ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI યુનિવર્સિટી હોસ્ટેલ મામલે રજૂઆત કરવા ગઈ હતી. આ રજૂઆતના કવરેજ માટે વિવિધ ન્યૂઝ ચેનલો તેમ જ અખબારી માધ્યમોનાં પત્રકારો પણ પહોંચ્યા હતાં. આ રજૂઆત મામલે જ્યારે મીડિયાકર્મીઓ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાની પ્રતિક્રિયા લેવા તેમની ઓફિસમાં પહોંચ્યા ત્યારે ત્યાં હાજર પોલીસ તેમ જ યુનિવર્સિટીનાં સિક્યોરિટી કર્મચારીઓએ મીડિયાકર્મીઓને રોકી તેમને ધક્કા મારવાની ઘટના બની હતી. આ મામલે જ્યારે મીડિયાકર્મીઓએ વિરોધ કર્યો તો પોલીસ અને સિક્યોરિટી કર્મચારીઓએ મીડિયાકર્મીઓ સાથે મારપીટ કરતાં મામલો બિચક્યો હતો.
આ ઘટનાની વિગતો એવી છે કે, NSUIએ યુનિવર્સિટીની હોસ્ટેલ અમદાવાદમાં ત્રણ દિવસના ABVPનાં અધિવેશનને લઈને ABVPને રહેવા આપવાના મુદે હલ્લાબોલ કર્યો હતો. NSUIએ કુલપતિનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. તો સાથે જ કુલપતિ વિરુદ્ધ આક્ષેપ કરતાં ભીંત પર સૂત્રો લખીને પણ વિરોધ વ્યકત કરાયો હતો. જોકે યુનિવર્સિટીમાં મિડિયાકર્મીઓ સાથે પણ ગેરવર્તણૂક કરતાં હંગામો થયો હતો. આ મામલે જ્યારે મીડિયાકર્મીઓએ પોલીસ અને સિક્યોરિટી કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ આ મીડિયાકર્મીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને તેમની સાથે મારપીટ પર ઉતરી આવ્યા હતાં. આ મામલે જ્યારે કુલપતિ ડો. હિમાંશુ પટેલ પોતાની ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે મીડિયાકર્મીઓએ ફરિયાદ કરી હતી. બાદમાં પોતાની ઓફિસમાં મીડિયાકર્મીઓને લઈ જઈને પ્રતિક્રિયા આપતાં તેમણે એવું કહ્યું કે, જે કાંઈ થયું તેના માટે હું જવાબદાર નથી. આવું નિવેદન કરતાં જ મીડિયાકર્મીઓએ તેમનાં આ નિવેદનનો વિરોધ કર્યો હતો.
આ ઘટના તેમની ઓફિસની બહાર બની હતી અને તેમનાં કહેવાથી જ યુનિવર્સિટી પોલીસ અને યુનિવર્સિટીનો સિક્યોરિટી સ્ટાફ તૈનાત કરાયો હતો. ત્યારે સવાલ એ ઉઠે છે કે તેમનાં આદેશ વગર તો મીડિયાકર્મીને રોકવામાં ન આવ્યા હોય અને મીડિયા સાથે જે ગેરવર્તણૂંક કરવામાં આવી તેમાંથી કુલપતિ પોતાનો હાથ કેવી રીતે ખંખેરી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની કોઈપણ યુનિવર્સિટીમાં કુલપતિ તટસ્થ હોય છે. ભલે તેમની નિમણૂંક કોઈપણ સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવી હોય. પરંતુ છેલ્લાં કેટલાંય વર્ષોથી ગુજરાત યુનિવર્સિટીમાં જે કોઈ કુલપતિની નિમણૂંક કરવામાં આવે છે તે ભાજપ કે ABVP સાથે સંકળાયેલા હોવાથી તેઓ આ બન્ને પ્રત્યે કુણી લાગણી રાખે છે અને આટલું ઓછું હોય એમ બે દિવસ પહેલાં પણ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો. હિમાંશુ પટેલ ABVPનાં યોજાઈ રહેલાં રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીનાં ભાગરૂપે યોજાયેલાં કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેનાં કારણે પણ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો, ત્યાં આજે મીડિયાકર્મી સાથે યુનિવર્સિટી પોલીસ અને સિક્યોરિટી સ્ટાફની ગૂંડાગર્દીને કારણે પણ આ વિવાદે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, આવનારા દિવસોમાં આ મામલે રાજ્ય સરકાર કે રાજ્યનું શિક્ષણ વિભાગ કેવાં પગલાં ભરે છે.