નવનિર્માણ આંદોલનથી રાજકીય ફાયદો કોને થયો

30 રૂપિયામાં આખી સરકાર ઉથલાવી Who benefited politically from the Navnirman movement?

ભ્રષ્ટાચાર સામેના આંદોલન સફળ તો રહ્યું પણ ભ્રષ્ટાચાર તો વધી ગયો नवनिर्माण आंदोलन से राजनीतिक रूप से किसे लाभ हुआ? The entire government was toppled for Rs 30, The anti-corruption movement was successful but corruption kept increasing. The movement gave birth to new leaders and new parties, today the public is troubled by corruption and inflation

આંદોલને નવા નેતા અને નવા પક્ષોને જન્મ આપ્યો, પ્રજા આજે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી પીડાય છે

દિલીપ પટેલ
અમદાવાદ, 4 જાન્યુઆરી 2025
વિધાનસભાના નેતા પદે જીતવા માટે દેશના અને ગુજરાતના શક્તિશાળી નેતાઓએ ખેલ ખેલ્યા હતા. ઇદિરા ગાંધી સામે પડકાર ફેંકીને ચીમનભાઈ પટેલએ ચૂંટણી કરવા પડકાર ફેંક્યો હતો. ‘પંચવટી’ના ધારાસભ્યોએ ચીમનભાઈને જીતાડી આપ્યા. થોડા સમયમાં જ ઇન્દિરાએ તેમને નાટકીય ઢબે પાણીચું પકડાવ્યું એ સમયગાળાને ‘નવનિર્માણ-આંદોલન’ તરીકે ઓળખાવી શકાય છે. જેમાં નવા અનેક રાજનેતાઓનો જન્મ થયો. સરકારો અસ્થિર બનતી રહી. આખરે ભાજપને મિત્ર અને પછી પોતાની સરકારો બનતી રહી. 1995થી 30 વર્ષથી ભાજપ અને ભાજપનું લોહી ધરાવતી સરકારો આવતી રહી છે. આમ નવનિર્માણ કોના માટે થયું તે આજે પણ કોઈ સમજી શકતું નથી.

આઝાદી આંદોલન, મહાગુજરાત આંદોલન પછીનું સૌથી મોટું આંદોલન નવનિર્માણ આંદોલન ગુજરાતમાં થયું હતું.

નવનિર્માણ આંદોલનની રાજ્યવ્યાપી શરૂઆત આમ તો 5 જાન્યુઆરી 1974ના રોજથી થઈ હતી. જે વિદ્યાર્થીઓએ છાત્રાલયમાં ભોજનનો ખર્ચ ઘટાડવા અને ઊંચી ફી ઘટાડવાની માંગણી સાથે આંદોલન શરૂ થયું હતું. જે પાછળથી ચીમનભાઈ પટેલની સરકાર સામે મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામેનું આંદોલન બની ગયું હતું.

આ આંદોલન ઉભું કરવામાં અને તેજાબી બનાવવામાં ઈંદિરા ગાંધીએ વિલનની ભૂમિકા ભજવી હતી.

ઈંદિરા ગાંધીએ ગુજરાતમાં અનાજનું રાજકારણ કરીને ગરીબોને અપાતું અનાજ આપવાનો પુરવઠો દર મહિને એક લાખ  પાંચ હજાર ટનની જગ્યાએ માત્ર પાંત્રીસ હજાર ટન આપી સિત્તેર હજાર ટન ઘટાડી નાખ્યો, પરિણામે જીવન જરૂરી ચીજોની કિંમત ખૂબ જ વધી ગઈ.

1971-72માં ગુજરાતમાં 5 લાખ 18 હજાર મેટ્રિક ટન ચોખા, 9 લાખ મે.ટન ઘઉં, 4 લાખ 83 હજાર મે. ટન જુવાર, 15 લાખ 45 હજાર મે. ટન બાજરી 4 હજાર મે. ટન ચણા, 15 લાખ 41 હજાર  મે. ટન મગફળી પાકતી હતી. 22 લાખ 81 હજાર કપાસની ગાંસડી થતી હતી.

ત્યારે ગુજરાતને દર મહિને 60 હજાર ટન ઘઉં અને 20 હજાર ટન ચોખાની જરૂર હતી. તો પછી અનાજના નામે આંદોલન કેમ થયું તેનો જવાબ અર્થશાસ્ત્રીઓ આપી શકતા નથી.

ગુજરાતની જનતાને ખાવા માટે આટલું અનાજ પૂરતું હતું. તો પછી ઈંદિરાનો અનાજનો ત્રાસવાદ કામ કેમ કરી ગયો હતો, એ સવાલ આજે 2025માં પણ છે. દેશના 80 કરોડ અને ગુજરાતમાં 4 કરોડ લોકોને સસ્તા અનાજની દુકાનેથી આજે પણ અનાજ અપાય છે. ગરીબો ઘટવાના બદલે આંદોલન પછી વધ્યા છે. તો આંદોલન માત્ર ચીમનભાઈની સરકારને ઉથલાવવા માટે જ થયું હતું?
ઉમાશંકર જોશી શાંત હતા. માવલંકર આકરાં હતા.

ઈંદિરા ગાંધીએ એને ‘શ્રીમંતોની લડત’ કહી. કોંગ્રેસમાં અસંતુષ્ટ જૂથ આ તોફાન કરાવવામાં સક્રિય હતું એમ પણ કહેવાયું.

ગુજરાત વિશ્વવિદ્યાલયના સમાજવિદ્યા ભવને સર્વેક્ષણ કર્યું તેમાં 52 ટકા વિદ્યાર્થીઓને એક જ ટંકનું ભોજન પરવડતું હોવાનું બહાર આવ્યું હતું. 17 ટકા વિદ્યાર્થીઓ 35 રૂપિયા જેટલું માસિક દેવું કરતા હતા. 2 વર્ષમાં છાત્રાલયના ભોજનના બિલમાં 44 ટકાનો વધારો થયો હતો. તેનો સીધો મતલબ એ કાઢી શકીયએ કે અનાજ તો હતું પણ ભાવ વધી રહ્યા હતા.

એલ. ડી. એન્જિનિયરિંગ અને મોરબી કૉલેજની હૉસ્ટેલનું ફૂડ-બિલ રૂપિયા 70થી વધારીને રૂપિયા 100 કરી દેવાયું હતું.

ચીમનભાઈ પટેલ દિલ્હી સરકારને આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા હતા. કારણ કે ઈંદિરા ગાંધી ચીમન પટેલને મુખ્ય પ્રધાન બનાવવા માંગતા ન હતા. પણ ચીમભાઈ પટેલ બહુમતી ધારાસભ્યોના મતથી મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમણે ઈન્દિરા ગાંધીને પડકાર આપ્યો હતો. પરિણામે ઇન્દિરા સરકારે ગુજરાતનો અન્ન પુરવઠો કાની નાંખ્યો હતો. ઈંદિરા ગાંધી જાણતાં હતા કે અનાજની તંગી પોતાની જ કોંગ્રેસની સરકારને ડુબાડી દેશે. જનસંઘ અને બીજા પક્ષો આ આંદોલનને પાછળથી મદદ કરી રહ્યા હતા.

મોંઘવારી એટલી વધી ગઈ કે સામાન્ય લોકોની ક્ષમતામાંથી બહાર નીકળી ગઈ. સરકારી સસ્તા અનાજની દુકાનો ખાલીખમ થઈ ગઈ. તેલના ભાવ  રૂપિયા 3.10 માંથી ટુક સમયમાં રૂપિયા 6.70 થઈ ગયા. પ્રજામાં આક્રોશ વધતો ગયો. ઇન્દિરા ગાંધી પોતાના એક પછી એક દાવમાં સફળ થતા દેખાયા, ચીમનભાઈ પટેલની સરકાર પ્રત્યે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો. ચારે બાજુ અંધાધૂંધી ફેલાઈ. વિરોધ પક્ષ જનસંઘ અને બીજા પક્ષોના આંદોલન નિષ્ફળ રહ્યા હતા.

તેવા સમયે જ વિદ્યાર્થી અને યુવાનો દ્વારા નવનિર્માણ આંદોલનના બીજ રોપાયા. સમગ્ર ગુજરાતની બેઇમાન, ભ્રષ્ટ,બિનઅસરકારક સરકારથી ત્રસ્ત, કૃત્રિમ અસહ્ય મોંઘવારીથી ત્રાહિમામ ગુજરાતની લાચાર પ્રજાને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટેની તક નવનિર્માણ આંદોલને પુરી કરી.

પ્રજાએ નવનિર્માણ આંદોલનને પોતીકું આંદોલન બનાવી દીધું હતું.

5 જાન્યુઆરી 1974ના રોજ ગુજરાત વિશ્વવિદ્યાલયના સિન્ડીકેટ સભ્ય મનીષી જાની અને સેનેટ સભ્યો શૈલેષ શાહ, જીતુ શાહ, રાજકુમાર ગુપ્તા, મુકેશ પટેલ, પંકજ પટેલ, અશોક ઢબુવાલા, સાગર રાયકા તેમ જ બીજા વિદ્યાર્થીઓ ગાંધીનગર પુરવઠા પ્રધાનને મળવા ગયા અને કોલેજની હોસ્ટેલમાં ફૂડ બિલ વધી ગયા હોવાથી સસ્તુ અનાજ આપવાની માંગણી માટે ગયા હતા.

ગુજરાત વિશ્વવિદ્યાલય યુથ ફેસ્ટીવલના અધ્યક્ષ ડો.બિહારી કનૈયા લાલ હતા. તેમના મોહિની ફાર્મ ઉપર પોલીસ તંત્રએ દરોડો પાડી મહેફિલનો ગુનો દાખલ કરેલો હતો. તેનો વિરોધ વિદ્યાર્થીઓએ કર્યો હતો. સમાધાન માટે આ વિદ્યાર્થીઓને રાજ્યના શિક્ષણ પ્રધાન આયશા બેગમ શેખે ઘેર બોલાવ્યા હતા.

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન નરેન્દ્રસિંહ ઝાલા હાજર હતા. તેમણે આડકતરી ભાષામાં વિદ્યાર્થીઓને ધમકી આપી હતી. વિદ્યાર્થીઓ પર હુમલો કરવાની સરકારની યોજના હતી. પણ પત્રકારોએ તેમને બચાવી લીધા હતા. યુથ ફેસ્ટીવલ થવાનો હતો તે રદ કરી દેવાયો હતો.

વિદ્યાર્થીઓ અમદાવાદના વિજયનગરના નેતાના ઘરે ગયા. રાત્રે ચર્ચાઓ કરી. 9 જાન્યુઆરી 1974ના દિવસે ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે હોસ્ટેલના ફૂડ બિલ અને વધતી જતી શિક્ષણ ફી સામે જંગે ચડવાનો નિર્ણય કર્યો હતો. તે માટે સભા ભરવાનું નક્કી કર્યું હતું.

અમદાવાદના સંસદસભ્ય પુરષોત્તમ માવલંકર હતા તેમને વિદ્યાર્થીઓ સભામાં પ્રમુખ સ્થાન લેવાનું આમંત્રણ આપ્યું હતું. 7 જાન્યુઆરી 1974ના રોજ સરકારે ફરી એક વખત વાત કરવા માટે વિદ્યાર્થીઓને  બોલાવ્યા હતા.

અમદાવાદના જુના સર્કિટ હાઉસ ખાતે પહેલે માળે રાજ્યના મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલ, કુલપતિ,  આઇજી પંત તેમ જ કોંગ્રેસના જીઆઇ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ માંગણી મૂકી હતી કે, જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહે છે તે પોતાના ઘરના રેશનકાર્ડ માંથી નામ કમી કરીને છાત્રાલયમાં તે અનાજ આપવામાં આવે. જેથી ભોજનનું ખર્ચ ઓછું થાય.

બીજા માંગણી એવી મૂકી કે, વિદ્યાર્થીઓની વધતી જતી ફી નિયંત્રિત કરી માસિક ફી પણ ભરી શકાય તેવી વ્યવસ્થા સરકાર કરે. પણ રસ્તો ન નીકળ્યો.

મોરબી અને અમદાવાદની ઈજનેરી વિદ્યાલયમાં આંદોલન શરૂ થઈ ગયું હતું.
વિદ્યાર્થીઓ અનાજની ટ્રકો લૂટવા લાગ્યા હતા.

દેશના લોકનેતા જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે, ‘અરે, આ તો 1942 કરતાંયે મોટી ક્રાંતિ છે: ભ્રષ્ટાચાર સામેની જુવાનિયાઓની લડાઈની પહેલ ગુજરાતે કરી છે. જો આ લડાઈ સાચા રસ્તે આગળ ધપશે તો દેશનેય દોરવણી આપી શકશે.’

આંદોનને પલીતો ચંપાઈ ગયો અને પુરા રાષ્ટ્રમાં તેની ચર્ચા થવા લાગી હતી.

અંગ્રેજોને ‘ભારત છોડોનું એલાન આપનાર ગાંધીજી હતા. ગુજરાત પોતે જ ચૂંટેલા પ્રતિનિધિઓ માટે ‘ગાદી છોડો’નું એલાન આપવા આગળ આવ્યું. રકતરંજિત સંઘર્ષનું પરિણામ શું? એ પ્રશ્ન આજે છે. આજે તે વધારે ઉચિત છે. કારણ કે ચીમન પટેલની સરકાર કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર ભાજપની 6 સરકારોએ કર્યો છે. તો આંદોલનથી શું ફાયદો થયો એ પ્રશ્ન છે.

ચીમનભાઈ સામે આંદોલનના સૂત્રો બનાવાયા હતા તે જોઈને આંદોલનની તીવ્રતાનો ખ્યાલ આવે છે.

સુત્રો ચીમનભાઈ પટેલ  વિરુદ્ધ હતા.

વિવાદ તો પંચવટી ફાર્મથી શરૂ થયો હતો. જુલાઈ 1973માં અમદાવાદના ચીમન પટેલના પંચવટી ફાર્મમાં બળવાખોર ધારાસભ્યોને ભેગા કર્યા હતા. ચીમનભાઈએ પોતાની બહુમતી વાળી સરકાર બનાવી હતી. ત્યારથી સરકારને ચીમનભાઈની સરકારને ઉખેડી નાંખવાના બીજ રોપાયા હતા.

ધોરાજીમાં ખાંડના કારખાનાના ઉદ્ઘાટન માટે સુપેડી (ધોરાજી) ગયા. રતુભાઈ ન આવે એવું પ્રજા ઈચ્છતી હતી. 10 હજાર દેખાવકારો પર 14 જાન્યુઆરી 1973માં 20 રાઉન્ડ ગોળીબારમાં બેનાં મૃત્યુ થયા તેનો રોષ હતો. તેથી આ વિસ્તારમાં નવનિર્માણ આંદોલન તેજ થયું હતું.

હતાશા અને રોષ ભેગા થયા હતા. આજ સુધીના બધા જ રાજકીય આંદોલનોમાં મોટા ભાગે જે વર્ગ જોડાયો નથી તે નિમ્ન મધ્યમવર્ગ, ગરીબ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, વિદ્યાર્થી અને અધ્યાપક વર્ગ જોડાયો હતો. શ્રમ અને દિમાગ ભેગા થયા હતા.

અમદાવાદમાં લશ્કર આવ્યું હતું.

“જો સરકાર નિકકમી હૈ, વો સરકાર બદલની હૈ.”
“નવનિર્માણ ઝીંદાબાદ”
“ટૂંકો ચીમન ટૂંકી એની બુધ્ધી, ખાય ભીંડો અને કહે એને દૂધી”
“એક ધકા ઓર દો ચીમનકો ફેંક દો”
“ડેડા–પટેલ–રાવલ–નવણી, જોવો નમૂના સરકારી”
“શહીદ અમર રહો”
“ચાંદ સિતારે રહેંગે જબતક શહીદ તેરા જલવા રહેગા તબતક”
‘વી વોન્ટ બ્રેડ, એન્ડ નોટ બુલેટ,’
‘ગોલી દોગે, ખૂન બહેગા, રોટી દોગે, ખૂન બઢેગા….’

ચીમન ચોરનું સૂત્ર જનસંઘે આપ્યું હતું.

બંદૂકની ગોળીનો બેફામ ઉપયોગ થયો. મધુ લિમયેએ કહ્યું કે, ફ્રાન્સની ક્રાંતિમાંયે આમ બન્યું નહોતું!

110ના મૃત્યુ થયા, 3 હજાર લોકોને ઇજા થઈ, 8 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

167 ધારાસભ્યોમાંથી 95ના રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા.

ચીમનભાઈ પટેલે રાજીનામું આપ્યું તે દિવસે પત્રકાર પરિષદમાં પહેલી જ વાર તેમણે સ્વીકાર્યું કે આ આંદોલનમાં 100 નિર્દોષ પણ મરાયા છે.

ચીમનભાઈની સરકાર હતી ત્યારે જેટલા ગોળીબાર થયા, રાષ્ટ્રપતિ શાસન દરમ્યાન પણ થયા હતા. આંદોલનના સૂત્રધાર તો ભ્રષ્ટાચાર સામે લગતા હતા. આજે તેનાથી વધારે ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં છે તો કેમ આંદોલન નથી થતાં ?

તવારીખ
20 ડિસેમ્બર 1973ના દિવસે અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયના વિદ્યાર્થી છાત્રાલયના ભોજનમાં 20 ટકાનો વધારો થવાથી હડતાલ પાડી હતી.

3 જાન્યુઆરીએ એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓ પાસેથી અગાઉના મહિના કરતાં ફૂડ-બિલમાં 30 રૂપિયા વધારે વસૂલાયા. ફરી તોડફોડ કરાઈ અને ફર્નિચરને આગ લગાડાઈ. 326 વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ અને 40 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા. અનિશ્ચિતકાળ માટે કૉલેજને બંધ કરી દેવાઈ.

3 જાન્યુઆરી 1974ના રોજ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં હડતાલ થઈ હતી.
4 અને 7 જાન્યુઆરીનાં વિરોધપ્રદર્શનો થયા.
7 જાન્યુઆરીએ શૈક્ષણિક સંસ્થાનોમાં અચોક્કસ મુદ્તની હડતાળ શરૂ થઈ.
9 જાન્યુઆરીની સવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે મંત્રીઓને ઘેરવાનો કાર્યક્રમ આપ્યો.
10 જાન્યુઆરીએ ’14 ઑગસ્ટ શ્રમજીવી સમિતિ’એ ગુજરાત બંધનું એલાન આપ્યું.

10 જાન્યુઆરીમાં અમદાવાદ અને વડોદરામાં હડતાલ હિંસક બની.

11 જાન્યુઆરીએ વિવિધ વિદ્યાર્થીસંગઠનોએ મળીને એ વખતના સાંસદ પુરુષોત્તમ માવળંકરના માર્ગદર્શન હેઠળ ‘નવનિર્માણ યુવક સમિતિ’ની રચના કરી. સમિતિના પ્રમુખ મનીષી જાનીને બનાવાયા. જ્યારે ઉમાકાંત માંકડ અને શૈલેશ શાહ મહાસચિવ બન્યા. સાંસદ પુરુષોત્તમ માવળંકર સલાહકાર બન્યા એ માટે બે કારણો જવાબદાર હતાં. એક તો વિદ્યાર્થીઓએ તેમના માટે ચૂંટણીપ્રચાર કર્યો હતો અને બીજું એ કે તેમના પુત્ર આનંદ માવળંકર પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા.
25 જાન્યુઆરીએ રાજ્યવ્યાપી હડતાલ થઈ. જેમાં 33 શહેરોમાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ હતી. 44 શહેરોમાં સંચારબંધી લાગુ કરી.
28 જાન્યુઆરી 1974માં અમદાવાદમાં લશ્કર આવ્યું.
16 ફેબ્રુઆરી 15 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા.
09 ફેબ્રુઆરીએ ચીમનભાઈને ઈન્દિરા ગાંધીએ રાજીનામું આપવાનું કહ્યું. રાજીનામું આપ્યું.
09 ફેબ્રુઆરીએ વિધાનસભા સ્થગિત કરી.
12 માર્ચ કોંગ્રેસ(ઓ)ના મોરારજી દેસાઈ ભૂખ હડતાલ પર ઉતરી આવ્યા.
16 માર્ચના રોજ વિધાનસભાને વિખેરી નાખવામાં આવી અને આંદોલનનો અંત આવ્યો.
6 એપ્રિલ 1975માં ચૂંટણી કરવાની માંગ સાથે મોરારજી દેસાઈના ઉપવાસ.
10 જૂન 1975માં ચૂંટણી થઈ. 12 જૂને કોંગ્રેસની હાર થઈ. 75 ધારાસભ્યો ચૂંટાયા. ચીમનભાઈએ કિમલોપ પક્ષ બનાવી ચૂંટણી લડી હતી.
10 જૂન 1975માં ઇન્દિરા ગાંધીએ પોતાની ચૂંટણીમાં ગોલમાલ કરી હોવાનો અદાલતનો ચુકાદો આતાં તેમણે દેશમાં કટોકટી જાહેર કરી હતી.
જનતા મોરચાની બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર બની, 9 મહિનામાં તૂટી ગઈ.
માર્ચ 1976માં રાષ્ટ્રપતિ શાસન. ચીમનભાઈના કિમલોપ અને અપક્ષના પક્ષ પલ્ટાથી માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન બન્યા.
1980માં કોંગ્રેસો વિજય થયો અને માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન બન્યા હતા.
1990 સુધી કોંગ્રેસની સરકાર રહી. પછી કોંગ્રેસ ન આવી, ચીમનભાઈ ફરી મુખ્ય પ્રધાન ભાજપની મદદથી બન્યા.
1995થી 2025 સુધી ભાજપ અને ભાજપનું લોહી ધરાવતી સરકારો આવતી રહી છે.
નવનિર્માણ આંદોલનથી સરકારો બલદાઈ પણ રાજનેતાઓ ભ્રષ્ટાચાર કરતાં રહ્યાં. મોંઘવારી વધારતાં રહ્યાં છે.
આંદોલથી પ્રજાને શું ફાયદો થયો તે આજે 2025માં એ જ પ્રશ્ન ઊભો છે.