વર્લ્ડ સ્પાઇન ડે – ડોક્ટરની ભૂલના કારણે અમદાવાદના વસંત સોલંકીની કમર ચોંટી ગઈ, સરકારી હોસ્પિટલમાં સાજા થયા

અમદાવાદ, 17 ઓક્ટોબર 2020

વસંતભાઈનું કમરનું ઓપરેશન એક હોસ્પિટલમાં થયું હતું. ડોક્ટરની ખામી રહી જતાં તેની કમરમાં લગાવેલા સ્ક્રુ બીજા મણકામાં ઘુસી જતાં કમર ચોંટી ગઈ હતી. તેથી તેનું પરેશન કરાવવા ખાનગી હોસ્પિટલો તૈયાર ન હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે.પી. મોદી  કહે છે કે વસંતભાઇની અગાઉની સર્જરી બાદ 11  અને 12માં મણકામાં ચેપ લાગ્યો હતો. જેના કારણે કરોડરજ્જુ ચોંટી ગઇ હતી. જંકશનલ કાયફોસીસ થવાથી ખૂંધ 110 ડિગ્રી વળી ગઇ હતી.

દોઢ વર્ષ પહેલા ઓપરેશન

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા વસંત સોલંકીને દોઢ વર્ષ પહેલા કમરના ભાગમાં વેદના થતા તેઓ હોસ્પિટલમાં તપાસ અર્થે ગયા હતા. તબીબો દ્વારા તેમની તપાસ કરતા કમરના મણકાનો ચેપ હોવાનું જાણવા મળ્યુ હતું. જે કારણોસર ત્વરાએ તેમની સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી બાદ તેની કમરમાં દુઃખાવો શરૂ થયો હતો. તેથી તેઓ ઓપરેશનના 6 મહિના પછી ભારે પીડા ભોગવી રહ્યાં હતા. કોઈ રસ્તો ન મળતો હતો.

ઓપરેશનના 6 મહિના બાદ તકલીફ

ઓપરેશનના 6 મહિના બાદ વસંતને એકાએક કમરના ઓપરેશન કરેલા ભાગમાં ખૂંધ નીકળી ગઇ હતી. તેથી બેસવામાં, ઉંધવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. તેઓ દિવસ રાત બેચેન રહેતા હતા. તેઓએ ઘણી ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં નિદાન કરવા ગયા પણ રોગ ઓળખી શકાયો નહીં. ઓપરેશન કરવાનો ઈન્કાર કર્યો હતો. એક હોસ્પિટલ રૂ.4 લાખમાં ઓપરેશ કરવા તૈયાર થઈ પણ સાજા થવાની કોઈ ખાતરી ન આપી. તેમને પીડામાંથી મુક્તિ મળશે પણ કે નહીં તેની કોઈ ખાતરી ન હતી.

મણકામાં સ્ક્રુ નાંખ્યા અને ખૂંધ નીકળી

તેઓ અમદાવાદની અસારવાની સિવિલ હોસ્પિટલમાં પછી તબીબ પાસે આવ્યા હતા.  ઓર્થોપેડિક વિભાગના તબીબોએ શારિરીક તપાસ કર્યા બાદ, X-ray, C.T. સ્કેન થી M.R.I.ને લગતા તમામ રીપોર્ટ કરાવ્યા. પછી ખબર પડી કે, પ્રી જંકસનલ કાયફોસીસ (ઓપરેશનના જે ભાગમાં સ્ક્રુ નાંખ્યા હોય તેના ઉપરના ભાગમાં ખૂંધ નીકળવી) થયું છે. આ પ્રકારની તકલીફમાં સર્જરી વખતે ઘણી સાવચેતી રાખવી પડતી હોય છે. આવા પ્રકારના જટીલ  ઓપરેશનમાં થોડીક પણ બેદરકારી વર્તવામાં આવે તો અન્ય મણકાના ભાગમાં તકલીફ ઉભી થઇ શકવાની સંભાવના પ્રબળ રહેલી હોય છે.

રીવીઝન સ્ક્રુ

તેની સામે ફરીથી સર્જરી કરવી પડે છે. આ પ્રકારની સર્જરીને રીવીઝન સર્જરી કહેવામાં આવે છે. જેમાં પહેલેથી લગાડવામાં આવેલા સ્ક્રુ કાઢીને ફરી વખત નવા સ્ક્રુ નાખવા પડતા હોય છે જે ખૂબ જ પડકારજનક હોય છે જેને રીવીઝન સ્ક્રુ કહે છે.

ન્યુરોમોનીટરીંગ કરી સર્જરી

આ તમામ તકલીફોમાંથી દર્દીને પસાર ન થવું પડે તે માટે સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ.જે.પી. મોદીની ટીમ દ્વારા ન્યુરોમોનીટરીંગ કરી સર્જરી હાથ ધરાઇ હતી. ચાર થી વધુ કલાક ચાલેલી સર્જરી નિપૂણતાપૂર્વક પાર પાડવામાં આવી. આ પ્રકારના ઓપરેશન બાદ દર્દીની હાલત અત્યંત ગંભીર થઇ જવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. તેને આ.ઇ.સી.યુ. મેનેજમેન્ટની પણ જરૂર પડતી હોય છે. દર્દીના જીવનનું જોખમ પણ રહેતું હોય છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને સર્જરી કરવામાં આવી હતી.

જેના અંદરનો ભાગ ક્રેક કરીને અગાઉની સર્જરીના સ્ક્રુ કાઢવામાં આવ્યા. આજે વસંતભાઇ સંપૂર્ણપણે સાજા થઇ ગયા છે અને જલ્દીથી પોતાના ઘરે પરત ફરશે.

146 સર્જરી

સિવિલ હોસ્પિટલમાં કરોડરજ્જુ ડિજનરેટીવ, ડીફોર્મેટીવ, ક્રોમેટીક અને ઇન્ફેકટીવ પ્રકારની રેર અને  અત્યંત જટિલ ગણાતી કુલ 146 સર્જરીઓ કરવામાં આવી છે. વર્લ્ડ સ્પાઇન ડે છે. ગુજરાતના સરકારી ઈસ્પીતાલના તબીબોએ અનેક સફળતા મેળવી છે.