Vipul Chaudhary conducts another bonus scam to avoid one scam, trapped, what is his past
ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020
ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચૅરમૅન વિપુલ ચૌધરીની ડેરીના કર્મચારીઓના બોનસમાં કથિત કૌભાંડને મામલે ધરપકડ થઈ છે. કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.
આગામી જાન્યુઆરી માસમાં દૂધસાગર ડેરીની ચૂંટણી થવા જઈ રહી છે. ભાજપ આ ચૂંટણી જીતવા માંગે છે. કારણ કે 33 જિલાઓની મહેસાણાનાને બાદ કરતાં તમામ જિલ્લાઓ સહકારી ડેરામાં ભાજપના નેતાઓ સત્તા સ્થાને છે. મહેસાણા એક જ એવી ડેરી છે જ્યાં ભાજના કોઈ નેતાનો કબજો નથી. તેથી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આ ડેરી પર ગમેતેમ કરીને કબજો મેળવવા માંગે છે.
સહકારી ક્ષેત્રના નેતા વિપુલ ચૌધરી વિદ્યાર્થીકાળથી જ વિવાદોમાં રહ્યા છે.
મહેસાણામાં 12 ધોરણ પાસ કરી અમદાવાદ એન્જિનિયરિંગમાં ભણવા આવેલા વિપુલ ચૌધરીમાં શરૂઆતથી જ નેતાગીરીનાં લક્ષણો હતાં.
1987માં અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ દરમિયાન વિપુલ ચૌધરી કૉલેજમાં જનરલ સૅક્રેટરી બન્યા હતા. એ સમયે અમદાવાદમાં થયેલી હિંસાને કારણે કૉલેજની પરીક્ષા પાછી ઠેલવા માટે આંદોલન કર્યું હતું.
એ વખતે વિપુલ ચૌધરી પર કૉલેજના પ્રિન્સિપાલના નામે બનાવટી સહી કરી પરીક્ષા પાછી ઠેલવાની જાહેરાત કરવાનો આરોપ પણ લાગ્યો હતો. જોકે, એ આરોપ સાબિત થયો નહોતો. તેઓ નિર્દોષ છૂટ્યા હતા.
સૅનેટની ચૂંટણીમાં જીત અને ભાજપ પ્રવેશ
એ સમયે અમદાવાદની એલ. ડી. એન્જીનિયરિંગ કૉલેજની હૉસ્ટેલમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓનાં અલગ-અલગ જૂથ હતાં. મોટા ભાગના વિદ્યાર્થીઓ હૉસ્ટેલમાં રહેતા હતા.
વિપુલ ચૌધરી ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી લડ્યા અને જીત્યા. એ પછી એ ભાજપની નજરમાં આવ્યા.
આ સમયે ભાજપનું સુકાન પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના હાથમાં હતું.
વિપુલ ચૌધરીના દિવંગત પિતા અને મહેસાણા દૂધસાગર ડેરીનો પાયો નાખનાર માનસિંહ ચૌધરીની સાથે શંકરસિંહ વાઘેલાને નિકટનો સંબંધ હતો.
શંકરસિંહ વાઘેલા વિપુલ ચૌધરીને ભાજપમાં લઈ આવ્યા.
ભાજપમાં યુવામોરચાના તે સમયના નેતા અને પૂર્વ વાહનવ્યવહારમંત્રી બિમલ શાહે વિપુલ ચૌધરીને તૈયાર કર્યા હતા. મહેસાણા યુવામોરચાના અધ્યક્ષ બનાવ્યા હતા.
મહેસાણામાં એમના પિતાજીના સમયનો રાજકમલ પેટ્રોલ-પંપ હતો. ત્યાં યુવાનોની રોજ બેઠક થતી હતી. વિપુલ ચૌધરીએ એન્જિનિયર થયા પછી કોઈ બીજું કામ કરવાને બદલે રાજકારણ અને સમાજસેવા કરવાનું શરૂ કર્યું હતું. તોફાની સ્વભાવના કારણે ખૂબ ઓછા સમયમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી.
શંકરસિંહના ચાર હાથ
ટૂંકા ગાળામાં લોકપ્રિય થનારા વિપુલ ચૌધરી પર શંકરસિંહ વાઘેલાના ચાર હાથ હતા.
1995માં ધારાસભ્ય બનતાની સાથે જ એમને કેશુભાઈ પટેલની સરકારમાં રાજ્યકક્ષાના ગ્રામ્યવિકાસમંત્રી તરીકેનું સ્થાન મળી ગયું હતું.
વિપુલ ચૌધરી પર શંકરસિંહને વધુ ભરોસો ત્યારે બેઠો હતો કે જયારે કનકસિંહ માંગરોલાની રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસવોટિંગ કરાવવામાં એમણે પણ મહત્વની ભૂમિકા ભજવી. ચૌધરીના વોટ ઉત્તર ગુજરાતમાં વધારે હતા. મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નિર્ણાયક મત હતા અને એમની પકડ એવી હતી કે તેઓ ઘણા ધારાસભ્યોને ક્રૉસવોટિંગ કરવા મનાવી શક્યા હતા.
ક્રૉસવોટિંગના ઇનામ તરીકે એમને વિધાનસભાની ટિકિટ અને નાની ઉંમરે મંત્રીપદ મળ્યું હતું. શંકરસિંહ પ્રદેશ પ્રમુખ બન્યા એટલે એમને 2002ની વિધાનસભાની ટિકિટ ન મળી હતી.
શંકરસિંહ વાઘેલા જ્યારે ભાજપથી છેડો ફાડી ધારાસભ્યોને લઈ ખજૂરાહો જઈ બળવો કર્યો ત્યારે વિપુલ ચૌધરી કેશુભાઈ સાથે અમેરિકામાં ‘ગોકુળ ગ્રામ યોજના’ના પ્રચાર માટે હતા. ત્યાંથી એમણે શંકરસિંહને ટેકો આપ્યો હતો.
કેશુભાઈને ઉથલાવીને સુરેશ મહેતાની સરકાર બનાવ્યા બાદ તેને પણ ઉથલાવીને જયારે શંકરસિંહ વાઘેલાએ સરકાર બનાવી ત્યારે વિપુલને ગૃહમંત્રીપદ મળ્યું. એમણે સોશિયલ એન્જિનિયરિંગ શીખી લીધું હતું. જોકે, એ પછી શંકરસિંહના રાજપમાંથી એ ચૂંટણી લડ્યા અને હારી ગયા.
ખજૂરાહો સમયે થયેલા ખર્ચની જયારે તપાસ થઈ ત્યારે ખર્ચનો મોટો હિસ્સો ચોધરીએ આપ્યો હોવાની જાહેરાત એમણે કરી હતી. શંકરસિંહ બચી ગયા હતા. પછી તેઓ શંકરસિંહના ખાસ આદમી બની ગયા હતા. કૉંગ્રેસથી છેડો ફાડી રાજપા બનાવવા માટે શંકરસિંહને ઉશ્કેરનારાઓમાં વિપુલ ચૌધરી પણ હતા. કોંગ્રેસના વિખવાદોના કારણે શંકરસિંહે સરકાર એનો કાર્યકાળ પૂરો કરે એ પહેલાં સરકાર વિખેરી રાજપા બનાવી લીધી હતી.
શંકરસિંહની આંગળી પકડી ને રાજકારણમાં આવ્યા હતા. કોંગ્રેસમાં વિપુલ ચૌધરી શંકરસિંહ સાથે ગયા. ત્યાં કોંગ્રેસનો રંગ લાગ્યો અને પોતાના ગુરું એવા શંકરસિંહ વાઘેલા સામે કૉંગ્રેસમાં ચૌધરીએ મોરચો માંડ્યો હતો. કૉંગ્રેસ ઑફિસની બહાર ધરણાં પણ કર્યાં હતાં.
શંકરસિંહ 2004માં કેન્દ્રીય મંત્રી બન્યા એટલે વિપુલ ચૌધરીએ પોતાનું કાયમી રાજકારણ બનાવવા માટે દૂધસાગર ડેરીમાં ધ્યાન આપવાની શરૂઆત કરી હતી. પિતાએ બનાવેલી ડૅરીમાં ચૅરમૅન બની ગયા.
પછી ભાજપ સરકાર તેમની પાછળ પડી ગઈ હતી. તેમની સામે અનેક આરોપો મૂક્યા હતા. તે એટલે સુધી પરેશાન થઈ ગયા હતા કે ફરી ભાજપમાં જવા માટે તૈયાર થયા હતા. અમદાવાદ ખાનપુરની ભાજપની કચેરીએ જાહેર સમારંભમાં ચૌધરી ગયા અને ખાનપુરના ચોકમાં ખૂલ્લા સ્ટેજ પર નરેન્દ્ર મોદીને પગે લાગ્યા હતા. ખાણ દાણમાં સરકારે પગલાં ભરવાનું નક્કી કર્યું ત્યારે 2013માં સૌના આશ્ચર્ય વચ્ચે વિપુલ ચૌધરીએ નૂતન વર્ષના સમારોહમાં નરેન્દ્ર મોદીને જાહેરમાં પગે લાગી લીધું હતું.
દૂધસાગર ડેરીનો ખાણ દાણનો જત્થો શરદ પવારની અપીલ બાદ મહારાષ્ટ્રમાં દુકાળમાં મોકલાવ્યો હતો.
વિપુલ ચૌધરી 2005થી દૂધસાગર ડેરીના ચૅરમૅનપદે હતા. 2013 સુધીમાં ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 17 સભ્યોમાંથી 12 સભ્યો ભાજપના હોવા છતાં કોઈ તકલીફ ન થઈ.
2013માં નરેન્દ્ર મોદીને જાહેરમાં પગે લાગ્યા પછી એમણે રાહુલ ગાંધી સાથે બંધ બારણે મુલાકાત કરી અને 2014થી વિપુલ ચૌધરીની મુસીબતોની શરૂઆત થઈ.
ભ્રષ્ટાચારનો આરોપ
વિપુલ ચૌધરીએ 7000 ટન મિલ્ક પાવડર સસ્તામાં વેચીને ભ્રષ્ટાચાર કર્યો સહકારી આગેવાન પારથી ભટોળે આરોપ મૂક્યો હતો.
આ ઉપરાંત વિપુલ ચૌધરી પર ખાંડ અને મૉલાસિસની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ પણ થયો.
સાગર દાણનું કથિત 22 કરોડનું કૌભાંડ સામે આવ્યું. આ અંગે સહકારી રજિસ્ટ્રાર પ્રતીક ઉપાધ્યાયે તપાસ કરી હતી.
ચૅરમૅનપદ ગુમાવ્યું
‘સાગર દાણ’ના કૌભાંડના આરોપ બાદ રજિસ્ટ્રાર ઑફ કૉ-ઑપરેટિવ સોસાયટીના ચૅરમૅને ડેરીમાંથી એમનું સભ્યપદ રદ કરવાનો આદેશ આપ્યો હતો.
આ આદેશને વિપુલ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો અને જસ્ટિસ એસ. એચ. વોરાએ આદેશ સામે સપ્ટેમ્બર 2018માં સ્ટે આપ્યો હતો.
અગાઉ વિપુલ ચૌધરીને ગેરરીતિના મામલે દૂધસાગર ડેરીના ચૅરમૅનપદેથી દૂર કરવાના અને ત્રણ વર્ષ સુધી ચૂંટણી નહીં લડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ 31 જુલાઈ 2019માં સ્ટેટ કૉ-ઑપરેટિવ ટ્રિબ્યુનલે વિપુલ ચૌધરીને ‘સાગર દાણ’ના 22.5 કરોડના કેસમાં 40% રકમ એટલે કે 9 કરોડ રૂપિયા જમા કરાવવાનું કહ્યું.
આ નવ કરોડની રકમનો હાલ થયેલી ધરપકડ સાથે નાતો છે.
બોનસ કૌભાંડ
એક કૌભાંડથી બચવા માટે બીજું કૌભાંડ કર્યું જેમાં તેઓ ફસાયા. વિપુલ ચૌધરી સામે 9 કરોડના ગોટાળાની ફરિયાદ કરનારા દૂધસાગર ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીએ કરી હતી.
વિપુલ ચૌધરીએ ડિરેક્ટર નહીં હોવા છતાં કર્મચારીઓને બમણું બોનસ આપવાની એમના સાગરિતો મારફતે જાહેરાત કરી હતી. આ નાણાં ડેરીમાંથી એમનાં ખાતાંમાં જમા કરાવ્યાં. કોરા ચેક લખાવી વિપુલ ચૌધરી એ નવ કરોડ જમા કરાવ્યા હતા.
વિપુલ ચૌધરીએ લેખિત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, સરકારનો આ આરોપ ખોટો છે. તેમણે પોતાની જમીન વેચીને પૈસા જમા કરાવ્યા છે. કોઈ ઉચાપત કરી નથી. વિપુલ ચૌધરી સામેની આ ફરિયાદને આધારે સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાન્ચે એમની ધરપકડ કરી કોર્ટેમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.