ટેકાના ભાવે ખરીદી કરવામાં કૃષિ પ્રધાન ફળદુનો વિભાગ એક કિલો મગફળીએ રૂ.50નું નુકસાન કરશે

ખંભાળિયા, તા.25

2018માં 20 કિલોના રૂ.1000ના ભાવે મગફળી ટેકાના ખરીદવામાં આવી હતી. અને આ વર્ષે 20 કિલોના રૂ.1018  ખરીદવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી હોય તો દર વર્ષે 20%નો આવકમાં વધારો થવો જોઈએ. તેના બદલે વર્ષે 1.8% નો વધારો થઈ રહ્યો છે. તેથી 2022માં નહીં પણ 50 કે 60 વર્ષે બમણી આવક થશે. મગફળીના ટેકાના ભાવમાં રૂપાણીએ 1.8 ટકાનો વધારો કર્યો છે.

વાવેતર અને ઉત્પાદન

ચાલુ વર્ષે 15.70 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. હેક્ટરે 2025.38 કિલોગ્રામ મગફળી થવાની ધારણા સાથે 31.80 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થશે. સરકારના નિયમો મુજબ ઉત્પાદનના 25% માલ ટેકાના ભાવે ખરીદી કરવા પાત્ર છે. જે મુજબ 7.95 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે પ્રતી ટન રૂ.50,900ના હિસાબે કુલ રૂ.40465 કરોડની સરકાર ખરીદી કરશે.

866 કરોડની રાહત

20 કિલોના રૂ.800 છે, ટેકાના ભાવે 20 કિલોનો ભાવ રૂ.1018 ખરીદતા રૂ.218ના તફાવતના સરકાર ખેડૂતોને આપશે. એક હજાર કિલોએ રૂ.10,900 ખેડૂતને ફાયદો આપશે. 7.95 લાખ મેટ્રિક ટન ખરીદીમાં રૂ.866 કરોડ ખર્ચ કરશે.

સરકારનું બીજું ખર્ચ

બારદાન ખર્ચ, મજૂરી, તોલાઈ, ચડાઈ, ઉતરાઈ,  વાહન પરિવહન, ગોડાઉન ભાડું, સંગ્રહાયેલ માલ જાળવણી ખર્ચ, લેબર, પેસ્ટીસાઈડ, વીમાં પ્રીમિયમ, મૂડીનું વ્યાજ, નોડલ એજન્સીનું કમિશન, એપીએમસી નુ માર્કેટ સેશ, સંગ્રહ વખતે માલમાં ઘટ, સરકારી તંત્રનો પગાર, સમયનું મૂલ્ય ગણીને તમામ ખર્ચનો હિસાબોનો સરવાળો કરવામાં પ્રતી મણ રૂ.250 થાય છે. આમ એક મણે 218 રૂપિયાની ખેડૂતોને સહાય પહોંચાડવા કે મદદ કરવા સરકાર 250 રૂપિયા જેટલો ખર્ચ કરે છે.

994 કરોડનું ખર્ચ

7.95 લાખ ટન ખરીદી કરવા 993.75 કરોડ કુલ ખર્ચ સરકાર કરશે. 866.55 કરોડ રૂપિયાની સહાય કરવા 993.75 કરોડનો ખર્ચ કરશે.

હેક્ટરે રૂ12 હજાર આપી શકાય

ઉપરોક્ત બન્ને સહાય અને ખર્ચનો સરવાળો 866.55 કરોડ (સહાય) + 993.75 કરોડ (ખર્ચ) = 1860.03 કરોડ રૂપિયા થાય છે, તેને મગફળીના કુલ વાવેતર વડે ભાગાકાર કરીયે તો 1860.03 કરોડ ÷ 1570074 હેકટર = હેકટરદીઠ 11847 રૂપિયા પ્રતી હેકટર પ્રત્યેક ખેડૂતને ચૂકવી શકાય તેમ છે. સીધા ખેડૂતના ખાતામાં હેકટરદીઠ રોકડ રૂપિયા જમા કરાવે તો ભ્રષ્ટાચાર, કાળાબજાર, વચેટીયાની જગ્યાએ ખેડૂત માલામાલ થાય ખેડૂતને કોઈની લાચારી ન રહે ને સરકારને કોઈ લાંછન લગાવી ન શકે.

20 હજાર રોકડ

સરકારને 20 કિલોએ રૂ.1268 પડતર છે, એક વર્ષ ગોડાઉનમાં રહ્યા પછી રૂ.650 થી 800માં હરરાજી કરી વેચે ત્યારે રૂ.500 નુકશાન વેચાણમાં કરે છે. આમ કુલ સહાય + ખર્ચ + વેચાણનું નુકશાન બધો હિસાબ કરીએ તો એક વર્ષમાં ખેડૂતના ખાતામાં સરકાર લગભગ રૂ.20,000 રોકડા નાખી શકે તેમ છે. આ ગણીત  ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ તૈયાર કરીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખીને મોકલ્યું છે.

124 માર્કેટયાર્ડ સેન્ટર્સ પરથી મગફળી ખરીદી

1 સપ્ટેમ્બર 2019થી મગફળી ખરીદની નોંધણી કરવાનું સરકારે નક્કી કર્યું છે. જે એક મહિના સુધી ચાલશે. 124 માર્કેટયાર્ડ સેન્ટરો પરથી મગફળીની ખરીદી પ્રક્રિયા થશે. એસએમએસ ઉપરાંત ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર પણ કરવામાં આવશે. રૂ.1018ના 20 કિલોના ભાવે ખરીદી કરવામાં આવશે. ગોડાઉન ઉપર સીસીટીવી કેમેરા સહિતની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.

24 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન

રૂ.1018ના 20 કિલોની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને ચૂકવણા બાબતે કોઈ મુશ્કેલી ના પડે તે માટે જિલ્લા કક્ષા એ વ્યવસ્થા કરવા માં આવી છે. 8 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો અંદાજ છે. 32 લાખ મેટ્રિક ટન મગફળી ઉત્પાદન થવાનો અંદાજ છે. રાજ્યમાં 24 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થાય તેવી સંભાવના છે.

ખેડૂતોને બોનસ નહી મળે

ગયા વર્ષે 4.50 લાખ મેટ્રિક ટનની મગફળીની ખરીદી કરી હતી. જેમાં કેન્દ્ર સરકારના ટેકાના ભાવ ઊપરાંત ગુજરાત સરકારે બોનસ આપ્યું હતું. આ વખતે ખેડૂતોને બોનસ નહીં મળે કારણ કે કોઈ ચૂંટણી આવતી નથી. તેમ છતાં આ વખતે લગભગ ડબલ ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે. ગયા વર્ષે મગફળી ખરીદીમાં રૂ.4000 કરોડનું કૌભાંડ થયું હોવાનો આરોપ હતો. તેમાં ફરિયાદ કરવામાં આવી હતી. સરકારી અધિકારીઓ અને રાજનેતાઓ સંડોવાયેલાં હોવાથી કૌભાંડ બહાર આવ્યું ન હતું.