[:gj]હું છું ગાંધી – ૧૨૬: મારો પ્રયત્ન[:]

Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]પૂના પહોંચીને ઉત્તરક્રિયા વગેરે ઊજવીને સોસાયટીએ કેમ નભવું અને મારે તેમાં જોડાવું કે નહીં, એ પ્રશ્ન અમે બધા ચર્ચતા થઈ ગયા. મારી ઉપર મોટો બોજો આવી પડયો. ગોખલે જીવતાં મારે સોસાયટીમાં દાખલ થવાનો પ્રયત્ન કરવાપણું નહોતું. મારે કેવળ ગોખલેની આજ્ઞાને અને ઇચ્છાને વશ થવાનું હતું. આ સ્થિતિ મને ગમતી હતી. ભારતવર્ષના તોફાની સમુદ્રમાં ઝંપલાવતાં મને સુકાનીની જરૂર હતી, ને ગોખલે જેવા સુકાનીની નીચે હું સુરક્ષિત હતો.

હવે મને લાગ્યું કે મારે સોસાયટીમાં દાખલ થવાને સારુ સતત પ્રયત્ન કરવો રહ્યો. ગોખલેનો આત્મા એમ જ ઇચ્છે એમ મને લાગ્યું. મેં વગરસંકોચે ને દૃઢતાપૂર્વક એ પ્રયત્ન આદર્યો. આ વખતે સોસાયટીના લગભગ બધા સભ્યો પૂનામાં હાજર હતા. એમને વીનવવાનું અને મારે વિશે જે ભય હતા તે દૂર કરવાનું મેં શરુ કર્યું. પણ મેં જોયું કે સભ્યોમાં મતભેદ હતો. એક અભિપ્રાય મને દાખલ કરવા તરફ હતો, બીજો દૃઢતાપૂર્વક મને દાખલ કરવા સામે હતો. હું બન્નેનો મારા પ્રત્યેનો પ્રેમ જોઈ શકતો હતો. પણ મારા પ્રત્યેના પ્રેમ કરતાં સોસાયટી તરફથી તેમની વફાદારી કદાચ વિશેષ હતી, પ્રેમની ઊતરતી તો નહોતી જ.

આથી અમારી બધી ચર્ચા મીઠી હતી, અને કેવળ સિદ્ધાંતને અનુસરનારી હતી. વિરુદ્ધ પક્ષનાને એમ જ લાગેલું કે, અનેક બાબતોમાં મારા વિચારો અને તેમના વિચારો વચ્ચે ઉત્તરદક્ષિણ જેટલું અંતર હતું. એથી પણ વધારે તેમને એમ લાગ્યું કે, જે ધ્યેયોને અંગે સોસાયટીની રચના ગોખલેએ કરી હતી તે ધ્યેયો જ મારા સોસાયટીમાં રહેવાથી જોખમમાં આવી પડવાનો પૂરો સંભવ હતો. સ્વાભાવિક રીતે આ તેમને અસહ્ય લાગ્યું.

ઘણી ચર્ચા બાદ અમે વીખરાયા. સભ્યોએ છેવટનો નિર્ણય કરવાનું બીજી સભા સારુ મુલતવી રાખ્યું.

ઘેર જતાં હું વિચારના વમળમાં પડયો. વધારે મતથી મારે દાખલ થવાનું થાય તો તે ઇષ્ટ ગણાય? એ ગોખલે પ્રત્યેની મારી વફાદારી ગણાય? જો મારી વિરુદ્ધ મત પડે તો તેમાં સોસાયટીની સ્થિતિ કફોડી કરવા હું નિમિત્ત ન બનું? મેં સ્પષ્ટ જોયું કે, સોસાયટીના સભ્યો વચ્ચે મને દાખલ કરવા વિશે મતભેદ હોય ત્યાં લગી મારે પોતે જ દાખલ થવાનો આગ્રહ છોડી, વિરોધી પક્ષને નાજુક સ્થિતિમાં મૂકવામાંથી બચાવી લેવો જોઈએ, ને તેમાં જ સોસાયટી ને ગોખલે પ્રત્યે મારી વફાદારી હતી.

અંતરાત્મામાં આ નિર્ણય ઊગ્યો કે તરત મેં શ્રી શાસ્ત્રીને કાગળ લખ્યો કે તેમણે મારા દાખલ થવા વિશે સભા ન જ ભરવી. વિરોધ કરનારાઓને આ નિશ્ચય બહુ ગમ્યો. તેઓ ધર્મસંકટમાંથી ઊગર્યા. તેમની ને મારી વચ્ચેની સ્નેહગાંઠ વધારે મજબૂત થઈ અને સોસાયટીમાં દાખલ થવાની મારી અરજી ખેંચી લઈને હું સોસાયટીનો સાચો સભ્ય થયો.

અનુભવે હું જોઉં છું કે સોસાયટીનો રૂઢિપૂર્વક સભ્ય ન થયો તે યોગ્ય હતું, ને જે સભ્યોએ મારા દાખલ થવા સામે વિરોધ કર્યો હતો તે વાસ્તવિક હતો. તેમના સિદ્ધાંતો ને મારા સિદ્ધાંતો વચ્ચે ભેદ હતો એમ અનુભવે બતાવી આપ્યું છે. પણ મતભેદ જાણી ગયા છતાં, અમારી વચ્ચે આત્માનું અંતર કદી પડયું નથી, ખટાશ કદી થઈ નથી. મતભેદ હોવા છતાં અમે બંધુ ને મિત્ર રહ્યા છીએ. સોસાયટીનું સ્થાન મારે સારુ યાત્રાનું સ્થળ રહ્યું છે.

લૌકિક દૃષ્ટિએ હું ભલે તેનો સભ્ય નથી થયો. આધ્યાત્મિક દૃષ્ટિએ હું સભ્ય રહ્યો જ છું. લૌકિક સંબંધ કરતાં આધ્યાત્મિક સંબંધ વધાર કીમતી છે. આધ્યાત્મિક વિનાનો લૌકિક સબંધ પણ પ્રાણ વિનાના દેહ સમાન છે.

પાછલો અંક:- હું છું ગાંધી – ૧૨૫: ત્રીજા વર્ગની વિટંબણા

[:]