ગુજરાતની વડી અદાલત સરકારની ટીકાને શા માટે અનુચિત ગણે છે ?

– પ્રો. હેમન્તકુમાર શાહ અને મહેશ પંડ્યા

આજનાં અખબારોમાં ગુજરાતની વડી અદાલતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિનું વધુ સારી રીતે સંચાલન થાય તે માટે અદાલત રાજ્ય સરકારને આદેશો આપે તેવી દાદ માગતી થયેલી જાહેર હિતની અરજીઓના સંદર્ભમાં થયેલી સુનાવણી દરમ્યાન વડી અદાલતની બેન્ચે જે અવલોકનો કર્યાં છે, તે વાંચતાં ભારે આઘાત લાગ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા સહિતની બનેલી બેન્ચે જે અવલોકનો કર્યાં છે તે અને તેમને અંગે જે ગંભીર મુદ્દા સ્વાભાવિક રીતે ઊભા થાય છે તે નીચે મુજબ છે:

(1) “આક્ષેપ થાય છે તે મુજબ જો રાજ્ય સરકારે કશું ના કર્યું હોત તો, કદાચ, અત્યાર સુધીમાં આપણે બધા મરી ગયા હોત.” – એમ વડી અદાલતની બેંચ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વિધાન અત્યંત આત્યંતિક વિધાન છે અને જાણે કે રાજ્યના આશરે 6.45 કરોડ લોકોની જિંદગી રાજ્ય સરકારે જ બચાવી છે, એવી છાપ આ વિધાનથી ઊભી થાય છે કે જે તદ્દન જ અવાસ્તવિક છે. રાજ્ય સરકારે મફત અનાજ સહિતની જે વ્યવસ્થાઓ વંચિતો અને ગરીબો માટે કરી તે ઉપરાંત, હજારો લોકોએ અને તેમની સ્વૈચ્છિક સંસ્થાઓએ ગરીબો અને વંચિત લોકોને રાહત સામગ્રી પહોંચાડવાનું યથાશક્તિ કામ કર્યું છે, એ એક હકીકત છે. અને તે વડી અદાલતના ધ્યાન પર આવ્યું લાગતું નથી. જો આ સ્વૈચ્છિક કામ ના થયું હોત તો ગુજરાતમાં કેટલા લોકોનાં મોત થયાં હોત તેનો અંદાજ વડી અદાલતે મૂકવો જોઈતો હતો. અને તે મૂક્યો નથી. અને તેથી તેણે માત્ર સરકાર જ લોકોને કોરોના મહામારીના સંજોગોમાં જીવાડી રહી છે. એવી ભ્રમણા ઊભી કરવામાં રાજ્ય સરકારને સમર્થનના આપ્યું હોત. આમ કહીને વડી અદાલતે રાજ્ય સરકારની વણજોઈતી પ્રશંસા કરી છે એમ અમને લાગે છે.

(2) “જેઓ આ મુશ્કેલ સમયમાં પોતાનો મદદનો હાથ લંબાવી શકતા નથી તે તમામને રાજ્ય સરકારની ટીકા કરવાનો કોઈ અધિકાર નથી.” – એમ પણ વડી અદાલતે નોંધ્યું છે. અહીં એ મુદ્દો ઉપસ્થિત થાય છે કે જેમણે જાહેર હિતની અરજી કરી હોય તેમણે કોરોના મહામારીના સંજોગોમાં બીજાઓને મદદ કરેલી હોવી જરૂરી છે. હકીકતમાં તો વડી અદાલતમાં આ પ્રકારની અરજી કરવી એ પણ એક અગત્યનું જાહેર કામ છે. આવી અરજી પોતે જ કોરોનાગ્રસ્તોને પરોક્ષ રૂપે મદદરૂપ થાય છે. વળી, સરકારની ટીકા કરવાનો અધિકાર આ દેશના કોઈ પણ નાગરિકને છે જ. એ કંઈ ગુજરાતની વડી અદાલતની આ પીઠે ગુજરાતમાં વસતા ભારતીય નાગરિકોને ખેરાતમાં આપેલો નથી. ભારતના બંધારણની કલમ-19(1)(એ)માં દેશના દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર છે તે લખેલું જ છે. એટલે સરકારના કોઈ પણ કૃત્યની ટીકા કરવાના અધિકારનો સમાવેશ તેમાં પ્રત્યક્ષ રીતે થઈ જાય છે.

(3) “સરકારની ખામીઓ જ જણાવવામાં આવે તો તે લોકોના મનમાં ભય જન્માવે છે.” – એવું વિધાન પણ વડી અદાલતે કર્યું છે. જો કોરોના મહામારીના સરકારી વહીવટમાં રહેલી ખામીઓ નાગરિકો, પત્રકારો, માધ્યમો અને સ્વૈચ્છિક સંસ્થાઓ ના જણાવે તો બીજું કોણ જણાવે? જો સરકારની ખામીઓ જાહેર ના થાય તો સરકારનો વહીવટ સુધરે કેવી રીતે? સરકારની ખામીઓ દર્શાવવાથી લોકોમાં ભય વ્યાપે છે એવું તારણ વિદ્વાન ન્યાયમૂર્તિઓએ કેવી રીતે કાઢ્યું છે તે સમજાતું નથી. શું તેમણે આવું તારણ કોઈ મનોચિકિત્સકની સલાહથી કાઢ્યું છે? આવો કોઈ સર્વે અત્યારે થયો છે ખરો? વાસ્તવમાં, સરકારની ખામીઓ જાહેરમાં આવે તો જ સરકાર સુધરે છે અથવા સુધરવાની શક્યતાઓ ઊભી થાય છે. તેવો ભારતની લોકશાહીનો લાંબા ગાળાનો અનુભવ રહ્યો છે. જાહેરમાં સરકારની ટીકા જ સરકારને વધુ પારદર્શક અને ઉત્તરદાયી બનવા માટે પ્રેરે છે એ એક હકીકત છે. જો કોરોના મહામારીના સંજોગોમાં સરકારના વહીવટની ટીકા ના થાય અને તેનો વહીવટ સુધરે નહિ તો જાહેર આરોગ્યને વધુ નુકસાન પહોંચે તે હકીકત વડી અદાલતના વિદ્વાન ન્યાયમૂર્તિઓએ નજરઅંદાજ કરી છે એમ લાગે છે. સરકારની બધી જ ટીકા રાજકીય સત્તા પ્રાપ્ત કરવા માટે અથવા તો સરકારને ઉથલાવવા માટે હોય છે એમ સમજવું એ નાદાનિયત સિવાય બીજું કશું નથી.

(4) “આજના જેવા સંજોગોમાં મદદગાર હાથ ટીકાત્મક વાણી કરતાં વધુ લાભદાયી બનશે….પ્રતિકૂળ ટીકાથી કશું ભલું નહિ થાય પણ રચનાત્મક ટીકાથી સહાય થશે.” – આવું વિધાન કરીને પણ વડી અદાલતે ફરી એક વાર વિપક્ષ સરકારી વહીવટની ટીકા કરે તેની નિંદા કરી છે. વિપક્ષે જો સરકારને સાથ ના આપ્યો હોય તો તેની ટીકા કરવાનો વડી અદાલતને અધિકાર છે જ, પરંતુ જે સત્તાધીશ પક્ષ હોય છે તેણે જ સત્તાનો રચનાત્મક ઉપયોગ કરીને લોકોને કોરોના જેવી આપત્તિના સંજોગોમાં રાહત પહોંચાડવાની હોય છે. એટલે વિપક્ષનું કામ જ ટીકા કરવાનું છે અને સરકારનું કાર્ય એ ટીકાને સાંભળીને પોતાનું કાર્ય સુધારવાનું છે. એટલે વડી અદાલતે વિપક્ષને શિખામણ આપવાને બદલે સત્તાધીશોને શિખામણ આપવી જોઈએ એમ લાગે છે. વિદ્વાન ન્યાયમૂર્તિઓની વાત સાચી છે કે “સરકારની રચનાત્મક ટીકાથી સહાય મળે” છે. પરંતુ એવાં રચનાત્મક સૂચનો પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારે કોઈ તંત્ર ઊભું કર્યું છે કે કેમ તેની દરકાર વડી અદાલતે કરી છે ખરી?

(5) “કટોકટીના સંજોગોમાં આપણે સાથે રહેવું જોઈએ, શોરબકોર ના કરવો જોઈએ.” – આવું વિધાન કરીને પણ વડી અદાલત સરકારની ટીકા કરવાની ના પાડે છે, અને તે જાહેર હિતની અરજી કરનારને સરકારની સાથે રહેવાનું કહે છે. ફરી એક વાર અદાલતની આ વાત ગળે ઊતરે તેવી નથી. રાજ્ય સરકારે બિન-સરકારી સંગઠનો અને અન્ય સ્વૈચ્છિક સંગઠનો સાથે રાહત કાર્ય અને આરોગ્યલક્ષી સેવા કાર્ય માટે કોરોના મહામારીના હાલનાં સંજોગોમાં રાજ્ય સ્તરની કોઈ સંકલન સમિતિનું ગઠન, ગુજરાતની એ ભવ્ય પરંપરા હોવા છતાં, કર્યું હોય તેવું અમારી જાણમાં નથી. સરકાર જ્યારે બધા જ નિર્ણયો લગભગ કોઈ પણ જાતની જાહેર ચર્ચા વિના જ લેતી હોય ત્યારે નાગરિકો પાસે સરકારના ગેરવહીવટ અંગે વડી અદાલત સમક્ષ ધા નાખવા સિવાય કોઈ રસ્તો બચતો નથી. તેવા સંજોગોમાં આવી ધા નાખવી એ સરકારની ટીકા છે એમ સમજવામાં આવે તો તે સાચી જ વાત છે. પણ તેવી ટીકાથી જ અને વડી અદાલતના યોગ્ય આદેશથી જ સરકારની કામગીરીમાં સુધારો થઈ શકે તેમ છે એમ લાગે છે.

વડી અદાલત જે કાર્યવાહી કરે છે અથવા જે ચુકાદા આપે છે તેનો દુરુપયોગ થાય છે એવી ધાસ્તી પણ ખોટી છે. સરકાર કે તેના ટીકાકારો કે નાગરિકો જે તે સમયે જે તે અદાલતી કાર્યવાહી કે ચુકાદાનું અર્થઘટન કરતા જ રહ્યા છે. તેથી અદાલતી કાર્યવાહીનું કે ચુકાદાનું અર્થઘટન કરવાની નાગરિકોની સ્વતંત્રતાથી વડી અદાલતે સહેજ પણ ગભરાવાની જરૂર હોઈ શકે નહિ એમ લાગે છે. વધારે મહત્ત્વનો મુદ્દો તો એ છે કે અત્યારે કોરોના મહામારી જેવા અત્યંત ગંભીર માહોલમાં વડી અદાલત નાગરિકોના બંધારણપ્રણીત મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે કે નહિ.
તા.01-06-2020