અમદાવાદ,તા.૧૪
અમદાવાદ શહેરમાં આ સીઝનમાં પડેલા ભારે વરસાદ બાદ ધોવાઈ ગયેલા રસ્તાઓના ખાડા પુરવાની અમપા દ્વારા શરૂઆત કરવામાં આવી છે.આ માટે ૨૦ રોલર અને જેટ પેચર સહીત ૮૦૦થી પણ વધુ મજુરો કામે લગાડવામાં આવ્યા છે.
અમપા તરફથી છેલ્લા ૨૪ કલાકમાં પશ્ચિમઝોનમાં ૬૦૬,નોર્થમાં ૩૪૮,સાઉથમાં ૩૫૫,ઈસ્ટમાં ૩૭૬,સેન્ટ્રલમાં ૧૧૨,નોર્થ વેસ્ટમાં ૩૧૦ અને સાઉથ વેસ્ટઝોનમાં ૧૦૭ ખાડાઓ પુરવામાં આવ્યા છે.આ વર્ષે ૩૨ ઈંચ જેટલા વરસાદમાં ૨૩૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ૨૩૮.૨૦ કી.મી.ના રસ્તાને નુકસાન ન થયુ હોવાનો અમપા દ્વારા દાવો કરાયો છે.૮૦૦થી ૧૦૦૦ કી.મી.રોડ વિવિધ કંપનીઓ દ્વારા ખોદી તેને યોગ્ય પુરાણ ન કરાયુ હોવાના કારણે ખાડાવાળા બન્યા હોવાનો દાવો કરાયો છે.તંત્રે વિવિધ વિસ્તારોમાં પેચવર્ક માટે ૨૭ ભઠ્ઠા શરૂ કરી ૫૭ છોટાહાથી,૧૧૨ ટ્રેકટર અને ૨૦ રોલરની મદદથી વિવિધ રોડ પર જેટ પેચર અને ઈન્ફ્રા રેડ પેચરની મદદથી પેચવર્ક શરૂ કર્યુ છે.નવરાત્રિ પહેલા આ કામગીરી પુરી કરી લેવાશે તેવી હૈયાધારણ અપાઈ છે.