ધમણની ધમાલ – 7
અમદાવાદ, 21 મે 2020
અમદાવાદની હોસ્પિટલના ખાસ અધિકારી ડૉ. પ્રભાકરની વાત પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ધમણ-1 કદાચ કોરોનાની ક્રિટિકલ કંડિશનમાં કામ લાગી શકે તેમ નથી. માત્ર પ્રભાકર જ નહીં પણ બહારના સ્વતંત્ર તબીબ અને અમદાવાદ મેડિકલ એસોશિએશન પણ રૂપાણી સરકારની પોલ ખોલતી વાત કરી રહ્યાં છે.
અમદાવાદના જાણીતા એનેસ્થેટિસ્ટક અને અમદાવાદ મેડિકલ એસોશિએશનના પદાધિકારી ડૉક્ટર બિપિન પટેલ માને છે કે, ધમણ-1 નામનું આ વૅન્ટિલેટર વાસ્તવમાં વૅન્ટિલેટર જ નથી. એમાં રૅસ્પિરેશન સેટ કરવાના કોઈ પેરામિટર નથી. એમાં ઓક્સિજનનું કોઈ મિટર નથી, ભેજ-હ્યુમિડિટીવાળો ઓક્સિજન જાય એવી વ્યવસ્થા નથી. ભેજવાળો ઓક્સિજન ફેફસાંમાં ન જાય તો ફેફસાં સુકાઈ જાય છે. દરદીનો લાંબો સમય સુધી આ વૅન્ટિલેશન પર રાખી શકાતા નથી.
દર્દીના સ્નાયુને રાહત મળે એ માટે રૅસ્પિરેશનને એડજસ્ટ કરી વૅન્ટિલેટર પર રાખવા પડે છે, પણ આમાં એવી કોઈ વ્યવસ્થા નથી. ધમણ-1 વૅન્ટિલેટર ઉતાવળમાં લઈને મૂકી દીધા છે. જે દરદીનો જીવ જોખમમાં મૂકવા બરાબર છે.
ટેક્નિકલ કમિટી અને મેડિકલ કમિટીએ ટેક્નિકલ ડિવાઇસીસ 2017ના નિયમ પ્રમાણે એપ્રુવ થવું જોઈએ પણ એ થયું નથી. સરકાર દ્વારા પણ મંજૂર થયેલું હોવું જોઈએ. મશીન શરૂઆતમાં થોડી રાહત આપી શકે છે પણ ડૉકટર તેના પર આધાર ન રાખી શકે. ધમણને કોઈ પ્રકારની મેડિકલી મંજૂરી મળી નથી.