મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉનમાં જ ઉગ્ર વિરોધ શરૂ થયો હતો
ગાંધીનગર
રાજ્યમાં જ્યારથી રાજકોટના મુખ્યપ્રધાને સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી રાજકોટ હર હંમેશ સમાચારોના માધ્યમમાં ચમક્યા જ કરે છે. પછી તે કોઈ કૌભાંડ હોય, નિમણૂંકો હોય કે વાહનવ્યવહારના નવા નિયમો અમલી બન્યા તેમાં પણ રાજકોટમાં જ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રાજકોટ તેમ જ અન્ય શહેરોમાં થયેલા ઉગ્ર વિરોધના કારણે રાજ્ય સરકારને નમતું જોખવું પડ્યું છે અને હેલમેટના કાયદાને શહેરી વિસ્તારોમાં મરજિયાત કરવાની ફરજ પડી છે.
રાજકોટ વિરોધનું એપી સેન્ટર
રાજકોટમાં હેલમેટના કાયદાનો વિરોધ વર્ષ 2005થી શરૂ થયો હતો. તે સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં હેલમેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલી કરવાની જાહેરાત કરી ત્યારે રાજકોટના સામાજિક અગ્રણી અશોક પટેલે સૌથી પહેલાં વિરોધ શરૂ કર્યો હતો. તેમનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 1988માં કાયદો બનાવવામાં આવ્યો હતો અને તેનો અમલ કરાયો હતો. પરંતુ ગુજરાતમાં આ કાયદો ક્યારેય આવ્યો નહોતો. જોકે, ગુજરાતની વડી અદાલતે વર્ષ 2005માં એક સુઓ મોટો કરીને આ કાયદો અમલી કરવા માટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. જે સંદર્ભે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ કાયદો અમલી બનાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન કાયદા પ્રધાન સ્વ. અશોક ભટ્ટના હેલમેટના ઉત્પાદકો સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે આ કાયદો કડક રીતે અમલ કરવા રાજ્યના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી. તેઓ આગળ કહે છે આ નિર્ણય સામે ઉગ્ર વિરોધ મેં શરૂ કર્યો હતો અને 25 ડિસેમ્બર 2005માં કાયદાના ભંગ બદલ કોર્ટમાં મેં રૂ. 30નો દંડ ભરવાની ના પાડતાં કોર્ટે મને પાંચ દિવસની જેલની સજા કરી હતી. જેલમાંથી મુક્ત થયા બાદ આ આંદોલનને વેગ આપવાની શરૂઆત કરી હતી. આ આંદોલન મેં વર્ષ 2009 સુધી ચલાવ્યું હતું અને અંતે તે સમયે પણ સરકારે આ નિયમનો અમલ કરવાનું માંડી વાળ્યું હતું. પરંતુ વર્ષ 2019 એટલે કે 14 વર્ષ બાદ ફરી એકવાર કેન્દ્રની સરકારે વાહનવ્યવહારના નવા નિયમો ઘડી કાઢ્યા અને તેનો અમલ વર્તમાન રૂપાણી સરકારે કર્યો. હેલમેટના કાયદાના 14 વર્ષના વનવાસ પછી ફરી આ કાયદો આવતાં છેલ્લાં ચાર મહિનાથી મેં આ સામે સત્યાગ્રહ છેડ્યો છે. જેમાં મને રાજકોટવાસીઓનો પૂરેપૂરો સહયોગ મળ્યો અને તેના કારણે રાજ્ય સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે, શહેરી વિસ્તારોમાં જ હેલમેટનો કાયદો મરજિયાત કર્યો છે ત્યારે આગામી 11મી ડિસેમ્બરે રાજકોટરના રેસકોર્સ મેદાન પર અમે મોટું સત્યાગ્રહ આંદોલન કરવાના છીએ અને માત્ર શહેરી વિસ્તારો જ નહિ પણ રાજ્યના તમામ વિસ્તારોમાંથી આ કાયદાની હકાલપટ્ટી કરવામાં આવે એવી ઉગ્ર માંગણી પણ અમે કરવાના છીએ અને અમારું આ આંદોલન યથાવત છે. આ માટે અમે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજકોટના પોલીસ કમિશનરને પણ લેખિતમાં જાણ કરી દીધી છે.
સરકાર ગમે તે કાયદા ઠોકી ન બેસાડી શકે
અશોક પટેલે સરકારના નિયમનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. આ અંગે અશોક પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, લોકશાહી દેશમાં સરકાર લોકોની પર કડક નિયમો ઠોકી બેસાડે એ વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ સમાન છે. સરકારે દ્વીચક્રી વાહનચાલકને હેલમેટ ફરજિયાત પહેરવાનો નિયમ અમલમાં મૂક્યો અને તે ન પહેરી હોય તો રૂ. 500ના દંડની જોગવાઈ પણ કરી. આ સામે વિરોધ એટલા માટે કર્યો કે, મારે કેવી રીતે ફરવું અને શું કરવું એ મારી સ્વતંત્રતા છે. એટલે હું હેલમેટ નહોતો પહેરતો અને મારી આગળ અને પાછળ તેમ જ મારા સ્કૂટર પર પણ બેનર લખીને લગાવીને હું વાહન ચલાવતો હતો. આ બેનર પર એવું લખેલું કે આ મારું માથું છે, ડરે તેને સૌ ડરાવે. આ પ્રકારના સૂત્રો લખેલા બેનર સાથે હું ફરતો હતો અને તેના કારણે રાજકોટવાસીઓએ પણ મને સમર્થન આપ્યું અને તેઓ પણ મારી આ ઝૂંબેશમાં જોડાયા. આ વિરોધ આંદોલનમાં જોડાયેલા અન્ય એક સામાજિક અગ્રણી જિજ્ઞેશ કાલાવાડિયા કહે છે અમે સમગ્ર રાજકોટમાં ઠેર ઠેર નવા નિયમોની વિરૂદ્ધમાં જનઆંદોલન છેડ્યું હતું અને સહી ઝૂંબેશ પણ કરી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર આપતા હતા. તેમ જ જ્યારે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ આવે ત્યારે ત્યારે વાહનવ્યવહારના નવા નિયમો અંગે રજૂઆતો પણ કરી હતી.
રાજકોટના વિરોધ સામે સરકાર ઝૂકી?
વાહનવ્યવહારના નવા નિયમોનો સૌથી વધારે વિરોધ રાજકોટથી જ કરવામાં આવ્યો હતો અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ રાજકોટના જ છે ત્યારે રાજકોટવાસીઓના વિરોધ સામે ઝૂકીને હેલમેટના કાયદામાં ફેરફારનો નિર્ણય કરવામાં આવ્યો હોવા અંગે પૂછતાં અશોક પટેલે કહ્યું કે, રાજકોટના મુખ્યપ્રધાન હોવાના કારણે નહિ પણ જૂઠ્ઠાઓની સરકાર છે અને તેમના જૂઠાણાં બહુ લાંબો સમય ચાલતા નથી. માત્ર રાજકોટના લોકોના વિરોધને કારણે નહિ પણ સમગ્ર રાજ્યમાં જે રીતે હેલમેટના કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો તેના કારણે સરકારને ઝૂકવું પડ્યું છે અને તેમાં સુધારો કરીને શહેરી વિસ્તારોમાં હેલમેટ પહેરવાની ફરજિયાત નહિ હોવાનું જાહેર કરવાની ફરજ પડી છે.