પુસ્તકશ્રેણીના વડા તરીકે ગજ્જરને નીમ્યા.
સયાજી જ્ઞાનમંજૂષા અંતર્ગત વર્ષ 1895માં પ્રકાશિત થયેલું એક પુસ્તક
ઇમેજ કૅપ્શન,સયાજી જ્ઞાનમંજૂષા અંતર્ગત વર્ષ 1895માં પ્રકાશિત થયેલું એક પુસ્તક
ગજ્જરનો એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બહુભાષી પારિભાષિક શબ્દકોશ તૈયાર કરવાનો હતો. તેમનો ખ્યાલ એક જ પારિભાષિક શબ્દ (ટર્મિનોલોજી) માટેના અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, હિંદી, બંગાળી અને સંસ્કૃત શબ્દો શોધવાનું મહાકાર્ય આરંભ્યું, જે અધૂરું રહ્યું.
વર્ષ 1890માં ગજ્જરનું એક સપનું સાકાર થયું. વડોદરામાં કલાભવન (હાલમાં ફૅકલ્ટી ઓફ ટેકનોલોજી)ની સ્થાપના થઈ. તેમાં છ વિભાગ હતાઃ ચિત્રશાળા, શિલ્પ અને એન્જિનિયરિંગ, યંત્રશાળા, રસાયણ અને રંગશાળા, ખેતીવાડી અને ભાષા-શિક્ષણશાસ્ત્ર. કલાભવનમાં બધું શિક્ષણ માતૃભાષા દ્વારા અપાતું હતું અને ભાષા તરીકે અંગ્રેજી શીખવવામાં આવતી હતી. રસાયણપ્રેમી ગજ્જરે ઔદ્યોગિક કેળવણી માટે અંગત ખર્ચે ‘રંગરહસ્ય’ નામે એક માસિક પણ શરૂ કર્યું.
ગજ્જરની આગેવાની હેઠળ કલાભવને ઘણી પ્રગતિ કરી. તેના શરૂઆતના વિદ્યાર્થીઓમાં દાદાસાહેબ ફાળકેનો પણ સમાવેશ થાય છે. પરંતુ સ્વતંત્ર રીતે કામ કરવાની ગજ્જરની શૈલી અને કલાભવનની સફળતાથી તેની વિરુદ્ધની ખટપટો વધવા માંડી અને છેવટે ગજ્જરે તેમના સહાયક, ગુજરાતી કવિ તરીકે વિખ્યાત બનેલા મણિશંકર ભટ્ટ ‘કાન્ત’ને ચાર્જ આપીને નોકરી તથા વડોદરા છોડ્યાં.
વિજ્ઞાનના જોરે સમૃદ્ધિ
ટેકનોકેમિકલ લેબોરેટરીનો લેટરહેડ
ઇમેજ કૅપ્શન,ટેકનોકેમિકલ લૅબોરેટરીનો લેટરહેડ
વડોદરાથી મુંબઈ ગયા પછી ગજ્જર વિલ્સન કૉલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક થયા અને કૉલેજના એક રૂમમાં જ પ્રયોગશાળા શરૂ કરી, જે આગળ જતાં જુદા મકાનમાં ખસેડાઈ અને ‘ટેકનોકેમિકલ લૅબોરેટરી’ તરીકે વિખ્યાત બની.
વર્ષ 1897માં મુંબઈના એસ્પ્લેનેડ મેદાનમાં આવેલા રાણી વિક્ટોરિયાના પૂતળા પર ડામર રેડીને તેને ખરડી નાખવામાં આવ્યું. ચારેક મહિના સુધી કોઈ તે ડાઘ દૂર કરી શક્યું નહીં. આખરે, મિત્રોના સૂચનથી ગજ્જરે તે કામ હાથમાં લીધું અને ત્રણ મહિનામાં ડાઘ સંપૂર્ણપણે દૂર કરી બતાવ્યા. એવી જ રીતે, રસાયણની મદદથી મોતી સાફ કરવાનો કીમિયો શોધીને ગજ્જર ઘણું કમાયા. લૅબોરેટરીમાં રાસાયણિક પૃથક્કરણ ઉપરાંત તે દવાઓ બનાવવાનું કામ પણ કરતા હતા.
વ્યાવસાયિક કામગીરીમાંથી થતી કામગીરીની આવકનો મોટો હિસ્સો તે ટેકનોકેમિકલ લૅબોરેટરી પાછળ ખર્ચતા હતા. વિલ્સન કૉલેજ અને ઝેવિયર્સ કૉલેજ જેવી સંસ્થાઓ પાસે ટેકનોકેમિકલ લૅબોરેટરી જેવી સાધનસજ્જ પ્રયોગશાળા ન હોવાથી, ત્યાંના વિદ્યાર્થીઓ લૅબોરેટરીના કામ માટે ગજ્જર પાસે આવતા હતા. વર્ષ 1899માં સ્થાપના થયા પછી પહેલાં દસ વર્ષમાં ટેકનોકેમિકલ લૅબોરેટરીમાં 257 વિદ્યાર્થીઓ તૈયાર થયા, જેમાંથી 23 વિદ્યાર્થી એમ.એ.ના હતા.
વ્યવસાયમાં ચડતી પડતી અને અંતિમ વર્ષો
ગજ્જરની બનાવેલી દવાની જાહેરખબર
ઇમેજ કૅપ્શન,ગજ્જરની બનાવેલી દવાની જાહેરખબર
ગુજરાતમાં-ભારતમાં ઉદ્યોગો સ્થાપવા માટે ઉત્સુક ગજ્જર વડોદરાના ‘એલેમ્બિક કેમિકલ વર્ક્સ’ના પાયામાં હતા. ‘એલેમ્બિક’ની સ્થાપના તેમના પ્રિય શિષ્ય કોટિભાસ્કરે કરી હતી અને આરંભિક મૂડી પણ ગજ્જરની પ્રતિષ્ઠાના જોરે મળી હતી. ગજ્જરના બીજા શિષ્ય ભાઈલાલ અમીન પણ ‘એલેમ્બિક’માં જોડાયા. કોટિભાસ્કરના અવસાન પછી ગજ્જરને ‘એલેમ્બિક’ માટે વડોદરા આવવું પડ્યું.
મુંબઈમાં મોતી સફેદ કરવાના વ્યવસાયમાં અઢળક કમાણી કર્યા પછી કેટલીક કંપનીઓ સાથેના વિવાદમાં ગજ્જરને કોર્ટે જવું પડ્યું. તેમાં આર્થિક નુકસાન ઉપરાંત માનસિક અને શારીરિક શ્રમ પણ વેઠવો પડ્યો. છતાં, 1918માં ઇન્ફ્લુએન્ઝા ફાટી નીકળ્યો ત્યારે ગજ્જરે તેની દવાઓ શોધીને તેના પેટન્ટ મેળવ્યા અને ઘણો નફો પણ મેળવ્યો. તેમના જીવનમાં આવક આસમાની હતી, તેમ અવનવી યોજનાઓમાં થતો ખર્ચ પણ તોતિંગ રહેતો હતો.
જીવનનાં છેલ્લાં વર્ષ સુરતમાં ગાળવા માટે તે સુરત પણ રહ્યા. મૃત્યુનાં બેએક વર્ષ પહેલાં, જૂન,1918માં સુરતથી તેમણે તેમના સોલિસિટરને એક પત્રમાં લખ્યું હતું, ‘મને કલકત્તા જવાની ઘણી ઇચ્છા છે. મોટી સખાવતોથી ત્યાં શરૂ કરેલી વૈજ્ઞાનિક સંસ્થાને ઔદ્યોગિક વર્ણ આપવાને સર આશુતોષ મુકરજી મને બોલાવે છે. તે ઉપરાંત મદનમોહન માલવિયા મારી યોજના પ્રમાણે તૈયાર કરાયેલી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં મને બહુ આગ્રહથી બોલાવે છે. પરંતુ મારાથી અત્યારે સુરત છોડી શકાય એમ નથી.’
ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ નાનાલાલ, આનંદશંકર ધ્રુવ, બ.ક. ઠાકોર જેવા ઘણા સાહિત્યકારો સાથે તેમને ગાઢ પરિચય હતો. ગોવર્ધનરામના છેલ્લા દિવસોમાં ગજ્જરે તેમનું બહુ ધ્યાન રાખ્યું. ગોવર્ધનરામનું અવસાન ગજ્જરના બંગલે જ થયું. નડિયાદના ગોવર્ધનરામના ઘરમાં બનેલા સ્મારકમાં સચવાયેલી જૂની તસવીરોમાં યુવાન ત્રિભુવનદાસ ગજ્જરનો ફોટો પણ જોવા મળે છે.
પરમ મિત્ર ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે ગજ્જર
ઇમેજ કૅપ્શન,પરમ મિત્ર ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે ગજ્જર
મુંબઈમાં જુલાઇ 16, 1920ના રોજ તેમનું અવસાન થયું. ગાંધીજીએ તેમના સાપ્તાહિક ‘નવજીવન’ (જુલાઇ 25, 1920) માં તંત્રીનોંધમાં ગજ્જરને ‘બુદ્ધિમાન, કર્તૃત્વવાન એવા દેશપૂજ્ય પુરુષ’ તરીકે ઓળખાવીને ભવ્ય અંજલિ આપી હતી. ગજ્જર સાથે તેમની મુલાકાત એક જ વાર, વડોદરામાં ડિસેમ્બર 6, 1917ના રોજ થઈ હતી. પરંતુ તેમના પ્રદાનની મહત્તાથી વાકેફ ગાંધીજીએ લખ્યું હતું, ‘ડો. (પ્રફુલ્લચંદ્ર) રાય અગર ડો. (જગદીશચંદ્ર) બોઝ સિવાય એમની બરોબરી કરનાર બીજો કોઈ હિંદી વિજ્ઞાનશાસ્ત્રી ન હતો.’
ગાંધી આશ્રમની રાષ્ટ્રીય શાળામાં સાવ શરૂઆતનાં વર્ષોમાં જોડાયેલા ગજ્જરના પ્રિય શિષ્ય સાંકળચંદ શાહની નોંધો અને બીજી સામગ્રી પરથી ડો. અશ્વિન ત્રિવેદી અને ડો. રસિકલાલ શાહ ગજ્જરની જીવનકથા લખી, તેના કારણે ગજ્જર વિશે આટલી વિગત ઉપલબ્ધ બની છે. બાકી, બંગાળમાં ગૌરવવંતુ સ્થાન ધરાવતા પ્રફુલ્લચંદ્ર રાયનું કે જગદીશચંદ્ર બોઝની સરખામણીમાં ગુજરાતમાંથી ત્રિભુવનદાસ ગજ્જરનું નામ સાવ ભૂલાઈ-ભૂંસાઈ ચૂક્યું છે.