જીટીયુમાં રાજકોટના રૂપાણીના છેડા અડે છે

જીટીયુના કુલપતિ હટાવોની ઝૂંબેશ પાછળનું રાજકારણ

કુલપતિને હટાવવા વિદ્યાર્થી સંગઠન અને ડિપ્લોમા એસો. મેદાને, એબીવીપી-આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપી કુલપતિ વગોવાયા, કુલપતિમાં નિર્ણયશક્તિનો અભાવ હોવાનો ખુલ્લેઆમ આરોપ

અમદાવાદ

રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિની મુદત ચાલુ માસમાં પુરી થવાની છે. કુલપતિને સરકાર સાથેના સંબંધો જોતા તેમને બીજી ટર્મ આપી દેવામાં આવશે તે નક્કી છે. આ સ્થિતિમાં હવે કોઇપણ સંજોગોમાં કુલપતિની બીજી ટર્મ ન મળે તે માટે વિદ્યાર્થીસંગઠનો અને ડિપ્લોમા કોલેજ એસોસિએશન મેદાનમાં આવી ગયા છે. છેલ્લા એક સપ્તાહથી જુદા જુદા મુદ્દાઓને લઇને કુલપતિ સામે વિરોધ પ્રદર્શિત કરવાનુ શરૂ કરી દેવાયું છે. આ વિરોધ પાછળ બે હેતુઓ સંકળાયેલા છે. જો વર્તમાન કુલપતિને બીજી ટર્મ આપવામાં આવે તો સંગઠન અને એસોસિએશનના પોતાના પ્રશ્નોના ઉકેલ આવે અને જો કુલપતિને બીજી ટર્મ  ન મળે તો પોતાના વિરોધના કારણે કુલપતિને બીજી ટર્મ નથી મળી તેવો દાવો કરીને નવા કુલપતિ પાસે ઇચ્છીત કામ કરાવી શકાય. આ ઉપરાંત યુનિવર્સિટીમાં સંપૂર્ણપણે રાજકોટ લાઈન ચાલી રહી હોવાનો પણ આરોપ મૂકાઈ રહ્યો છે. કેમ કે, મુખ્યપ્રધાન રાજકોટના, કુલપતિ પણ રાજકોટના અને યુનિ.ના અન્ય સભ્યો પણ રાજકોટના જ હોવાના કારણે આ આરોપો થઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

નિર્ણય શક્તિનો અભાવ, બીજી ટર્મનો અભરખો

રાજકોટ યુનિવર્સિટીમાં ફાર્મસી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં ડો. નવીન શેઠની નિમણૂંક ત્રણ વર્ષ પહેલાં રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે કરવામાં આવી હતી. કુલપતિ તરીકે નિમણૂંક થયા બાદ તેઓ સતત કોઇને કોઇ વિવાદમાં સપડાતા રહ્યા છે. નિર્ણય શક્તિના અભાવ અને અઘરા નિર્ણયો લેવાની હિંમત ન હોવાથી તેઓ સ્ટાફ અને કેટલાક બીઓજી મેમ્બર્સ કહે તે પ્રમાણે જાણે અજાણે તેઓ ખોટા નિર્ણયો કરતાં રહેવાથી વિવાદમાં રહ્યા છે. બીજી ટર્મ મળવા પાછળની તેમની એકમાત્ર લાયકાત રાજકોટવાસીની છે. મુખ્યપ્રધાન પણ રાજકોટના છે અને કુલપતિ પણ રાજકોટના છે. એટલુ જ નહિ. તાજેતરમાં બોર્ડ ઓફ ગવર્નન્સના મેમ્બરની નિયુક્તિમાં ત્રણ મેમ્બર્સ રાજકોટમાંથી નિમવામાં આવ્યા છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પણ રાજકોટના છે. ઉપરાંત હાલમાં જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી તેમાં પણ મોટાભાગના રાજકોટના સભ્યો અને એબીવીપી-આરએસએસ સાથે સંકળાયેલા સભ્યોની પસંદગી કરવામાં આવી છે. રાજકોટમાં એબીવીપીનો કાર્યક્રમ હોય કે આરએસએસનો કાર્યક્રમ કુલપતિ હોવા છતાં આ જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને પ્રચાર-પ્રસાર કરવાનુ કુલપતિ ચુક્યા નથી. મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી હોવાના કારણે નિયુક્તિ બાદ જીટીયુના મોટાભાગના કામો ઝડપથી થવા લાગ્યા છે. જમીનની માંગણી હોય કે, સ્ટેચ્યુટ ઓર્ડિનન્સની રચના, બીઓજીની રચના હોય કે નવા ભવનોની મંજૂરી તમામ મા સરકારે પહેલા તબક્કે જ મંજૂરી આપી દીધી છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવની અવગણના કરીને પણ કુલપતિએ કેટલાક નિર્ણયો મુખ્યપ્રધાનના સમર્થનના કારણે કરી નાંખ્યા છે. આ તમામ કારણો બીજી ટર્મ માટે મજબૂત દાવેદાર બનાવી રહ્યા છે.

સંગઠનો અને એસો.નો વિરોધ

વિદ્યાર્થીસંગઠનોમાં ખાસ કરીને એનએસયુઆઇ છેલ્લા દોઢ વર્ષથી કોઇને કોઇ મુદ્દે યુનિવર્સિટી સામે મોરચો માંડી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા થનારી ભરતીમાં કોની નિયુક્તિ થશે તેના નામો એનએસયુઆઇ અગાઉ જાહેર કરી દેતાં હતા. યુનિવર્સિટીની નબળી કામગીરી એ હતી કે એનએસયુઆઇએ જે નામો જાહેર કર્યા તેની જ નિમણૂંક થતી હતી. ડિપ્લોમા કોલેજ એસોસિએશન દ્વારા એક વર્ષથી ડિપ્લોમા કોલેજ માટે અલગ પરીક્ષા પદ્ધતિ દાખલ કરવા માંગણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડિપ્લોમામાંથી સેમેસ્ટર સિસ્ટમ દૂર કરવા માંગણી કરવામાં આવી છે, જે કુલપતિએ સ્વીકારી લીધા પછી અચાનક ના પાડી દીધી હતી. કેરી ફોરવર્ડ સિસ્ટમને ફરી ચાલુ કરવા માંગણી કરવામાં આવી રહી છે, જે સ્વીકારવામાં આવતી નથી. ડિપ્લોમા કોલેજની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવા છતાં બીઓજીમાં પ્રતિનિધિત્વ મળતું નથી. તે મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

કુલપતિની કાર્યક્ષમતા પર સવાલ

સ્વનિર્ભર ડિપ્લોમા કોલેજ એસોસિએશન દ્વારા તાજેતરમાં મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને પત્ર લખીને વર્તમાન કુલપતિની બીજી ટર્મ ન આપવા માંગણી કરી છે. આ પત્રમાં એવો ઉલ્લેખ છે કે કુલપતિમાં નિર્ણયશકિતનો અભાવ છે. માત્ર કેટલાક વ્યકિતઓના ઇશારે કુલપતિ કામ કરી રહ્યા છે. વર્તમાન કુલપતિની બીજી ટર્મ આપવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. આમ હવે જીટીયુના કુલપતિની નિમણૂંક મુદ્દે સરકારે આગામી દિવસોમાં કયો નિર્ણય કરવો તે મુશ્કેલીરૂપ બને તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે.