એક જ કુટુંબની રૂ.500 કરોડની ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં ફેરવવાનું ભાજપનું કૌભાંડ

ગાંધીનગર, તા.૧૨

અમપાની ટાઉનપ્લાનિંગ કમિટિ દ્વારા ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એક બિલ્ડર જૂથને ફાયદો કરાવવા માટે થઈને ગોપાલપુર, સૈજપુર અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ૫૦ થી ૬૦ સર્વે નંબરોમાંથી ખેતી ઝોન દૂર કરી રહેણાંક વિસ્તારમાં ફેરવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. જંત્રીના ભાવ પ્રમાણે એક જ કુટુંબની રૂ.500 કરોડની જમીન થવા જાય છે. સરકારની મંજૂરી માટે મોકલી આપેલું છે. અમપા બોર્ડમાં આ કામ પસાર કરેલું છે. શહેરી વિકાસ વિભાગમાં તે કામ હવે મંજૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેટલાંક બિલ્ડરો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

બહુમતીથી બે વર્ષ પહેલાં પસાર કરેલી દરખાસ્તે ફરી એક વખત વિવાદ સર્જયો છે. જે સમયે છ લાખ ચોરસમીટર જમીનમાંથી ખેતી વિસ્તાર દૂર કરી રહેણાંક ઝોનમાં બદલવાની દરખાસ્ત બહાલ કરવાનો વિવાદ જાગ્યો હતો. એ સમયે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેમાં ભાજપના એક અગ્રણીએ બહેન(આનંદીબહેન) સાથે વાત થઈ ગઈ હોવાનું પણ ઓડિયો ક્લિપમાં કહ્યું હતું.

એક તરફ અમદાવાદ શહેરને સ્માર્ટસિટી તરીકે વિકસિત કરાઈ રહ્યું છે. શહેરના હદ વિસ્તારોમાં ખેતી ઝોન તરીકેના રીઝર્વેશનો હોય એ અસ્થાને હોય એ શકય છે. પરંતુ ડેવલપમેન્ટ પ્લાન્ટને વર્ષ-૨૦૧૪માં મંજૂરી આપવામાં આવ્યાના બે વર્ષ બાદ જ આ પ્રકારના ફેરફાર કરીને એગ્રીકલ્ચરલ ઝોનને રહેણાંક ઝોનમાં ફેરવવા દરખાસ્ત અમપામાં કોંગ્રેસના વિરોધ વચ્ચે ભાજપે બહુમતીથી ખડી સમિતિમાં અને ત્યારબાદ મ્યુનિસિપલ બોર્ડમાં મંજૂર કરી રાજય સરકારની બહાલી માટે મોકલી આપી હતી.

રવજી વસાણીની જમીન

એક બિલ્ડર જૂથના પરિવારના નામે ગોપાલપુર, સૈજપુર અને લક્ષ્મીપુરાના ૫૦થી ૬૦ સર્વે નંબરોમાં હેતુફેર કરીને બિલ્ડર્સ એસોસિયેશનના માજી પ્રમુખ અને ભાજપના રાજકીય અગ્રણીઓ સાથે ઘરોબો ધરાવતા રવજી પોપટભાઈ વસાણીના પરિવાર અને જૂથની આશરે છ લાખ ચોરસમીટર જમીનમાંથી ખેતી ઝોન દૂર કરીને રહેણાંક વિસ્તારમાં ફેરવવા ભાજપના એક ધારાસભ્યે અમપાથી લઈને સરકાર સુધી પત્ર લખીને રજૂઆત કરી હતી. વર્ષ-૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ દ્વારા જનસંચય યોજના અમલમાં મૂકવામાં આવી એ અગાઉ બિલ્ડર લોબીને ફાયદો કરાવવા અમપામાં આ વિવાદાસ્પદ દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.

દરખાસ્તને બાહલ કરવા પાંચ કરોડનો સોદોઃ દીનેશ શર્મા

આ મામલે વિપક્ષ નેતા દીનેશશર્માનો સંપર્ક કરતા તેમણે કહ્યું, હાલ આ દરખાસ્ત રાજય સરકાર સમક્ષ મંજૂરી માટે પડેલી છે. જે તે સમયે ભાજપના ખજાનચીની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. જેમાં સુરેન્દ્ર પટેલ ઉર્ફે તેઓ પોતે બહેન સાથે વાત થઈ ગઈ હોવાનું જણાવતા હતા. બધું મળીને આ દરખાસ્તને બહાલ કરવામાં કુલ પાંચ કરોડથી પણ વધુ રકમની સોદો કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

તેમણે કહ્યું, અમપા હદ વિસ્તારમાં ખેતી ઝોનને દૂર કરીને અન્ય હેતુઓ માટે વિકાસ કરવાનો હોય તો ગોપાલપુર, સૈજપુર,અને લક્ષ્મીપુરા સિવાયના આઠથી દસ ગામો જેવા કે પીલળજ, લાંભા, શાહવાડી, બાકરોલ, કમોડ, ફતેવાડી, કઠવાડા વગેરે તેમજ એસપી રીંગરોડની અંદર આવેલા અને આજુબાજુના વિસ્તારોમાંથી એગ્રીકલ્ચરલ ઝોન હટાવીને ત્યાંની જમીનોનો વિકાસ આસપાસના ઝોન મુજબ હેતુફેર સાથે થવો જાઈએ.

પણ માત્ર એક જ પરિવારને ફાયદો કરાવવા બહુમતીના જારે પસાર કરવામાં આવેલી આ દરખાસ્તથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે. આ મામલે કોંગ્રેસે તટસ્થ વિજિલન્સ તપાસની પણ માગણી કરી હતી. જે સ્વીકારવામાં આવી નથી. આવનારા સમયમાં જો રાજય સરકાર પણ આ દરખાસ્તને બહાલી આપશે તો એની સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

કેવી રીતે રચાયું કૌભાંડ?

-અમપા, ઔડાના અધિકારીઓ, બિલ્ડરો અને રાજકારણીઓએ જાણી જોઈને દસ ગામોમાં એગ્રીકલ્ચરલ ઝોન મૂક્યો.

-બે વર્ષ સુધી બિલ્ડરોએ ખેડૂતો પાસેથી જમીનો ખરીદી.

– જમીનનો હેતુફેર કરાવી કરોડોનો ફાયદો રળવા કારસો રચાયો.

-અમદાવાદ શહેરના વર્ષ-૨૦૨૧ સુધીના વિકાસ નકશા મુજબ, રીંગરોડ ફરતે બહારની બાજુએ એફોર્ડેબલ હાઉસિંગ ઝોન તેમજ અન્ય ઝોનની વિકાસ માટેની પરવાનગી આપવામાં આવી છે.

-ડેવલપમેન્ટ પ્લાનને વર્ષ-૨૦૧૪માં બહાલી આપવામાં આવી હતી.

-માત્ર બે વર્ષના સમયગાળામાં હેતુફેર માટેની રજૂઆત કરાઈ.

-રજૂઆતમાં કહેવાયું, આ જમીનોની આસપાસ ઈન્ડસ્ટ્રિયલ તેમજ રહેણાંકનો

વિસ્તાર હોવાથી ખેતી કરવી શકય નથી.

-અમપા હદ બહાર વિકાસની મંજૂરી અપાતી હોય તો રીંગરોડની અંદરના વિસ્તારોમાં ખેતીઝોન રાખવા તર્કહીન હોવાની દલીલ કરાઈ હતી.

-ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટની કલમ-૧૯ હેઠળ ફેરફાર કરી સરકારની મંજૂરી માગવામાં આવી.

કયા-કયા સર્વે નંબરો?

મોજે -સૈજપુર-ગોપાલપુરના રેવન્યુ સર્વે નંબર. ૩૧,૩૨,૩૬થી ૪૧,૪૨ પૈકી, ૪૩-પૈકી, ૪૪,૨૭૭ પૈકી, તથા ૨૭૬ તથા લક્ષ્મીપુરા ગામના રે.સર્વે નંબરો ૫ પૈકી, ૬,૭,૮ પૈકી, ૧૬ પૈકી, ૧૭ પૈકી, ૧૯,૨૦ પૈકી, ૨૧ પૈકી, ૨૪ પૈકી, ૨૫,૨૬,૨૭ પૈકી, ૩૩ પૈકી, ૩૪ પૈકી, ૩૫થી ૩૭,૩૮ પૈકી, ૫૪ પૈકી, ૬૨ પૈકી, ૬૫ પૈકી, ૬૭થી ૭૮,૮૦થી ૯૮,૯૯ પૈકી, ૯૯ પૈકી-૧,૧૦૦થી ૧૦૭,પૈકી, ૧૦૮,૧૦૯,૧૧૧થી ૧૧૮,૧૧૯ પૈકી, ૧૨૦ પૈકી, ૧૨૧થી ૧૨૫,૨૪૫ પૈકી આ તમામ સર્વે નંબરોના હેતુફેર માટે સરકાર સમક્ષ દરખાસ્ત નિર્ણય માટે રહેલી છે.