વિશ્વ વન દિવસ, ગાંધીનગરમાં લુપ્ત થતી ઔષધીય વનસ્પતિનો 12 એકરમાં બગીચો

ગાંધીનગર, 21 માર્ચ 2023
ગાંધીનગરનું ઔષધીય વનસ્પતિ ઉદ્યાન લુપ્ત થઈ રહેલી ઔષધીય વનસ્પતિ અને વૃક્ષોના જતન કરવામાં આવે છે. ઉદ્યાનમાં ઉમરડો, બ્રાહ્મી, સિંદુર, શંખ પુષ્પી, મામેજવો, બિલી, અર્જુન સાદર, આંબળા, અરીઠા, રામફળ, મધુનાશિની વગેરે ઔષધીય વનસ્પતિનો ઉછેર કરીને લોકોને નિ: શુલ્ક અપાય છે.

21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે દુનિયાભરમાં ઉજવામાં આવે છે. કુદરતે આપણને હંમેશા કંઇક ને કઇંક આપ્યું છે. પૃથ્વી પરના વનોના ઉપયોગથી જ માનવી આદિમાનવથી આધુનિક માનવ બન્યો છે. આ વનોમા થતી ઔષધીય વનસ્પતિઓએ માનવીની બિમારીઓ સહિતની તકલીફ દૂર કરી છે. આધુનિક યુગમાં લોકોની બિમારીઓ વધી અને તેના નિદાન માટેની પદ્ધતિઓ પણ વિકસી. એલોપથી જેવી ચિકિત્સા પદ્ધતિ રોગને ઝડપથી મટાડે એટલે લોકો એની તરફ વળ્યાં પણ એનાથી થતાં નુકસાન વિશે ન ગણકાર્યું. પણ આપણે એવું જાણીએ કે ઘણું કઠતી પથરીને પાનફૂટી નામની વનસ્પતિ જડમૂળથી મટાડે છે કે એવું જાણીએ કે અસ્થિભંગ માટે હાડસાંકળ નામની વનસ્પતિ રામબાણ છે તો એના તરફ આકર્ષાવાના. પણ આવી એક નહીં પણ અનેક વનસ્પતિઓ આપણી ઘણી ખરી બિમારીઓને જડ મૂળથી મટાડે છે. ગાંધીનગરમાં આવેલા સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાનમાં આવી અનેક વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે જે આપણા માટે ઘણી ઉપયોગી છે.

સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વર્ષ 1980માં ગુજરાત વન વિભાગ તરફથી ઊભું કરવામાં આવ્યું હતું. અત્યારે તે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડના હસ્તક કામ કરે છે. આ ઉદ્યાન 12 હેકટરમાં ફેલાયેલું છે. આ ઉદ્યાન સર્કિટ હાઉસથી અને અક્ષરધામની નજીકના વિસ્તારમાં આવેલું છે.

ઔષધીય વનસ્પતિનો ઉછેર, સરકારને આયુર્વેદિક ફાર્મસીને રો મટેરિયલ પૂરું પાડવું, લોકોમાં ઔષધીય વનસ્પતિ વિશે જાગૃતિ ફેલાવવી, આયુર્વેદિક અને બોટનીના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફિલ્ડ પૂરું પાડવું અને લોકોમાં ઔષધીય વનસ્પતિનું વિતરણ કરવાનો મુખ્ય ધ્યેય છે. આ માટે ઉદ્યાનમાં ટેકનિકલ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થાનિક માળી લોકો ઉદ્યાનમાં રોપાનો ઉછેર કરે છે. અને આ રોપાને નિશુલ્ક વહેચવામાં આવે છે. ઉદ્યાનમાં નર્સરી, હર્બલ પાર્ક, રોપા ઉછેર કેન્દ્ર અને રો મટિરિયલ કલેક્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉદ્યાનમાં ગુજરાતમાં લુપ્ત થવાના આરે હોય તેવા વૃક્ષો ચંદન, સીતા અશોક, બિયો, રાગોટ રોહીડો, બિલી, અરણી, ટેટૂ, વગેરેને ઉછેરીને તેનું જતન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ જાતની તુલસી, વિવિધ જાતની અરડૂસી, હડસકંદ, પાનફૂટી, નગોડ, પારિજાત, લીંડી પીંપળ, અર્જુન સાદડ, કુંવારપાઠું, સરગવો, હરડે વગેરે જેવી ઔષધીય વનસ્પતિઓ પણ ઉછેરવામાં આવી છે. ઉદ્યાનમાં આવેલી નર્સરીમાં ગુજરાતમાં લુપ્ત થવાના આરે હોય એવી ઔષધીય વનસ્પતિને ઉગાડવામાં આવી છે. ઉમરડો, બ્રાહ્મી, સિંદુર, શંખ પુષ્પી, મામેજવો, બિલી, બદામ, અરડૂસી, નાગરવેલ, ફણસ, જાસૂદ, પારિજાત, અર્જુન સાદર, આંબળા, અરીઠા, રામફળ, મધુનાશિની, ગળો, ચંદન, અંજીર, લસણવેલ, અશ્વગંધા, બહેરાં, ચણોઠી વગેરે ઔષધીય વનસ્પતિનો ઉછેર કરીને લોકોને નિ:શુલ્ક વહેચવામાં આવે છે.

વનસ્પતિઓને સૂકવીને ફાર્મા ઉદ્યોગ માટે તેમજ વિવિધ અભ્યાસ માટે મોકલાય છે: શ્રીમતી કૃષ્ણા સખરેલીયા, ઉદ્યાનના અધિકારી

ઔષધીય વનસ્પતિ ઉદ્યાનના અધિકારી શ્રીમતી કૃષ્ણા સખરેલીયાના જણાવ્યા અનુસાર ઉદ્યાનમાં હર્બલ પાર્ક ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં ઓછી જોવા મળતી અને વ્યવહારુ જીવનમાં વપરાતી ઔષધીય વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે. નર્સરી ઉપરાંત ઉદ્યાનમાં સોલાર ડ્રાયર લાવવામાં આવ્યું છે જેમાં કરિયાતું, અરડૂસી, બહેડાં, આમળાં, ડોડી, વરધારો વગેરે જેવી વિવિધ ઔષધીય વનસ્પતિઓને સૂકવીને ફાર્મા ઉદ્યોગ માટે તેમજ વિવિધ અભ્યાસ માટે પ્રાયોગિક પૃથક્કરણ માટે મોકલવામાં આવે છે.

ડિઝીટલ રીતે પણ વનસ્પતિ વિશે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિગતવાર માહિતી મેળવી શકાય છે

ઔષધીય વનસ્પતિ ઉદ્યાનમાં મુલાકાતીઓ ઉપરાંત ઘરે બેઠા લોકો ઔષધીય વનસ્પતિની માહિતી મેળવી શકે તે માટે ઇ હર્બલ પાર્ક ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં દરેક ઔષધીય વનસ્પતિ કે વૃક્ષની આગળ QR કોડ મૂકવામાં આવ્યો છે જેને સંસ્થાની બોટનીકલ ગાર્ડન ગાંધીનગર એપમાં સ્કેન કરીને જે તે વનસ્પતિ વિશે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ વિગતવાર માહિતી મેળવી શકાય છે.

વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓનેનિષ્ણાતો દ્વારા માહિતી અને માર્ગદર્શન પણ અપાય છે

સંસ્થાના માળી દશરથજી ઠાકોર ઔષધીય વનસ્પતિઓને લાવીને રોપે છે. ઔષધીય વનસ્પતિ ઉદ્યાનમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, લોકો વનસ્પતિની માહિતી લેવા માટે આવે છે. વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓને ઉદ્યાનમાં આવેલા પતંજલિ પરિસંવાદ કક્ષમાં ઔષધીય વનસ્પતિ માટે વિષય નિષ્ણાતો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે.