કોંગ્રેસમાં આજકાલ એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત કોંગ્રેસનાં વિવિધ જિલ્લાઓમાં જૂથવાદને કારણે કોંગ્રેસને ફટકા પડી રહ્યાં છે. આવો જ એક જૂથવાદ બોટાદ જિલ્લા કોંગ્રેસમાં પણ જોવા મળ્યો છે. અને આ જૂથવાદ ત્યારે જોવા મળ્યો જ્યારે જિલ્લા કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખની આગેવાનીમાં 200 કાર્યકરોની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ.
બોટાદ જિલ્લા કોંગ્રેસમાં જોવા મળ્યો આતરિક જુથવાદ. જિલ્લા કોગ્રેસના પૂર્વ પ્રમુખ ડી.એમ.પટેલની આગેવાનીમાં ૨૦૦ કાર્યકરો સાથે સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત સમિતિની રચનામાં જિલ્લા પ્રમુખે પોતાની મનમાની કરી તો નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખે શહેર અને તાલુકામાં કરેલાં સંગઠનની રચનામાં કાર્યકરોને સાથે રાખીને કરવામાં નહિ આવી હોવાનો આરોપ પણ મૂક્યો હતો. આ મામલે બેઠકમાં એવું પણ ઠરાવવામાં આવ્યું કે, આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
બોટાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે, ત્યારે જિલ્લા પંચાયતની રચના થઈ ત્યારથી કોંગ્રેસમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયતમાં પ્રમુખની નિયુક્તિને લઈને કોગ્રેસના બે જૂથો દ્વારા સામ સામે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જો કે ત્યારે મામલો થાળે પડી ગયેલો અને પ્રમુખ તરીકે વસંતબહેન હરજીભાઈની વરણી કરવામાં આવી હતી. તો બીજી તરફ ત્રણ મહિના પહેલાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ મેરની વરણી કરવામાં આવી છે. ત્યારે પૂર્વ પ્રમુખ ડી.એમ પટેલની આગેવાનીમાં આજે જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતનાં સભ્યો, નગરપાલિકાના સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ દ્વારા જણાવાયું કે ત્રણ ચાર મહિનાથી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી થઈ ત્યારથી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખની વરણી થઈ ત્યારથી કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે. કાર્યકરો અને આગેવાનોની ફરિયાદ આવતી હતી તેથી મેં આ બેઠક બોલાવી છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખની જે નિમણૂંક અને જિલ્લા કોગ્રેસ સંગઠનની જે રચના કરવામાં આવી છે તેમાં તાલુકાના કાર્યકરો સાથે બેઠક કરવામાં આવી નથી અને મનસ્વી વર્તન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન અને આરોગ્ય સમિતિની સભ્યો એક જ તાલુકાના છે. આગામી દિવસોમાં ૧૦૦ જેટલાં કોગ્રેસના કાર્યકરો પ્રદેશ કક્ષાએ રજૂઆત કરશે.