ગુજરાતની યુદ્ધ કથા – કાશ્મીર કરતાં કચ્છ સરહદ જોખમી

18 હજાર શબ્દો

ગાંધીનગર, 23 એપ્રિલ 2023

22 એપ્રિલ 2023ના રોજ, BSF એ ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર ગુજરાત અને રાજસ્થાનના બાડમેર ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાક રેન્જર્સ અને પાક મરીન સાથે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે કરી હતી. મીઠાઈઓનું વિનિમય બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગદરા, કેલનોર, સોમરાર અને ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદો તેમજ સિરક્રીક ખાતે થયું હતું.

રાષ્ટ્રીય મહત્વના તહેવારો પર આવી મીઠાઈઓ અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરવાથી પરસ્પર સૌહાર્દ, ભાઈચારો વધે છે અને બંને સીમા રક્ષક દળો વચ્ચે મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

26 જાન્યુઆરી 2023, BSFએ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ અને રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પાક રેન્જર્સ સાથે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે કરી. ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદો સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ICPs મુનાબાઓ, ગદરા, કેલનોર, સોમરાર અને વરણાહાર ખાતે BSF અને પાક રેન્જર્સ વચ્ચે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે થઈ હતી.રાષ્ટ્રીય તહેવારો પર મીઠાઈઓ અને શુભેચ્છાઓનું આદાનપ્રદાન એ ભારત અને પાકિસ્તાનના સરહદ રક્ષક દળો વચ્ચે આત્મવિશ્વાસ નિર્માણના પગલાંનો એક ભાગ છે.

15મી ઓગસ્ટ 2022ના રોજ ભારતના 76માં સ્વતંત્રતા દિવસના શુભ અવસરે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા ​​ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ અને રાજસ્થાનના બાડમેર જિલ્લા પર પાકિસ્તાની રેન્જર્સને મીઠાઈઓ અર્પણ કરવામાં આવી હતી. તો સરહદની બન્ને કોરના રક્ષક દળોએ એકબીજાને આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. દેશની ચોવીસે કલાક ખડેપગે સુરક્ષા કરતા સીમા પરના જવાનોએ પણ ત્યારે પાડોશી દેશ સાથે ઉજવણી કરી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભારતની સીમા સુરક્ષા બળના જવાનોએ પાકિસ્તાની જવાનો સાથે મીઠાઈની આપ-લે કરી હતી. BSF ગુજરાત ફ્રન્ટિયર અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે મીઠાઈઓ અને શુભેચ્છાઓનું આદાન પ્રદાન ગુજરાતના ભુજ અને બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદો પર થયું હતું. તો સાથે જ ગુજરાત ફ્રન્ટિયર દ્વારા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ICP મુનાબાઓ, ગદરા, કેલનોર, સોમરાર અને વર્નાહર ખાતે થયું હતું. 14 ઓગસ્ટના પાકિસ્તાન પોતાનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો હતો ત્યારે ભારતીય જવાનોએ પણ મીઠાઈ આપી પાકિસ્તાની જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

કચ્છ સરહદ
ગુજરાતની કચ્છ બોર્ડર પર BSFએ પાકિસ્તાની રેન્જર્સને 10 જૂલાઈ 2022માં શુભેચ્છા પાઠવી મિઠાઈનું કર્યું આદાન-પ્રદાન કર્યું હતું. બકરી ઈદ નિમિતે BSF ગુજરાત ફ્રંટિયરે પાકિસ્તાન રેન્જર્સને મિઠાઈ આપી શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાત ફ્રંટિયરે ગુજરાતના કચ્છ અને રાજસ્થાનના બાડમેર જિલ્લાની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સહદર પરથી મિઠાઈનું આદાન-પ્રદાન બકરી ઈદની ઉજવણી કરી હતી.
ગદરા, વર્ણહાર, કેલનોર અને સોમરરમાં મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી. BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે સરહદ પર મૈત્રીપૂર્ણ વાતાવરણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં આવા પ્રસંગો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. BSFના જવાનો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકતા નથી.

ગદરા રોડ પરથી 35 કરોડ રૂપિયાનું હેરોઈન મળ્યું
7 ફેબ્રુઆરી 2022માં બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગુજરાત ફ્રન્ટિયરે બાડમેરના ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક, 35 કરોડ રૂપિયાની કિંમતનું 14 કિલો 740 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. ગદરા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના પંચલા ગામ નજીક પડતી માતા કી તલાઈમાં મોટી માત્રામાં નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો. ગુજરાત ફ્રન્ટિયર રાજસ્થાન અને ગુજરાતના બાડમેર જિલ્લા સાથે 826 કિમીની આંતરરાષ્ટ્રીય સરહદ છે. જેમાં ગુજરાતના 85 કિમીના દરિયાકાંઠાના વિસ્તારને આવરી લે છે.

રાજસ્થાનના શ્રીગંગાનગરના રાયસિંહનગરમાં સરહદ પર પાકિસ્તાને ડ્રોન દ્વારા રૂ.15 કરોડના હેરોઈનના 6 પેકેટ ભારતીય સરહદમાં ઉતારવામાં આવ્યા હતા. કારમાંથી તેની ડિલિવરી લેવા આવેલા તસ્કરોએ BSF જવાનો પર ફાયરિંગ કર્યું હતું. બે તસ્કરોને સ્થળ પરથી પકડી પાડ્યા હતા. બાકીના તસ્કરો વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

ગયા વર્ષે 14 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું હતું. આ હેરોઈનને ઝાડીઓ વચ્ચે સંતાડીને રાખવામાં આવી હતી.

લાંબા સમયથી ભારત-પાકિસ્તાન બોર્ડર પર હેરોઈનની દાણચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સરહદી વિસ્તારોમાંથી BSF અનેક વખત હેરોઈન જપ્ત કરી ચૂક્યું છે. અનેક વખત દાણચોરો પણ ઝડપાઈ ચૂક્યા છે. આ વિસ્તારના સ્થાનિક દાણચોરો સરહદ પાર પાકિસ્તાનના દાણચોરો સાથે મળેલા હોય છે. સ્થાનિક દાણચોરો ડ્રોન દ્વારા ભારતીય સરહદ સુધી પહોચાડાયેલા હેરોઇનને પંજાબમાં સપ્લાય કરે છે. ડ્રોન દ્વારા દાણચોરી

બલુન
1 નવેમ્બર 2022માં બિકાનેરના ખાજુવાલા વિસ્તારમાંથી પાકિસ્તાની બલૂન મળ્યું હતું. ખેડૂત રાજુ મંજુના ખેતરમાં પાકિસ્તાન લખેલું બલૂન જોવા મળ્યું હતું. બલૂન પર અંગ્રેજીના મોટા અક્ષરોમાં પાકિસ્તાન લખેલું હતું. પોલીસે બલૂન જપ્ત કરી લીધું હતું. દંતોર પોલીસ સ્ટેશને તપાસ કરતાં બલૂનમાં કોઈ જીપીએસ કે અન્ય ઉપકરણ જોવા મળ્યું ન હતું.

વોટ્સએપ કોલ
ભૂતકાળમાં સરહદ પારથી શંકાસ્પદ વસ્તુઓ ભારતીય સરહદમાં આવતી રહે છે. કેટલીકવાર પાકિસ્તાનથી સ્થાનિક લોકોને શંકાસ્પદ વોટ્સએપ કોલ પણ આવે છે.

તનાવ
2013માં પાકિસ્તાને પોતાના રેન્‍જર્સની રજાઓ કેન્‍સલ કરી ને સીમા ચોંકીમાં રેન્‍જર્સની સંખ્‍યા વધારી દીધી હતી. પંજાબ અને અન્‍ય સ્‍થાનોએથી રેન્‍જર્સને ગુજરાત અને રાજસ્‍થાન સીમા પર બનેલી ચોકીઓમાં તૈનાત કરાયા હતા. પાકિસ્તાનની વધેલી હલચલને ધ્યાનમાં રાખીને બીજી તરફ બીએસએફે સરહદ પર ગઇકાલથી ઓપરેશન એલર્ટ શરૂ કરી દીધુ છે.
ભારતીય બીએફએફએ પશ્ચિમી સરહદે ઓપરેશન એલર્ટ શરૂ કર્યું છે. આ માટે બટાલિયન હેડ કવાર્ટરમાં બેઠેલા જવાનોને બીઓપી નજીક પહેરો ભરવા મોકલી દીધા છે. ઓપરેશન હેઠળ પાયદળ, ઉંટ તથા વાહનથી પહેરો વધારી દેવામાં આવ્‍યો હતો.

બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાની સરહદો જોતાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ જિલ્લાનું ઘણું મહત્ત્વ છે. ગુજરાત રાજ્યનો આ સરહદી જિલ્લો હોઇ તેના પ્રશ્નો લશ્કરી દ્રષ્ટિએ મહત્ત્વના અને તાકીદના બની રહે

ઘુસણખોર ઠાર
ગુજરાત-રાજસ્થાન સરહદ પર તારબંધીને ઓળંગીને મોડી રાત્રે કચ્છ સરહદ પાસે એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરતો પણ જોવાં મળ્યો હતો. 8 ઓગષ્ટ 2020માં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યાની પ્રથમ ઘટના બની ત્યારે BSFનાં જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર પણ માર્યો હતો. ઘૂસણખોર ફ્રરાર થઈ ઝાડની પાછળ છુપાઈ ગયો હતો. પાકિસ્તાન બાજુથી હિલચાલ હતી. ઘૂસણખોર અંગેની જાણકારી BSFએ પાકિસ્તાનની પાસેથી પણ માંગી હતી.

સરહદ પાર પ્રેમ
ભારતના ગુજરાત તથા રાજસ્થાન પાકિસ્તાનના સિંધ પ્રાંત સાથે જોડાયેલા છે. બંને દેશોની સરહદ પર વાડ કરવામાં આવી છે. તાજેતરમાં 2021 અને 2022માં સરહદ પાર કરવાની અનેક ઘટનાઓ બહાર આવી છે.

પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં રહેતા 21 વર્ષીય મોહમ્મદ અહમરે 2022માં ગેરકાયદેસર રીતે ભારત-પાકિસ્તાનની સરહદ પાર કરીને મુંબઈમાં રહેતી ‘પ્રેમિકા’ને મળવાનો પ્રયાસ કર્યો હતો.

બહાવલપુરમાં રહેનારા 30 વર્ષીય અલાઉદ્દીને પણ શ્રીગંગાનગર ખાતે સરહદ પાર કરી હતી, પરંતુ પૂછપરછ દરમિયાન કશું સંદિગ્ધ મળ્યું ન હતું.

ઓગસ્ટ-2021માં સિંધના થરપારકરના એક યુવકે પોતાના પરિવાર સાથે ઝઘડા બાદ ઘર છોડી દીધું હતું, તે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પ્રવેશી ગયો હતો.

એપ્રિલ-2021માં બાડમેર વિસ્તારમાં 8 વર્ષીય બાળકે ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી નાખી હતી.

આવી જ રીતે સરહદ પાર કરીને પાકિસ્તાનમાં પહોંચી જનારા ભારતીયોના કિસ્સા પણ નોંધાતા રહે છે.

નવેમ્બર-2020માં રાજસ્થાનના બાડમેરની એક વ્યક્તિ સરહદ પાર કરીને પાકિસ્તાન સિંધમાં પ્રવેશી ગઈ હતી. જ્યારે તે છુપાઈને પોતાની પ્રેમિકાના ઘરમાં પ્રવેશી રહી હતી ત્યારે પ્રેમિકાના પરિવારજનોએ તેને જોઈ લીધી હતી અને તે ઝડપાઈ ગઈ ગઈ.

જુલાઈ-2020માં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં રહેતા એક શખ્સે કરાચીની એક છોકરીને મળવા માટે કચ્છની સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે ઓનલાઇન મુલાકાત થઈ હતી અને પ્રેમ પાંગર્યો હતો. આથી જ યુવતીને મળવા માટે તે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 1 હજાર કિલોમીટર મોટર સાઈકલ ચલાવીને કચ્છ જિલ્લામાં પહોંચી ગયો હતો, જ્યાં પાણીના અભાવે તે બેભાન થઈ ગયો હતો. અનુપગઢમાં જ્યાંથી અહમરે સરહદ પાર કરી ત્યાં કોઈ લૈલા-મજનુની મજાર હોવાનું લોકો માને છે. એક સમયે સરહદની બંને બાજુએ તેમાં શ્રદ્ધા ધરાવનારા પોતાના પ્રેમની સફળતા માટે માનતા માનવા માટે અહીં આવતા હતા.

ઓપરેશન એલર્ટ
22 જાન્યુઆરી 2023માં ભારત-પાકિસ્તાન સરહદ પર ‘ઓપરેશન એલર્ટ’ લોન્ચ કર્યું ત્યારે કચ્છના રણ અને રાજસ્થાનના બાડમેર સરહદ પર રાષ્ટ્રવિરોધી તત્વોના કોઈ પણ મલિન ઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવી હતી. ‘ઓપરેશન એલર્ટ’ અભ્યાસ 21 જાન્યુઆરીથી શરૂ થયું અને 28 જાન્યુઆરી સુધી ચાલેલું હતું.

હરામી નાળુ
દૂરના પ્રદેશો તેમજ ખાડીઓ અને હરામી નાળામાં વિશેષ અભિયાન ચલાવેલું હતું. હરામી નાળા ગુજરાતના કચ્છ વિસ્તાર સ્થિત છે જે ભારત અને પાકિસ્તાનને વચ્ચે 22 કિલોમીટર લાંબી સમુદ્રી ચેનલ છે. બંને દેશો વચ્ચે સરક્રીક વિસ્તારની 96 કિલોમીટર લાંબી વિવાદિત સરહદ આવે છે. આટલા લાંબા નાળામાં ઘૂસણખોરી અને દાણચોરી કરનાર માટે સ્વર્ગ સમાન છે. આ કારણે જ તેનું હરામી નાળા પડ્યું છે. અહીં પાણીનું સ્તર ભરતી અને હવામાન મુજબ બદલાતું રહે છે. તેથી તેને ખતરનાક પણ ગણવામાં આવે છે.

કચ્છ સંવેદનશીલ સરહદ
કાચબા જેવા તેના આકારને કારણે અથવા કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું છે.
ગુજરાતમાં કચ્છની સાથે ભારત-પાકિસ્તાન સરહદ સંવેદનશીલ છે, કેમકે અનેક પાકિસ્તાની નાગરિક ભૂતકાળમાં માછલી પકડવા માટે ભારતીય જળ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાદ પોતાની હોડી સાથે પકડાય ગયા હતા. સત્તાવાર આંકડા મુજબ BSFએ 2022માં ગુજરાતના આ ક્ષેત્રમાંથી 22 પાકિસ્તાની માછીમારોને પકડ્યા હતા. જે મુજબ BSFએ માછલી પકડવાની 79 હોડી અને 250 કરોડ રૂપિયાની કિંમતના હેરોઈન તેમજ 2.49 કરોડ રૂપિયાનું ચરસ જપ્ત કર્યું હતું.

ભારતના કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચે સાંસ્કૃતિક સમન્વય છે. રોટી-બેટીના વ્યવહારને કારણે આજે પણ અનેક પરિવારો સામાજિક રીતે સંકળાયેલા છે તેથી કચ્છ સરહદ ખુલ્લી કરવી જોઇએ. કચ્છમાં વસતા મહેશ્વરી સમાજના તીર્થસ્થાનો સિંધ પ્રાંતમાં આવેલા છે. કંડલા- મુન્દ્રાથી કરાંચીની ફેરીબોટ શરૂ થવી જોઇએ.

કચ્છ સરહદે ચીન
1 એપ્રિલ 2023માં સિંધમાં ચીનની ભાગીદારીમાં બનેલા થરપારકરમાં બે કોલસા આધારિત પાવર પ્લાન્ટનું ઉદઘાટન થયું હતું. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ચીન કચ્છની બોર્ડર પાસે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. જેમાં કોલસાની ખાણ અને પાવર પ્લાન્ટ છે.
1,320 મેગાવોટ થાર કોલ બ્લોક-1 અને થલ નોવા 330 મેગાવોટ બ્લોક-ઈંઈં છે. પાકિસ્તાની વડાપ્રધાને કાર્યક્રમમાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક પૂર્ણ થવું એ ચીન અને પાકિસ્તાન વચ્ચે મજબૂત ભાગીદારીનો પુરાવો છે. અમને આ સિદ્ધિ પર ગર્વ છે.

10 બોટ ઘુસી આવી
7 જૂલાઈ 2022માં કચ્છ સરહદ પરના હરામી નાળા વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશી રહેલી 10 માછીમારી બોટ સાથે 4 પાકિસ્તાની માછીમારોને BSF ભુજની એમબુશ ટીમે પકડી પાડ્યા હતા. સરહદ પર ના બીપી નંબર 1165 અને 1166 ની વચ્ચે બોટમાં શંકાસ્પદ વસ્તુ મળી આવી નોહતી.

એલ ઈ ડી લાઈટ
રાજસ્થાનમાં 2017-18માં લગાવ્યા બાદ 2021માં ગુજરાત સરહદ પર લાગેલી સોડિયમ ફલ્ડ લાઇટના સ્થાને એલ.ઇ.ડી. લાઇટ નાંખવાનો નિર્ણય લેવાયો હતો.

ગુજરાતના કચ્છ રણ વિસ્તારમાં 508 કિલોમીટરમાં 2970 પોલ પર 11,800 સોડિયમ લાઇટ લાગેલી હતી. દરેક પોલ પર ચાર લાઇટ લાગેલી છે. એક રાતમાં એક પોલ પર 12 યુનિટ વિજળીનો વપરાશ થાય છે.

પાકિસ્તાનથી ભારતની 3323 કિલોમીટર સરહદ જમીન પર લાગુ પડે છે. જેમાં ભારતને મોટાભાગમાં તારબંધી કરી રાત્રે નજર રાખવા ભારતે 2009 કિલોમીટર લંબાઇમાં ફલ્ડ લાઇટ લગાવાઇ હતી. જેમાં પંજાબ, રાજસ્થાનમાં ફલ્ડ લાઇટ બદલવાનું કામ પૂર્ણ થઇ ગયું છે.

કચ્છ વોર મેમોરિયલ
એપ્રિલ 1965માં છાડબેટ તથા કચ્છના રણના કેટલાક ભાગ ઉપર દાવો કરી પાકિસ્તાને કચ્છ ઉપર આક્રમણ કર્યું. ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતા સરહદી પ્રદેશનું વિમાન દ્વારા નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે તે વિમાન તોડી પડાતાં સુથરી નજીક તેમનું અવસાન થયું હતું. ટ્રિબ્યુનલ દ્વારા સરહદી વિવાદ મિટાવવા નિર્ણય લેવાયો. સ્વીડન, યુગોસ્લાવિયા અને ઈરાનના ન્યાયાધીશોની બનેલી ટ્રિબ્યુનલે 19-2-68ના રોજ આપેલા ચુકાદા મુજબ છાડબેટ સહિત કચ્છના રણનો 10 ટકા ભાગ પાકિસ્તાનને ફાળે ગયો. 1971ના યુદ્ધ વખતે કચ્છનો મોરચો મહદંશે શાંત હતો.

કચ્છના ખાવડા ગામથી આગળ જતાં ભારત પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા બીએસએફ વોર મેમોરિયલ એવી જ એક જગ્યા છે જે પ્રવાસીઓની મુલાકાત માટે ખુલ્લું છે
ગુજરાતમાં બોર્ડર ટુરિઝમ વિકસાવવા બનાસકાંઠાના નડાબેટ ખાતે શરૂ કરાયેલ સીમા દર્શન કાર્યક્રમ થકી આંતરાષ્ટ્રીય સરહદ પણ એક પ્રવાસન સ્થળ બની છે. જો કે, કચ્છમાં આ બોર્ડર ટુરિઝમ અનેક વર્ષો પહેલા વિકસી ચૂક્યો છે અને તેનો મુખ્ય આકર્ષણ છે કચ્છના ધર્મશાળા પાસે બનાવેલો બીએસએફ વોર મેમોરિયલ.

નો મેન્સ લેન્ડ કહેવાતા આ નિર્જન વેરાન રણ વચ્ચે 1971ના એ યુદ્ધમાં શહીદ થયેલા સીમા સુરક્ષા બળના વીર જવાનોની યાદમાં સ્મારક છે.

1965માં પાકિસ્તાન દ્વારા ઓપરેશન ડેઝર્ટ હોક ચઢાઈ કરી હતી. સરદાર પોસ્ટ અને તક પોસ્ટની રખવાળી કરતાં સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ અને ગુજરાત સ્ટેટ પોલીસ ફોર્સ પર 9 એપ્રિલના વહેલી સવારે 3.30 વાગ્યે પાકિસ્તાની આર્મીએ યુદ્ધ શરૂ કર્યું હતું. સીઆરપીએફની નાનકડી ટુકડીએ 12 કલાક સુધી પાકિસ્તાની લશ્કરને રોકી રાખી 34 પાકિસ્તાની જવાનોને ઠાર માર્યા હતા. ચારને જીવતા પકડ્યા હતા. યુદ્ધમાં સીઆરપીએફના 8 જવાનો શહિદ થયા હતા. 19ની પાકિસ્તાની આર્મીએ ધરપકડ કરી હતી. ડિસેમ્બર 5 અને 6 દરમિયાન બીએસએફ દ્વારા પાકિસ્તાનના કાલીબેટ, વીંગી, પાનેલી, જટલાઈ, જાલેલી અને વિંગોર બોર્ડર આઉટપોસ્ટ પણ કબ્જે કરવામાં આવ્યા હતા.
યુદ્ધ બાદ બોર્ડર સિક્યોરિટી ફોર્સ 1લી ડિસેમ્બર 1965ના સીમા સુરક્ષા બળ બનાવ્યું હતું.જે ભારતની સીમાઓની 24 કલાક રખેવાળી કરતી ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ છે.

બીઓપી કબ્જે કરીને બીએસએફ પાકિસ્તાનના નગરપારકર અને વિરવાહ શહેરોને કબ્જે કર્યા હતા. ભારતે કબ્જે કરેલા પાકિસ્તાની ક્ષેત્રમાં વહીવટી માળખું પણ ઊભું કર્યું હતું, જેમાં વી. કે. દુગ્ગલ ત્યાંના કલેકટર બન્યા હતા. વિજય સિંહ ઘુમાન ત્યાંના પોલીસ અધિક્ષક બન્યા હતા.

નગરપારકરને વહીવટી મથક બનાવી ડિસેમ્બર 1971થી ઓગસ્ટ 1972 સુધી 1038 ચો. કિમી. પાકિસ્તાની વિસ્તાર ભારતના કબ્જામાં રહ્યો હતો. શિમલા એગ્રીમેન્ટ બાદ ભારતીય સેના અને વહીવટી તંત્ર ત્યાંથી પરત ફર્યો હતો.

ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા આ યુદ્ધને વધુ યાદગાર બનાવવા અને સીમા સુરક્ષા બળના જવાનોની વીરતાને અમર રાખવા ગુજરાત સરકાર દ્વારા ધર્મશાળા પાસે 2013માં વોર મેમોરિયલ બનાવવામાં આવ્યું હતું.

આ બીએસએફ વોર મેમોરિયલ જવા ભુજ તાલુકાના ખાવડા ગામથી ઇન્ડીયા બ્રિજ તરફ જવું પડે છે. જાહેર જનતાને જવા માટે ઇન્ડીયા બ્રિજ આખરી સ્થળ છે. પરંતુ આ વોર મેમોરિયલની મુલાકાત લેવા ઈચ્છતા પ્રવાસીઓ બીએસએફના સેક્ટર હેડક્વાર્ટર ખાતેથી લેખિત અનુમતિ લઈ ઇન્ડીયા બ્રિજ પસાર કરી ધર્મશાળા મધ્યે આવેલા આ વોર મેમોરિયલ સુધી પહોંચી શકે છે.

સાત દિવસ પહેલા લેખિત અરજી ભુજના કોડકી રોડ પર આવેલા બીએસએફ સેક્ટર હેડક્વાર્ટર ખાતે જમા કરાવવાની હોય છે. બે થી ત્રણ દિવસમાં બીએસએફ દ્વારા ચકાસણી કરી પરમીટ આપવામાં આવતી હોય છે.

દર વર્ષે રણ ઉત્સવ દરમિયાન, 80% પ્રવાસીઓ નારાયણ સરોવર, માંડવી, લખપત અને અન્ય પ્રવાસન સ્થળોને છોડીને કચ્છના રણમાં પાક સરહદ પર વૈકલ્પિક પેકેજ ટૂર પસંદ કરવાનું પસંદ કરે છે.

સપ્ટેમ્બર 2012 સુધીમાં 75 લાખના ખર્ચે તૈયાર થવાનું હતું. સ્મારકમાં 1971ના યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા જવાવોના નામ છે. 1971ના યુદ્ધમાં વપરાયેલા હથિયારોનું પ્રદર્શન અને વિઘોકોટની સરહદ પર પહોંચતા રહેવા માટે જગ્યા મળશે. ડિસેમ્બરમાં વાર્ષિક રણ ઉત્સવ દરમિયાન મોટા પાયે પરમિટ જારી કરવામાં આવે છે. થોડા હજાર મુલાકાતીઓ સરહદની મુલાકાત લે છે.

વિરાંગના સ્મારક
8 ડિસેમ્બર 1971નાયુદ્ધમાં ભુજના હવાઈ દળના હવાઇ મથકે રાતોરાત એરસ્ટ્રીપ ઉભી કરનારી માધાપરની વિરાંગનાઓનું સ્મારક રૂપિયા 50 લાખના ખર્ચે બનાવાયું હતું. 7 વર્ષથી સતત નવાવાસ સરપંચ અરજણ ભુડિયા તથા જયંત માધાપરિયાએ સ્મારક માટે પ્રયત્નો કર્યા હતા.
8 ડિસેમ્બરના રાતના અંધારામાં પાકિસ્તાની ફાઇટર પ્લેન દ્વારા 8 બોમ્બમારો થયો હતો. આખી એરસ્ટ્રીપ તોડી પાડવામાં આવી. પાકિસ્તાન સતત હવાઈ હુમલા કરી રહ્યું હતું. પરંતુ ભારતના વિમાનો ઉડવામાં નિષ્ફળ રહ્યા હતા. માધાપુરના સ્થાનિક લોકો અને મહિલાઓએ આગેવાની લીધી અને 72 કલાક સુધી પોતાનો જીવ જોખમમાં મૂકીને હવાઈ હુમલાઓ વચ્ચે હવાઈ પટ્ટીનું પુનઃનિર્માણ કર્યું હતું. ભારતના વિમાનોએ બોમ્બ દ્વારા પાકિસ્તાનના આત્મા ચકનાચૂર થઈ ગયા. દેશભક્તિનું અનોખું ઉદાહરણ ભુજ જ નહીં, દેશની સેના હંમેશા યાદ રાખે છે.

2001ના ભૂકંપમાં પણ માત્ર તે આર્મી એરબેઝ જ નહીં પરંતુ સમગ્ર આર્મી કેમ્પ ધ્વસ્ત થઈ ગયો હતો. પાકિસ્તાનથી બાંગલાદેશને ઈંદિરા ગાંધીએ અલગ કર્યું ત્યારે 1971ના યુદ્ધ થયું હતું. પાકિસ્તાનને અમેરિકાનો ટેકો હતો. યુદ્ધના કેટલાક નાયકો હજુ પણ માધાપરમાં રહે છે. 1971ના યુદ્ધ બાદ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમનું સન્માન કર્યું, તો 50 હજાર રૂપિયાનું ઈનામ પણ આપ્યું. સ્મારક વખતે 70 ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

એરસ્ટ્રીપ બનાવનારા 322 મહિલાઓમાંથી હાલ 47 વીરાંગનાઓ હયાત છે. તેમાની મોટા ભાગની મહિલાઓ માઘાપરમાં જ રહે છે. 1971ના યુદ્ધમાં ભારતનો પાકિસ્તાન સામે જળહળતો વિજય થયો હતો, એ જીતની સહભાગી બનેલી કચ્છની મહિલાઓએ દેશના ઇતિહાસમાં સુનહરા અક્ષરે પોતાનું નામ અંકિત કર્યું છે.

આખી વાત
સાહસિક મહિલાઓમાંથી એક વલ્બાઈ સેધાની હતા. એ સમયે તેણી પોતે એક સૈનિક હોય તેવો અનુભવ કરી રહી હતી. 9 ડિસેમ્બર, 1971ના દિવસે તેમને બોમ્બ પડવાની સૂચના મળી હતી. ત્યારે આર્મીના ટ્રક પર ચઢતી વખતે આ મહિલાઓએ એક પણ વખત પોતાના પરિવારની સુરક્ષા અંગે વિચાર કર્યો ન હતો. તેઓ બસ એકસ્ટ્રિપના સમારકામ માટે નીકળી પડી હતી.

વાયુસેનાની મદદ માટે દ્રઢ નિશ્ચય સાથે ઘરમાંથી નીકળી હતી. તત્કાલિન જિલ્લા કલેક્ટરે આ 322 બહાદુર મહિલાઓને સન્માનિત કરી હતી. જ્યારે ગામના સરપંચ જાધવજી હિરાનીએ આગળ આવીને આ મહિલાઓ પાસેથી વાયુસેનાની મદદ કરવા માટે સહયોગ માંગ્યો ત્યારે તમામ મહિલાઓએ ખુશી વ્યક્ત કરતા તેમનો સાથ આપ્યો હતો.

યુદ્ધ દરમિયાન કાર્નિક ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. આ મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં સ્ક્વૉડ્રન લીડર વિજય કાર્નિકનું પણ મહત્ત્વનું યોગદાન રહેલું છે.

50 આઈએએફ અને 60 ડિફેન્સ સિક્યુરિટી કોરના જવાનો અને અન્ય બે વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને આ મહિલાઓએ એવું સુનિશ્ચિત કર્યું કે વિસ્ફોટમાં ક્ષતિગ્રસ્ત થવા છતાં એરસ્ટ્રિપ ચાલુ રહે.

સક્વૉડ્રન લીડર કાર્નિકએ કહ્યું કે, “અમે એક યુદ્ધ લડી રહ્યા હતા. આ યુદ્ધ દરમિયાન આ મહિલાઓમાંથી એક પણ ઘાયલ થતી તો અમારા પ્રયાસોને મોટું નુકસાન થતું. હુમલાની સ્થિતિમાં તેમણે ક્યાં આશરો લેવાનો છે. તમામ મહિલાઓએ બહાદુરીપૂર્વક તમામ સૂચનાઓનું પાલન કર્યું હતું.”

તૂટી ગયેલી એરસ્ટ્રીપનું સમારકામ ખરેખર મુશ્કેલ કામ હતું. કારણ કે તમામ નાગરિકોના જીવને ખતરો હતો. તમામે અધિકારીઓની સૂચના પ્રમાણે કામ શરૂ કરી દીધું હતું. પરંતુ જ્યારે પણ પાકિસ્તાનનું બોમ્બર વિમાન આ તરફ આવવાની સૂચના મળતી હતી ત્યારે એક સાઇરન વગાડીને તમામને એલર્ટ કરી દેવામાં આવતા હતા.
તમામ તાત્કાલિક ભાગીને ઝાડી-ઝાખરામાં છૂપાઈ જતા હતા. અમને આછા લીલા રંગની સાડી પહેરવાનું કહેવામાં આવતું હતું. જેનાથી ઝાડીઓમાં સરળતાથી છૂપાઈ શકાય. એક નાનું સાઇરન એ વાતનો સંકેત આપતું હતું કે ફરીથી કામ શરૂ કરી દેવાનું છે. સવારથી સાંજ સુધી ખૂબ મહેનત કરતા હતા, જેનાથી દિવસના અંજવાળાનો મહત્તમ લાભ લઈ શકાય.

એરસ્ટ્રિપ રિપેર કરનારી સાહસી મહિલા વીરુ લછાનીએ જણાવ્યું કે, “દુશ્મનના વિમાનને થાપ આપવા માટે અમને એરસ્ટ્રિપને છાણથી ઢાંકવાનું કહેવાયું હતું. કામના સમયે જ્યારે સાઇરન વાગતું હતું ત્યારે અમે બંકરો તરફ ભાગતા હતા. એક સ્ટ્રાઇક વખતે અમારે બંકરમાં સુખડી અને મરચાથી કામ ચલાવવું પડતું હતું.”

પહેલા દિવસે ખાવાનું ન હોવાથી ભૂખ્યા પેટે ઊંઘવું પડ્યું હતું. બીજા દિવસે બાજુના મંદિરેથી ફળો અને મીઠાઈ મોકલવમાં આવી હતી. જેનાથી ત્રીજા દિવસે કામ કરવામાં પણ મદદ મળી હતી.

ચોથા દિવસે સાંજે ચાર વાગ્યે એક લડાકૂ વિમાને એરસ્ટ્રિપ પરથી ઉડાન ભરી હતી. મહિલાઓ માટે આ ગર્વની વાત હતી. તેમની મહેનત રંગ લાવી હતી.

વલ્બાઈનો દીકરો ફક્ત 18 મહિનાનો હતો. તેઓ દીકરાને તેણી પાડોશીઓ પાસે મૂકીને આવ્યા હતા.

તમામ પાયલટ મહિલાઓનું ધ્યાન રાખતા હતા. દેશભક્ત હીરુબેન ભૂદિયા કહે છે કે, “યુદ્ધના મેદાનમાં એરસ્ટ્રિપના સમારકામની જરૂર હતી. પરંતુ મજૂરોની અછતને કારણે તેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો હતો. અમે ફક્ત 72 કલાકમાં પાયલટ ફરીથી ઉડાન ભરી શકે તે માટે મહેનત કરી હતી. આજે પણ જરૂર પડે તે અમે સેનાની મદદ કરવા માટે તૈયાર છીએ.”

1971માં ભારત શસ્ત્રો અને સરંજામ ઓછા છતાં યુદ્ધનાં મર્યાદિત સાધનો હોવા છતાં આપણા બહાદુર સૈન્યએ પાકિસ્તાન પર વિજય મેળવી બંગલા દેશને પાકિસ્તાનથી અલગ પાડી દીધું.
આ યુદ્ધમાં કચ્છ એક મહત્ત્વનું કેન્દ્ર હતું. કચ્છ અને કરાચી વચ્ચે બહુ ઓછું અંતર છે એટલે પાકિસ્તાને કચ્છ પર વારંવાર હુમલાઓ કરી 95થી 100 બૉમ્બ ફેંક્યા હતા.

હુમલાઓથી ભુજ ઍરપોર્ટ તદ્દન પાંગળી અવસ્થામાં આવી ગયું. રનવે પર મોટા-મોટા ખાડા પડી ગયા. પાકિસ્તાનીઓ જાણતા હતા કે કરાચી સલામત હશે ત્યાં સુધી પાકિસ્તાન સલામત હશે. એટલે કરાચી નજીકના ભારતના લશ્કરી ઍરપોર્ટને તોડી પાક્યું હતું.

કચ્છના કલેક્ટર ગોપાલ સ્વામી અને સ્ક્વૉડ્રન લીડર કર્ણીકે ભુજ નજીકના માધાપર ગામના સરપંચ અને આગેવાનો પાસે મદદ માગી. લડાઈ પુરુષો માટે હોય છે એવું થોડું છે, મહિલાઓએ યુદ્ધના મેદાનમાં ગૌરવ મેળવ્યું છે. ભારતના યુદ્ધમાં આપણને વિજય અપાવવામાં ભુજની મહિલાઓ પણ હતી.

અજય દેવગનની ફિલ્મ ભારતીય વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકની વાસ્તવિક જીવનની વાર્તા પર આધારિત છે.

એરફોર્સની ટીમે તેને ફરીથી બનાવવામાં મદદ કરવા કોન્ટ્રાક્ટરો અને મજૂરોને શોધવાનો પ્રયાસ કર્યો. જો કે, એવું બહાર આવ્યું કે તેઓ બધા ભાગી ગયા હતા. સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકે નજીકના ગામની મહિલાઓની મદદ માટે સંપર્ક કરવાનું નક્કી કર્યું.

એરસ્ટ્રીપના ભાગને ગાયના છાણથી ઢાંકી દેવામાં આવતો હતો. બધા પોતાની જાતને છુપાવવા માટે લીલી સાડીઓ પહેરતા હતા.

મહિલાઓએ પોતાના મકાનો તોડી નાખ્યા અને સામગ્રીનો ઉપયોગ એરસ્ટ્રીપ બનાવવા માટે કર્યો હતો.

એકવાર એરસ્ટ્રીપ બની ગયા પછી, તેના પર ફરી બોમ્બ પાકિસ્તાને ફેંક્યો અને હવાઈ પટ્ટી તૂટી ગઈ હતી. ફરીથી બનાવવો પડ્યો. મહિલાઓ બાંધકામ કામદારો ન હતા. ન તો વિજય કર્ણિક, ન તેની ટીમ કે ન તો આ મહિલાઓ.

યુદ્ધમાં ભારતનો વિજય થયો અને આ પાટીદાર નારીઓ પોતાના સંસારમાં વ્યસ્ત થઈ ગઈ. આ બહાદુર કચ્છી નારીઓની વીરકથા સાંભળી વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની આંખો હર્ષથી ભીની થઈ ગઈ હતી. દેશભરમાં તેમનાં પ્રવચનોમાં આ વીરાંગનાઓની વાત કહેતા.

1972ના જાન્યુઆરીમાં ભુજ ખાતે આ નારીઓનું બહુમાન ઇન્દિરા ગાંધીએ કર્યું. 2015માં સ્મારક બન્યું હતું. 2027માં 68માં પ્રજાસત્તાક પરેડમાં આમાંની કેટલીક બહેનોને હાજર રાખી રાષ્ટ્રનું ધ્યાન દોર્યું હતું.

યુદ્ધના ત્રણ વર્ષ બાદ જ્યારે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભેટ આપવાની વાત કરી તો તમામ મહિલાઓએ વિનમ્રતાપૂર્વક ના કહી હતી. મહિલાઓએ કહ્યું હતું કે, અમે જે કંઈ કર્યું હતું તે દેશ માટે કર્યું હતું. 50,000 રૂપિયાની પુરસ્કાર રાશિ પણ માધાપુરના એક કોમ્યુનિટી હોલ માટે આપી દેવામાં આવી હતી.

પાટિદાર મહિલાઓ
માધાપરનું નામ માધા કાનજી સોલંકી પરથી પડ્યું હતું. હાલાર વિસ્તારમાંથી ધાનેતીમાંથી માધાપરમાં 1473માં વસ્યા હતા. શરૂઆતનું માધાપર અત્યારે જૂના વાસ તરીકે ઓળખાય છે. ક્ષત્રિયો પછીથી મિસ્ત્રી તરીકે ઓળખાવા લાગ્યા. વિકાસ, મંદિરો અને કચ્છના શરૂઆતના બાંધકામમાં અગત્યનો ફાળો આપ્યો હતો. પટેલ કણબી સમુદાયના લોકો 1576માં વસ્યા હતા. નવા વાસની સ્થાપના 1857માં થઇ હતી.

માધાપરના અસંખ્ય પાટીદારો અમેરિકા, ઇંગ્લૅન્ડ, આફ્રિકા ઇત્યાદિ દેશોમાં રહી કન્સ્ટ્રક્શન, હોટેલ, મોટેલ, ઓલ્ડ એજ હોમ ચલાવીને ડૉક્ટર, એન્જિનિયર તરીકે સેવા આપીને નામ અને દામ કમાયાં છે, પણ તેમના દિલમાં વતનની ખુશ્બૂ છલોછલ ભરાયેલી છે. એટલે જ વિદેશોમાં કમાઈને ધન માધાપરની બૅન્કોમાં ડિપોઝિટ તરીકે મૂકે છે. ધીરે-ધીરે કરતાં માધાપર નામના નાના ગામની બૅન્કો પાસે 2000 કરોડથી વધુ રૂપિયાની વિદેશી થાપણો છે. એટલે જ એશિયાની સૌથી વધુ ધનિક બૅન્ક ધરાવતા ગામ તરીકે માધાપરની ઓળખ બની ગઈ છે. પાછા વિદેશમાં વસતા પાટીદારો અવારનવાર ભારત આવી મબલખ પૈસા ખર્ચીને દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવે છે. હવાઈ પ્ટ્ટીનું સમારકામ કરનારી મોટાભાગની મહિલાઓ પાટીદાર હતી.

2000 નાગરિકોની વસ્તીવાળા માધાપરમાં ગુજરાતના કોઈ ગામમાં ન હોય એવી ખુબજ સારી સુવિધાઓ મળે છે. ગામના લોકોએ લંડનમાં ક્લબની રચના છે તેવું કાર્યાલય પણ છે. 1968 માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામની એક સંસ્થા બનાવવામાં આવી હતી અને તેની ઓફિસ ખોલવામાં આવી હતી, જેના કારણે અમેરિકામાં રહેતા માધાપર ગામના બધા લોકો કોઈક સામાજિક ઘટનાના બહાને એકબીજાને મળી શકે.

ગામમાં 17 બેંકો છે. બેંકોમાં 2 હજાર કરોડ રૂપિયાની રોકડ રૂપિયા પણ જમા છે. માધાપર ગામના લોકો વિદેશથી પૈસા કમાઈને પછી તે પૈસા ગામમાં જમા કરે છે. ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવેલી છે. ગામની દરેક બેંકમાં ઓછામાં ઓછી 100 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ રાખવામાં આવેલી છે.

લગભગ દરેક ઘરના 2 લોકો વિદેશમાં રહે છે.

ગામમાં એક ઓફિસ પણ ખોલવામાં આવી છે, જે સીધી લંડન સાથે જોડાયેલા રહે છે. ગૃપ વીડિયો પરિષદો દ્વારા પણ અઠવાડિયે એક ઉજવણી કરવામાં આવે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. મગ, તલ, બાજરી, જુવાર, રજકો જેવા અન્ય શાકભાજીની ખેતી થાય છે. કોઈ ખેડૂત તેનું ખેતર વેચતો નથી.

પ્લે સ્કૂલથી ઇન્ટર કોલેજ સુધી હિન્દી અને અંગ્રેજી માધ્યમના અભ્યાસ માટે સુવિધા છે. ગામનું પોતાનો શોપિંગ મોલ છે, જ્યાં વિશ્વભરની મોટી બ્રાન્ડ્સ પ્રદર્શિત કરે છે. તળાવ પણ છે. બાળકોનો સ્વીમિંગ પૂલ છે. અદ્યતન ગૌશાળા પણ છે. અદ્યતન સુવિધાઓ સાથેનું આરોગ્ય કેન્દ્ર છે. ઘણા દેવી દેવતાઓનાં મંદિરો છે. પર્સનલ કોમ્યુનિટી હોલ છે. ભવ્ય દરવાજો છે.

જખ અને વિદેશીઓની કુબાની
ધાર્મિક પ્રવાસ કેન્દ્ર તરીકે માધાપર છે. ગામમાં યક્ષ (જખ)નું મંદિર છે. દંતકથા મુજબ વર્ષો પહેલાં અરબીસ્તાનના પ્રવાસીઓ વહાણમાં બેસી દરિયામાં મુસાફરી કરી રહ્યા હતા. કચ્છના જખૌ બંદર પાસે આ વહાણનો અકસ્માત થતાં વહાણ ભાંગી ગયું હતું. ગોરા, કદ-કાઠીમાં ઊંચા 72 પ્રવાસીઓ બચીને જખૌ બંદર પર આવ્યા હતા.

ત્યાંથી કચ્છના નખત્રાણા પ્રદેશમાં આવ્યા. કકડભટ્ટ નામના એ પ્રદેશના રાજવીઓ જુલમી અને ક્રૂર રીતે પ્રજા ઉપર અત્યાચાર કરતા હતા. પ્રજાને જુલમથી બચાવવા એ વિદેશીઓએ લડાઈ કરી હતી. લડાઈમાં વીરગતિ પામ્યા, પણ પ્રજા રંજાડમાંથી મુક્તિ પામી હતી. એટલે મુક્તિ આપનાર તે વિદેશીઓને કચ્છની પ્રજા પીર તરીકે પૂજવા લાગી. જખૌ પર ઊતર્યા હોવાથી જખ તરીકે પ્રસિદ્ધ થયા.

જખદેવનું સ્મરણ કરતાં-કરતાં ત્રણ દિવસ સુધી ભુજ હવાઈ પટ્ટી (રનવે)નું સમારકામ કરતી રહી.

વિરાંગનાની યાદ નહીં
પોર્ટુગીઝોના જુલમી કાયદાનો જેઠીબાઇએ વિરોધ કર્યો હતો. દિવમાં વિરાંગના જેઠીબાઇનું સ્મારક પણ જન્મસ્થળ માંડવીમાં તો તેની સ્મૃતિ જ ભુંસાઇ ગઇ છે. 15મી ઓગસ્ટ 1839માં ઘટના બની હતી.
ગુજરાત – રાજસ્થાન સરહદ નજીક જમીન વિવાદને લઈને પથ્થરમારો અને તીર કામઠા વડે હુમલો

સાબરકાંઠાના પોશીનાના મથાસર ગામ પાસે જમીન વિવાદ મુદ્દે હિંસા જોવા મળી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીક જમીન વિવાદને લઈને મારામારી થતા તેમજ પથ્થરમારો અને તીર કામઠા વડે હુમલો થતા ત્રણ લોકો ઘાયલ થયા છે. સરહદ પર છેલ્લા 67 વષૅથી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે.

કમર ડૂબ પાણીમાં જીવના જોખમે નદી પાર કરવા મજબૂર આ ગામના લોકો
ઊના તાલુકાના દરિયાઈ કાંઠા પાસે આવેલા ખજુદ્રા ગામમાંથી શાહી નદી પસાર થાય છે. ચોમાસામાં દર વર્ષે નદીમાં પૂર આવતાં લોકોને સામે કાંઠે જવા કમર ડૂબ પાણીમાં જીવનું જોખમ ખેડવું પડે છે. અહીં વર્ષોથી પુલ અથવા કોઝવે બનાવવાની માગ ન સંતોષાતા ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. અગાઉ ત્રણ યુવાનો તણાઈ ગયા હોવાની પણ ઘટના બની ચૂકી છે. તો પૂરને લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા જઈ શકાતું નથી.તો ઈમર્જન્સી સેવા 108 પણ સામે કાંઠે પહોંચી શકતી નથી. શાહી નદી પર ગ્રામજનો છેલ્લા 15 વર્ષથી પૂલ અથવા કોઝવે બનાવવા રજૂઆતો કરે છે. પરંતુ તંત્રએ હજુ સુધી આ બાબત ધ્યાને ન લીધી હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે. ત્યારે હવે ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

65 વર્ષથી ચાલી રહેલા રાજસ્થાન-ગુજરાત સરહદ વિવાદનો શું આવશે અંત
જિલ્લા કલેક્ટર ઝાડોલ-કોટરા પહોંચ્યા અને સ્થાનિક રહીશોને મળ્યા. નિવૃત અમીન હિંમતસિંહ રાઠોડ પાસેથી આ વિવાદ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. ઝાડોલ-કોતરામાં રાજસ્થાન-ગુજરાત બોર્ડર સંદર્ભે તક નિહાળતા જિલ્લા કલેક્ટર તારાચંદ મીણા. જાગૃતિ

છેલ્લા 65 વર્ષથી ચાલી રહેલા રાજસ્થાન-ગુજરાત વચ્ચેનો સરહદી વિવાદ ઉકેલાવાની આશા જાગી છે. શનિવારે ઉદયપુર જિલ્લા કલેક્ટર તારાચંદ મીણાએ સરહદી ગામના લોકો સાથે વાત કરીને સમાધાનના પ્રયાસો શરૂ કર્યા. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે લગભગ પાંચ વીઘા જમીનને લઈને વિવાદ ચાલુ છે, જે ગુજરાતની સરહદ પરના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ઉપરાંત ઉદયપુર જિલ્લાના કોટરા, ખેરવારા અને ઝડોલ વચ્ચે છે. જિલ્લા કલેકટરે મામેર, મહાડી, અંજની, ઝાંઝર અને ઝડોલના સરહદી ગામોમાં વિવાદિત જમીન અંગે શનિવારથી પ્રયાસો શરૂ કર્યા હતા.

આદિવાસી લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિ જોઈ

તેમણે બાઇક દ્વારા આ વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી અને આદિવાસી લોકો સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિ નિહાળી હતી. તેમણે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી માહિતી લીધી હતી. એવું જાણવા મળ્યું હતું કે રેકોર્ડમાં ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં વિવાદિત જમીન ઓવરલેપ થવાને કારણે, આ વિવાદ આજદિન સુધી ઉકેલાયો નથી.

વિવાદનો અંત લાવી રાહત આપવાના પ્રયાસો કરવામાં આવશે

કલેકટરે આ વિવાદ અંગે નિવૃત અમીન હિંમતસિંહ રાઠોડ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ વન અને મહેસુલ વિભાગના અધિકારીઓને સંકલન કરી યોગ્ય રીતે ઉકેલ લાવવા નિર્દેશ આપ્યો હતો. આ અંગે કલેકટરે ખાતરી આપી હતી કે રાજસ્થાનના ખેડૂતો અને સંબંધિત વિસ્તારના સ્થાનિક લોકોની સંમતિ મેળવ્યા બાદ ગુજરાત સરકાર સાથે વાતચીત કરવામાં આવશે અને આ વિવાદનો અંત લાવવા અને રાહત આપવાના પ્રયાસો કરવામાં આવશે.

આ અંગે કલેકટરે સ્થાનિક લોકો સાથે પરામર્શ કર્યો હતો, ત્યારબાદ લોકોએ આ વિવાદ ઉકેલવામાં સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી હતી. કોટરા-ઝાડોલ વિસ્તારની તેમની મુલાકાત દરમિયાન, કલેકટરે આ વિસ્તારમાં સૂચિત “ચક સાંદમરિયા અને બુઝા કા નાકા ડેમ” સાઇટની મુલાકાત લીધી હતી. આ અંગે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી કે 15 દિવસમાં આ કામનો શિલાન્યાસ થવાનો છે અને તેના કારણે પાણીમાં ડૂબેલા વિસ્તાર અને અસરગ્રસ્ત વિસ્તારમાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.

આ કામ અંગે સર્વે અને અન્ય પ્રક્રિયાઓ હજુ બાકી છે.

આ અંગે કલેકટરે ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી તેમને જણાવ્યું હતું કે આ કામ અંગે સર્વે અને અન્ય કાર્યવાહી કરવાની બાકી છે અને સામાન્ય માણસના હિતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ન્યાયિક વ્યવસ્થા મુજબ કામગીરી કરવામાં આવશે. તેમણે આ અંગે જળ સંસાધન વિભાગના અધિકારીઓને વિગતવાર સૂચનાઓ આપી હતી. કલેક્ટરની મુલાકાત દરમિયાન વિકાસ અધિકારી ધનપતસિંહ, તહસીલદાર, નાયબ તહસીલદાર, મહેસુલ અને વન વિભાગના અધિકારીઓ અને અન્ય બ્લોક લેવલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત-રાજસ્થાનની સરહદ છે કે ભારત-પાકિસ્તાનની? 64 વર્ષથી હજી પણ ખેડૂતો લડે છે
એક તરફ ભારતને પાડોશી મુલ્કો સાથે સરહદો મામલે સતત અથડામણ થતી રહે છે. પરંતુ ભારતના વિવિધ રાજ્યો, શહેરો અને ગામડાની સરહદો વચ્ચેની બબાલ તો ભારત-પાકિસ્તાન (India Pakistan) ની સરહદ કરતા પણ આકરી હોય છે. આવામાં ગુજરાત રાજસ્થાન (Gujarat Rajasthan border) ના સરહદે આવેલા ગામડાઓની સરહદી મડાગાંઠ આઝાદીના 76 વર્ષ બાદ પણ ઉકેલાઈ નથી.
શુક્ર દેવ મિથુન રાશિમાં કરશે પ્રવેશે, આ રાશિના જાતકોનું ખુલી જશે ભાગ્ય
ગુજરાત-રાજસ્થાનની સરહદ છે કે ભારત-પાકિસ્તાનની? 64 વર્ષથી હજી પણ ખેડૂતો લડે છે
ઝી મીડિયા/બ્યૂરો :એક તરફ ભારતને પાડોશી મુલ્કો સાથે સરહદો મામલે સતત અથડામણ થતી રહે છે. પરંતુ ભારતના વિવિધ રાજ્યો, શહેરો અને ગામડાની સરહદો વચ્ચેની બબાલ તો ભારત-પાકિસ્તાન (India Pakistan) ની સરહદ કરતા પણ આકરી હોય છે. આવામાં ગુજરાત રાજસ્થાન (Gujarat Rajasthan border) ના સરહદે આવેલા ગામડાઓની સરહદી મડાગાંઠ આઝાદીના 76 વર્ષ બાદ પણ ઉકેલાઈ નથી.

શહેરો અને ગામડાઓ સાથે અભિયાન ચલાવીને લોકોને પટ્ટ આપવામાં આવી રહ્યાં છે. આ માટે વનવાસીઓે વનઅધિકાર પત્રો પણ આપી દેવાયા છે. પરંતુ રાજસ્થાન-ગુજરાત સીમા (border issue) પર ગત 64 વર્ષથી લગભગ 300 જમીનોના માલિકી હક માટે લડાઈ ચાલી રહી છે. તેમની ક્યાંય સુનવણી થઈ નથી રહી. એવુ લાગે છે કે, આ બે રાજ્યોની લડાઈ નહિ, પણ ભારત પાકિસ્તાનની સરહદની લડાઈ બની છે.

આ પણ વાંચો : ભાષાના વિદ્વાન, અનેક એવોર્ડ મેળવનાર પ્રો. યોગેન્દ્ર વ્યાસ બીમારી સામે હાર્યા, અને પત્ની સાથે મોત વ્હાલુ કર્યું

ગુજરાત (Gujarat) અને રાજસ્થાન (Rajasthan) સરકાર તરફથી કોઈ નિર્ણય લેવાય તેવું સ્થાનિક લોકો વિચારી રહ્યાં છે. દર વર્ષે વરસાદ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતો આમનેસામને આવી જાય છે. આ વિવાદની આગમાં અનેક સરકારો આવીને જતી રહી, પરંતુ સીમા વિવાદ હજી સુધી ઉકેલાયો નથી. આ વિવાદની આગમાં ગુજરાતની સીમાને અડીને આવેલ રાજસ્થાન સરહદ વિવાદ બાખેલ, કાલીકાંકર, આંજણી, નયાવાસ, ગાંધીશરણા, મહાડી, રાજપુર, ગુરા, મંડવાલ, બુઢિયા, મામેર, ભૂરીઢેબર ગામના લોકોને અડે છે. દર વર્ષે ચોમાસામાં વાવણી દરમિયાન બંને પક્ષો જમીન પર આવે છે અને આમને-સામનેની સ્થિતિ બને છે.

સેટલમેન્ટના વર્ષ 1955 માં રાજસ્થાન સરકારે બોર્ડરથી અડીને આવેલા ગામના લોકોના હકમાં જે જમીન આવે તે તેમને આપી દીધી. આ જમીનને 1958-59 માં ગુજરાતે સેટલમેન્ટ દરમિયાન પોતાના રાજ્યના ખેડૂતોને આપી દીધી. તેના બાદથી બંને રાજ્યોના ખેડૂતો આ જમીન પર પોતાનો માલિકી હક વ્યક્ત કરતા ઝઘડી રહ્યાં છે. રાજસ્થાનના ગામવાસીઓનું કહેવુ છે કે, રાજસ્થાનમાં જમીનનુ સેટલમેન્ટ પહેલા થયું, એટલે આ જમીન તેમની છે. જ્યારે કે ગુજરાતના લોકોનું કહેવુ છે કે, આ જમીનના રેકોર્ડ તેમના નામે નોંધાયેલા છે.

રાજસ્થાનના લોકોનું કહેવું છે કે રાજસ્થાનમાં જમીનનું સેટલમેન્ટ પહેલા થયું હતું એટલે આ જમીન તેમની છે અને ગુજરાત તરફ ગામડાઓના લોકોનું કહેવું છે કે આ જમીનના રેકોર્ડ તેમના નામે નોંધાયેલા છે તેથી જમીન તેમની છે. 50થી 60 કિલોમીટર વિસ્તારનો પ્રભાવિત છે. તો 500થી વધુ વીઘા જમીન વિવાદિત સીમમાં આવેલી છે. 2014માં લાઠી પાટા વિવાદ બાદ અત્યાર સુધીમાં આ મામલે 5 કરતા વધારે કેસ નોંધાયા છે. તો ક્યારેક વિવાદ એટલો વકરી જાય છે કે, પોલીસને પણ મધ્યસ્થી કરવા માટે વચ્ચે પડવું પડે છે.

રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે ગુજરાત રાજસ્થાન સરહદ પર 2 ડેમ બનાવવાનો નિર્ણય લીધો છે. અશોક ગેહલોતે રાજસ્થાનના બજેટમાં સાબરમતી નદી અને સહી નદી પર ડેમ બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. જેનો ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ વિરોધ શરૂ થયો છે. રાજસ્થાનમાં રાજસ્થાનમાં ગ્રામ પંચાયતથી લઇને તાલુકા કક્ષાએ વિરોધ શરૂ કર્યો છે. 1.5 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. આ લોકોને ક્યાં રાખવામાં આવશે, એ અંગે હજુ સુધી રાજસ્થાન સરકારે સ્પષ્ટ કર્યું નથી. અમે ડેમના વિરોધમાં અનેક વખત વિરોધ પ્રદર્શન અને ધરણાં પણ કર્યા છે. 2558 કરોડના ખર્ચે સાબરમતી તેમજ સહી નદી ઉપર ચકસારમાઢિયા અને બુજા જળાશય યોજના બનાવવા બજેટમાં જોગવાઈ કરી હતી.
1972માં સાબરકાંઠાના વડાલી નજીક ધરોઈ જળાશય યોજના બનાવવામાં આવી. 1972માં એક કરાર મુજબ ધરોઈ જળાશય યોજનાથી 300 માઈલ સુધીમાં કોઈપણ પ્રકારની જળાશય યોજના બનાવવામાં ન આવે તે પ્રકારનો કરાર કરાયો હતો. તેમજ ધરોઈ જળાશય યોજનાના પગલે ઉત્તર ગુજરાતના નવ મોટા શહેર સહિત 700થી વધારે ગામડાઓ માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધા ઉભી કરાઈ હતી . બે નદી ઉપર ચકસારમાઢીયા તેમજ બુજા ડેમ બનાવનો નિર્ણયથી હવે આગામી સમયમાં ધરોઈ જળાશય યોજના નામ માત્રની બની રહે તેવી સંભાવનાઓ છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંત મહેતા પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છમાં શહીદ થયા હતા
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%81%e0%aa%96%e0%ab%8d%e0%aa%af-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a7%e0%aa%be%e0%aa%a8-%e0%aa%ac%e0%aa%b3/

કચ્છ સરહદે પાકિસ્તાનના 34 જવાનોનો ખાત્મો કરાયો, છાડબેટ પરત ન થયો
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a6%e0%ab%87-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%aa%be-34-%e0%aa%9c/

કચ્છની સરહદે ચીનનું લશ્કર કોરીડોરમાં ગોઠવી દેવાયું
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%b9%e0%aa%a6%e0%ab%87-%e0%aa%9a%e0%ab%80%e0%aa%a8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b2%e0%aa%b6%e0%ab%8d%e0%aa%95/

BSFના DG કચ્છ સરહદની સમીક્ષા કરે તેવા સંકેતો
https://allgujaratnews.in/gj/signs-of-bsfs-dg-reviewing-kutch-border-gujarati-news/

રૂપાણી-મોદીના રાજમાં સૌરાષ્ટ્ર-કચ્છની જળસીમા ગોલ્ડન ક્રેસન્ટની ડ્રગ કાર્ટેલ માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની
https://allgujaratnews.in/gj/saurashtra-kutch-waters-become-transit-point-for-golden-crescent-drug-cartel-in-rupani-modi-rule/

કચ્છના દરિયામાંથી 5 પાકિસ્તાની પાસેથી રૂ.175 કરોડનું હેરોઈન ઝડપાયું, છીંડા શું ?
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-5-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%bf%e0%aa%b8/

કચ્છમાં પાકિસ્તાનના શખ્સની પૂછપરછ દરમિયાન મોત, થોડા દિવસમાં બીજી ઘટના
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%aa%96%e0%ab%8d%e0%aa%b8/

કચ્છમાં વહાઈ દળના ફાઈટર પ્લેન બે કલાક સુધી કેમ ઉડતા રહ્યાં ?
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%b9%e0%aa%be%e0%aa%88-%e0%aa%a6%e0%aa%b3%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ab%e0%aa%be%e0%aa%88%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%aa/

કચ્છના નૂનધાતડ ગામે પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયુ
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%82%e0%aa%a8%e0%aa%a7%e0%aa%be%e0%aa%a4%e0%aa%a1-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%bf/

કચ્છના દરિયાકાંઠેથી ઘુસણખોરી વધી, 60 કિ.મી.ના વિસ્તારમાં પોલીસ નથી
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%a0%e0%ab%87%e0%aa%a5%e0%ab%80-%e0%aa%98%e0%ab%81%e0%aa%b8%e0%aa%a3/

કચ્છમાં સિંધુનું પાણી પાકિસ્તાનથી લાવવા મોદી કેમ મૌન બની ગયા, ગુજરાતને એક થપ્પડ
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%a7%e0%ab%81%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be/

ગુજરાતમાં બે ગણો નશો વધ્યો, ટેકનિકલ જાસૂસી કરાશે
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ac%e0%ab%87-%e0%aa%97%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%a8%e0%aa%b6%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%8d%e0%aa%af/

કચ્છ સરહદે અદાણીના 50 અહેવાલો વાંચો
https://allgujaratnews.in/gj/?s=%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80 

’૬૫નું રણયુદ્ધ

’૬૫નું રણયુદ્ધ : જવાનોની વીરતા અને સરકારની નિર્માલ્યતાનું પ્રતીક

કચ્છ મુલકજી ગાલ – કીર્તિ ખત્રી

૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધની ૫૦મી વર્ષગાંઠે ધારણા મુજબ જય-પરાજયની કથાઓ અને વિશેષ હેવાલ ન્યૂઝ ચેનલો અને અખબારોના પાના પર ચમકી રહ્યા છે, પણ અફસોસ કે કચ્છની રણ સરહદે સરદાર ચોકી પરના નાપાક લશ્કરી આક્રમણને મર્યાદિત સંખ્યાના આપણા પોલીસ કર્મીઓએ જવાંમર્દીથી મારી હઠાવીને સર્જેલા ઇતિહાસને કોઇએ વિગતે યાદ કર્યો નથી. એ સમયે સરદાર ચોકી પર કેન્દ્રીય અનામત પોલીસ દળ (સી.આર.પી.એફ.) અને રાજ્ય અનામત પોલીસ (એસ.આર.પી.)ના ૨૦૦થી ૨૫૦ પોલીસમેન ફરજ પર હતા. તેમની પાસે ત્રણ મશીનગન સહિતના ટાંચા અને મર્યાદિત શસ્ત્રો હતા, એવા સમયે મધરાત પછી પહેલી પરોઢે સાડા ત્રણ હજાર ફોજીઓ સાથેનું પાકિસ્તાની લશ્કર તોપમારાના પીઠબળે તેમના પર તૂટી પડ્યું અને છતાં દુશ્મનના છક્કા છોડાવી દેતો ઇતિહાસ સર્જાયો એને આજે યુદ્ધની સુવર્ણજયંતીએ કોઇ યાદ ન કરે એ કેવું ? શું યુદ્ધમાં લશ્કરી જવાનોના જ ગુણગાન ગવાય ? નાપાક લશ્કરને અર્ધલશ્કરી દળ મારી હઠાવે તો એનાં ગુણગાન કેમ ન ગવાય ?

ખેર, પણ ઇતિહાસ ક્યારેય ભૂંસાતો નથી. હા, થોડા સમય માટે ભુલાઇ જરૂર જાય છે, પણ કાળક્રમે એના તથ્યોનું પુન: મૂલ્યાંકન થાય છે ત્યારે ઘટનાનું પરિમાણ ધરમૂળથી બદલાઇ જાય છે. ૧૯૬૫ની ૯મી એપ્રિલની આ ઘટના પણ કાંઇક આવી જ છે. ઘણાંને ખ્યાલ નહીં હોય પણ ભારત-પાક વચ્ચે સત્તાવાર યુદ્ધ ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ખેલાયું એનાથી ચાર મહિના પહેલાં એટલે કે એપ્રિલમાં પાકિસ્તાન કચ્છના રણ પર ત્રાટકી ચૂક્યું હતું અને બ્રિટનના વડા પ્રધાનની દરમિયાનગીરીથી જૂન મહિનામાં યુદ્ધવિરામ થયો હતો. એને પગલે કચ્છ ટ્રિબ્યુનલ રચાઇ હતી અને એના ચુકાદામાં આખરે કંજરકોટ તેમ જ છાડબેટ સહિતનો કચ્છના રણનો વિસ્તાર ભારતે ગુમાવવો પડ્યો હતો. ૧૯૬૮માં એની સામે કચ્છ સત્યાગ્રહે થયો હતો.

આ આખું પ્રકરણ કચ્છ માટે એકતરફ પોલીસ જવાનોની અપ્રિતમ વીરતાનું પ્રતીક છે તો બીજી તરફ આઝાદી પછી આ સરહદી વિસ્તારની સુરક્ષા અને વિકાસના પ્રશ્ર્ને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કેટલી હદે અવગણના થઈ હતી એનો એક કમનસીબ પુરાવો પણ છે. પાકિસ્તાને પહેલીવાર ૧૯૫૬માં છાડબેટ પર ઘૂસણખોરી કરીને પોતાનો કબજો જમાવ્યો હતો. એ સમયે કચ્છ કેન્દ્રના સીધા શાસન હેઠળ એટલે કે ‘ક’ વર્ગનું રાજ્ય હતું. કેન્દ્રે તરત જ વળતાં લશ્કરી પગલાં લઈને છાડબેટ પર પુન: કબજો લઈ લીધો હતો. આ અનુભવ છતાં નવ-નવ વર્ષ સુધી રણની સરહદોની સુરક્ષા બાબતે ઘોર ઉપેક્ષા સેવવામાં આવી અને પૂરતાં પગલાં લેવાયાં નહીં. પરિણામે ૧૯૬૫માં નાપાક આક્રમણ થયું તે વખતે આપણે ઊંઘતા ઝડપાયા. આનું સંભવત: સૌથી મોટું કારણ એ હતું કે કચ્છમાં કેન્દ્રનું શાસન નહોતું. જાણીતું છે કે ૧૯૫૬માં જ કચ્છને પ્રથમ દ્વિભાષી મુંબઈ રાજ્ય હેઠળ અને ત્યારબાદ ૧૯૬૦માં ગુજરાત સાથે જોડી દેવાયું હતું. આજે પણ કેટલાયે લોકો એમ માને છે કે ૧૯૬૫માં કચ્છ ગુજરાતને બદલે કેન્દ્ર સાથે જોડાયેલું રહ્યું હોત તો છાડબેટ ગુમાવાનો વારો ન આવત.

જો કે, ’૬૫માં પણ કચ્છના પાકિસ્તાનના છમકલા વર્ષના આરંભથી જ શરૂ થઈ ગયા હતા અને કચ્છના મુલકી તંત્રે સંબંધિતોને જાણ કર્યા છતાં ગુજરાતની સાથે કેન્દ્ર સરકારે પણ તેને ગંભીરતાથી લેવાને બદલે બેદરકારી જ સેવી હતી. એ સમયે જ નહીં પરંતુ સમગ્ર પ્રકરણમાં યુદ્ધવિરામ અને કચ્છ ટ્રિબ્યુનલના ચુકાદા સુધીના બનાવોની વણજાર પર નજર કરીએ છીએ તો કેન્દ્રની વિદેશનીતિ અને સંરક્ષણ વ્યૂહમાં યા તો કચ્છની ભારોભાર ઉપેક્ષા અગર તો નીતિવિષયક નિર્માલ્યતા દેખાય છે. વિધાનસભા અને સંસદના ગૃહોની ચર્ચાની વિગતો પર નજર કરીએ તો કચ્છવાસીને આઘાત લાગે એવી હકીકત બહાર આવે છે. સરહદી સુરક્ષાની જવાબદારી કેન્દ્રની કે રાજ્યની એ પ્રશ્ર્ને એકમેક પર દોષારોપણ પણ થયું હતું.

૨૨મી ફેબ્રુઆરીએ અબડાસાના ધારાસભ્ય માધવસિંહ જાડેજા અને ૨૩મીએ માંડવીના ધારાસભ્ય હરિરામભાઈ કોઠારીએ વિધાનસભામાં કચ્છ સીમાએ નાપાક હુમલાનો પ્રશ્ર્ન ચર્ચ્યો અને પરિસ્થિતિને ગંભીરતાથી લેવાની હાકલ કરી ત્યારે ગૃહપ્રધાન હિતેન્દ્રભાઈ દેસાઈએ ઘૂસણખોરીની વાતને હસી કાઢીને કહ્યું હતું કે ‘આ તો વાર્તા જેવું લાગે છે !’ બીજા દિવસે ૨૪મી ફેબ્રુઆરીએ ગૃહપ્રધાને ગૃહમાં વિપક્ષને અતિશયોક્તિભર્યા વિધાનો ન કરવાની અપીલ કરી અને ખાતરી આપી કે કોઈ પણ પડકારને મારી હટાવવા આપણે તૈયાર છીએ. આ ટાંકણે માધવસિંહજીએ પનચરીની જમીન (એટલે કે છાડબેટ) આપણા કબજામાં છે કે નહીં એવો સવાલ કર્યો ત્યારે ગૃહપ્રધાને ‘પ્રશ્ર્ન નાજુક છે’ એમ કહીને જવાબ ટાળી દીધોે.

કહેવાનો સાર એ કે ગુજરાત સરકારે કચ્છના પ્રતિનિધિઓની વાતને સાવ હળવાશથી લીધી અને પછી શું બન્યું એનો ઈતિહાસ સાક્ષી છે. એપ્રિલમાં નાપાક હુમલો રણમાં થયો અને આપણે ઊંઘતા ઝડપાયા. તો જમ્મુ-કાશ્મીરના સપ્ટેમ્બર યુદ્ધ દરમિયાન ગુજરાતના મુખ્ય પ્રધાનના વિમાનને પાકિસ્તાને નિશાન બનાવતાં અબડાસાના સુથરી ગામ નજીક તે તૂટી પડયું અને બળવંતરાય મહેતા શહીદ થયા.

વિધાનસભામાં મે મહિના દરમિયાન પણ એપ્રિલના હુમલા સંદર્ભે ચર્ચા થઈ હતી, તેમાં નોંધનીય વાત ભાઈકાકાએ કરી હતી. સ્વતંત્ર પક્ષના આ નેતાએ સરહદી સુરક્ષાના બંદોબસ્તની સાથેસાથે સીમાના ગામડાઓમાં જે લડાયક કોમ છે તે સુખેથી રહી શકે એ માટે તેમને હથિયારો આપવા ઉપરાંત નર્મદાનાં પાણી ત્યાં સુધી પહોંચાડવાની વાત કરી હતી. ઉદ્યોગો શરૂ કરવાનોયે અનુરોધ કર્યો હતો. (બલિહારી તો જુઓ ’૬૫ની એ અપીલ ૨૦૧૫માં પણ અમલમાં આવી નથી અને આવે એવી કોઇ શક્યતાયે નથી, કારણ કે ખાવડા-પચ્છમ સુધી સિંચાઇના પાણી પહોંચાડવાની કોઇ વાત જ નથી.)

બીજી તરફ લોકસભામાં કચ્છના પ્રતિનિધિ મ.કુ. શ્રી હિમ્મતસિંહજી અને રાજ્યસભામાં ડૉ. મહિપત મહેતા ઉપરાંત બાબુભાઈ ચિનાઈએ તડાપીટ બોલાવી હતી. ડૉ. મહેતાએ તો દેશહિતમાં કચ્છને ફરી કેન્દ્રના શાસન હેઠળ મૂકવાની માગ સુધ્ધાં કરી હતી, જ્યારે બાબુભાઈ ચિનાઇએ ૧૯૫૬ની છાડબેટ પરની નાપાક ઘૂસણખોરી મારી હઠાવાઈ એનોે ઉલ્લેખ કરીને એ પછીના નવ વર્ષમાં કોઈપણ ભાવિ આક્રમણને ખાળવા માટે સુરક્ષાનાં પગલાં બિલકુલ નથી લેવાયાં એ બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો. ૬ઠ્ઠી એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન ગુલઝારીલાલ નંદાએ લોકસભામાં પાકિસ્તાની ઘૂસણખોરીનો સ્વીકાર કરવાની સાથેસાથે ખાતરી આપી હતી કે સરહદની અખંડિતતા જાળવવા કચ્છમાં અસરકારક પગલાં લેવાશે, પણ અફસોસ કે આ ખાતરી પછીના ત્રીજા જ દિવસે પાકિસ્તાને આક્રમણ કર્યું અને આપણે હાથ ઘસતા રહ્યા. નાપાક આક્રમણની તૈયારી દીવા જેવી પાધરી હતી તોયે શા માટે જડબાતોડ જવાબની કોશિશ ન કરી એ આજેય એક મોટું રહસ્ય છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે, એ સમયે રણપ્રદેશ મેદાને જંગમાં ખાસ તો ભારત માટે પ્રતિકૂળ હતો. ચોમાસામાં વરસાદ અને દરિયાના પાણીથી ભરાઇ જતો વિસ્તાર ઉનાળામાં નમકના મેદાનમાં પલટાઇ ગયા પછીયે ક્યાંક કાદવવાળોયે હોય તેથી ભારે વાહનો કે શસ્ત્રોની અવરજવર મુશ્કેલ હતી. વળી રસ્તા તો હતા જ નહીં. ભુજથી ખાવડા સુધી ગયા પછી સરહદને જોડતો પુલ પણ એ સમયે નહોતો. સંદેશાવ્યવહારના કોઇ ઠેકાણા નહોતા અને પાણીની તો રણમાં કોઇ જોગવાઇ જ નહોતી. સામે પાકિસ્તાનને આવી કોઇ મુશ્કેલી ન હોવાથી તે બહેતર સ્થિતિમાં હતું. સરહદી વિસ્તાર રણના છેક ઉત્તર છેડે હતો. તેથી ભારતીય જવાનોને ત્યાં પહોંચવા માટે દક્ષિણથી ઊતરી આખું રણ પાર કરી ઉત્તરે પહોંચવાનું હોય અને એ પણ ભરઉનાળે, જ્યારે પાકિસ્તાન તો ઉત્તર છેડે જ હોવાથી એનું સંદેશાવ્યવહાર અને રસ્તાનું માળખું સીમાથી સાવ નજીક હતું. કદાચ ભારતના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને વ્યૂહરચના ઘડનારાઓ આ કારણે જ રણમાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ લડવા નહોતા માગતા, તેથી જ ટેન્કો કે તોપદળ ઉતારવાનો વિચાર થયો નહોતો.

 

આ અને આના જેવી બીજીયે દલીલો ભારતના કહેવાતા રક્ષણાત્મક વલણ સંદર્ભે થાય છે, પણ પ્રશ્ર્ન એ છે કે, ૧૯૬૫માં છાડબેટનો નાપાક કબજો ભારતે તાબડતોડ પગલાં લઇને મારી હઠાવ્યો તે પછી રણ વિસ્તારમાં રસ્તા બાંધવા સહિતના કામો હાથ ધરવાની જાહેરાતો કરવામાં આવી પણ એ માત્ર કાગળ પર જ રહી. કોઇ કામ નવ વર્ષ દરમ્યાન થયાં નહીં તેનું શું ? ૧૯૬૫ જ નહીં એ પૂર્વે ૧૯૬૪માં પણ પાકિસ્તાનના બદઇરાદાની જાણ ભારતને થઇ ચૂકી હતી. ઉપરાંત ફેબ્રુઆરી ૧૯૬૫માં પાકિસ્તાને કંજરકોટ કબજે લઇ લીધું ત્યારે ભુજમાં ફરજ પર આવેલા લેફ્ટ. કર્નલ સુંદરજી (જે પાછળથી ભારતના લશ્કરી વડા બન્યા) તો કંજરકોટ પુન: કબજે કરવા થનગનતા હતા એટલું જ નહીં પોલીસના વેશમાં છેક સરદાર ચોકી સુધી રેકીયે કરી આવ્યા હતા. પરંતુ એમને એમ કરવાનો આદેશ મળ્યો નહીં. આમ એક તરફ પાકિસ્તાને અર્ધલશ્કરી દળના નામે લશ્કર ગોઠવી દીધું, તો બીજીતરફ ભારતે કેન્દ્રીય અનામત પોલીસ જ મૂકી રાખતાં પાકિસ્તાનને મોકળું મેદાન મળી ગયું. અરે, ૯મીના હુમલા પછીયે ઇંટનો જવાબ પથ્થરથી આપવાનો બંદોબસ્ત થયો નહીં તેથી એપ્રિલના અંત સુધીમાં પાકિસ્તાને બિયારબેટ, છાડબેટ સહિતના વિસ્તારો પર કબજો જમાવી લીધો. આમ સરવાળે રણયુદ્ધમાં પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો.

 

એટલે પ્રશ્ર્ન રાજકીય મનોબળ અને ઇચ્છાશક્તિનોયે હતો. કચ્છના એ સમયના સંસદસભ્ય અને રાજવી પરિવારના મોભી હિંમતસિંહજીએ એક મુલાકાતમાં રાજકીય ઇચ્છાશક્તિનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ગૃહપ્રધાન ગુલઝારીલાલ નંદા કચ્છ સરહદે પાકિસ્તાન સામે આક્રમક પગલાંના હિમાયતી હતા. જ્યારે વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને વિદેશ પ્રધાન સરદાર સ્વર્ણસિંહ શાંતિમય સમાધાન ઇચ્છતા હતા. તો સંરક્ષણ પ્રધાન યશવંતરાવ ચૌહાણે કોઇ અભિપ્રાય આપવાનું ટાળ્યું હતું.

 

હિંમતસિંહજીએ પોતાની મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનની નેતાગીરી કચ્છના રણમાં વ્યાપક અને પૂર્ણકક્ષાનું યુદ્ધ નહોતી ઇચ્છતી. એનું લક્ષ્યાંક તો કાશ્મીર હતું. અયુબખાન રણના આક્રમણથી વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના વલણને ચકાસવા માગતા હતા. આ દૃષ્ટિએ રાજકીય ક્ષેત્રે તેમ ભૂમિ પર ભારતે આક્રમક બનવાની જરૂર હતી.

 

સંરક્ષણ નિષ્ણાતોનો મત એ હતો કે પાકિસ્તાન એક કાંકરે ચારેક પક્ષી મારવા માગતું હતું. પાડોશીની શક્ય એટલી જમીન પર કબજો મેળવી પાછળથી એને આંતરરાષ્ટ્રીય વિવાદમાં લઈ જઈ જે મળે તે મેળવી લેવું અને એમાં એને કેટલેક અંશે સફળતાયે મળી, કારણ કે છાડબેટ સહિતના રણનો દશ ટકા ભાગ એને મળ્યો. બીજું એ કે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થાય તો ભારત કેવો જવાબ આપે છે ? ત્રીજું એ કે ભારત જોે કચ્છમાં લશ્કર ખસેડે તો થોડા મહિના બાદ પ્રથમ કાશ્મીર અને ત્યારબાદ પંજાબ પર હુમલા કરી દેવા જેથી ત્યાં જોરદાર મુકાબલો કરવા જેટલું દળ મોજૂદ ન હોય. ચોથું હુમલામાં અમેરિકી શસ્ત્રોનો ખુલ્લેઆમ ઉપયોગ થાય તે વખતે માત્ર ભારત નહીં આંતરરાષ્ટ્રીયસ્તરે કેવા અને કેટલા પ્રત્યાઘાત પડે છે એ જોઈ લેવું, અને સૌથી વધુ તો અમેરિકા પોતે પાકિસ્તાન પ્રત્યે કેવું વલણ રાખે છે ?

 

પાકિસ્તાન પોતાના બદઇરાદાઓમાં મહદઅંશે સફળ ન થયું. ભારત લશ્કરી જંગ ખેલવા તૈયાર નથી એમ રણના અનુભવથી માનીને સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીર સહિતની સરહદે આક્રમણ કર્યું અને એમાં માર ખાવાનો વારો આવ્યો. ખેમકરણ યુદ્ધ ક્ષેત્રમાં તો પાકિસ્તાનની અમેરિકી બનાવટની પેટન્ટ ટેન્કોનું જાણે કબ્રસ્તાન સર્જાઇ ગયું. યુદ્ધના લેખાંજોખાંમાં પાકિસ્તાનના ૩૮૦૦ જવાનો સામે ભારતના ૩૦૦૦ જવાન શહીદ થયા હતા. તો આપણાં લશ્કરે લાહોરના ભાગોળે પહોંચીને કુલ ૧૮૪૦ ચો.કિ.મી. પાકિસ્તાની પ્રદેશ જીતી લીધો હતો. જ્યારે પાકિસ્તાને ૫૪૦ ચો.કિ.મી. આપણો વિસ્તાર કબજે કરી લીધો હતો. આ વિસ્તાર મહદંશે કચ્છના રણનો હતો, એટલે સરવાળે જોઇએ તો ’૬૫ના યુદ્ધમાં ભારતના સપ્ટેમ્બરના વિજય પૂર્વે એપ્રિલમાં કચ્છના વિસ્તારોનો જાણે બલિ ચડાવી દેવાયો હતો.

 

ખેર, પણ આ બધા વિપરીત સંજોગો વચ્ચે ૯મી એપ્રિલે અર્ધલશ્કરી દળના જવાનોએ સરદાર ચોકી પર જવાંમર્દભર્યો જંગ ખેલીને પાકિસ્તાની ફોજના ૩૪ જણને મોતને ઘાટ ઉતારી દઇને ઇતિહાસ સર્જ્યો એની કથાથી આપણી છાતી ગજગજ ફુલાવી દે તેવી છે. આ લડાઇમાં છ જવાન શહીદ થયા હતા. તેમની સ્મૃતિમાં સરદાર ચોકી તેમ ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર શહીદ સ્મારક નિર્માણ થયા છે. પોતાના આ બહાદુર શહીદોની સ્મૃતિમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ ૨૦૦૨થી ૯મી એપ્રિલે વીરતા દિન મનાવે છે. શહાદત ૧૯૬૫ની અને વીરતા દિન ૨૦૦૨થી કેમ, એ પ્રશ્ર્ન સહેજે થાય. એની તેમજ ૨૧મી એપ્રિલે છાડબેટ નજીકની ચોકી પર શહીદ થયેલા એસ.આર.પી.ના ત્રણ જવાનોની અને એમના ભૂકંપમાં ધ્વંસ થયેલા સ્મારકની વિગતે વાત હવે પછી.

પાક સૈનિકો ૩૪ સાથીના મૃતદેહ છોડીને પરત નાસી ગયા

કચ્છ મુલકજી ગાલ – કીર્તિ ખત્રી

 

 

કચ્છના રણમાં ભારતીય વિસ્તારમાં આવેલા કંજરકોટ પર ૧૯૬૫ના ફ્રેબ્રુઆરીમાં જ પાકિસ્તાની દળોએ ઘૂસણખોરી કરીને કબજો જમાવી દીધો હતો. * કેન્દ્રીય અનામત પોલીસ દળે ૧૯૬૫ના સરદાર ચોકી પરના નાપાક આક્રમણને કેવી રીતે મારી હઠાવ્યું એનું દસ્તાવેજીકરણ ૨૦૦૨માં આંખે દેખ્યા હેવાલોના આધારે કર્યું અને પુસ્તિકા પ્રસિદ્ધ કરી.

 

 

 

(ગયા અંકથી ચાલુ)

 

૯મી એપ્રિલ ૧૯૬૫ના રોજ કચ્છના રણની સરદાર ચોકી પરના નાપાક લશ્કરી આક્રમણને મારી હઠાવવાની ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ (સી.આર.પી.એફ.) દ્વારા દર વર્ષે વીરતા-શૌર્ય દિન મનાવવાનો નિર્ણય ૩૭ વર્ષ પછી છેક ૨૦૦૨માં કેમ લેવાયો એનો પણ એક ઇતિહાસ છે. પાક લશ્કરની બ્રિગેડ સામે મુઠ્ઠીભર જવાનોએ બાથ ભીડી અને જાનની પરવાહ કર્યા વિના શહાદત વહોરી ત્યારે એને ચોગરદમ બિરદાવાઇ હતી. ગુજરાતના મુખ્ય પ્રધાનથી માંડીને ભારતના વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સુધીના સર્વોચ્ચ નેતાઓએ તેમને ગૌરવભેર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પાંચ શહિદોની ખાંભી પર પુષ્પાંજલિ અર્પિત કરવા હજારોની મેદની ઉમટી પડી હતી. એ જ રીતે ૨૧મી એપ્રિલે હનુમાન તરાઇ સરહદી ચોકી પર પાકિસ્તાની ટેન્ક હુમલામાં શહીદ થયેલા રાજ્ય અનામત પોલીસ દળ (એસ.આર.પી.)ના ત્રણ જવાનોના મૃતદેહ પાછળથી ભુજ લાવવામાં આવ્યા ત્યારે તેમનેય ભવ્ય અંજલિ અપાઇ હતી. તેમની ખાંભી પોલીસ હેડ ક્વાર્ટરમાં ઊભી કરાઇ હતી. વિધાનસભા, સંસદમાં શહાદતની ગૌરવભેર નોંધ લેવાઇ હતી અને શૌર્ય ચંદ્રકોય જાહેર થયા હતા, પણ સમય જતાં આ વીરગાથા વિસરાઇ ગઇ. સંભવ છે કે છ વર્ષ પછીના ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનનું વિભાજન (બાંગલાદેશનો ઉદય) અને ૯૦ હજાર પાક સૈનિકોની ભારતીય સેના સામે શરણાગતિ જેવી અકલ્પનીય ઘટનાઓને લીધે હિન્દુસ્તાનનો પ્રચંડ વિજય ડંકો વાગ્યો તેમાં ૬૫નું યુદ્ધ વિસરાઇ ગયું હોય.

 

પણ ૩૬ વર્ષ પછી બન્યું એવું કે કેન્દ્રીય અનામત પોલીસ દળના ડિરેક્ટર જનરલપદે આવેલા ડો. ત્રિનાથ મિશ્રાના ધ્યાને સરદાર ચોકીવાળો કિસ્સો આવ્યો. તેમણે સી.આર.પી.એફ.ના જૂના ઓફિસરો અને જવાનો પાસેથી માહિતી મેળવીને સંશોધન – દસ્તાવેજીકરણ કર્યું. કયા સંજોગોમાં પાકિસ્તાની લશ્કર ત્રાટક્યું, સરદાર ચોકી પર એ સમયે કેટલા જવાનો હતા, કેટલાં શસ્ત્ર હતા, કેવી રીતે દુશ્મને હુમલો કર્યો અને કેવી રીતે ભારતીય જવાનોએ છટકું ગોઠવીને હરીફનો ખાત્મો બોલાવયો એની ઝીણામાં ઝીણી વિગતો ભેગી કરી. માહિતીનું સંકલન કરીને એક બુકલેટ ‘સરદાર પોસ્ટ : એ સાગા ઓફ ધી બ્રેવ હાર્ટસ ઓફ સી.આર.પી.એફ. ઇન રન ઓફ કચ્છ’ પ્રસિદ્ધ કરવામાં આવી. નાની સાઇઝની ૫૬ પાનાની આ પુસ્તિકામાં રંગીન ફોટાય સામેલ કરવામાં આવ્યા. ઉપરાંત, ડીવીડી તૈયાર થઇ તેમાં નક્શાઓ સહિતની રજૂઆત મુકાઇ. ઇન્ટરનેટ પર, દળની વેબસાઇટ પર અને યુ ટ્યુબ પર આ કથા ફરતી થઇ. ૨૦૦૨ની નવમી એપ્રિલે પ્રથમ વીરતા દિન સી.આર.પી.એફ.એ દેશભરમાં મનાવ્યો. ડો. મિશ્રા અને દળના અધિકારીઓનો કાફલો એ દિવસે કચ્છની સરદાર ચોકીએ પહોંચ્યો અને જે સ્થળે જંગ ખેલાયો હતો ત્યાં જ એક નાનકડી ખાંભી તૈયાર કરી ભાવભરી અંજલિ આપી. દળના સર્વોચ્ચ અધિકારીએ પોતાના દળના જવાનોની વીરતાને આ રીતે ગૌરવભેર યાદ કર્યો એ ખરે જ દાદ માંગી લે તેવો છે.

 

સરદાર પોસ્ટ પરના આક્રમણ અંગેની પુસ્તિકામાં જે તે સમયનું પાકિસ્તાનનું રાજકીય ચિત્ર, તેને ચીનનો ટેકો, અમેરિકી શસ્ત્ર સહાય, રણના પ્રતિકૂળ સંજોગો, ભાગલાના સમયથી જ ભારતની સરહદી જમીન પર કબજો કરીને વિવાદ ઊભો કરી આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવાની નાપાક મુરાદનું વિવરણ કરાયું છે. આવી જ મુરાદના એક ભાગરૂપે પાકિસ્તાને કચ્છના રણના ૩૫૦૦ ચો.મી. જેટલા વિસ્તાર પર પોતાનો દાવો ઠોકી દીધો હતો. રણ તો એક મૃત સાગર છે, તેથી આંતરરાષ્ટ્રીય પ્રણાલી અનુસાર એની વચ્ચોવચ્ચ સીમારેખા દોરાય એવો વાહિયાત અભિગમ તેણે અપનાવ્યો. તેથી જ ૧૯૬૩માં સરહદોના સીમાંકન વખતે પંજાબ અને રાજસ્થાનમાં આંકણી થયા પછી ગુજરાતનો વારો આવે એ પહેલાં જ પાકિસ્તાની સર્વેયરો કામગીરી અધૂરી છોડીને ચાલ્યા ગયા હતા.

 

જાન્યુઆરી ૧૯૬૫માં પાકિસ્તાનની ચૂંટણીમાં અયુબ ખાન વિજયી થયા તે સાથે જ પાકિસ્તાને પોતાના બદઇરાદાઓ પાર પાડવાના કારણ શરૂ કરી દીધા. રણની કરીમશાહી ચોકી પર ફરજ બજાવતા ભારતીય પોલીસના ધ્યાનમાં આવ્યું કે, પાકિસ્તાનીઓ સુરઇથી ૧૦ માઇલનો ટ્રેક બિછાવ્યો છે અને તે એક માઇલ જેટલો ભારતીય સીમામાં ઘૂસીને ડીંગ સુધી પહોંચ્યો છે. આ સંદર્ભે ભારત હજુ તો કોઇ પગલાં લે એ પહેલાં જ ૧૦મી ફેબ્રુઆરીએ રાઇફલ્સ, સ્ટેનગન અને મશીનગનથી સજ્જ પાકિસ્તાની દળોનો કંજરકોટનો કબજો પણ લઇ લીધો. આથી એવું નક્કી થઇ ગયું કે હવે પાકિસ્તાનીઓ ભારતના ડીંગ વિસ્તારનેય કબજે કરવા કોશિશ કરશે.

 

પાંચેક દિવસમાં ઇન્ડસ રેન્જર્સ અને રાજકોટ રેન્જના ડી.આઇ.જી. વચ્ચે બેઠક થઇ ત્યારે પાકિસ્તાને કહી દીધું કે કંજરકોટ તો ભારતનું છે જ નહીં, એ તો અમારું છે અને ડીંગ સુધીનો રસ્તોય જૂનો છે. ભારત સમસમી ગયું પણ વળતા કોઇ પગલાં લેવાયાં નહીં. પછી તો ત્રીજી માર્ચે કંજરકોટમાં પાકિસ્તાને સ્થાયી ચોકી સ્થાપી દીધી. ૧૫મી સુધીમાં તો ડીંગ ખાતેય નવી ચોકી પાકિસ્તાને ઊભી કરી દીધી. પેંતરાબાજીમાં પાછળ પડી ગયેલા ભારતે મોડે મોડેય આખરે કંજરકોટની સામે સપાટ વિસ્તારમાં ૧૨મી માર્ચે સરદાર ચોકી અને ડીંગ નજીક ટાક પોસ્ટ ઊભી કરી દીધી.

 

સમગ્રતયા જોવા જતાં ભારતના નબળા રાજકીય અને જમીની પ્રતિકારથી ઉત્સાહમાં આવી ગયેલા પાકિસ્તાને આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી. કંજરકોટથી ૩૦ કિ.મી. દૂર આવેલા બદીન એરપોર્ટ પરથી ઊડીને પાક વાયુસેનાના વિમાનો સીમા નજીક ચક્કર મારવા લાગ્યા. આ બધા બનાવ ભારતની ચોકીઓ પર ત્રાટકવાના ‘ઓપરેશન ડેઝર્ટ હોક’ના ભાગરૂપે જ હતા. બ્રિગેડિયર અઝહર ખાને ૫૧મી ઇન્ફેન્ટ્રી બ્રિગેડને કરાંચી નજીકના મલીર કેન્ટોનમેન્ટમાંથી કચ્છની સરહદે ખસેડી. બાદમાં સમગ્ર આઠમી ઇન્ફેન્ટ્રી ડિવિઝનની સાથે ૧૨મા અશ્ર્વદળ અને ૧૩મા લાન્સર રેજિમેન્ટને ‘ઓપરેશન ડેઝર્ટ હોક’ને ગુપ્ત રાખવા માટે પણ પાકિસ્તાને પૂરતી કાળજી લીધી હતી. ભારતીય સરહદી ચોકીઓ બેધ્યાન રહે તે માટે દુશ્મનોએ છટકું ગોઠવ્યું હતું. આઠમી એપ્રિલ ૧૯૬૫ના પશ્ર્ચિમ પાકિસ્તાની રેન્જર્સે રાજકોટ રેન્જ પોલીસના ડી.આઇ.જી.ને સંદેશ પાઠવ્યો અને સરહદી સમસ્યા ઉકેલવા ૧૦મી એપ્રિલના બેઠક કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આમ, ભારતીયોને ગફલતમાં રાખવા એકબાજુએ શાંતિની વાતો કરી અને બીજીબાજુ ૩૫૦૦ સૈનિકોને પોતાનું સ્થાન લઇ લેવાનો આદેશ અપાયો અને તેમને કહેવામાં આવ્યું કે, આઠમીની રાત્રે એટલે કે નવમીની વહેલી પરોઢે સરદાર ચોકી પર હુમલો કરવો.

 

પાકેપાયે ગોઠવાયેલી વ્યૂહરચના મુજબ નવમીની વહેલી સવારે ૩.૩૦ વાગ્યે હેવી મોર્ટાર અને ૨૫ પાઉન્ડ ગન્સ સાથે પાકિસ્તાની દળોએ આગેકૂચ શરૂ કરી અને સરદાર તથા ટાક ચોકી પર હુમલો કર્યો.

 

તે સમયે સરદાર પોસ્ટ પર હેડ કોન્સ્ટેબલ રણજિતસિંહ ફરજ બજાવી રહ્યા હતા. ઉત્તર દિશામાંથી ૫૦થી ૧૦૦ વારના અંતરે કાંઇક હલચલ થતી હોવાની ગંધ આવતાં તેમણે પડકાર ફેંક્યો અને આ પડકારના પ્રતિભાવમાં ગોળીઓની ધણધણાટી બોલી. મોર્ટાર અને ૨૫ પાઉન્ડના શેલનો મારો કરવા માટે નાપાક દળોને સંકેત મળી ગયો. તેની સાથે જ સરદાર અને ટાક ચોકી પર બ્રિગેડનો હુમલો શરૂ થઇ ગયો. ત્યાં તે સમયે ગણ્યાગાંઠ્યા જ પોલીસ જવાન હતા.

 

આમ છતાં, ભારતીય જાંબાઝ જવાનોએ મોરચો સંભાળી લીધો અને શસ્ત્રો તથા દારૂગોળાનો જથ્થો ખતમ ન થાય ત્યાં લગી પ્રતિકાર કર્યો. દારૂગોળો ઓછો થતો જતો હોવાથી સી.આર.પી.એફ.ના જવાનોએ ઇરાદાપૂર્વક પોતાના તરફથી ગોળીબાર બંધ કર્યો અને દુશ્મનોને વધુ નજીક આવવા દીધા. સમગ્ર ચોકી પર મોત જેવો સન્નાટો છવાયેલો હોવાથી પાકિસ્તાનીઓને એવું લાગ્યું કે ચોકી પરના સૈનિકો માર્યા ગયા છે અથવા ઘવાયા છે.

 

જંગ જીતી લીધો હોય એવી મુસ્કાન સાથે ૨૦ નાપાક સૈનિકો જેવા ચોકી પાસે આવ્યા કે ભારતીય ચોકીની ત્રણેય મશીનગનો ધણધણી ઊઠી અને એક પછી એક તમામ દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દીધા. ચોકીની પાછળની બાજુએથી પણ પાકિસ્તાનીઓએ હુમલો કર્યો અને તેમના પણ એવા જ હાલ થયા. ત્યાં ૧૪ પાકિસ્તાનીઓ માર્યા ગયા અને ચાર જીવતા પકડાયા.

 

ઇશાન દિશામાંથી સી.આર.પી.એફ.ની મશીનગન જામ થઇ ગઇ હોવાને કારણે દુશ્મનોને ક્ષણિક સફળતા મળી પણ હિંમતવાન હિન્દુસ્તાની જવાનોએ કાઉન્ટર એટેક કરીને દુશ્મનોને પાછા હટાવ્યા. અલબત્ત, પોસ્ટ કમાન્ડર મેજર સરદાર કરનૈલસિંહ સહિત સી.આર.પી.એફ.ના ૧૯ જવાનોને પકડી લેવામાં પાકિસ્તાન સફળ થયું. જો કે, પાછળથી તેમને છોડી દેવાયા હતા. પણ, એ પૈકી એક ઘવાયેલા જવાનનું પાકિસ્તાની જેલમાં અવસાન થયું હતું. આમ ૯મીના શહીદોની સંખ્યા છની થઇ હતી.

 

બંને દેશો વચ્ચે સામસામો ગોળીબાર એક કલાક સુધી ચાલ્યો હતો. જે દરમ્યાન દુશ્મનોએ ત્રણ વખત ચોકી કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારે ખુવારી સાથે તેમને મારી હટાવાયા હતા.

 

સરદાર ચોકી પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભવનરામે ભારે બહાદુરી દાખવી હતી. તેમની પાસેની મશીનગનનો દારૂગોળો ખૂટી પડ્યો ત્યારે તેમણે ચોકી પરના તમામ હાથબોમ્બ વીણી વીણીને એકઠા કર્યા અને નજીક આવી રહેલા દુશ્મનો પર એક પછી એક ફેંક્યા હતા. તેમના આ જવાંમર્દીભર્યા કૃત્યથી પાકિસ્તાનીઓના જુસ્સા પર અસર પડી હતી અને તેમને પાછા વળવાની ફરજ પડી હતી. સી.આર.પી.એફ.ના જવાનોના વળતા હુમલાથી દુશ્મનો એટલી હદે દિગ્મૂઢ થઇ ગયા હતા કે, સંખ્યાબળ અને દારૂગોળાના મામલે ભારતીયોથી બળૂકા હોવા છતાં વધુ વખત હુમલો કરવાનું સાહસ ન કરી શક્યા.

 

સવારે જ્યારે રોશની ફેલાઇ ત્યારે ચોકી પાસેના આખા મેદાનમાં દુશ્મન સૈનિકોના મૃતદેહો વેરવિખેર પડ્યા હતા. સી.આર.પી.એફ.ના જવાનોના વળતા હુમલાના ભયથી પોતાના ૩૪ સૈનિકોના મૃતદેહોને ત્યજીને તેઓ પરત વળ્યા હતા ત્યારે દિવસના પ્રકાશમાં જ ભારતીય જવાનોને પણ ખબર પડી કે રાત્રે તેમણે જે જંગ ખેલ્યો હતો એ પાકિસ્તાની લશ્કરની ભારે શસ્ત્રસજ્જ ઇન્ફેન્ટ્રી બ્રિગેડ સામેનો હતો.

 

લશ્કરી યુદ્ધોના ઇતિહાસમાં આ એક અજોડ બનાવ હતો કે જેમાં અર્ધલશ્કરી દળોની એક નાનકડી ટુકડીએ લશ્કરની ઇન્ફેન્ટ્રી બ્રિગેડને બરોબરની હંફાવી હોય અને ૧૨ કલાક સુધી તેમનો નાપાક મનસુબો બર આવવા દીધો ન હોય.

 

રાતભર ચાલેલા આ જંગમાં ભારતીય ચોકીનું રક્ષણ કરતા નાયક કિશોરસિંહ, કોન્સ્ટેબલ સમશેરસિંહ, જ્ઞાનસિંહ, હઠુરામ, સીધબીર પ્રધાન અને કિશનસિંહે શહાદત વહોરી લીધી હતી. જ્યારે સામા પક્ષે ૩૪ સૈનિકો માર્યા ગયા હતા અને બે અફસર સહિત ચાર જીવતા પકડાયા હતા.

 

અફસોસ એ વાતનો છે કે, ૬૫ના યુદ્ધના વિજયની ઉજવણી હાલ ૫૦મી જયંતીએ દેશભરમાં થઇ અને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ, એમાં આ જવાનોને યાદ કરાયા નહીં. અરે, એમને હજુયે શહીદનો દરજ્જોયે અપાયો નથી, તો એસ.આર.પી.ની શહાદતની વાત હવે પછી.(ક્રમશ:)

 

 

એસ.આર.પી.ના જવાનોને જાણે શહીદ કરવા જ રણમાં ધકેલી દેવાયા હતા

 

કચ્છ મુલકજી ગાલ – કીર્તિ ખત્રી

 

 

 

(કચ્છ મોરચે ૧૯૬૫નું યુદ્ધ-૩)

 

કેન્દ્રીય અનામત પોલીસ દળ (સી.આર.પી.એફ.) દ્વારા પોતાના જવાનોએ ૧૯૬૫ના રણયુદ્ધ વખતે દાખવેલું અપ્રતિમ શૌર્યનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ ૨૦૦૨માં કરવામાં આવ્યું એ એક નોંધનીય ઘટના હતી. આમ છતાં તેની વિશેષ ચર્ચા ૨૦૦૫માં શરૂ થઇ હતી. એ સમયે વીરતા દિને યોજાયેલા ખાસ કાર્યક્રમમાં તત્કાલીન ગૃહપ્રધાન શિવરાજ પાટીલે પોતાના પ્રવચનમાં રણની એ ઘટના કોઇ નાની એવી અથડામણ નહીં, પરંતુ રીતસરનું યુદ્ધ હતું એમ કહીને તેને સત્તાવાર યુદ્ધ લેખવાની અપીલ કરી હતી. તેમના આ કથનના સમાચારો પણ રાષ્ટ્રીય પ્રચાર માધ્યમોમાં અગ્રસ્થાન મળ્યું હતું. ચર્ચાયે થવા લાગી કે આ ઘટનાને ભારતના લશ્કરી ઇતિહાસમાં સ્થાન મળવું જ જોઇએ. આ ચર્ચાને પગલે કચ્છની પત્રકાર ટીમે દિલ્હી જઇને નવેસરથી માહિતી એકત્ર કરી. લોકસભા, રાજ્યસભા ઉપરાંત ગુજરાત વિધાનસભાની કાર્યવાહીની એ સમયની સત્તાવાર નોંધોનેય ફંફોળી તો અનેક ભૂલાઇ ગયેલી ઘટનાઓ પુન: સપાટી પર આવી. એ સાથે એક એ સત્ય પણ બહાર આવ્યું કે, કેન્દ્રીય દળે માત્ર પોતાની કામગીરીનું દસ્તાવેજીકરણ કર્યું હતું, એમાં કહાની અધૂરી રહી જતી હતી. કારણ કે પાક આક્રમણ સમયે સીમાએ તેમના ઉપરાંત એસ.આર.પી. એટલે કે ગુજરાત રાજ્ય અનામત પોલીસ અને પંજાબ પોલીસ દળના જવાનોયે ફરજ પર હતા. સૌથી વધુ મહત્ત્વનું તો એ હતું કે, એ વખતે જ્યારે સંદેશાવ્યવહાર અને ભુજથી માર્ગ અવરજવરના સાધનો મર્યાદિત હતા ત્યારે ભુજથી દોઢસો-બસ્સો કિ.મી. દૂર દુર્ગમ સરહદે પાણી જેવી જરૂરી ચીજોનો પુરવઠો પૂરો પાડવામાં કચ્છ જિલ્લાના વહીવટી તંત્રે અને ખાસ તો જિલ્લા કલેક્ટરે જે ભૂમિકા ભજવી હતી તેય અજોડ હતી.

 

એટલે રણયુદ્ધનું સમગ્રતયા ચિત્ર મેળવવાની કામગીરી શરૂ કરી તો ૧૯૬૫ના રણયુદ્ધ વખતે એસ.આર.પી.ના એક જવાનની હેસિયતથી છાડબેટ મોરચે ફરજ બજાવનાર કચ્છના માંડવી શહેરના જવાન વીરજીભાઇ મીઠુ ખારવાની અખબારી મુલાકાત ધ્યાને આવી. ૧૯૯૭માં ‘કચ્છમિત્ર’માં પ્રસિદ્ધ થયેલી આ મુલાકાતમાં વીરજીભાઇએ પોતાના ત્રણ સાથીઓની ૨૧/૪/૬૫ની શહાદતનો આંખે દેખ્યો ચિતાર રજૂ કર્યો હતોે. છાટબેટ નજીક હનુમાન તરાઈ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો કેવી રીતે ત્રાટક્યા એની વિગતે વાત તેમણે કરી હતી. આ હુમલામાં વીરજીભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો.

 

એ સમયે જવાનો કેવા કપરા સંજોગોમાં લડ્યા હતા તેની વાત વીરજીભાઇએ કહેલી. પાંચ કલાકના સતત તોપમારા વચ્ચે સૈનિકોને ભારે ભૂખ લાગી હતી. તોપમારાને લીધે રાશન ભરેલી ટ્રક, મેસનો સામાન, તંબુ બધું જ બળીને ખાખ થઇ ગયું હતું. બળેલા રસોડામાં તપાસ કરી તો સદ્નસીબે બચી ગયેલા એક પતરાના ડબ્બામાંથી ઘણાં દિવસની વાસી અને સૂકી પચ્ચીસેક રોટલી મળી આવી. વધુ ફંફોસ્યું તો મરચાની ભૂકી મળી અને એની સાથે જેમતેમ જવાનોએ ભૂખ શાંત કરી. જવાનો હજુ તો પૂરતું જમી લે એ પહેલાં જ ફરી તોપમારો શરૂ થયો. વીરજીભાઇએ બાજુના મોરચામાં જવાનો આગ્રહ રાખ્યો પણ વિઠ્ઠલ કાંબલે અને સહાજી સાળુકે નામના બે મરાઠી સિપાઇએ ઇન્કાર કરી દેતાં વીરજીભાઇ એકલા બાજુમાં ગયા અને ત્યાં જ જૂના મોરચામાં તોપગોળો પડ્યો અને બંને મરાઠી શહીદ થઇ ગયા. થોડા કલાક પહેલાં ગણપત ડી. ભોંસલે પણ પાકિસ્તાની તોપમારામાં શહીદ થયા એ ઘટનાના પણ વીરજીભાઇ સાક્ષી હતા. છાડબેટથી બે-ત્રણ માઇલ દૂર હનુમાન તરાઇ અને કુંબા ચોકી પર માત્ર ૩૦ જવાન ફરજ પર હતા. ખીજડાના ઝાડ પર બાંધેલા માંચડા (અપરવિઝન પોસ્ટ) પર ચડીને દૂરબીનથી નજર ફેરવતાં તેમણે પાકિસ્તાની રણગાડી (ટેન્ક)ની કતાર જોઇ. એકતરફ હળવાં-નજીવાં શસ્ત્રો સાથેની પોલીસ અને સામે પાકિસ્તાનનું શસ્ત્રસજ્જ લશ્કર. અચાનક બોમ્બ ઝીંકાયો અને માંચડાની બાજુમાં પડ્યો. તેથી બધા સ્ટ્રેન્ચમાં ગોઠવાયા. એ સાથે જ જોરદાર તોપમારો થયો. ચોકી છોડવાનો આદેશ અપાયો, તેથી જવાનો બીજા મોરચે જવાની તક શોધવા લાગ્યા. હવાલદાર ગણપત ભોંસલે થોડા આડા ફંટાયા તો દુશ્મનની નજરમાં આવી ગયા અને તરત જ તેમને નિશાન બનાવી તોપના ગોળાથી દુશ્મને ફૂંકી માર્યા. કેટલાક પોલીસમેનોનું કહેવું એમ હતું કે, ગણપત ભોંસલે ચોકી પર મૂકાયેલી હનુમાનની મૂર્તિ લેવા માટે આડા ફંટાયા હતા.

 

વીરજીભાઇ ખારવાએ કાળજું કંપાવી દે તેવી અન્ય ક્ષણોનુંયે વિવરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ૨૪/૪/૬૫ના રોજ ભારતીય સેનાની ટુકડીઓએ છાડબેટનો ચાર્જ લઇ લીધો અને એસ.આર.પી.ને ખાવડા પાછા ફરવાની સૂચના આપી. વાહન હતાં નહીં એટલે ભરઉનાળે, સૂર્યના પ્રખર તાપ અને લાલચોળ ધરતી પર પગપાળા ૪૫ માઇલ કાપવાના હતા. દુશ્મન સામેનો જંગ હવે કુદરત સામેના જંગમાં પલટાઇ ગયો હતો. અફાટ ખારા રણમાં પોલીસ જવાનો તરસને લીધે બેશુદ્ધ બનીને પડવા માંડ્યા હતા. માથે ભારેખમ સામાન લદાયેલો હતો. બળબળતી બપોર હતી. કેટલાકે રણમાં મીઠાનું પડ તોડીને પાણી પીધું તેમાં મુશ્કેલીઓ વધી. છતાં કેટલાક પોલીસ ૧૪ માઇલ દૂરની ચોકીએ પહોંચ્યા, ત્યાંથી પાણીની વ્યવસ્થા કરી અને લથડિયા ખાઇ પડી ગયેલા જવાનોને બચાવ્યા. આ જવાનો બીજા દિ’એ સવારે ચોકી પર પહોંચ્યા.

 

વીરજીભાઇનો આ આંખે દેખ્યો ચિતાર ઉપરાંત એ સમયે જંગ લડેલા બીજા એક કચ્છી ભાણજીભા કારૂભા જાડેજાએ પણ અલગ મુલાકાતમાં ઘણી વાતો કરી હતી. સાર એ જ હતો કે અપૂરતા અને જૂના પુરાણા બંદૂક જેવાં શસ્ત્રો સાથે તેમને રણમાં મોકલી દેવાયા હતા. અરે, યુદ્ધ પૂરું થયા પછીયે તેમની સાથે અધિકારીઓએ દુર્વ્યવહાર કર્યો હતો. શહીદ જવાનોના મૃતદેહ ખસેડવા માટે ડ્રાઇવર જોઇતો હતો પણ ડ્રાઇવર નાસી ગયો હતો. તેથી ભાણજીભાએ એ જવાબદારી નિભાવી. પણ, યુદ્ધ પૂરું થયા પછી ઇનામ અપાયા તેમાં નામ ભાગી ગયેલા ડ્રાઇવરનું હતું. આ ઘટનાથી નારાજ થઇને ભાણજીભાએ રાજીનામું ધરી દીધું હતું. તેમના જેવો કડવો અનુભવ વીરજીભાઇનેય નિવૃત્તિ વખતે પેન્શનના કાગળિયા પાસ કરાવતી વખતે થયો હતો. દરમ્યાન, ૧૯૬૫ના રણયુદ્ધના શહીદોના સ્મારકને ભૂકંપમાં ભારે નુકસાની થઇ હોવાની વિગત બહાર આવી. તપાસ કરતાં ખબર પડી કે કુલ નવ શહીદ પૈકી સી.આર.પી.એફ.ના છ શહીદોનું ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરનું સ્મારક તો સલામત હતું પણ પોલીસ હેડ ક્વાર્ટરમાં એસ.આર.પી.ના ત્રણ જવાનોની ખાંભીને ભારે નુકસાન થયું હતું. આ સ્મારક નજીક ૧૯૬૫ના યુદ્ધ દરમ્યાન શહીદ થયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાના વિમાનના કાટમાળનેય સ્મારકરૂપે રખાયો હતો તે પણ અસ્તવ્યસ્ત થઇ ગયો હતો. પાછળથી કાટમાળની સાફસૂફી થઇ તેમાં આ બધું ક્યાં ગયું એની કોઇને ખબર નહોતી.

 

આ વિગતોના આધારે પત્રકારોની ટીમે ૨૦૦૬માં એસ.આર.સી. ગ્રુપ-૨નો સેજપુર-બોઘા સ્થિત હેડક્વાર્ટરનો સંપર્ક સાધ્યો હતો, પણ, કમનસીબે ત્યાં સુધી દોડ્યા પછીયે અધિકારી વર્ગ દ્વારા સાનુકૂળ પ્રતિસાદ ન મળ્યો. પોતાના જવાનોની શહાદતની જાણે કોઈને પડી જ નહોતી. આમ છતાં ટીમ નિરાશ થયા વિના પોલીસ ક્વાર્ટર સુુધી પહોંચી. ત્યાં કમસે કમ ત્રણ જવાનો એવા મળ્યા જેમણે કચ્છના રણમાં ’૬૫ના એપ્રિલમાં ફરજ બજાવી હતી. તેમને વીઘાકોટ અને કંજરકોટથી માંડી બિયારબેટ કે બાવરલાબેટ સુધીના રણની એક-એક ચોકી કે સ્થળ જાણે હમણાં જ જોયા હોય એવા યાદ હતા.

 

૧૯૬૫ના યુદ્ધ સાથે સંકળાયેલી આ બધી બાબતો, જવાનોની મુલાકાત, એસ.આર.પી.ના અમદાવાદ-ગાંધીનગર સ્થિત અધિકારીઓના ઉપેક્ષાભર્યા વલણ અને રાજ્ય સરકારની ઉદાસીનતા સહિતના મુદ્દાઓને આવરી લેતી શ્રેણી અખબારમાં પ્રસિદ્ધ થઇ છતાં ન તો ગુજરાત સરકારના ગૃહમંત્રાલયે તેની કોઇ નોંધ લીધી કે ન તો અનામત પોલીસ ખાતાના પેટનું પાણી હાલ્યું. એસ.આર.પી. ગ્રુપ-૨ના હેડ ક્વાર્ટર પાસે જૂનો, કોઇ કહેતાં કોઇ રેકર્ડ મોજૂદ નહોતો. એટલું જ નહીં ’૬૫માં રણમોરચે ફરજ બજાવનાર પોલીસમેન નિવૃત્ત થયા પછી અમદાવાદમાં એમના જ ક્વાર્ટરમાં હયાત હતા, તેમને બોલાવીને સાચી વિગતો જાણવાની દરકાર પણ અધિકારી વર્ગે કરી નહીં. જો ચોક્કસ માહિતી પત્રકાર મેળવી શકે તો અધિકારીઓ કેમ ન મેળવી શકે ? મંત્રાલય અને ઉચ્ચ અધિકારી વર્ગના આવા ઉપેક્ષાભર્યા વલણ સામે અખબારી ઉહાપોહ જારી રહેતાં ૨૦૧૦માં એક અધિકારી માહિતી મેળવવા માટે ભુજ આવ્યા. જૂના અખબારો, હેવાલો અને લેખો મેળવ્યા પણ કાંઇ વળ્યું નહીં. દરમ્યાન ૨૦૧૧માં એક અનોખો યોગાનુયોગ સર્જાયો. વીરતા દિને એટલે કે ૯મી એપ્રિલે જ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાપરમાં નર્મદા નહેરના કામનું ખાતમુહૂર્ત થયું તે વખતે આ યોગાનુયોગને સાંકળીને શહાદત પ્રત્યેની ઉદાસીનતાના હેવાલો પ્રસિદ્ધ થયા. અગ્રલેખ સુધ્ધાં લખાયા. પરિણામે મુખ્ય પ્રધાનના ધ્યાને આ વાત આવી હોય કે જે હોય તે પણ બે મહિના પછી એટલે કે જૂન ૨૦૧૧માં જ ગુજરાત સરકારે જાહેરાત કરી કે રણની ધર્મશાલા ચોકી પર યુદ્ધ સ્મારક ૭૫ લાખના ખર્ચે ઊભું કરાશે. ગયા વર્ષે આ સ્મારક ધર્મશાલા ચોકી પર ઊભુંયે કરાયું.

 

એ જ અરસામાં શહીદ નાયક ગણપત ભોંસલેના પુત્ર રમેશ ભોંસલે ગાંધીનગર આવ્યા. તેઓ મુંબઇ પોલીસમાં ઇન્સ્પેક્ટર છે. પિતા શહીદ થયા પછી તેમને ગુજરાત એસ.આર.પી.માં જોડાવું હતું પણ કોઇ દાદ મળી નહીં. રમેશ ભોંસલે ગયા ડિસેમ્બરમાં કચ્છી પ્રધાન તારાચંદભાઇ છેડા અને ગૃહખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન રજનીકાંત પટેલને મળ્યા અને પોતાના પિતાને શહીદ જાહેર કરાય એવી રજૂઆત કરી. પ્રધાનોએ તેમને યોગ્ય પગલાંની ખાતરી આપી, એટલું જ નહીં એવુંયે કહ્યું કે, ૨૦૧૫માં યુદ્ધની સુવર્ણ જયંતીના પ્રસંગે ત્રણેય શહીદોનું ઉચિત સન્માન થશે.

 

પણ અફસોસ કે ચાલુ વર્ષની ૯મી એપ્રિલે સવારે રણની ધર્મશાલા ચોકી પર વીરાંજલિ કાર્યક્રમ યોજાયો ત્યારે સીમા સુરક્ષા દળ અને કેન્દ્રીય પોલીસ દળના અધિકારી હાજર રહ્યા. જ્યારે શરમજનક વાત એ હતી કે એસ.આર.પી.ના કોઇ કહેતાં કોઇ હાજર જ ન રહ્યા. આ કાર્યક્રમમાં નવી જાહેરાત થઇ કે હવે સરદાર ચોકી પર એક કાયમી અને શાનદાર શહીદ સ્મારક છ કરોડના ખર્ચે થશે. સમજાતું નથી કે ’૬૫ના રણયુદ્ધની વાસ્તવિક્તાથી એસ.આર.પી. દૂર કેમ ભાગે છે?

 

માભોમની રક્ષા કરતાં શહીદ થયેલા કે હયાત એવા જવાનો પ્રત્યે આવું ઉપેક્ષાભર્યું વલણ શા માટે ? દસ્તાવેજીકરણનીયે આટલી અવગણના કેમ એ સવાલ સહેજે ઊભો થાય છે. હા, ગયા વર્ષે રાષ્ટ્રીય કક્ષાની ઘોડેસવારી સ્પર્ધા વખતે ગુજરાત પોલીસે કોફી ટેબલ બુક પ્રસિદ્ધ કરી હતી, તેમાં રણયુદ્ધના ત્રણ શહીદ પોલીસ જવાનોનો પરિચય અપાયો હતો. પણ આટલાથી સંતોષનો ઓડકાર ખાઇ લેવો વાજબી નથી.

 

કેન્દ્રીય અનામત પોલીસ દળે ૧૯૬૫ની ઘટનાનું દસ્તાવેજીકરણ ૨૦૦૨માં કર્યું અને શહાદતની સ્મૃતિમાં દર વર્ષે ૯મી એપ્રિલે શૌર્ય દિન મનાવવાના રાષ્ટ્રીય કક્ષાએ શ્રીગણેશ કર્યા. કેન્દ્રીય દળ પોતાના જવાનો પ્રત્યે ૩૬ વર્ષે ઋણ ચૂકવે છે, તો રાજ્ય અનામત પોલીસ કેમ પચાસ વર્ષે ઋણ ચૂકવતાં અચકાય છે? કેન્દ્રીય દળે તો સરદાર ચોકીની ધરતીની ધૂળ દિલ્હી સુધી લઇ જઇને બે કળશમાં મૂકી છે. એક કળશ ડી.જી.ની ઓફિસે અને બીજું શહીદ સ્મારક પર. કેન્દ્રીય દળના મુખ્યાલયની લાલજાજમ બિછાવેલી સીડી પર તમે પગ મૂકો તો સામે ૧૨થી ૧૫ ફૂટની વિશાળ કદની સરદાર ચોકીની તસવીર નજરે પડે છે અને આપણી છાતી ગજગજ ફૂલી જાય છે. ક્યાં કેન્દ્રીય દળ અને ક્યાં એસ.આર.પી. ?

 

રાજકીય રીતે જોવા જઇએ તો ભાજપની સરકારો અને નેતાઓ ખાસ કરીને કોંગ્રેસી સરકારોની ભૂતકાળની ક્ષતિઓ શોધી શોધીને સાચોખોટો હોબાળો મચાવવા હંમેશ તૈયાર હોય છે. તો રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલી એસ.આર.પી.ના જવાનોની શહાદત જેવા સંવેદનશીલ પ્રશ્ર્ને ખામોશ કેમ છે, એ જ સમજાતું નથી. લગભગ વિનાહથિયારે મોરચો સંભાળનારાઓની કદર આપણે સુવર્ણ જયંતીએ નહીં કરીએ તો ક્યારે કરીશું ? સુરક્ષા પ્રત્યેની સરકારની ઉપેક્ષા વચ્ચે રણમાં જવાનો જંગ લડ્યા એ શું આપણા માટે ગૌરવની વાત નથી ?

 

 

રણમોરચાનો અજોડ મુલકી યોદ્ધો એસ. જે. કોહેલ્હો

 

કચ્છ મુલકજી ગાલ – કીર્તિ ખત્રી

 

 

 

(કચ્છ મોરચે ૧૯૬૫નું યુદ્ધ-૪)

 

૧૯૬૫નું ભારત-પાક યુદ્ધ પૂરું થયા પછી રણ મોરચે જાનની બાજી લગાવીને મા ભોમની રક્ષા કરનારા કેન્દ્રીય પોેલીસ, એસ.આર.પી. ઉપરાંત લશ્કરી જવાનોને બહાદુરીના એવોેર્ડ અપાયા, એ સ્વાભાવિક હતું. પણ કચ્છને સંબંધ છે ત્યાં સુધી એ સમયના જિલ્લા કલેક્ટર એસ.જે. કોહેલ્હોને યુદ્ધની કટોકટીભરી સ્થિતિમાં દેશદાઝથી ફરજ બજાવવા બદલ ૧૯૬૬માં કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો એ ઘટના અભૂતપૂર્વ હતી. આઝાદી પછીના ઇતિહાસમાં કોઇપણ આઇ.એ.એસ. અધિકારીને આ રીતે પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા હોય એવો આ પ્રથમ પ્રસંગ હતો. આમ તો ’૬૫ના યુદ્ધની વીરગાથાની જેમ એમની ફરજનિષ્ઠાની વાત પણ સમયના વહેણ સાથે વિસરાઇ ગઇ હતી. ૨૦૦૨માં કેન્દ્રીય અનામત પોલીસ દળે નવેસરથી ’૬૫ના રણયુદ્ધનું દસ્તાવેજીકરણ કર્યું તેને પગલે કચ્છના પત્રકારોની ટીમે સારું એવું સંશોધન કર્યું ત્યારેય આ ઘટના પ્રકાશમાં આવી નહીં, પરંતુ ૨૦૧૦માં ‘કચ્છમિત્ર’ના આષાઢી બીજ વિશેષાંકમાં શ્રી કોહેલ્હોએ જાતે યુદ્ધના અનુભવનો વિગતે લેખ લખ્યો ત્યારે ખબર પડી કે આ માણસે તો ઇતિહાસ સર્જી દીધો છે.

 

પચાસ વર્ષ પહેલાં કચ્છમાં માળખાકીય સુવિધાઓનો મોટાપાયે અભાવ હતો અને સુરક્ષા બંદોબસ્ત સાવ અધકચરો હતો. સરહદે ન રસ્તા કે ન પાણીની જોગવાઇ, ભુજથી ખાવડાનો રસ્તોય બિસમાર, સંદેશાવ્યવહારના વાંધા અને બીજાં સાધનોયે ટાંચા. આવી સ્થિતિ અને સંજોગોમાં કટોકટી ઊભી થઇ ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના જવાબદાર પ્રધાનો, જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પોલીસ, લશ્કર અને અર્ધલશ્કરી દળો વચ્ચે સેતુરૂપ બની પરિણામલક્ષી સુસંકલિત કામગીરી પાર પાડવામાં શ્રી કોહેલ્હોએ જે સૂઝબૂઝ અને હિંમત દાખવ્યા એ બેમિસાલ હતા.

 

જાણીને નવાઇ લાગશે કે ૧૯૬૫ની નવમી એપ્રિલે પાકિસ્તાની લશ્કરે સરદાર ચોકી પર આક્રમણ કર્યું ત્યારે શ્રી કોહેલ્હો જાતે ત્યાંથી થોડે દૂર સરહદી વીઘાકોટ ચોકી પર હાજર હતા. કલેક્ટર જેવા ઉચ્ચ કક્ષાના અધિકારી યુદ્ધ મોરચે જવાનો સાથે સ્ટ્રેન્ચમાં બેસીને રાત વિતાવે એ જરૂરી નથી. છતાં તેઓ હાજર હતા એ એમની દેશદાઝ, હિંમત અને કામ પ્રત્યેની ઝનૂની નિષ્ઠા સૂચવી જાય છે. અરે, આપણે આજે રણમાં સરદાર ચોકી તરીકે જેને ઓળખીએ છીએ અને જ્યાં યુદ્ધ શહીદોનું સ્મારક છે એ બોર્ડર પોસ્ટનું સર્જન અને નામકરણ ૧૪ માર્ચ ૧૯૬૫ના રોજ થયા તેમાંયે તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. બીજા અર્થમાં કહીએ તો સરદાર પટેલ જેવા લોખંડી ગુજરાતી નેતાનું નામ સરહદે ગાજતું રાખતી ચોકીના સર્જક પણ તેઓ જ છે. (સરદાર ચોકી નામ શીખ કમાન્ડરના નામે રખાયું હોવાની વાત સાચી નથી

 

ખોટી છે.)

 

‘કચ્છના રણ પર નાપાક આક્રમણ સમયનો અનુભવ, જિંદગીભરનું યાદગાર નજરાણું’ શીર્ષક હેઠળનો એમનો આ લેખ વાંચતાં એ સમયનાં દૃશ્યોની કલ્પના કરીએ તો જાણે એક રોમાંચક યુદ્ધ ફિલ્મ જોતાં હોઈએ એવું લાગે… કચ્છની અશાંત સરહદે નાપાક હરકતોની ભરમાર વચ્ચે ચોક્કસ મિશન અને લક્ષ્ય સાથે રાજ્ય સરકારે એક યુવાન અધિકારીની ભુજ બદલી કરતાં તા. ૧૧-૯-૧૯૬૪ના રોજ એ નવા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળે છે, બીજા દિવસથી જ અઘરું કામ પાર પાડવા ઝંપલાવી દે છે. છુપા વેશે સરહદો પર જૂની સ્ટેશન વેગન કાર જાતે જ હંકારીને પહોંચી જાય છે, વીઘાકોટ જેવા દુર્ગમ સ્થળે પાણીના બોર ખોદાવે છે પણ પાણી ભાંભરું નીકળતાં ગુજરાતભરમાંથી સરકારી ટેન્કરો બોલાવી સીમાએ પાણી પહોંચાડે છે, ખખડધજ ટેન્કરોના રિપેરિંગ માટે મુંબઈની ચોરબજારમાંથી સ્પેરપાર્ટ વિમાનમાર્ગે મગાવે છે, ૧૯૬૫ના બીજા મહિનામાં પાકિસ્તાન ફરી રણમાં લશ્કરી હિલચાલ વધારી દે છે, પછીના દિવસોમાં કંજરકોટ પર પાકિસ્તાની દળો કબજો જમાવી લે છે અને કેન્દ્ર સરકાર એને પાછું લેવા લશ્કરી દળનો ઈન્કાર કરી દે છે તેથી કંજરકોટની સામે ત્રણેક કિ.મી. દૂર ભારતની નવી ચોકી સ્થાપે છે અને એને વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં સરદાર પોસ્ટ નામ આપે છે, એ ચોકી પર નવમી એપ્રિલે પાક દળો ત્રાટકે છે ત્યારે કલેકટર જાતે વીઘાકોટ પર હાજર હોય છે અને બીજા દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાનને ફોન કરીને કહી દે છે અહીં હવે તો લશ્કર મોકલો, જ્યાં સુધી લશ્કર નહીં આવે ત્યાં સુધી હું અહીં જ ખાધાપીધા વિના બેસીશ એવી ધમકી અધિકારી આપે છે, આખરે ગુજરાતના મુખ્ય પ્રધાન ભારતના વડાપ્રધાન સાથે વાત કરે છે ને લશ્કરને આદેશ અપાય છે, યુદ્ધના માહોલ વચ્ચે ખાવડામાં સંરક્ષણપ્રધાન, ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભારતના લશ્કરી વડા સાથે બેઠક યોજાય છે તેમાં કલેકટર સામે પારથી આવેલી ગુપ્ત બાતમી આપતાં કહે છે કે રણના બિયારબેટ વિસ્તારમાં પાકિસ્તાન ટેન્ક આક્રમણની શતરંજ બિછાવે છે, લશ્કરી વડા આ વાત હસી કાઢે છે પણ ગણતરીના દિવસોમાં વાત સાચી પડે છે અને બિયારબેટ પર પાકિસ્તાન ટેન્ક હુમલો કરી ભારતને ત્યારે નુકસાન પહોંચાડે છે… આવા અધિકારીની યુદ્ધ પૂરું થયા પછી ૯-૧૧-૧૯૬૫ના રોજ બદલી થાય છે ત્યારે ભુજની લશ્કરી બ્રિગેડ ચીલો ચાતરીને મુલ્કી અધિકારીને વિદાય બહુમાન આપે છે.

 

ફિલ્મી પટકથા કે રોમાંચક નવલકથા માટે રસપ્રદ અને નાટકીય ઘટનાઓની આ વિગત જાણ્યા પછી નિવૃત્ત સવાઇ કચ્છી અધિકારી સ્ટાનિસ્લાઉસ જોસેફને કોહેલ્હોને રૂબરૂ મળીને વંદન કરવાની તીવ્ર ઇચ્છા થઇ આવી. તેમણે જો એક સર્વોચ્ચ મૂલ્કી અધિકારી તરીકે સંકલિત કામગીરીમાં જો અજોડ ભૂમિકા ન ભજવી હોત તો સંભવ છે કે, પાકિસ્તાને આપણા વધુ વિસ્તારો કબજે કરી લીધા હોત. એ રીતે જોતાં તેઓ રણયુદ્ધના મુખ્ય હીરો હતા.

 

તેમને રૂબરૂ મળવાની ઝંખના ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પૂરી થઇ. તેઓ તેમના પત્ની મરિટા સાથે બેંગ્લુરુમાં નિવૃત્ત જીવન મોજથી માણે છે. અમે એમના બંગલામાં પ્રવેશ્યા કે તરત જ ભેટી પડ્યા. છેક ભુજથી પચાસ વર્ષ પહેલાંની વિગતો જાણવા કોઇ બેંગ્લુરુ સુધી આવે એ વાત એમને માન્યામાં નહોતી આવતી. ખેર, પણ ૮૨ વર્ષની જૈફ ઉંમરે એમણે યુવાન જેવી સ્ફૂર્તિભરી છટાથી ભૂતકાળને વાગોળ્યો. જાણે બધું હમણાં જ બન્યું હોય એ રીતે ઝીણામાં ઝીણી વિગતો સાથે તેમણે એકએક પ્રસંગની વાત માંડીને કહી. વાત ક્યાંક ફંટાઇ જાય તો એમના પત્ની મરિટા વચ્ચે ટાપસી પૂરી દેતાં. નાપાક આક્રમણની તેમની સ્મૃતિ અકબંધ હતી. યુદ્ધ સમયના જુદા જુદા વિભાગોના અધિકારીઓ, પાત્રોના નામ ફટાફટ બોલે જતા હતા. કચ્છના ડી.એસ.પી. શ્રી દાદાભોય, ભૂસ્તરશાસ્ત્રી સી.બી. રાજુ, મેજર કર્નેલસિંહ, બ્રિગેડિયર પહેલજાની, જનરલ ઓ.પી. દૂન, લેફ્ટ. કર્નલ સુંદરજી, વાયુદળના વી. વેંકટરામન, ડી.આઇ.જી. જે.કે. સેન, એસ.ટી. અધિકારી જ્યોર્જ ફ્રાન્સીસ, કર્નલ હેનરી… વિગેરે એ સમયનાં પાત્રોની યાદી લાંબી છે.

 

વાતચીત દરમ્યાન શ્રી કોહેલ્હો પ્રસંગ વર્ણન વખતે રમૂજ પણ કરી લેતા. એમની સેન્સ ઓફ હ્યુમર પણ દાદ માંગી લે તેવી હતી. તેમની સાથેની આ મુલાકાત ઉપરાંત ભુજમાં એમની સાથે કામ કરનાર જૂના કર્મચારી અને કેટલાક વયોવૃદ્ધ કચ્છી રાજકારણીઓ પાસેથી જાણવા મળેલું કે આવા દેશદાઝભર્યા અધિકારીનીયે રાતોરાત ટેલિફોનિક બદલી માંડવીના ક્ધિનાખોર રાજકારણીએ કરાવી હતી. બન્યું એવું કે, સલાયાના કોઇ ઇસમની ભારતીય સંરક્ષણ ધારા હેઠળ અટક કરવાનો આદેશ શ્રી કોહેલ્હોએ આપ્યો હતો. તેથી કૉંગ્રેસી મહાશય નારાજ હતા, જેની અટક કરાઇ હતી તે સંભવત: દાણચોર હતો. મતલબ કે પચાસ વર્ષ પહેલાં ભલે દાઉદ ઇબ્રાહિમનો જમાનો નહોતો, પરંતુ કોઇ રાજકારણીઓ એ સમયે પણ દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓની પડખે ઊભા રહેતા હતા. કચ્છના રાજકારણની આ એક શરમજનક ઘટના હતી.

 

બેંગ્લોરની મુલાકાત વખતે બદલી અંગે પૂછયું તો શ્રી કોહેલ્હોએ રાજકીય દબાણ હેઠળ પોતાની બદલી થઈ હોવાનો એકરાર કર્યો હતો. જો કે વધુ વિગતો આપી નહોતી. મોરારજીભાઈ દેસાઈના કહેવાથી મુખ્ય પ્રધાન હિતેન્દ્ર દેસાઈએ તેમને ફોન કરીને કહ્યું હતું કે ‘રાજકીય દબાણમાં અમારે કયારેક આવું કરવું પડે છે પણ તમને હવે વડોદરા જેવું શ્રેષ્ઠ સ્થળ આપું છું.’

 

ખેર, બદલી કર્યા પછી હિતુભાઈની સૌમ્યતા અને ગરિમા કે પછી પાપના પ્રાયશ્ર્ચિતરૂપે શ્રી કોહેલ્હોને પદ્મભૂષણ જેવું બહુમાન મળે એ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી. હિતુભાઈ ૧૯૬૫ના યુદ્ધ સમયે ગૃહપ્રધાન હતા પણ એ જ યુદ્ધમાં પાછળથી પાકિસ્તાની ગોળીબારથી વિમાન તૂટતાં મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતા કચ્છની ધરતી પર શહીદ થયા તે પછી મુખ્ય પ્રધાન બન્યા હતા. એ વખતે કેન્દ્રીય ગૃહમંત્રાલયના સચિવ જેવા બાબુઓ કોઈ મુલ્કી અધિકારીને યુદ્ધ દરમ્યાનની કામગીરી માટે મોટો ઈલ્કાબ રાષ્ટ્રપતિ દ્વારા મળે એની તરફેણમાં નહોતા. તેથી તેમણે ઈન્કાર કરી દીધો. પણ, ગુજરાતી જયસુખલાલ હાથી રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન હતા તેથી તેમણે ભારપૂર્વક પુન: રજૂઆત કરી. આખરે તેમને પદ્મભૂષણ નહીં પરંતુ પદ્મશ્રી એવોર્ડ ૨૬ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ એનાયત થયો. આમ અહીંયે રાજકારણ ખેલાયું હતું.

 

પરંતુ શ્રી કોહેલ્હો માને છે કે અધિકારીએ બદલીઓની ચિંતા કરવાને બદલે નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરવું હિતાવહ છે. તેમણે ગુજરાત સરકાર તેમ કેન્દ્ર સરકારના જુદાં જુદાં ખાતાઓ અને નિગમોનાં કામ કરી નોંધપાત્ર એવોર્ડ મેળવ્યા છે. છેલ્લે ગુજરાત વિદ્યુત બોર્ડના અધ્યક્ષ તરીકે ડિસેમ્બર, ’૯૫થી ઑગસ્ટ ’૯૭ સુધી અસરકારક કારભાર નિભાવી નિવૃત્ત થયા છે. ૮૨ વર્ષની ઉમરે હજુયે સ્ફૂર્તિ ધરાવે છે. એકમાત્ર પુત્રી વિદેશમાં છે, પત્ની મરિટાને એન્ટિક ચીજો સંઘરવાનો શોખ છે, એ તો એમના બંગલામાં પ્રવેશતાં જ જોઈ શકાય છે. જાણે કોઈ એન્ટિકવાળાના શો રૂમમાં પ્રવેશતા હોઈએ એવું લાગે. જૂનું ફર્નિચર, રાચરચીલું, પશ્ર્ચિમી આધુનિક ચિત્રકલાનાં તૈલચિત્રો, વાસણો, કલાત્મક કોતરકામ કરેલો અરીસો, મેજ, ઈસ્કોતરો વગેરે…

 

શ્રીમતી મરિટાનેય યુદ્ધના દિવસો બરાબર યાદ છે. દિવસ-રાત પતિદેવ જાણે કોઈ ઝનૂન એમના મગજ પર સવાર થઈ ગયું હોય એમ કામ કર્યા જ કરતા. રાતે સૂએ પણ નહીં. ૯મી એપ્રિલે વીઘાકોટના સ્ટ્રેન્ચ (ખાડા)માં રાત વીતાવી તે વખતે પાકિસ્તાની તોપમારાના અવાજથી શ્રી કોહેલ્હોના કાનના પરદાને નુકસાન થતાં કાયમી બહેરાશ આવી ગઈ એને યાદ કરતાં શ્રીમતી મરિટા કહે છે કે ૧૨મી એપ્રિલે મારો જન્મદિન હતો એ દિવસેય સાહેબ કામમાં એવા મગ્ન હતા કે જાતે જ સ્ટેશન વેગન હંકારી સીમાએ પહોંચી ગયા હતા.

 

ભુજમાં એકધારું કામ કરતાં શ્રી કોહેલ્હોને જેમણે જોયા છે એ પૈકી એક પી. એચ. ભટ્ટી પણ માર્ચ-એપ્રિલ ૧૯૬૫માં બે-ત્રણ વાર સરહદ પર ગયા હતા. તેમને યાદ છે કે ધર્મશાળા ચોકી નજીક ૧૦ડ્ઢ૧૦ની ઓરડીમાં શ્રી કોહેલ્હો અને ડી.એસ.પી. શ્રી દાદાભોય રોકાતા અને પછી સિંધ ભણી ચોકીઓ તરફ જતા. જવાનોને સરહદે ખસેડવા એ સમયે કોઈ વાહન હતાં નહીં તેથી બસો મોકલવી પડતી. ઈન્ડિયા બ્રિજનું તે વખતે અસ્તિત્વ નહોતું. જૂનો કસ્ટમ રોડ હતો. ખાવડા પછીયે ઝાડી હતી અને રણ પણ છેક નાળા સુધી આવીએ ત્યારે દેખાતું. નાળામાં પાણી અને કીચડમાં ગાડી ખૂંપી જાય. કલેકટરને જાતે ગાડીને ધક્કા મારતાં ભટ્ટીભાઈએ જોયા છે. આપણાં વાહન અત્યારે જ્યાં બ્રિજ છે એ વિસ્તાર પાર કરી શકે એ માટે યુદ્ધના ધોરણે કાચો રસ્તો બંધાયો હતો. કન્ટ્રોલ રૂમમાં અવારનવાર શ્રી કોહેલ્હોને દોડી જતાં તેમણે જોયા છે. તેમના જણાવ્યા અનુસાર શંકરભાઈ ઠક્કર અને નાયબ કલેકટર કે.જી. સરૈયા જેવા કર્મચારીઓ પણ સરહદે આવ-જાવ કરતા.

 

’૬૫ના માર્ચ-એપ્રિલનો એક-એક દિવસ તારીખ સાથે શ્રી કોહેલ્હોને યાદ છે. ખાસ કરીને ૮, ૯ અને ૧૦ એપ્રિલની ઘટનાઓ તો એમના મેમરી કાર્ડમાં એવી સચવાયેલી છે કે દિવસ કે કલાક નહીં મિનિટોની ગણતરી સાથે વાત કરે છે. એમની સાથે એમના દીવાનખંડમાં કેટલીયે વાતો કરી. વચ્ચે, એમનો બાયોડેટા માગ્યો તો ‘અરે મારી પાસે કોપી નથી..’ એમ કહી ઊઠયા અને ઝેરોક્ષ કરાવવા જાતે બહાર ચાલ્યા ગયા. દશ મિનિટમાં પાછા આવ્યા, એવી એમની સ્ફૂર્તિ.

 

..પણ આખરે તો, યુદ્ધવિરામ પછી ટ્રિબ્યુનલ રચાઈ અને કચ્છ રણનો ૩૫૦ કિલોમીટર જેટલો છાડબેટ સહિતનો વિસ્તાર ગુમાવવાનો વારો આવ્યો એ માટે જવાબદાર કોણ, શું રાજ્ય અને કેન્દ્ર સરકારની નિર્માલ્ય નીતિ અને વલણ આ માટે જવાબદાર નથી એવું પૂછ્યું તો શ્રી કોહેલ્હોએ ચુપકી સેવી, પછી બોલ્યા… ‘છાડબેટ ગયું, સરદાર (ચોકી) આપણી પાસે રહ્યા ! શૌર્યનું પ્રતીક છે ને?

 

આ યુદ્ધ અને એ પછીના બનાવોનાં લેખાંજોખાં કરતાં રાજ્ય-કેન્દ્ર સરકારની તૈયારીઓ અંગે ઘણી ટીકા-ટિપ્પણીઓ થઈ છે, પરંતુ નવમી એપ્રિલ સહિતના બનાવ અને કલેક્ટરની કામગીરીની તો સર્વત્ર પ્રશંસા થઈ છે, એનું એક કચ્છી તરીકે આ લખનારને ગૌરવ છે.

 

 

સિંધના હિન્દુ ભારતનું આક્રમણ ઇચ્છતા હતા તો બદીનના મુસ્લિમ બે દેશનું એકીકરણ

 

કચ્છ મુલકજી ગાલ – કીર્તિ ખત્રી

 

 

 

કચ્છ મોરચે ’૬૫નું યુદ્ધ…૫

 

કચ્છના રણમાં ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન સંઘર્ષનો એપ્રિલના છેલ્લા દિવસોમાં બ્રિટનની દરમ્યાનગીરીથી અંત આવી ગયો હતો. વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સને ૨૮મી એપ્રિલે ભારતના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાનને યુદ્ધવિરામ માટે દરખાસ્ત કરી. તેમણે સૂચવ્યું કે, પ્રથમ લડાઇ બંધ કરી દેવી, તે પછી બંને દેશનાં સશસ્ત્ર દળો યથાવત્ સ્થાને એટલે કે ૧લી જાન્યુઆરી, ૧૯૬૫ના રોજ સરહદ પર જે સ્થળે-સ્થિતિએ હતા ત્યાં પાછાં ફરે અને એને પગલે બંને દેશની સરકારો ઝઘડાના નિવારણની વાટાઘાટ શરૂ કરી દે. બે-ત્રણ દિવસમાં જ ભારત અને પાકિસ્તાન દરખાસ્ત સ્વીકારી લેવા સંમત થયા. અહીં પાકિસ્તાન માટે સંતોષ માનવાને સૌથી મોટું કારણ એ હતું કે, તેમાં કચ્છ-સિંધ સરહદ વિવાદગ્રસ્ત છે, એવા પોતાના દાવાને સ્વાભાવિક રીતે જ સમર્થન મળી જતું હતું. વિવાદ છે એટલે જ એને ઉકેલવા મંત્રણાની વાત હતી.

 

ખેર, દરખાસ્ત પ્રત્યેના સકારાત્મક પ્રતિભાવને પગલે રણ મોરચો શાંત થઇ ગયો, પણ યુદ્ધવિરામના ત્રણ તબક્કા હતા. પ્રથમ તો મે મહિનાના આરંભે બિનસત્તાવાર યુદ્ધવિરામ. એ પછી ૧૦મી મેથી વિધિવત્ યુદ્ધવિરામની જાહેરાત થઇ, પણ યુદ્ધવિરામ સમજૂતી હજુ બાકી હતી. એટલે સંઘર્ષ બંધ થયા પછી મે અને જૂન મહિનામાં યુદ્ધવિરામ કરારના જુદા જુદા મુદ્દા અને શરતોની સંબંધિત પક્ષોના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચાઓ થઇ અને એના મુસદ્દાને અંતિમ ઓપ અપાયો. આખરે ૩૦મી જૂન, ૧૯૬૫ના રોજ યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા અને ૧લી જુલાઇથી તેનું અમલીકરણ શરૂ થયું. બંને દેશનાં દળો ૧લી જાન્યુઆરીની સ્થિતિએ કરારની શરતો અનુસાર પાછા ફર્યાં. કરાર અનુસાર બે મહિનામાં ભારત-પાકિસ્તાનના વિદેશપ્રધાનોની બેઠક સીમા વિવાદ સંબંધિત ચર્ચા કરવા યોજવાની હતી. આ માટે ૨૦મી ઑગસ્ટની તારીખ નક્કી થઇ, પરંતુ મંત્રણાઓ રદ્દ કરવી પડી, કારણ કે એ સમયે તો ભારત-પાક વચ્ચે સંઘર્ષ કાશ્મીર મોરચે શરૂ થઇ ચૂક્યો હતો. તેથી યુદ્ધવિરામ કરવાની શરત અનુસાર રણ સરહદ વિવાદ સીધો જ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલને સોંપવાની જાહેરાત થઇ.

 

આમ ભારતની અનિચ્છા છતાં કચ્છ રણ સરહદ વિવાદ આંતરરાષ્ટ્રીય ફોરમ પર પહોંચી ગયો. પણ, લડાઇ બંધ થઇ ત્યાં સુધીમાં ભારત અને પાકિસ્તાનમાં ખરેખર શું થયું, મોરચા પર એપ્રિલના છેલ્લા દિવસોમાં કેવી સ્થિતિ હતી, એની વિગતોયે જાણવા જેવી અને રસપ્રદ છે.

 

૯મી એપ્રિલે નાપાક આક્રમણ શરૂ થયું અને કેન્દ્રીય અનામત પોલીસ દળે તેને કેવી ચાલાકીથી મારી હઠાવ્યું એ આપણે અગાઉના લખાણમાં જોઇ ગયા છીએ. પણ સરદાર ચોકી પર માર ખાધા પછી, પાકિસ્તાની દળો ફરી સક્રિય થઇ ગયા હતાં. સામસામો ગોળીબાર બંને બાજુથી થતો રહ્યો હતો. નોંધપાત્ર બાબત એ હતી કે, ૧૯મી એપ્રિલ સુધી બંને દળો વચ્ચેનો સંઘર્ષ સરદાર ચોકી અને વીઘાકોટ વિસ્તાર સુધી મર્યાદિત રહ્યો હતો. જ્યારે ૨૦મી એપ્રિલે પાકિસ્તાને છાડબેટ વિસ્તારમાં પોઇન્ટ ૮૪ (સેરાબેટ) પર પણ સેલ છોડવાનું શરૂ કરી દીધું.

 

૨૧મીએ હનુમાન તરાઇ ચોકી પર એસ.આર.પી.ના ત્રણ જવાનો દુશ્મનના હુમલામાં શહીદ થયા, એ આપણે અગાઉના લખાણોમાં જોઇ ગયા છીએ. તે પછી એટલે કે ૨૩ અને ૨૪ એપ્રિલે બિયારબેટ અને છાડબેટ પર મુખ્ય આક્રમણ પાકિસ્તાને કર્યું હતું. આ હુમલામાં ૧૨થી ૧૩ ટેન્કનો કાફલો રણમાં આગળ વધ્યો હતો. ત્રણ ટેન્ક ભારતીય જવાનોએ ફૂંકી મારી હતી, તો બે ટેન્ક રણમાં ખૂપી જતાં દુશ્મનને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં દુશ્મનની સંખ્યા – જોર, આપણી તુલનાએ વધુ હતું. પરિણામે ૨૪મીએ પોઇન્ટ ૮૪ (સેરાબેટ) પર દુશ્મને કબજો કરી લીધેલો. ૨૬મીએ બિયારબેટ પણ હાથમાંથી નીકળી ગયું હતું. સંઘર્ષ જારી રહ્યો હતો. પાકિસ્તાની દળોએ તે પછીયે એટલે કે છેક ૨૯ એપ્રિલ સુધી મીડિયમ ગન્સ, એફ.ડી. ગન્સના બે હજારથી વધુ રાઉન્ડ ગોળીબાર સાથે ૩૨૫ મોર્ટાર સેલનો મારોયે ચલાવ્યો હતો. તે પછી, આમ તો મે મહિનાના આરંભે જ બિનસત્તાવાર યુદ્ધવિરામ થઇ ગયું હોવાથી મોરચા શાંત હતા. આમ છતાં ૧૦મી મે સુધી એટલે કે વિધિવત્ જાહેરાત અનુસાર યુદ્ધવિરામ થાય તે દરમ્યાન ક્યાંક ક્યાંક છમકલાં ચાલુ રહ્યા હતાં. ખાસ કરીને રણના સંવેદનશીલ વિસ્તારમાં બંને દળોના જવાન પેટ્રોલિંગ કરતી વખતે સામસામા આવી જતા ત્યારે તંગદિલી વધી જતી. આ પ્રકારની એક અથડામણ ૯મી મેના રોજ થઇ હતી. જેમાં પાકિસ્તાનના ચાર સૈનિક માર્યા ગયા હતા. જ્યારે ભારત પક્ષે બે જવાન શહીદ થયા હતા. રણ મોરચે આ છેલ્લી અથડામણ હતી. ૩૨ દિવસના સંઘર્ષમાં પાકિસ્તાનની ખુવારી ભારત કરતાં સારી એવી મોટી હતી. પણ કંજરબેટ, છાડબેટ અને બિયારબેટ સહિતનો વિસ્તાર એણે કબજે કરી લીધો હતો.

 

કચ્છની પ્રજાને સંબંધ છે ત્યાં સુધી યુદ્ધકાળ દરમ્યાન એનો જુસ્સો મહદઅંશે જળવાઇ રહ્યો હતો. એપ્રિલના સંઘર્ષ વખતે હવાઇ હુમલાનો ભય નહોતો, પરંતુ સપ્ટેમ્બરમાં પૂર્ણ કક્ષાએ રાજસ્થાનથી જમ્મુ-કાશ્મીર સુધી યુદ્ધ ખેલાયું ત્યારે પાકિસ્તાનનાં વિમાનો કચ્છ સુધી આવતાં હતાં એટલે નાગરિક સંરક્ષણની વ્યવસ્થા તંત્ર અને સ્થાનિક સંસ્થાઓના સુસંકલનથી વ્યવસ્થિત રીતે ગોઠવાઇ હતી. દુશ્મન વિરોધી લોકજુવાળ ઊભો થયો હતો. રાજ્યસભામાં ડૉ. મહિપત મહેતાએ આ જુવાળને વાચા આપતાં સંસદગૃહમાં કહ્યું હતું કે, “ભુજમાં અમર શહીદોને અંજલિ

 

આપવા મોટી જનમેદની ઊમટી પડી હતી. આપણા જવાનો અને લશ્કરના લોકોયે તેનાથી પ્રભાવિત થયા હતા. આજે હું અત્યંત ગર્વથી એમ કહી શકું છું કે, સરહદી ગામોમાં જ્યાં ગોળીબારના અવાજો સંભળાતા હતા, ત્યાંના લોકો પોતાના ઘર છોડીને ક્યાંય ગયા નહોતા, તેમનો જુસ્સો ઊંચો હતો. દરેક યુવાન હથિયાર માગે છે… કચ્છનો ઇતિહાસ અનેરો છે. કચ્છ પર હંમેશાં સિંધનો ડોળો રહ્યો હતો. તેઓ સતત હુમલા કરતા રહ્યા હતા અને કચ્છના લોકો હંમેશાં હિંમતભેર તેને મારી હઠાવતા હતા. આ ઇતિહાસનું આજે પુનરાવર્તન થાય છે…

 

સપ્ટેમ્બરના યુદ્ધ સમયે પાકિસ્તાન વાયુસેનાનાં વિમાનો કચ્છ પર તેમ અહીંથી છેક જામનગર સુધી ઉડ્ડયન કરીને હુમલાની કોશિશ કરતા. એ વખતે એકાદ વાર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પણ નેતાઓ અને તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓએ સાથે મળી હિજરત રોકવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જો કે, સરહદનાં કેટલાંક ગામોમાંથી લોકોએ સ્થળાંતર કર્યું હતું ખરું. ૭મી સપ્ટેમ્બરથી કચ્છમાં બ્લેકઆઉટ શરૂ થયા હતા અને તે સાથે જ નાગરિક સંરક્ષણ વ્યવસ્થા મજબૂત બની હતી. વર્તમાનપત્રો સાંજે યુદ્ધ સમાચાર માટે ખાસ વધારા પ્રસિદ્ધ કરતા હતા.

 

પરંતુ ૧૯મી સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાનું વિમાન દુશ્મને નિશાન બનાવતાં અબડાસા તાલુકાના સુથરી ગામ નજીક તૂટી પડ્યું, એ ઘટના કલ્પી ન શકાય એવી હતી. કચ્છના નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુન્દનલાલ ધોળકિયાએ ‘શ્રુતિ અને સ્મૃતિ, કચ્છ’ નામક પોતાના પુસ્તકમાં તેનું ટૂંક વિવરણ કરતાં લખ્યું છે “આમ તો શ્રી બળવંતરાય કચ્છ ઉપરથી ઊડીને દ્વારકા જતા હતા. પણ સરહદ જોવા કચ્છ સીમાએ જરા નીચે આવ્યા કે તરત જ પાકિસ્તાનના રડારે પ્લેનની હસ્તી પકડી પાડી… અને આખરે પ્લેન તોડી પડાયું… આ સમયે કચ્છભરમાં ઊંડા આઘાત અને શોકની લાગણી ફરી વળી હતી.

 

-તો પાકિસ્તાન અને તેમાંયે ખાસ કરીને ત્યાંના સિંધ પ્રાન્તની પ્રજાનો જુસ્સો કેવો હતો ? આશ્ર્ચર્ય પમાડે એવા નિર્દેશ એ સમયે કચ્છ પોલીસના દેશી જાસૂસોને સિંધના અંતરિયાળ વિસ્તારોમાંથી મળ્યા હતા. એ સમયે સરહદે કોઇ મજબૂત બંદોબસ્ત નહોતો… સાવ હળવી સરહદ હતી. બંને દેશના લોકો આસાનીથી આવજ-જાવન કરતા. ખાવડાથી તંબાકુના પાનની ધૂમ દાણચોરી ઊંટોની મદદથી થતી. કચ્છ પોલીસની ગુપ્તચર પાંખ પોતાના સોર્સ એટલે કે કોઇ વ્યક્તિને સામે પાર મોકલી બાતમી મેળવવામાં માહિર હતી.

 

કચ્છની વીઘાકોટ ચોકીથી ૩૫-૪૦ કિ.મી. દૂર આવેલું બદીન નગર પાકિસ્તાની લશ્કરની હેરફેરનું મુખ્ય કેન્દ્ર હતું. ૧૯૬૫ના આરંભે જ પાક ફોજની હેરફેર વધતાં કાંઇક નવાજૂનીના એંધાણ મળી ગયા હતા. ત્યાંના વેપારી વર્ગમાં ગભરાટ ફેલાયો હતો. હવે શું થશે ? તેઓ ખૂબ ડરી ગયા હતા. એવી લાગણી વ્યક્ત થતી હતી કે લડાઇ કરતાં તો શાંતિ સારી, રણનો મામલો જલ્દી ઉકેલાઇ જાય અને હિન્દુસ્તાન-પાકિસ્તાન એક થઇ જાય તો સારું. બદીન શહેરમાં મુસ્લિમોની બહુમતી હોવા છતાં બે દેશ એક થાય એવી ઇચ્છા થઇ હતી. એની બાતમી આશ્ર્ચર્ય પમાડે તેવી હતી. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાની સામેપાર થરપારકર વિસ્તારના હિન્દુઓમાં એવી લાગણી હતી કે, ભારતીય લશ્કર સિંધ પર આક્રમણ કરીને કૂચ કરે તો તેઓ ભારતની પડખે રહીને તમામ સાથ – સહકાર આપવા ઉત્સુક હતા. એવીયે બાતમી ભુજ સુધી પહોંચેલી કે થરપારકરમાં સંરક્ષણ ધારા હેઠળ લુહાણા, સોઢા અને કોળી જ્ઞાતિના સંખ્યાબંધ લોકોને પાકિસ્તાની સત્તાવાળાઓએ અટકમાં લઇ લીધા હતા.

 

’૬૫ના આરંભથી જ, ખાસ તો લશ્કરી સરમુખત્યાર અયુબ ખાન રાષ્ટ્રપતિ બન્યા પછી સિંધના કેટલાક વિસ્તારોમાં અસલામત હિન્દુ પરિવારો પર પાકિસ્તાની તંત્ર-લશ્કરની તવાઇ આવી પડી હતી. ધર્મપરિવર્તન, અપહરણ સહિતના પ્રયાસો ખુલ્લેઆમ થઇ રહ્યા હતા. એ સમયે ત્યાંથી નાસીને કચ્છ પહોંચી આવેલા લોકોના જણાવ્યા અનુસાર સંખ્યાબંધ હિન્દુ મંદિરોનેય તોડી પાડવામાં આવ્યાં હતાં. કચ્છ પર આક્રમણ કરીને વિજય મેળવ્યો હોવાના દાવા પાકિસ્તાની અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા. એ સાથે એવીયે અફવાઓ ફેલાવાઇ હતી કે પાકિસ્તાની રોજર્સ ભુજ સુધી કૂચ કરી ચૂક્યા છે.

 

પણ, સિંધી-ગુજરાતી મુસ્લિમોએ સિંધના કેટલાક વિસ્તારમાં ભારત-પાક એક થાય એવી લાગણી વ્યક્ત કરી હતી. એનું મૂળ કારણ એ હતું કે, તેઓ અયુબ ખાનની સત્તારોહણથી નારાજ હતા. એ અરસામાં યોગાનુયોગ કરાચી ગયેલા કચ્છના જાણીતા કચ્છી સાહિત્યકાર માધવ જોશીએ પોતાના એક લેખમાં કરાચીના ડહોળાયેલા માહોલનો ચિતાર આપતાં લખ્યું હતું કે, “અયુબ ખાનનું વિરાટ વિજય સરઘસ નીકળ્યું હતું, તેમાંય તેમની સાથે પરાજય પામેલા મહમદઅલી ઝીણાના બહેન ફાતિમા ઝીણાનું જે ચૂંટણી પ્રતીક હતું તે ફાનસની મોટી પ્રતિકૃતિને સાંકળ વડે બાંધીને રસ્તા પર ઘસડવામાં આવતી હતી. આ ઘૃણાજનક દૃશ્ય જોઇને ફાતિમા ઝીણાના સમર્થકોમાં ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી અને કરાચીમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં…

 

શ્રી જોશીના આ લેખમાં સિંધના મુસ્લિમોનું વલણ હિન્દુ પરિવારો પ્રત્યે સહાનુભૂતિભર્યું હતું એનોયે વિગતે ઉલ્લેખ થયો છે. ખરેખર તો એકથી વધુ પરિબળોએ ત્યાંના મુસ્લિમોની પંજાબી અને અન્ય કટ્ટર પાકિસ્તાનીઓ કરતાં અલગ પ્રકારની માનસિક્તા વિકસાવવામાં ભાગ ભજવ્યો છે. જિયે સિંધ ચળવળમાં પણ હિન્દુ-મુસ્લિમ સાથે હતા. જો કે, આ એક અલગ વિષય હોવાથી અલગ ચર્ચા માગી લેતો મુદ્દો છે.

કચ્છ સત્યાગ્રહ ‘દાંડીકૂચ’ની યાદ અપાવી ગયો !

 

કચ્છ મુલકજી ગાલ – કીર્તિ ખત્રી

 

 

 

(કચ્છ મોરચે ’૬૫નું યુદ્ધ…)

 

કચ્છ ટ્રિબ્યુનલના ચુકાદા અનુસાર મોટા રણમાં કંજરબેટ, છાડબેટ અને ધાર બન્ની સહિતના લગભગ સાડા ત્રણસો ચો. માઇલ વિસ્તારની પાકિસ્તાનને વિધિસર રીતે સોંપણી થાય એ પહેલાં વિરોધ પક્ષોએ કચ્છ સત્યાગ્રહનું રણશીંગુ ફૂંકી દેતાં કચ્છમાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી. આમ તો ૧૯મી ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે ચુકાદો જાહેર કર્યો તે ઘડીથી જ કચ્છ અને બૃહદ કચ્છમાં બેચેની ફેલાઇ ગઇ હતી. ઇતિહાસ અને પરંપરા અનુસાર કચ્છી જેને પોતાનો વિસ્તાર માનતા હતા, એનો કોઇ અંશત: ભાગ પાકિસ્તાનને સોંપી દેવાની નોબત આવે એવું સપ્નામાંયે કોઇએ વિચાર્યું ન્હોતું અને છતાં એક ક્રૂર વાસ્તવિક્તારૂપે એ જ વાત સામે આવી પડી ત્યારે લાગણીઓ બેકાબૂ બની જાય એ સ્વાભાવિક છે. તેથી જ તો વિરોધ પક્ષોનું સત્યાગ્રહનું એલાન લાખો કચ્છીઓને મન તેમની ઘવાયેલી લાગણીઓને વાચા આપતું એક માધ્યમ બની ગયું. કચ્છ તેમ બૃહદ કચ્છના કચ્છીઓએ સત્યાગ્રહને જબ્બર પ્રતિસાદ આપ્યો. ગુજરાતમાં અને કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી એટલે કૉંગ્રેસે એ ચુકાદો સ્વીકારવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. જો કે, કચ્છ-ગુજરાતના કૉંગ્રેસી નેતાઓ મૂળભૂત રીતે એમ માનતા હતા કે ચુકાદો અન્યાયી છે પણ પક્ષીય શિસ્તથી ઉપર જવાની તેમનામાં હિંમત નહોતી. તેઓ લાચાર હતા, પ્રજા તેમનાથી સખત નારાજ હતી એટલે વિપક્ષે કચ્છીઓની લાગણીઓને વાચા આપતાં જ લોકજુવાળ ઊભો થતાં સમય ન લાગ્યો.

 

સત્યાગ્રહના વિધિવત મંડાણ ૨૧મી એપ્રિલે થયા પણ કચ્છનાં શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનસંઘ સ્વતંત્ર પક્ષ, મહાગુજરાત જનતા પરિષદ, પ્રજા સમાજવાદી પક્ષ, સંયુક્ત સમાજવાદી પક્ષ સહિતના વિપક્ષી નેતાઓની જાહેરસભાઓ માર્ચના પહેલા અઠવાડિયાથી જ ગાજતી થઇ ગઇ હતી. લોકોમાં જાગૃતિયે આવી હતી. સભાઓમાં નોંધપાત્ર હાજરી વચ્ચે કંજરબેટ લે કે રહેંગે, છાડબેટ હમારા હૈ… જેવા નારા ગુંજવા લાગેલાં. સત્યાગ્રહની લડતના ખર્ચ માટે લોકો શક્ય ફાળો સભાઓ વખતે જ ઉમંગે આપવા લાગ્યા હતા. અટલબિહારી વાજપેયી, જ્યોર્જ ફર્નાન્ડિઝ, પ્રો. રંગા, જગન્નાથરાવ જોશી, એસ.એમ. જોશી, હેમ બરૂઆ, અરીફ મહમદ બેગ, રાજનારાયણ, નાથપાઇ, મધુ લિમયે, ઇન્દુલાલ યાજ્ઞિક, લાડલી મોહન નિગમ, મદનલાલ ખુરાના, તુલસી બોડા, નરભેશંકર પાણેરી, ચીમન શુક્લ, સનત મહેતા, કેશુભાઇ પટેલ જેવા સંખ્યાબંધ નામી-અનામી નેતાઓ દેશભરમાંથી કચ્છ દોડી આવ્યા હતા અને ‘કચ્છ કી ધરતી દેશ કી ધરતી’ના નારા સાથે ધરતી બચાવ સત્યાગ્રહમાં જોડાયા હતા. કચ્છને સંબંધ છે ત્યાં સુધી કચ્છના રાજવી પરિવારના હિંમતસિંહજી, બિહારીલાલ અંતાણી, પ્રાણલાલ શાહ, ગુલાબશંકર ધોળકિયા, ફુલશંકર પટ્ટણી, અમૃતપ્રસાદ અંતાણી, કૃષ્ણલાલ માંકડ, માધવસિંહ મોકાજીએ તમામ તાકાતથી સત્યાગ્રહમાં ઝૂકાવ્યું હતું.

 

પણ, સત્યાગ્રહ શરૂ થાય એ પહેલાં એક રસપ્રદ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બની ગયો હતો અને તે એ કે સત્યાગ્રહનું સ્થળ કયું નક્કી કરવું ? કચ્છનું રણ તો વિશાળ ૩૫૦૦ ચો.મી.માં પથરાયેલું છે. જે છાડબેટ અને કંજરકોટ વિસ્તાર પાકિસ્તાનને સોંપવાના હતા તે ખાવડાથી ૫૦થી ૮૦ કિ.મી. જેટલા ખાસ્સા એવા દૂર હતા. ત્યાં પહોંચવા રસ્તાયે બરાબર નહોતા. મૂળ તો એ રણ હતું અને એપ્રિલમાં ભરઉનાળો. તેથી સખત તાપ, પાણીની ક્યાંયે વ્યવસ્થા નહીં, ધૂળના વંટોળ, ક્યારેક ઝંઝાવાત મચાવે તો ક્યારેક મૃગજળ… તમામ પ્રકારની કુદરતી વિષમતાઓ વચ્ચે જ્યાં ભારત-પાકિસ્તાનના સર્વેયરો મોજણી-માપણી કરીને સરહદી થાંભલા ખોડવાની કામગીરી કરવાના હતા ત્યાં સરકારની મદદ વિના પહોંચવું સત્યાગ્રહીઓ માટે લગભગ અશક્ય હતું. અધૂરામાં પૂરું ગુજરાત સરકારે પણ આ બાબતે સત્તાવાર રીતે સત્યાગ્રહી નેતાઓને ચેતવ્યા હતા અને છેક લખપતથી બેલા સુધીના સરહદી રણ વિસ્તારમાં ૧૪૪મી કલમ લાગુ પાડી દેવાની જાહેરાત કરી હતી.

 

કચ્છ બચાવ સમિતિ મૂંઝવણમાં મુકાઇ ગઇ હતી. ૨૧મી એપ્રિલથી સત્યાગ્રહ શરૂ થવાનો હતો. ૧૯મી સુધી રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ભુજમાં ભેગા થઇ ગયા હતા. ચુકાદા વિરોધી પરિષદની જાહેરસભામાંયે કાંઇ નક્કી ન થઇ શક્યું. આખરે હિંમતસિંહજી કે જેઓ કચ્છની ભૂગોળથી પૂરેપૂરા પરિચિત હતા. તેમણે રસ્તો સૂચવ્યો, જે મુજબ સત્યાગ્રહનો આરંભ ખાવડાથી કરવો અને અત્યારે મોરીબેટ પાસે જે ઇન્ડિયા બ્રીજ છે, ત્યાં સુધી એટલે કે રણની કાંધી સુધી સત્યાગ્રહીઓએ જવાનું. આ જાહેરાત અનુસાર ૨૧મી એપ્રિલે હેમ બરૂઆના નેજા હેઠળ ૧૭૫ સત્યાગ્રહીઓની પહેલી ટુકડી ખાવડાથી રવાના થઇ અને બાંદી નદીના પુલ પાસે ધરપકડ વહોરી. આ સત્યાગ્રહીઓમાં ૧૧ મહિલાઓ હતી.

 

સતત ૧૭ દિવસ સુધી દરરોજ દોઢસોથી બસ્સો સત્યાગ્રહી રણકાંધીએ જાય અને ધરપકડ થાય. તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાય અને સાતથી પંદર દિવસની સાદી જેલસજા થાય. સામાન્ય લોકો તેમજ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ જેલમાં જાય. કચ્છમાં અને તેમાંયે ખાસ કરીને ભુજમાં તો લોકજાગૃતિનો જબ્બર જુવાળ જોવા મળતો હતો. સત્યાગ્રહીઓની ટ્રેનો આવવાની હોય તો મોટી સંખ્યામાં લોકો ત્યાં ઊમટી પડે. ખાવડામાં તો જાણે મહોત્સવ હોય એવો માહોલ હતો. સત્યાગ્રહીઓને મદદ કરવા પ્રજામાં જાણે પડાપડી થતી. ભુજમાં જુદી જુદી જ્ઞાતિના સમાજો દ્વારા સત્યાગ્રહીઓ માટે સમૂહ ભોજન ઉપરાંત તેમની વાડીઓમાં ઊતરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

૬ઠ્ઠી મેના રોજ મ.કુ. હિંમતસિંહજીના નેજા હેઠળ સામૂહિક સત્યાગ્રહ માટે ભુજથી ખાવડાની ઐતિહાસિક કૂચ શરૂ થઇ, જેમાં ચારથી પાંચ હજાર લોકો જોડાયા. આ યાત્રાનું વર્ણન કરતાં જાણીતા કચ્છી નેતા કુન્દનલાલ ધોળકિયાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ‘કચ્છ કી ધરતી દેશ કી ધરતી’ના પ્રચંડ નારા સાથેની ૭૦ કિ.મી.ની આ પગપાળા કૂચ ગાંધીજીની દાંડીકૂચની કાંઇક યાદ આપતી હતી. જ્યોર્જ ફર્નાન્ડિઝ અને અરીફ બેગ પણ તેમાં જોડાયા હતા. ૮મીએ કૂચ ખાવડા પહોંચી. જંગી સત્યાગ્રહ શરૂ થયો. ખાવડા પછી બાંદી, ધ્રોબાણા, કુરણ, ઇન્ડિયા બ્રીજ પાસે પોલીસ સામાન્ય રીતે અટકાવતી, પરંતુ આ વખતે ધ્રોબાણા પાસે જ ૧૨૫૦ સત્યાગ્રહીઓને અટકમાં લઇ લેવાયા…

 

કુન્દનભાઇએ એ સમયનો ચિતાર આપતાં વધુમાં લખ્યું છે કે, “૮મીની સાંજે સેંકડો સત્યાગ્રહીઓને ભુજ લાવવામાં આવ્યા ત્યારે એસ.ટી. બસ સ્ટેશને કોઇક બનાવ બની જતાં તોફાન થયું. પોલીસે લાઠીચાર્જ કે સોટીમાર કર્યો. ટોળું આગળ વધ્યું. તોફાન બેકાબૂ બનતું ગયું…. ૯મીએ સવારે એક સત્યાગ્રહીનું મરણ થયું. એવી વાત ફેલાઇ કે લાઠીમારથી મોત થયું છે અને તેની સ્મશાનયાત્રા નીકળશે એવી જાહેરાતથી તો એવી હવા ઊભી થઇ કે જાણે ભુજ ભડકે બળશે. પણ શ્રી હિંમતસિંહજીએ તે ઘડીએ એક સાચા સત્યાગ્રહીને શોભે તેવી પરિપક્વતા બતાવીને જાહેર કર્યું કે, એ ભાઇ કૂચમાં ગયેલા પણ એમને ટી.બી.નું દર્દ હતું એટલે પરિસ્થિતિ વણસતાં બચી ગઇ…

 

કચ્છ સત્યાગ્રહની આ પરાકાષ્ટા હતી. આખરે સરકારે તો ચુકાદાનું અમલીકરણ કરવાનું જ હતું અને કોઇ મચક આપે એવી શક્યતા નહોતી. પણ, લોકલાગણીનો એક જબ્બર પડઘો કચ્છની ધરતી પર જોવા મળ્યો એ ઘટના અવિસ્મરણીય હતી. કચ્છની ધરતી બચાવવા માટે ભારતભરમાંથી નેતાઓ, કાર્યકરો, સામાન્ય લોકો આવ્યા અને લોકશાહી માર્ગે સંયમપૂર્વક સત્યાગ્રહ કર્યો. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અરે કેરળ અને તામિલનાડુના કાર્યકરો પણ સત્યાગ્રહમાં જોડાયા. જનસંઘના કેટલાક કાર્યકરોએ તો ખાવડાથી ઊંટ પર સવાર થઇને હાથમાં ત્રિરંગો લહેરાવી સત્યાગ્રહ કર્યો હતો. ભુજ, માંડવી, ગાંધીધામની કોલેજના વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા હતા. ચોમેર અભૂતપૂર્વ જુસ્સો જોવા મળ્યો હતો. બે હજારથી વધુ લોકોએ ધરપકડ વ્હોરી હતી, તેમાં ૧૫૦ વિદ્યાર્થી અને ૩૦ મહિલાઓનો સમાવેશ થાય છે. ભુજની જેલમાં જગ્યા ખૂટી પડતાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર કે જામનગરની જેલમાં સત્યાગ્રહીઓને રાખવા પડ્યા હતા.

 

ખાવડાના ૯મી મેના જબ્બર દેખાવો પછી સત્યાગ્રહનો તખતો ભુજ ખસેડાયો હતો. લાઠીમારના વિરોધમાં ગુલાબશંકર ધોળકિયાએ ઉપવાસ શરૂ કર્યા પણ તપાસની ખાતરી સાથે સમેટાયા. પછી આંદોલનનું જોર નબળું પડતું ગયું. ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભારતના વડા પ્રધાનના નિવાસ સામે ધરણાં થયાં. થોડા સમય બાદ સત્યાગ્રહ સમેટી લેવાયો. આમ કચ્છની ધરતી પાછી ન મળી એ દૃષ્ટિએ સત્યાગ્રહ નિષ્ફળ ગણાય. પણ, એ તો પહેલેથી સૌ સમજતા હતા. સવાલ અન્યાય સામે એકી અવાજે નારો ઉઠાવવાનો હતો અને એ ઊઠ્યો. કચ્છમાં વસતા કચ્છીઓ જ નહીં, મુંબઇ તેમજ અન્યત્ર વસતા કચ્છીઓએ પણ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. અરે, છાડબેટ સોંપણીના વિરોધમાં મુંબઇના કચ્છી બજારોયે બંધ રહ્યા હતા. તો ભારતભરના લોકો કચ્છ આવ્યા એ કચ્છ સાથેની તેમની ભાવાત્મક એકતાનું પ્રતીક હતું.

 

પીઢ રાજકીય અગ્રણી કુન્દનલાલ ધોળકિયાએ પોતાના પુસ્તકમાં કચ્છ સત્યાગ્રહ સંદર્ભે એક રાજકીય નિરીક્ષણ કર્યું છે તે ઊડીને આંખે વળગે તેવું છે. આ સત્યાગ્રહમાં જુદા જુદા રાજકીય પક્ષોએ પોતાના પક્ષીય ધ્વજને બદલે એકમાત્ર રાષ્ટ્રીય ધ્વજ હેઠળ જ સત્યાગ્રહ કર્યો એ કુન્દનભાઇના મત અનુસાર ૧૯૭૭ના કટોકટી સામેના ‘ભવ્ય જોડાણ’ના બીજ સમાન હતો. મતલબ કે, ભવ્ય જોડાણની રાજકીય પ્રક્રિયાના બીજ કચ્છની ધરતીમાં રોપાયા એ હકીકત ઇતિહાસે નોંધવી પડશે.

સાગરસીમાએ પણ કાશ્મીર જેવો નાપાક ખેલ?

 

કચ્છ મુલકજી ગાલ – કીર્તિ ખત્રી

 

 

 

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ કચ્છની જખૌ નજીકની સાગર સરહદે ગયા રવિવારે સૌરાષ્ટ્રના ૧૮ માછીમારોનું ત્રણ ફિશિંગ ટ્રોલર્સ સહિત બંદૂકની અણીએ અપહરણ કરીને કરાંચીની જેલમાં ધકેલી દીધા હોવાના હેવાલ ગુજરાતના અખબારોમાં મોટા મથાળે પ્રસિદ્ધ થયા હતા. ઓક્ટોબર મહિનામાં નાપાક ચાંચિયાગીરીનો આ ત્રીજો બનાવ હતો. દિવસે દિવસે વધુ ગંભીર અને સ્ફોટક બનતી જતી આ સમસ્યાની ચર્ચા કરીએ એ પહેલાં કચ્છની સાગર સીમાની સ્થિતિ સમજી લેવી જરૂરી છે. આ એક એવો વિસ્તાર છે જ્યાં દરિયાઇ સીમાની આંકણી ભાગલાના સાડા છ દાયકા પછીયે ભારત અને પાકિસ્તાન કરી શક્યા નથી. અહીં કોરી સહિતની ખાડીઓ (ક્રીકો) મારફત વરસાદ અને જુદી જુદી નદીઓના પાણી રણમાંથી દરિયામાં ઠલવાય છે. ખારા પાણીમાં મીઠું પાણી ભળવાથી પેદા થતા પર્યાવરણને લીધે અહીં પાપલેટ, ઝીંગા અને જેલીફિશ જેવી કિંમતી માછલીઓ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેથી સરહદી સિરક્રીકના મુખ તેમજ એની નજીકના છેક જખૌ સુધી લંબાતા સરહદી દરિયાઇ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાની ટ્રોલર્સ માછલીનો દલ્લો કબજે કરવા ઊમટી પડે છે. પણ સાગર સીમા આંકણીના અભાવે બે દેશોને અલગ પાડતી રેખા પર કોઇ તરતા નિશાન કે દીવાદાંડી મોજૂદ નથી. તેથી બંને દેશના માછીમારો શરતચૂકથી કે પછી વધુ માછલી મળવાની લાલચે સરહદો ઓળંગી એકમેકના વિસ્તારમાં ઘૂસી જાય છે. આવે વખતે પાકિસ્તાની એજન્સી કે ભારતીય કોસ્ટગાર્ડની ચોકીયાત નૌકાઓ ત્યાં આવી ચડે તો માછીમારોનું આવી બને છે અને કરાંચી કે ભુજની જેલોની હવા ગરીબ માછીમારોએ ખાવી પડે છે. આ જાણે એક સામાન્ય ઘટનાક્રમ છે. પણ ક્યારેક પાકિસ્તાન જાણીજોઇને સળી કરવાના નાપાક ઇરાદે ભારતીય જળ વિસ્તારમાં ઘૂસી આવીને છમકલું કરે છે અને આપણા માછીમારોને પકડી લે છે. જવાબમાં ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની માછીમારોને પકડી લે છે. બંને બાજુ હોહા થાય છે અને તે પછી દિવાળી કે ઇદના તહેવારો વખતે શુભેચ્છાના પ્રતીકરૂપે માછીમારોને મુક્ત કરવામાં આવે છે. આ સિલસિલો પાંચ દાયકાથી ચાલતો આવે છે. અરે, ૧૯૬૫માં રણયુદ્ધ ચાલતું હતું ત્યારેય જખૌના દરિયામાં ૧૯ પાકિસ્તાની ટ્રોલર્સ છેક બંદર સુધી ઘૂસી આવતાં ૩૦૫ માછીમારોને પકડી લેવાયા હતા. એ સમયે ભુજની જેલમાં જગ્યાયે ખૂટી પડી હતી.

 

મૂળ મુદ્દે પાછા ફરીએ તો એકલા ઓક્ટોબર મહિનામાં જ પાકિસ્તાની એજન્સીએ કચ્છ સાગર સીમાએ ત્રણ વાર દાદાગીરી કરીને બંદૂકની અણીએ ભારતના ૧૯ ટ્રોલર્સ સહિત ૧૦૮ માછીમારોને પકડી લઇ કરાંચીની જેલભેગા કરી દીધા છે. સરકારી માહિતી અનુસાર માર્ચ-એપ્રિલમાં પણ ટ્રોલર્સના અપહરણ થયા છે, તેને ધ્યાને લઇએ તો અત્યારે કચ્છ સરહદેથી અપહરણ કરાયેલા કુલ્લ ૨૩૯ માછીમાર અને ૩૫ બોટ પાકિસ્તાનના કબજામાં છે. ખેર, પણ આ વખતે આશ્ર્ચર્ય એ વાતનું છે કે, ભારતીય માછીમારોના અપહરણની છ-છ ઘટનાઓ બન્યા પછીયે ભારતે વળતો જવાબ આપવાનું ટાળ્યું હોય એમ એકેય પાકિસ્તાની બોટ કે માછીમાર તાજેતરમાં ઝડપાયા નથી. અધૂરામાં પૂરું ગયા મહિનાની બે ઘટનાઓમાં નાપાક એજન્સીએ આડેધડ ગોળીબાર કરતાં એકે જાન ગુમાવ્યો છે અને ચાર ઘાયલ થયા છે. એજન્સીનું આવું આક્રમક વલણ ચોંકાવી મૂકે તેવું છે. છેલ્લા એક દાયકામાં ભારતીય માછીમારો પર આડેધડ ગોળીબારની ઘટના પ્રથમ વાર બની છે. તેથી શંકા એ જાગે છે કે કચ્છ સાગરસીમાએ પણ જમ્મુ-કાશ્મીર જેવો ઘાટ તો નથી ઘડાતોને ? જેમ નાપાક અને ભાડૂતી આતંકવાદીઓ અને સ્ફોટક પદાર્થ કાશ્મીરમાં ઘુસાડવા માટે અંકુશરેખા તેમજ સરહદો પર પાકિસ્તાન તોપમારો કરે છે, તેમ દરિયાઇ સરહદ પર પણ ઘૂસણખોરીના પ્રયાસ માટે માછીમારો પર ગોળીબાર કરાયો છે ? અહીં એ વાતની નોંધ લેવી રહી કે મુંબઇ પરના બે મોટા આતંકી હુમલા વખતે આતંકીઓ તેમજ સ્ફોટક પદાર્થોની હેરફેર આ જ સાગર સરહદેથી પાકિસ્તાનની ખુફિયા એજન્સીએ કરી હતી. કહેવાનો સાર એ કે જળસીમાએ નાપાક ગોળીબારે સલામતીના પરિમાણ બદલી નાખ્યાં છે. તેથી ભારતે ગફલતમાં રહેવા જેવું નથી. ઇંટનો જવાબ પથ્થરથી આપવો જ પડશે.

 

જોકે, જળ સીમાંકનના અભાવની સમસ્યામાં ઊંડા ઊતરીએ તો તેનાં મૂળ પણ ૧૯૬૫ના રણયુદ્ધ પછી રચાયેલી કચ્છ ટ્રિબ્યુનલના કાર્યક્ષેત્ર સુધી જાય છે. આમ તો તે વખતે જો ભારત અને પાકિસ્તાને ઇચ્છયું હોત તો સમગ્ર પશ્ર્ચિમી સરહદ એટલે કે રણ સીમા, ક્રીક અને દરિયાઇ સરહદ નક્કી થઇ શકી હોત. પણ બંનેએ રણના ઉત્તર ભાગની સીમારેખા પૂરતું જ ટ્રિબ્યુનલનું કાર્યક્ષેત્ર મર્યાદિત રાખવા સંમતિ આપી. એ વખતે ભારત-પાકિસ્તાન બાકીની એટલે કે દક્ષિણ અને પશ્ર્ચિમની સરહદ અગાઉ સિંધ પ્રાંત અને કચ્છરાજ વચ્ચે જે કરાર થયા હતા તે મુજબ રાખવા સંમત થયા હોય એવી છાપ ઊભી થઇ હતી. તેથી ટ્રિબ્યુનલે કચ્છના રણની ઉત્તર કાંધીએ જ સરહદ રેખા નક્કી કરતો ચુકાદો આપ્યો. જેમાં કંજરકોટ, છાડબેટ અને ધારબન્ની પાકિસ્તાનને ફાળે ગયા. આ ઉત્તર કાંધીની સરહદ કચ્છના નકશામાં લખપતની બરાબર સામે જે કાટખૂણો વેસ્ટર્ન ટર્મિનસ તરીકે ઓળખાય છે, ત્યાં સુધી દોરવામાં આવી. એ મુજબ સરહદી થાંભલા ઊભા કરવામાં આવ્યા અને છેલ્લે થાંભલો એટલે કે પીલર નં. ૧૧૭૫ લખપતથી દશેક કિ.મી. દૂર સીધી લીટીમાં આવે છે, જે સાથે આપેલા નકશામાં જોઇ શકાય છે.

 

આ પીલર નં. ૧૧૭૫થી પશ્ર્ચિમે સિરક્રીકના મથાળા સુધીની સીધી લાઇન નક્શામાં જોઇ શકાય છે. ત્યાં સિંધ પ્રાંત અને કચ્છરાજ વચ્ચે થયેલા કરાર અનુસરતા જી. પીલર્સ નામે ઓળખાતા થાંભલા ખોડેલા છે. આ રેખા-સરહદ સામે પાકિસ્તાને કોઇ વાંધો આજ સુધી ઉઠાવ્યો નથી. પરંતુ એનો વાંધો સિરક્રીકની મધ્યમાં સરહદ નક્કી કરવાના ભારતના દાવા સામે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૮૯માં જળસીમા આંકણીના મુદ્દે પ્રથમ વાર મંત્રણા યોજાઇ તે પછી કમસે કમ દશ રાઉન્ડ થઇ ચૂક્યા છે. અત્યારે ભારત-પાક સંબંધ ઠીકઠાક નથી તેથી મંત્રણાઓ સ્થગિત છે પણ અગાઉના રાઉન્ડોની વિગતો પર નજર કરીએ તો દરેક વખતે મતભેદનો ભમરડો એક જ મુદ્દા પર આવીને થંભી જાય છે. ભારતનો આગ્રહ છે કે આંતરરાષ્ટ્રીય કાનૂન પ્રણાલી અનુસાર સિરક્રીકના એક કાંઠે ભારત, સામેના બીજા કાંઠે પાકિસ્તાન અને વચ્ચે સીમારેખા હોવી જોઇએ પણ પાકિસ્તાનને એ મંજૂર નથી. એને સિરક્રીકના બંને કાંઠા એટલે કે સમગ્ર ક્રીક પર પોતાનો કબજો ખપે છે. બંને દેશ પોતાના દાવાના સમર્થનમાં ભાગલા પૂર્વે કચ્છરાજ અને સિંધ પ્રાંત વચ્ચે થયેલી સમજૂતીને પગલે સમયાંતરે પ્રસિદ્ધ થયેલા નકશાનો હવાલો આપે છે અને અંતે વાત બે નકશાઓમાં દોરાયેલી સીમ રેખાના વિરોધાભાસી અર્થઘટન પર અટકે છે. દરેક દૌર વખતે પ્રસિદ્ધ થતા સંયુકત નિવેદનમાં કે નેતાઓની પત્રકાર પરિષદમાં હંમેશ ઉકેલની ઉજળી શક્યતા પ્રદર્શિત કરાય છે. પણ આમને આમ સાડાત્રણ દાયકા નીકળી ગયા. વાત આગળ વધતી જ નથી. અરે, ૨૦૦૭માં રાવલપિંડી મંત્રણા વખતે તો રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભારતીય પ્રતિનિધિમંડળને એમ કહ્યું હતું કે ક્રીક વિવાદ તો દશ મિનિટમાં થાળે પડી શકે તેમ છે.

 

આ દશ મિનિટ ક્યારે પૂરી થશે એ કહેવું મુશ્કેલ છે. મંત્રણાની ચ્યુઈંગમ ચવાયા કરે છે અને આશાવાદ દર્શાવાતો રહે છે. મુંબઇ પરના નાપાક આતંકી હુમલા પછી ભારત-પાક સંવાદની પ્રક્રિયા અટકાવી દેવાઇ હતી તે ૨૦૧૧ના મે મહિનામાં પુન: શરૂ થઇ. ફરી સિરક્રીક મુદ્દો ચર્ચાયો અને એમાં પાકિસ્તાને પીર સનાઇ ક્રીકનું નવું સલાડું ઊભું કરીને ભારતના અધિકારીઓને આશ્ર્ચર્યમાં મૂકી દીધા. પણ, આપણે કઠે એવી વાત એ છે કે આ નવા નાપાક ખેલ અંગે કોઇ કાંઇ બોલ્યું જ નહીં. એક વર્ષની રહસ્યમય ચૂપકી ભારત-પાક બંનેએ સેવ્યા પછી ૨૦૧૨માં સિરક્રીક મંત્રણાની તારીખ નક્કી થઇ ત્યારે જ પાકિસ્તાનના નવા ખેલ અંગેની વાત વહેતી કરાઇ અને એ પણ બિનસત્તાવાર રીતે.

 

ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ નવા ખેલ પ્રત્યે આંખમીંચામણા કરવાનું શા માટે પસંદ કર્યું હશે એ તો ખબર નથી. પણ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના પ્રથમ પાને સમાચાર પ્રસિદ્ધ થયા કે પાકિસ્તાને ૨૦૧૧ની મંત્રણામાં કચ્છની પીર સનાઇ ક્રીક પર પોતાનો દાવો ઠોકી દીધો હતો. આનો સીધો અર્થ એ થયો કે સાડાત્રણ દાયકા પછી પાકિસ્તાને નવી ગુલાંટ મારી છે.

 

કેટલાક રાજકીય નિરીક્ષકો એમ માને છે કે પાકિસ્તાને સિરક્રીક પ્રશ્ર્ને આ નવી ગુલાંટ કે નવો ખેલ પ્રેસર ટેકટિક પ્રમાણે કર્યો છે. દુ:ખે છે પેટ અને કૂટે છે માથું, મૂળ વાંધો સિયાચીન બાબતે છે. પણ સિરક્રીકને આગળ ધરીને ભવિષ્યની ‘સોદાબાજી’ માટે સંભવત: તૈયારી કરે છે. જે હોય તે પણ ૧૯૬૫માં છાડબેટ પ્રકરણમાં નુકસાની ભોગવ્યા પછી ભારત જરા સરખીયે ગફલતમાં રહે એ પાલવે તેમ નથી. છાડબેટના અનુભવ પછી સિરક્રીકમાં એનું પુનરાવર્તન ન થાય એની તકેદારી આજ સુધી ભારતે રાખી છે અને સીમા સુરક્ષા દળના જવાનોએ પ્રશંસ્ય કામગીરી બજાવી છે. છતાં પાકિસ્તાનની કોઇપણ ચાલને હળવાશથી ન લેવાય. પાકિસ્તાનના નકશામાં તો જૂનાગઢનેય પોતાના વિસ્તાર તરીકે ખપાવ્યો છે તેથી સિરક્રીક પછી જેમ પીર સનાઇનો દાવો કર્યો તેમ આગળ જતાં જૂનાગઢનોયે કરી શકે છે.

 

છેલ્લે ભારત-પાકના માછીમારોની પીડાની વાત. ભારત-પાક સીમારેખા નક્કી થાય તો જખૌથી માંડીને સિરક્રીક સુધીના વિસ્તારમાં વારંવાર એકમેકના સુરક્ષા દળોની ચોકિયાત નૌકાઓ દ્વારા ઝડપાઇને જેલોમાં ધકેલાઇ જતા સેંકડો માછીમારો માટે રાહતનો શ્ર્વાસ લેવા જેવું લેખાશે. પાકિસ્તાને આ વાત સમજવાની જરૂર છે. બંને દેશો સાથે મળીને માછીમારોની પરેશાની ઉકેલવાના ઇલાજો અજમાવે તો તે આવકાર્ય બની રહેશે. દશેક વર્ષ પહેલાં ભારત-પાક કોમન ફિશિંગ ઝોન અંગે વિચારવા સંમત થયા હતા. આમ થાય તો બંને દેશ વચ્ચે દરિયાઇ સીમા પર બફર ઝોન સર્જાઇ જાય અને કોઇપણ માછીમાર સરતચૂકથી સીમા ઓળંગી જાય તો તેની ધરપકડ કરવાને બદલે બંને દેશોના સુરક્ષા દળો સ્થળ પર જ વાતચીત કરીને મુકત કરી દે.

બાકી સિરક્રીકનો પૂર્વીય કાંઠો અને પીરસનાઇ સહિતની ક્રીકોની જમીની વાસ્તવિક્તા એ છે કે તેના પર ભારતનો અબાધિત કબજો-વર્ચસ્વ છે, તેથી ચિંતાનું કોઇ કારણ નથી. અગાઉ લખપતની સામે બાજુ તેમજ હરામીનાળાંની સમસ્યા હતી. પણ સમગ્ર વિસ્તારમાં તરતી ચોકીઓનો બંદોબસ્ત અને જમીન, કાદવ તેમજ દરિયામાં પર ચાલી શકે એવા ઓલટેરિન વ્હીકલ સાથે ખાસ કમાન્ડો તહેનાત કરાયા પછી સ્થિતિ બદલાઇ ગઇ છે. તેથી આપણે આ બંદોબસ્ત જળવાઇ રહે અને સજાગતામાં ક્યાંયે ઢીલાશ ન થાય એ જોવાની સાથે સાથે માછીમારોની ચિંતા અને ક્રીક-જળ વિસ્તારમાં તેલ-ગેસ સંશોધન રોકટોક વિના આગળ વધતું રહે એની ખાસ તકેદારી રાખવી રહી.

સાજાને કાં માંદો પાડી દો છો તમે?-હસમુખ ગાંધી: બધાં મેડિકલ મિથ્સને હથોડાથી તોડવાં જોઈએ: સાજાને કાં માંદો પાડી દો છો તમે?

ગ્રંથ ગરબડ કરી, સાચી વસ્તુ નવ કહી. તબીબીશાસ્ત્ર તેની તમામ પ્રગતિ છતાં હજી ઊણું અને અધૂરું છે. તબીબીશાસ્ત્રના પ્રૅક્ટિસનરો અધકચરા અને અર્ધદગ્ધ છે. ચશ્માં ચઢાવીને અને સ્ટેથોસ્કોપ ગળામાં ભરાવીને દાક્તરસાહેબ જાણે માનવીના શરીર વિશે પોતે સર્વજ્ઞ હોય એમ એક પછી એક સૂત્રો તથા ઍક્સિયમ્સ ઉચ્ચાર્યે જાય છે. કોઈ કોઈને અહીં પડકારતું નથી. અંધેઅંધ અંધારે મળ્યા, જયમ તલ માંહી કોદરા ભળ્યા. સાપને ઘેર પરોણો સાપ મુખ ચાટી ચાલ્યો આપ. જનરલ પ્રૅક્ટિસનરો આંખો મીંચીને ફ્લુની દવા ફટકાર્યે જાય છે. જે કન્સલ્ટંટ સાથે એને ઍરેન્જમેન્ટ છે એ કન્સલ્ટંટ વળી બીજી જ ફોર્મ્યુલાને વળગી રહે છે. પત્રકારો આજે જેમ હોમવર્ક કર્યા વિના ધોયેલા મૂળાની જેમ અખબારોની કચેરીએ જાય છે અને પછી ડહાપણ ડહોળીને બેચાર સિલી પીસ ઘસડી કાઢે છે તેમ તબીબો પણ હોમવર્ક કરતા નથી. બધા લેન્સેટ વાંચે છે ? તબીબીક્ષેત્રે થતી નીતનવી શોધો વિશે આપણો ભારતીય કન્સલ્ટંટ બ્લિસફૂલી ઈગ્નોરન્ટ હોય છે. ગોખેલાં અર્ધસત્યો તેઓ ઉચ્ચાર્યા કરે છે. ગાડરિયો પ્રવાહ ચાલે છે અહીં. એક ડૉક્ટર કહે કે લાલ ટમેટાં ખાઈએ તો આપણા ગાલ પણ લાલ ટમેટાં જેવા થાય એટલે સૌ લાલ ટમેટાં ઉપર તૂટી પડે છે. બીજો કહે કે કોબી કે ફૂલગોબી (ફ્લાવર) ખાવાથી વજન ઘટે છે એટલે મેદસ્વી સજ્જનો અને સન્નારીઓ કોબી અને ફ્લાવર ઉપર તૂટી પડે છે. દૂધી ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એમ કહી કહીને વર્ષો સુધી બાપડી દૂધીને આપણે થેપલાંમાં અને મૂઠિયાંમાં અને દૂધીચણાની દાળમાં નાખી દીધી હતી. ચુનીલાલ મડિયા કહેતા હતા કે ટુ ઈન વન જેવી આ દૂધીચણાની દાળની શોધ કોઈક અમદાવાદીએ કરી હોવી જોઈએ. વિટામિન બી કોમ્પ્લેક્સ વિશે એક જમાનામાં પેલાં પાકાં ટમેટાં જેવી જ ઝુંબેશ શરૂ થઈ હતી. બી કોમ્પ્લેક્સને વન્ડર ડ્રગ કહીને દાક્તરો આદું ખાઈને એની પાછળ લાગેલા. પેનિસિલિન અને સલ્ફા ડ્રગ્ઝ અને ઍન્ટી-બાયોટિક્સે પણ દેકારો મચાવ્યો હતો. ધીરે ધીરે થોડાક શાણા માણસો આગળ આવ્યા. આ શાણા માણસોને ધીકતાં કારખાનાં જેવાં દવાખાનાંનો કસદાર ધંધો કરવામાં રસ ન હતો. તેમણે કહ્યું કે દવાની તમામ ગોળીઓને દરિયામાં નાખી દો. આખો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક મોટું હોક્સ છે. દાક્તરો લાંબાલચક પ્રિસ્ક્રિપ્શન ફટકારે છે અને મેડિકલ સ્ટોરવાળાને તડાકો પડે છે. પેટમાં ઝેર જમા થાય છે. અને રોગ કરતાં તેનો ઇલાજ વધુ જલદ તથા ખતરનાક પુરવાર થાય છે. આવા આવા ગાર્દ કે આર્ટ ફિલ્મવાળા જેવા તબીબોની એક મોટી ફોજ ઊભી થઈ છે. આમાં પણ કેટલાક ઝંડાધારીઓની હાલત જાનમાં કોઈ પૂછે નહીં ને હું વરની મા જેવી હોય છે. તેઓ સામે અંતિમે પહોંચી જાય છે. એક વર્ગ કીધા કરે છે કે ખાંડ, મીઠું (નિમક), દૂધ, ઘી અને તેલ તો પાંચ સફેદ ઝેર છે. માત્ર દહીં (તેઓ કર્ડ્ઝ નહિ બોલે, તેઓ યોગર્ટ કહેશે એને: તેઓ ઍન્જિનને લોકોમોટિવ અને લિફ્ટને એલિવેટર અને કારને લિમૂસિન કહે છે) ખાજો. તેઓ દહીંનો મહિમા સમજાવે છે. આયુર્વેદવાળા વૈદરાજ કહે છે, દિવસમાં દસ લોટા પાણી પીઓ. નૈસર્ગિક ઉપચારવાળા ડૉક્ટર મહેરવાન ભમગરા કહે છે, પાણી તો શું લિક્વિડ માત્ર ત્યાજ્ય છે. કુદરતી ખોરાક ખાઓ, ભાડભૂંજાને ત્યાંથી લાવેલાં ભૂંજેલાં શિંગચણા ખાઓ. ખજૂર અને દહીં ખાઓ. તરસ લાગે ત્યારે કાકડી ચાવી જજો અને સ્ટીમબાથ લેવાનું ચૂકશો મા.

એક દાક્તર કાયમ કસરતનો મહિમા સમજાવે છે. બીજો કહે છે, ગાંધીજી કહી ગયા છે કે વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ. ત્રીજો દાક્તર કહે છે, યુ મસ્ટ વોક વિથ ઍન ઈન્ટેન્શન ટુ વોક. મતલબ કે તમે ઉપનગરના રેલવે સ્ટેશનથી તમારે ઘેર ચાલીને જાઓ કે ચર્ચગેટ સ્ટેશને ઊતરીને ફોર્ટમાંની તમારી ઑફિસે જાઓ તેને ટેક્નિકલી વોક ન કહેવાય. આસનોનું અને યોગા (એમ જ)નું એક જબરદસ્ત ઘેલું લાગ્યું છે શહેરી બાવાને. રેગ્યુલર શિક્ષકો સવારે અડધો કલાક માટે એક્ઝિક્યુટિવ્ઝને (બીજા કોને પોસાય? આ સાહેબોને તો તેમની કંપની યોગા માટે પર્ક્વિઝિટ્સ આપતી હોય છે.) યોગા શીખવાડે છે. યોગા. રોજ ૪૦ મિનિટ તો કસરત કરવી જ જોઈએ એમ દાક્તરો કહે છે. રોજ પાંચ કિલોમીટર તો ચાલવું જ જોઈએ એમ તબીબો કહે છે. દૂધ વિશે ખૂબ ઊહાપોહ ચાલે છે. એમ કહેવામાં આવે છે કે દૂધની માનવશરીરને જરૂર નથી. બાળકો કદાચ ભલે (માતાનું દૂધ) પીએ પણ મનુષ્યને દૂધની જરૂર નથી, કારણ કે માણસ સિવાય બીજું કોઈ પ્રાણી કદી અન્ય પ્રાણીનું દૂધ પીતું નથી. આ થિયરીને ઊથલાવી ઊથલાવીને ચકાસવા જેવી છે. તળેલું ન ખવાય, મરચાંવાળું ન ખવાય, રાતે ન ખવાય (રાતે ખાય તે રાક્ષસ કહેવાય), ચા-કૉફી નુકસાન કરે, શરાબને કે સિગારેટને તો હાથ જ ન અડકાડાય: નિષેધોની લાંબીલચક યાદી જોવા મળે છે. વૈદે વૈદે મતિર્ભિન્ના. ઈશ્ર્વરે માનવીને અદ્ભુત શરીર આપ્યું છે. માનવી આ શરીર ઉપર ભયંકર જુલમ કરે છે છતાં આપણો દેહ એ બધું જીરવી જાણે છે. માનવી બે કપ ચા પીએ તો શું તે મરી જાય? કૅફિન અને ટેનિન તેને કરડી ખાય? માનવી રોજ ઘરમાં અને ઑફિસમાં અને કારખાનામાં ૫૦૦ વખત આમથી તેમ ચાલતો હોય તો એટલી કસરત કાફી નથી? મેડિકલ મિથ્સ વિશે તો મોટો બૃહન્નિબંધ લખી શકાય. ઘણીવાર તો દવા લો તો જે રોગ દસ દિવસમાં મટે છે એ જ રોગ તમે દવા ન લો તો પાંચ દિવસમાં મટી જાય છે. નેચરોપથીવાળા કહે છે, ઉપવાસ કરો, ઉપવાસથી તમામ રોગો મટી જાય છે. ઍલોપથીવાળા કહે છે (ગંભીર મુખમુદ્રા સાથે), સવારે ઊઠતાંવેંત, મિસ્ટર ગાંધી, તાબડતોબ કશુંક ખાઈ લેજો, નહિતર તમારી હોજરી સંકોચાઈ જશે. રાતે ૧૧ વાગ્યે ડિનર લીધા પછી સવારે છ વાગ્યે સાત કલાકનો પેલો ફાસ્ટ તોડવો જ જોઈએ. રિયલી? ચરબી વધી જાય તો કેલરીને કોન્ટ્રોલમાં રાખો એમ તબીબો કહે છે. ઓછું ખાવાથી વજન ઘટે એમ કયો તબીબ છાતી ઠોકીને કહી શકે છે? ઘણા લોકોનાં શરીરનું મેટાબોલીઝમ જ એવું હોય છે કે તેઓ ગમે એટલું ખાય તો પણ તેમનું પેટ કે વજન વધે જ નહિ. બીજા કેટલાક લોકો માત્ર મોળી છાશ (મલાઈ ઉતાર્યા પછીના દૂધની હાઁકે) અને તાંદળજાની ભાજી ખાય તથા સિરિયલ માત્ર છોડી દે તો પણ તેમનું વજન વધતું જ જાય છે. મુદ્દે, નવી નવી થિયરીઓ નીકળતી જાય, નવા નવા તબીબી ચેલાઓ એમાં મૂંડાતા જાય, નવી નવી ગ્રંથ ગરબડો ચાલ્યા કરે અને સામાન્ય માનવી બાપડો મૂંઝાઈ જાય. કાકડીના કટકા એ ભૂલથી નિમકમાં બોળી દે અને પછી તેની આંખ સામે બાઁતેર પોઇન્ટની બેનર હેડલાઈન દેખાય: સોલ્ટ ઇઝ વ્હાઈટ પોઇ્ઝન. સોડિયમ ઇઝ હાર્મફુલ ટુ યોર હેલ્થ. કાકડીનો કટકો એ બાપડો પાણીના ગ્લાસમાં ઝબકોળી દે અને તેને નિમકરહિત બનાવી દે. રોટલી ઉપર ઘી ચોપડે ગૃહિણી ત્યારે ગૃહસ્થજી ખિજાય છે હવે: સો વાર તને કીધું કે રોટલી ઉપર આટલું બધું ઘી ન ચોપડ. કોલેસ્ટોરલની ચિંતામાં ગૃહસ્થજી દુ:ખી દુ:ખી રહે છે. ક્યારેક તેઓ મેથીની ભાજીનું થેપલું ખાય તો તેઓ એને કોરા કાગળ ઉપર દાબીને (એમાંથી તેલ શોષાવડાવીને) પછી બીતા બીતા ખાય છે. માઁ કટાણું કરીને. જાણે ઝેર ન ખાતા હોય. કેળાં ખવાય નહીં, વજન વધે, બટાટા તો જોવાય પણ નહીં: નકરી ચરબી. કાર્બોહાઈડ્રેટ અને ફેટ અને પ્રોટીન ભણી જોઈને આપણો (જેનું મન કન્ડિશન્ડ કરી દેવામાં આવે છે તેવો) ગૃહસ્થ થરથરી ઊઠે છે. ત્યાં ૧૩૦ જેટલું બ્લડપ્રેશર થાય એટલે દાક્તર એને કહે છે: રોજ નિકાર્ડિયા રિટાર્ડ લેજો. એક્કેય દિવસ પાડતા નહિ. ઊંચા બ્લડપ્રેશરથી તો હાર્ટને અસર થાય. દવાની ગોળીઓ ખાવાથી હાડકાંની અંદરનો મૂલ્યવાન માવો (મેરો) ધીરે ધીરે ખતમ થાય છે. ઘી-તેલ નહિ લેવાથી શરીરની સ્નિગ્ધતા ચાલી જાય છે. તૈલાભ્યંગ સ્વપ્ને નવ ઇચ્છે, છે લૂખું ઋષિનું ગાત્ર એમ મહાકવિ પ્રેમાનંદે કૃષ્ણના ફ્રેન્ડ સુદામા વિશે કહ્યું હતું. તેલ નહિ ચોળવાથી જો દેહ શુષ્ક બની જાય તો ઘી-તેલ-દૂધ નહીં લેવાથી શું થાય?

ઘરડા કેવા ડાહ્યા હતા, મન ફાવે ત્યારે ગોળનું દડબું ઉડાવી જતા, એમ ઉમાશંકર જોષીના બટુની મા ગોરાણી કહે છે. એ એક સામાન્ય માન્યતા છે કે ખાંડ નુકસાન કરે અને ગોળ બહુ સારો. વાસ્તવમાં તો માનવીએ નોર્મલ જીવન જીવવું જોઈએ. ફફડાટ વિનાનું મોરારજી દેસાઈની ભાષામાં કહીએ તો, નિર્ભય. ભલાદમી, ખાઓ, પીઓ અને મજા કરો. અમારા મિત્ર મનુભાઈ કહે છે કે કોઈ પણ રોગમાં કેપીએમની ગોળી કામયાબ નીવડે છે: ખાઓ, પીઓ, મોજ કરો. ભેળ ખવાય, પાણીપૂરી ખવાય, ગુલાબજાંબુ ખાઈ શકાય, દૂધ પીવાનું ટસથી, રોટલી ઉપર ઘી ચોપડો અને ખીચડીમાં પણ તમતમારે ખાડો પાડીને ચાર ચમચી ઘી ફટકારી દો. અમારા વૈદરાજ કહે છે, ઘી ન ખાવું એના કરતાં ઘી ખાઈને પછી સ્વાભાવિક મહેનત વડે તેને પચાવી જવું તે વધારે સારું છે. શરીર પાતળું છે? કશો વાંધો નથી. તમે જો લાઈવ ઈલેક્ટ્રિક વાયરની જેમ ચપળતાથી અને તેજીથી શરીરનું ખાસ્સું મેનૂવરિંગ કરી શકતા હો તો કૃશતા એ કાંઈ ગુનો નથી. શરીર સ્થૂળ છે? મેદસ્વી છે? ડોન્ટ વરી. ક્રશ ડાયેટ કરીને એને ઘટાડવાની જરૂર નથી. સ્વાભાવિક રીતે ખવાય એટલું ખાજો. બહુ વધારે ન ખાવું. અકરાંતિયા ન થવું અને સગવડ હોય તો થોડુંક હરવુંફરવું. બાકી લહેર કરોને યાર. ચિંતા ન કરશો. માપીને ખાવું, આપણને ડાહ્યો કહે છે. બે ભાગ જેટલું પેટ ખોરાકથી ભરવું, એક ભાગ પાણીથી ભરવો અને એક (ચોથો) ભાગ ખાલી રાખવો, તેઓ ઠાવકું માઁ રાખીને કહે છે. એક કોળિયો ૪૦ વાર ચાવવો જેથી એમાં સેલિવા ભળે. લાળ ભળે એમ કહીએ તો ચીતરી ચઢે છે. દિવસમાં બે જ વાર ભાણે બેસીને ખાઈ લેવું, દાદીમા કહે છે. દિવસમાં પાંચ વાર કટકે કટકે ખાવું, ચશ્મિસ્ટ દાક્તર કહે છે. શિખામણ એવી જણસ છે, જ્યોતીન્દ્ર હ. દવે નામના મશ્કરા સજ્જને કહ્યું છે, જે આપવાનું સૌને ગમે છે, લેવાનું કોઈને નથી રુચતું. મૂળા, મોગરી ને દહીં/રાતે ખાવાં નહીં. એમ એક વૈદ કહે છે. કેમ? ખાટા ઘચરકા આવે. આંખે ત્રિફળા, દાંતે લૂણ એ ઘર વૈદ કદી ના જાય, વૈદરાજ કહે છે. દાંતે રોજ લૂણ ઘસો તો તમારા પેઢિયાં (ગમ્સ) ખવાઈ ન જાય? ઍન એપલ એ ડે કીપ્સ ધ ડૉક્ટર અવે. સફરજનને આપણે ઉપરોક્ત લાલ ટમેટાંની જેમ ખૂબ જ ચડાવી માર્યું છે. દાદીમા કહે છે, સિઝનમાં દસ વખત મોટ્ટાં પાક્કાંપચ કાળાં જાંબું ખાજો, જઠરમાંથી સંધોય કચરો નીકળી જશે. લીલી હળદર છૂટથી ખાવી, જમતાં પહેલાં આદું ખાઈએ તો તે ઍપિટાઈઝરની ગરજ સારે છે, સાંજે ચાર વાગ્યા પછી ચા નો પીવાય, ચા પીવાથી ભૂખ મરી જાય વગેરે અનેક સૂત્રો આપણે માથે ઠોકવામાં આવ્યાં છે. ખાલી પેટે ચા ન પીવી, કશુંક ખાઈને પછી માથે ચા પીવી, એક દાક્તર કહે છે. બીજો કહે છે, સવારે ઊઠીને પ્રથમ એક મોટ્ટો ગ્લાસ ભરીને પાણી પી જવું અને પછી જ ચા પીવી. એક દાક્તર કહે છે, બહુ ઘસી ઘસીને લોખંડના ઊળિયાથી તમે ઊળ ન ઉતારશો: જીભ ઉપરના ટેસ્ટબડ્ઝ નાશ પામશે. બીજો દાક્તર કહે છે, બરાબર ઘસીને ઊળ ઉતારવી. કોન્ટેક્ટ લેન્સ પહેરવા નહીં? અહીં પણ બે થિયરી. એમાં પાછાં પેલાં ઍક્યુપંકચરવાળા અને હોમિયોપથીવાળાઓએ (કાલી ફોસ અને નેટમ મૂર: ૬૦૦નો પાવર હઁકે) ઉપાડો લીધો છે. અખબારી તંત્રીઓએ આ સૌને હાટડીઓ ઉઘાડી આપી છે. સૌનો જુદો સ્લોટ. સૌ પોતાના ધંધામાં બરકત લાવવા માટે અખબારી કટારો ચલાવે. એમાં તેઓ ડહાપણ ડહોળે, ગ્રંથ ગરબડ કરે અને વાચકોને ઊંઠા ભણાવે. મૂંઝાયેલો વાચક શું કરે? દાક્તરના કન્સલ્ટિંગ રૂમ્સ ભણી હડી કાઢે: મૈં ભાગી તુમ્હારી ઑર, બચા લે મુઝે, બાબુ, બચાલે મુઝે, બાબુ, બચા લે મુઝે બાબુ રે. દાક્તરબાબુ એ જીવડાને કે એ જીવડીને બચાવી લેશે? મેડિકલ મિથ્સ પાર વિનાનાં છે. એક તૂટે ને તેર બંધાય છે. ડાંડા (ખાર)ને દરિયાકિનારે વહેલી સવારે દરિયામાં ચોમેર જાળ બિછાવીને માછીમારો પાણી ઉપર જોરથી ડાંગે માર્યાં માછલાં ભડકે અને કૂદાકૂદ કરે. ફસાય બાપડાં જાળમાં. દાક્તરો દરદીને ભડકાવે છે અને દરદીઓ એ પછી દાક્તરોના રીંછ-આશ્ર્લેષમાં જકડાઈ જાય છે.

દાક્તરો આજકાલ બીપીની બહુ વાતો કરે છે. બીપીની દવાઓ દરદીની આર્ટરીઝને પહોળી કરી નાખે છે. દરેક વ્યક્તિદીઠ ટેમ્પરેચર બ્લડપ્રેશર જુદું જુદું હોય છે. કોઈકને ૧૪૦ જેટલા બ્લડપ્રેશરથી અકળામણ થાય. કોઈક વળી બીપી ૨૫૦ પોઇન્ટ હોય તોય આરામથી ઊડે. ધે વુડ બી ક્રુઝિંગ ઍટ હાઈ ઑલ્ટિટયૂડ. કોલેસ્ટેરોલ ઊંચું હોય એવી ઘણી વ્યક્તિઓ ૧૦૦ વર્ષની ઉંમર સુધી જીવે છે. બીજી તરફ જેનું એકદમ નીચું કોલેસ્ટેરોલ હોય એવી વ્યક્તિઓ નાની વયે મૃત્યુ પામે છે. કોલેસ્ટેરોલની નીચી સપાટી કાંઈ મોર્ટેલિટી રેટ્સને સુધારતી નથી. અધકચરી તબીબી કલ્પનાઓને પ્રતાપે શું આખા દેશના લોકોના સૈકાઓના

ડાયેટને બદલી નાખવો જરૂરી છે? વધુ ખોરાક ન લેવો એમ કહેવામાં આવે છે પણ તમારી જીભ જ એક્સેસ ખોરાકને પાછો ફેંકી દે છે. બે કે ત્રણ કે ચાર પેંડા ખાઓ એટલે તરત જ ડિમિનિશિંગ રિટર્ન્સ આવશે. પેઇન-કિલર્સ કે દર્દશામક ટીકડીઓ ખૂબ નુકસાન કરે છે. કેટલીક તો તમારા બોન મેરોને નુકસાન કરે છે. આથી દર્દશામક ટીકડીઓ ખોટા દાવા કરે છે. ભારતમાં અબજો રૂપિયાની દવાઓનું ઉત્પાદન થાય છે. આ બધી દવાઓને દરિયામાં ફેંકી દેવામાં આવે તો તેથી નાગરિકોનું કશું નુકસાન નહીં થાય. કુલ હજારો ડ્રગ કંપનીઓની હજારો દવાઓ આજે બજારમાં છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનિઝેશને)એ કહ્યું છે કે આમાંથી માત્ર ૨૬૭ દવાઓ ખપની છે. હિપ્પોક્રેટિકનો ઓથ કહે છે: આઇ શેલ ઍબ્સ્ટેઇન ફોમ ઓલ ઇન્ટેન્શનલ રાઁગ ડુઇંગ ઍન્ડ હાર્મ સ્પેશિયલી ફ્રોમ ઍબ્યુઝિંગ ધ બોડીઝ ઑફ મેન ઑર વુમન, બોન્ડ ઑર ફ્રી. દાક્તરો આઈ સ્વેર બાપ ઍપેલો, ધ ફિઝિશિયન એમ કહીને શપથ લેવાનું શરૂ કરે છે, પણ ધન્વન્તરિ હોય કે ચરક હોય, સ્વાસ્થ્યનો કોઈ અધિષ્ઠાતા આ તબીબોના રેબિડ કોમર્શિયાલાઇ્ઝેશનને આજે ખાળી શકે એમ નથી. હિપ્પોક્રેટિક ઓથમાં તબીબો કહે છે, આઈ વિલ કીપ પ્યોર ઍન્ડ હોલી બોથ માય લાઈફ ઍન્ડ આર્ટ. આ શપથને આજે ઘણા લોકો મજાકમાં હિપોક્રસીનો (દંભનો) ઓથ કહે છે.

યાદ રાખો, દુનિયાનો કોઈ દાક્તર તમને ઉત્તમ સ્વાસ્થ્ય આપી શકતો નથી. ગુરુ થા તારો તું જ, અખાએ કહ્યું છે. દરેક માણસે પોતાનો જ દાક્તર થવાનું છે. હેલ્થ કંઈ બજારમાંથી કે ફેરિયાઓની રેંકડીમાંની વિકાઉ કૉમોડિટી નથી. હેલ્થ ખરીદી શકાતી નથી.

રાજ કર્યું, પીધું અને ખાધું?- ચંદ્રકાંત બક્ષી

રાજ કર્યું, પીધું અને ખાધું?

ભારતનો સમાજવાદ દાંત અને નહોર વિનાનો સાબિત થયો છે. જગતના રાજનીતિશાસ્ત્રમાં આપણે ગાંધીવાદ, લોહિયાવાદ, ભાવેવાદ, નક્ષલવાદ જેવા વાદો તો આપ્યા છે પણ કદાચ આપણું સૌથી મૌલિક ભારતીય યોગદાન જુદું છે : ભ્રષ્ટવાદ! દરેક માણસ ખરીદાઇ શકે છે, દરેક માણસની એક કિંમત છે

બક્ષી સદાબહાર – ચંદ્રકાંત બક્ષી

‘કાળાબજારિયાઓને નજીકમાં નજીક લૅમ્પ-પોસ્ટ પર ફાંસી મારી દેવી જોઇએ.’

જમાનો આઝાદી પહેલાંનો હતો…કદાચ ૧૯૪૫ આસપાસ હશે. રાષ્ટ્રના નેતાઓ ૧૯૪૨માં ‘ભારત છોડો’આંદોલનમાં ગિરફતાર થયા પછી લગભગ ત્રણ-સાડાત્રણ વર્ષે છૂટ્યા હતા. એ જમાનામાં પંડિત જવાહરલાલ નહેરુ, હિંદુસ્તાનના દિલની ધડકન હતા, આગની જેમ ભડકતા હતા, કરોડોના દિમાગમાં વિપ્લવની આંધી ફૂંકતા હતા. જ્યારે બીજા કેટલાક દેશનેતાઓ વાણિયાવેડા કરવા માંડ્યાં-અમે તો જનતાને અહિંસા રાખવાનું કહ્યું હતું…પણ જનતાએ હિંસા કરી નાખી…ત્યારે કલકત્તાના હાવડા સ્ટેશન પર ઊતરીને પંડિત નહેરુએ પહેલું વાક્ય કહ્યું હતું : જનતાએ જે કંઇ કર્યું છે એ માટે હું પોતે જવાબદાર છું. શહીદોને પ્રણામ કરું છું…અને બ્રિટિશ સરકારને મારા પર કામ ચલાવવાની હું ચૅલેન્જ આપું છું…

 

લોકો પાગલ થઇ ગયા હતા. નહેરુ એ વખતે કલકત્તામાં ડૉ.બિધાનચંદ્ર રાયના નિવાસસ્થાન પર ઊતરતા હતા. એ વખતે એરોપ્લેનો, હૅલિકોપ્ટરો, મર્સીડીઝ કે ઇમ્પાલા ગાડીઓ ન હતી. નેતાઓ ટ્રેનમાં આવતા, લાખ્ખો, માણસો સ્ટેશનો પર પોતાને ખર્ચે જમા થતા. નહેરુ ત્રણ વર્ષે છૂટ્યા હતા, બધા નેતાઓમાં એ સૌથી મોડા છૂટ્યા હતા. અને એ પ્રજાના હિરો હતા! એમને એમની ગાડી સુધી પણ જવા દીધા નહીં. નહેરુ એક ટૅક્ષીમાં બેસી ગયા. ટૅક્ષી-ડ્રાઇવર એમને બી.સી.રાયને ઘેર લઇ ગયો. ટેક્ષી-ડ્રાઇવર ગદ્ગદ થઇ ગયો, નહેરુ પૈસા આપવા માંડ્યા, એણે ન જ લીધા…આ તો સૌભાગ્યનો દિવસ હતો!

અને કદાચ એ જ અરસામાં એક સભામાં નહેરુ ભડકેલા : કાળાબજારિયાઓને નજીકમાં નજીક લૅમ્પ-પોસ્ટ પર લટકાવી દેવા જોઇએ…

એ પછી એક લેખક- ઇતિહાસકાર ડૉ.ભગવત શરણ ઉપાધ્યાયે એક પુસ્તક લખ્યું. હિન્દીમાં આ પુસ્તક બહાર પડ્યું, નામ હતું : ‘ખૂન કે છિંટે, ઇતિહાસ કે પન્નોં પર !’ એમાં ડૉ.ઉપાધ્યાયે આ વાક્ય વિશે આલોચના કરી અને કંઇક આવા મતલબનું લખ્યું હતું : લીડર કહે કે કાળાબજારિયાઓને નજીકના નજીક લૅમ્પ-પોસ્ટ પર ફાંસી મારી દો!પણ જ્યારે લીડર પાસે ફાંસી મારવાની સત્તા આવશે ત્યારે એ ક્યાં હશે? લેખકે કાળાબજારિયા પાસે સંવાદ બોલાવ્યો છે કે…ત્યારે તો તું અમારા ખિસ્સામાં હશે!…

ભારતની ક્રાન્તિની દેવી અમેરિકા અને ઇંગ્લેન્ડ તરફ મોઢું કરીને ઊભી હતી. ભગવત શરણ ઉપાધ્યાયની વાત કંઇક અંશે બહુ કરુણ રીતે સાચી પડી છે. કાળાબજારિયાઓ લૅમ્પ-પોસ્ટ પર લટક્યા નથી પણ ખીસાં વધ્યાં છે અને ખીસાંની સાઇઝો મોટી થઇ છે. કેટલાક કેસોમાં ભ્રષ્ટાચાર અને ખાયકી સાબિત થઇ ગયા પછી પણ આ ૩૬ વર્ષોમાં કદાચ એક પણ મંત્રીને ફાંસી અપાઇ નથી. અને કોઇ પણ ભ્રષ્ટ નેતાની પૂરી સંપત્તિ જપ્ત થઇ હોય એવું સાંભળ્યું નથી. ભારતનો સમાજવાદ દાંત અને નહોર વિનાનો સાબિત થયો છે. જગતના રાજનીતિશાસ્ત્રમાં આપણે ગાંધીવાદ, લોહિયાવાદ, ભાવેવાદ, નક્ષલવાદ જેવા વાદો તો આપ્યા છે પણ કદાચ આપણું સૌથી મૌલિક ભારતીય યોગદાન જુદું છે : ભ્રષ્ટવાદ! દરેક માણસ ખરીદાઇ શકે છે, દરેક માણસની એક કિંમત છે. આ ભ્રષ્ટવાદ માટે છાંપાઓ અને ઇમાનદાર વિચારકો ઘણાં નામો વાપરે છે: ભાઇભત્રીજાવાદ, ખચ્ચરવાદ, ચમચાવાદ…પણ હકીકતમાં ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે. બધા જ પક્ષોમાં છે. પૂર્ણત: ભારતીય છે, સમાજસ્વીકૃત છે અને એનું શું કરવું એ વિશે કાયદાથી માંડીને સમાજ સુધી બધાં જ બળો અસહાય થઇ જવાય એટલા ચિંતિત છે.

આનો જવાબ દસ હજાર માઇલ દૂર અમેરિકામાં નહીં મળે, પણ આપણા પાડોશના ચીન કે રશિયામાં મળી જશે. આપણો સમાજ રશિયન કે ચીની સમાજથી વધુ નિકટ છે. અમેરિકા જેવા અત્યંત ધનિક કે યુરોપના દેશો જેવા અત્યંત વિકાસશીલ નાના દેશોની સમસ્યાઓ અને નિદાનો આપણા મહાકાય વિરાટ ભારતની અરાજક અર્થવ્યવસ્થા, સામંતશાહી સમાજ-વ્યવસ્થા કે ભાઇભત્રીજાવાદી રાજ્ય-વ્યવસ્થા માટે અનુકૂળ નથી. ચીન સાથે આપણે બિરાદરી હતી,ભૂખની, દુકાળની, કુરિવાજોની, સ્ત્રી પરના જુલ્મની, સામંતશાહી અને તાનાશાહી અને તુમારશાહીની, કૃષક અને શ્રમિકના શોષણની, ગરીબીની, વિદેશી અને ફિરંગીની ગુલામીની, ઉપસંસ્થાનવાદની, સાથે જીવેલા ઇતિહાસની!ચીન આગળ વધી ગયું છે, રશિયા સાથે તુલના કરવાનો પ્રશ્ર્ન જ નથી. પણ ચીન આપણાથી બે વર્ષ પછી આઝાદ થયું અને આજે વિશ્ર્વસત્તા બની ગયું છે. આપણે ઘાયલ હાથીની જેમ દિશાશૂન્ય બની રહ્યા છીએ. ભ્રષ્ટાચારની ઊધઇનો શું ઇલાજ?

ચીને હમણાં ચુ-તેહના પૌત્રને ભ્રષ્ટાચાર માટે ફાંસી મારી દીધી! ચુ-તેહ ચીની સરસેનાપતિ હતા અને માઓ તથા ચાઉની સાથે એ ત્રિમૂર્તિએ સ્વાતંત્ર્ય-યુદ્ધમાં પ્રમુખ ભાગ ભજવ્યો હતો. ભારતના ગાંધી-નહેરુ-પટેલ જેવા ચીનમાં માઓ-ચાઉ-ચુ-તેહ હતા! ભારતમાં પટેલ કે રાજેન્દ્રપ્રસાદ કે રાજાજીના પૌત્ર કે પ્રપૌત્રને ફાંસી મારવા જેવી આ ઘટના કહી શકાય ! ભારતમાં આ શક્ય નથી. આપણે ત્યાં લોકશાહી છે.

વાન્ગ ઝોંગ એક કમ્યુનિસ્ટ નેતા હતો. કેન્ટોન પ્રાંતમાં ખુલ્લામાં લોકોથી ઘેરાયેલો અને ટી.વી. પર બતાવવામાં આવ્યો – એના મૃત્યુથી થોડી જ મિનિટો પહેલાં! વાંગ ૫૬ વર્ષનો હતો. એણે ૨૬૩ ઘડિયાળો, ૧૭ કૅસેટ રેકોર્ડર, ટી.વી. સેટ વગેરે સરકારી ગોડાઉનમાંથી ચોર્યાં હતાં. ગળામાં ગોળી મારીને જનતાની હાજરીમાં એને મારી નાખવામાં આવ્યો! આરોપ : ભ્રષ્ટાચાર .

લીજિંગ ફેંગ બૅંકનો ઑફિસર હતો. વાંગના મૃત્યુ પછી બીજે દિવસે લીને મારવામાં આવ્યો. એણે દાણચોરો પાસેથી પકડાયેલા સામાનમાંથી ૨,૯૦,૦૦૦ રૂપિયાનો સામાન પોતાની પાસે રાખી લીધો હતો. એને પણ ખતમ કરવામાં આવ્યો. હમણાં એક ચીની ખેડૂતે એક પંડા પશુને મારીને ભક્ષણ કર્યું હતું. પંડા જાનવરો ચીનમાં આરક્ષિત પ્રાણીઓ છે. એમને મારવાં એ ગુનો છે. પૂરા ચીનમાં ફક્ત ૧૦૦૦ પાંડા કે હયાત છે. આને મારીને ખાઇ જવા માટે ચીની ખેડૂતને બે વર્ષની સખ્ત સજા થઇ હતી! આ કેટલાંક દૃષ્ટાંતો છે. આપણી અને ચીનની રાજ્યવ્યવસ્થાઓ જુદી છે. પણ સમાજ-વ્યવસ્થાઓ લગભગ સમાંતર છે. કદાચ કાળાબજારિયાઓને લટકાવવા માટે આપણી પાસે એટલા લૅમ્પ-પોસ્ટ પણ નથી! આપણા અને ચીનના રાજકર્તાઓ જુદા છે. આપણા બંને દેશોની વાર્તાઓ જુદી છે. જૂના જમાનામાં વાર્તાઓનો જે રીતે અંત આવતો હતો એ ભાષામાં વાત કરીએ તો ચીન કદાચ ‘ખાધું, પીધું અને રાજ કર્યું!ની સ્થિતિમાં છે-

અને આપણે ?આપણે ઊંધે પાટે ચડી ગયા છીએ? રાજ કર્યું, પીધું અને ખાધું?

લેખક હસમુખભાઈ બ્લોગ