ગાયને ધવડાવો તો દૂધ વધું આપશે, ઓલાદ સુધરશે

જૂનાગઢ : ગીર ગાયોને વાછરડા ધવડાવીને દોહવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરી છે. વિજ્ઞાનીઓએ લાંબા સમય સુધી કરેલા અભ્યાસ અને સંશોધન બાદ પશુપાલકો માટે સત્તાવાર ભલામણ કરી છે કે તમે તમારી ગાયને દોહતા પહેલાં વાછરડાને ધવડાવો. જો આમ કરશો તો દૂધનું ઉત્પાદન વધશે.

પ્રયોગ કર્યા બાદ વિજ્ઞાનીઓ એવા તારણ પર આવ્યા છે કે, ગીર ગાયોમાં વાછરડાને મર્યાદિત ધવડાવીને દોહવામાં આવે તો ટૂંકા વેતરનું પ્રમાણ ઘટે છે. તેનો સીધો મતલબ કે ગાય લાંબો સમય સુધી દૂધ આપે છે.

આ પ્રયોગોમાં બીજી બાબત એ પણ સામે આવી છે કે, ઓછું દૂધ આપતી ગાયોનું પ્રમાણ ઘટે છે.

ધવડાવ્યા વગર દોહનની સરખામણીએ ધવડાવીને દોહન કરવાથી ગાયની ઉત્પાદકતા એકંદરે વધે છે. આમ કરવાથી વીયાણ બાદ એક ઋતુચક્ર મોડી સગર્ભા ગાય બને છે. પરંતુ ઉત્પાદનમાં એકંદરે વધારો થાય છે. તેથી સરભર થઈ જાય છે અને ગાયના વાછરડાને ધવડાવવાનો ગાયને માતૃત્વનો આનંદ મળે છે.

તેથી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ડેરી ફાર્મ – ગૌશાળા રાખતા લોકોને ભલામણ કરી છે કે તમારી ગીર ગાયને દોહતાં પહેલાં તેના વાછરડાને મર્યાદિત રીતે ધવડાવીને પછી દોહન કરવામાં આવે.

5 મહિની વય સુધી આ રીતે ધવડાવવું જેમાં જન્મથી 1 માસ સુધી 2થી 2.5 લીટર ધાવણ આપવું, 1થી 3 માસમાં 3થી 4 લીટર તથા 4થી 5 માસમાં 1થી 1.5 લિટર દૂધ ધાવણ કરે એવું કરવું. ત્યાર બાદ વાછરડાને ધવડાવાનું બંધ કરી દેવું.

વિજ્ઞાનીઓએ કરેલા પ્રયોગોમાં એક વાત એ સામે આવી છે કે, ધાવણ વગર ઉછરેલા અને ધાવતાં વાછરડાના શારિરિક વિકાસમાં ઘણો ફેર જોવા મળે છે. દૂધ વગર ઉછરેલા વાછરડાનું સરેરાશ વજન 51 કિલો અને આંચળમાં દૂધ ધાવીને ઉછરેલા વાછરડાનું વજન 59 કિલો હતું.

જોકે જુનાગઢના વિજ્ઞાનીઓએ દૂધનું કેટલું ઉત્પાદન વધી શકે છે તે અંગે મૌન ધારણ કરી લીધું છે.

જે વસ્તુ ગીર ગાયમાં જોવા મળે છે તે સ્વાભાવિક રીતે બીજી ઓલાદોની ગાયોમાં પણ જોવા મળી શકે છે. તેથી જો ગુજરાતની 1 કરોડથી વધુ ગાયને ધવડાવીને દોહવામાં આવે તો દૂધનું ઉત્પાદન વધારી શકાય છે. જોકે સૌરાષ્ટ્રમાં ગાયને વાઘરડાં ધવડાવવાનું પ્રમાણ વધું છે. અને દૂધ મોટા ભાગે ડીરીમાં આપતાં નથી. ગુજરાતની 21 ડેરીમાં દૂધ આવે છે તેમાં માત્ર 10 ટકા દૂધ સૌરાષ્ટ્રની ડેરીઓમાં આવે છે.

ગુજરાતમાં 18932 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને 105 દૂધ સંગ્રહ કેન્દ્રો અને જિલ્લા સ્તરે 17 ડેરી પ્રોસેસિંગ એકમો છે. સહકારી ડેરી સંઘોએ 11 કેટલ ફીડ પ્લાન્ટમાં 18.87 લાખ મેટ્રિક ટન દૂધાળા પશુઓનો ખોરાક ઉત્પાદન થાય છે. 21 સહકારી ડેરી સંઘોની દુધ ઉત્પાદન ક્ષમતા 186 લાખ લિટર રોજ પશુઓ દૂધ આપે છે. જે 105 ચિલિંન્ગ પ્લાન્ટમાં 98.34 લાખ લિટર દૂધ રાખી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં માંડ 19 લાખ લિટર દૂધ ડેરીમાં રોજ આવે છે. જે રાજ્યના કૂલ દૂધ કરતાં માંડ 10 ટકા જ છે.

ગુજરાતમાં ક્રોસ બ્રિડની ગાય-બળદ 39 લાખ છે જેને તો વાછરડાં ધવડાવવામાં આવતાં જ નથી. તેથી ક્રોસ બ્રિડમાં ગાય-બળદની સંખ્યામાં પાંચ વર્ષે 90 ટકાનો વધારો થાય છે જ્યારે બળદમાં પાંચ વર્ષે 8 ટકાના દરે વસતી ઘટે છે.

ગુજરાતની મૂળ ગાયો એક કરોડની આસપાસ છે. જેમાં પાંચ વર્ષે 17 ટકાનો વધારો થાય છે પણ બળદમાં 9 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે. આમ ગાયના બન્નેમાં વાછરડાં ઓછા થઈ રહ્યાં છે. વાછરડી વધી રહી છે.