પાંડેસરા પોલીસ સ્ટેશનથી 108માં સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલા એક આરોપીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. વિમલ યાદવને પાંડેસરા પોલીસ હાઉસીંગમાં થયેલા ઝઘડાની ફરિયાદ બાદ મંગળવારની રાત્રે ઉપાડી ગઈ હતી. શ્વાસની તકલીફથી પીડિત વિમલ આખી રાત બુમો પાડતો રહ્યો છતાં લોકઅપમાંથી તેને બહાર ન કાઢી સારવાર માટે નહીં મોકલતા વિમલ મોત ને ભેટ્યો હોવાનું પરિવારે આરોપ મૂક્યો છે.
વિમલ એલીના નામની કંપનીમાં બાઇકની ચેઇન બનાવવાના વિભાગમાં કામ કરતો હતો. વિનય યાદવ એ જણાવ્યું હતું કે, ભાઈ વિમલ મંગળવારની રાત્રે ધૂળેટી મનાવી ઘરે આવ્યો હતો. ત્યારે ઘર નજીક રહેતા રાજેશ નામના ઇસમ સાથે જૂની વાતને લઈ બોલાચાલી કરી ઝઘડો થયો હતો. ત્યારબાદ રાજેશે પાંડેસરા પોલીસને બોલાવી વિમલને પકડાવી દીધો હતો. સાંજે સાત અને આઠ વાગ્યાની વચ્ચે પાંડેસરા પોલીસ લોકઅપમાંથી શ્વાસની તકલીફથી પીડિત ભાઈ વિમલ બહાર કાઢો મારાથી શ્વાસ નથી લેવાતો એવું કહીં બૂમો પાડતો રહ્યો તેમ છતાં પોલીસે તેને બહાર કાઢ્યો ન હતો.
પોલીસ સ્ટેશન બહાર વિમલનો અવાજ સાંભળી તેઓ વારંવાર પોલીસને વિનંતી કરતા રહ્યા પણ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આખી વાતને મજાકમાં લેતા હોય એવો વ્યવહાર કર્યો હતો. આખી રાત પોલીસ સ્ટેશન બહાર બેસી રહ્યા પછી સવારે આઠ વાગે વિમલને લોકઅપમાંથી બહાર લાવતા મૃત થઈ ગયો હોવાનું જ લાગતું હતું.