મરાઠાઓની ગુજરાતમાં લૂંટ – ભાગ 5
શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું
પેશવાનું ગુજરાતમાં આગમન અને પોતાના વર્ચસની સ્થાપના
બીજો પેશવા બાજીરાવ પહેલો શક્તિશાળી શાસક હતો. મરાઠી સરદારો એની સત્તાની અવગણના કરે એ બાબતને એ ચલાવી લેવા તૈયાર ન હતો. પિલાજી તથા કંથાજી પેશવાની સર્વોપરી સત્તા કબૂલતા ન હતા. તથા એના હિસ્સાની ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ની રકમ પેશવાને મોકલતા ન હતા. દાભાડે તથા ગાયકવાડ કુટુંબના સભ્યો પોતાને છત્રપતિઓના કુટુંબીજનો માનતા હતા. તથા પેશવાને તેઓ છત્રપતિનું સ્થાન પચાવી પાડનાર ગણતા હતા. આથી, તેઓને મરાઠી રાજ્ય પરની બ્રાહ્મણ (પેશવાની) સર્વોપરિતા પ્રત્યે અણગમો હતો. આને લઈને તેઓ પેશવાની સત્તાની અવગણના કરતા હતા. બાજીરાવ પહેલાએ દાભાડે તથા ગાયકવાડને ગુજરાતની ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણીની આવકમાંથી યોગ્ય હિસ્સો પુણે સરકારને મોકલી આપવા તથા પોતાનું માર્ગદર્શન સ્વીકારવા જણાવ્યું , પરંતુ પેશવાને એમના તરફથી યોગ્ય જવાબ ન મળતાં પેશવા બાજીરાવ તથા એનો ભાઈ ચિમનાજી ગુજરાતમાં જાતે આવ્યા હતા. સરબુલંદખાને પેશવા તથા દાભાડે વચ્ચે વિખવાદ ઊભો કરાવીને ગુજરાતમાં મુઘલાઈને બચાવી લેવાની આ તક ઝડપી લીધી હતી. એણે ૧૭૩૦માં પેશવા સાથે સમૂજતી કરી કે અમદાવાદ તથા સુરતના વિસ્તારો સિવાયના ગુજરાતના પ્રદેશોમાંથી પેશવાને ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી અને સરદેશમુખી ઉઘરાવવાના હક આપવા તથા અમદાવાદની મહેસૂલી આવકનો ૫ % હિસ્સો પણ પેશવાને આપવો. બદલામાં પેશવાએ ગુજરાતમાં મુઘલ સત્તાને રક્ષવા ૨ ૫૦0નું અશ્વદળ રાખવું તથા અન્ય મરાઠા સરદારોને ગુજરાતમાં પ્રવેશવા દેવા નહિં. પરંતુ દિલ્હીની મુઘલ સરકારને આ સંધિ અપમાનજનક લાગતાં તેઓએ એ માન્ય કરી નહિ અને સરબુલંદખાનને સ્થાને એણે મારવાડના રાજા અભયસિંહની ગુજરાતના સુબેદાર તરીકે નિમણૂક કરી હતી.
દરમિયાનમાં દખ્ખણના રાજકારણમાં ફરી પલટો આવ્યો હતો. ખંડેરાવ દાભાડેનું ૧૭૨૯માં અવસાન થયું એટલે એના પુત્ર ચંબકરાવ દાભાડેને ગુજરાતનું સુકાનીપદ પ્રાપ્ત થયું હતું. ખાથી એની પાસે પેશવાએ ગુજરાતની ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી માંથી અર્ધા હિસ્સાની માગણી કરી હતી. એને પણ પોતાના પિતાની જેમ મરાઠા રાજ્ય પરના બાહાણ (પેશવાઈ) આધિપત્ય સામે અણગમો હતો , વળી એ ગુજરાતને પોતાનું જ ક્ષેત્ર માનતો તથા એમાં પેશવાના હસ્તક્ષેપને સ્વિકારવા તૈયાર ન હતો. એટલે એણે પેશવાની ઉપર્યુક્ત માગણીનો ઇન્કાર કર્યો હતો. એટલું . જ નહિ, પરંતુ પેશવાને ગુજરાતમાંથી હાંકી કાઢવા મરાઠાઓના દુશ્મન નિઝામની સહાય લીધી હતી. નિઝામે તરત જ દાભાડેને લશ્કરી સહાય મોકલી હતી. બાજીરાવ પેશવાને દાભાડેની આવી વિઘાતક ચાલ અસહ્ય લાગી હતી. એણે તરત અભયસિંહ સાથે સમજૂતી કરી હતી. એ અનુસાર અભયસિંહે પેશવાને ૧૩ લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું હતું, જેમાંથી છ લાખ રૂપિયા તાત્કાલિક રોકડા આપવાનું અને બાકીની રકમ પેશવાનું લશ્કર ગુજરાત છોડી દે તે પછી આપવાનું ઠરાવ્યું હતું. બદલામાં પેશવાએ અન્ય મરાઠા સરદારોનો ગુજરાતમાંનો પ્રવેશ અટકાવવાનો સ્વીકાર કર્યો હતો.
(તે સમયના 13 લાખ આજના હિસાબે 13 હજાર કરોડ જેવી રકમ થાય છે.)
(ક્રમશઃ) – 6
નોંધ – ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃત્તિક ઇતિહાસ – મરાઠાકાલ, ગુજરાત સરકારની મદદથી ભો.જે વિદ્યાભવન વતી ડો.રામજીભાઈ સાવલિયાએ પુનઃપ્રકાશિત કરેલા રમણલાલ ક. ધારૈયા દ્વારા લખાયેલા આ પ્રકણની વિગતો છે.