[:gj]ટ્રેડ વોરનો સ્વીકૃત સમજુતી નહિ થાય તો રૂપિયો ૭૨ પાર કરી જશે[:]

[:gj]ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૨૦: જો ચીન અને અમેરિકા વચ્ચે વેપાર ઝઘડાનો વર્ષાંત સુધીમાં સ્વીકૃત અંત નહિ આવે તો ડોલર સામે રૂપિયો ૭૨ વટાવી જશે, પણ ટૂંકાગાળામાં ૭૦.૫૦ અને ૭૧.૫૦ વચ્ચે અથડાયા કરશે. આ સિવાય વૈશ્વિક અર્થતંત્રોમાં ગતિશીલતાનો અભાવ, બ્રેક્ઝીટની અચોક્કસતા તેમજ વૈશ્વિક કરન્સીઓની ઉથલપાથલ અને ક્રુડ ઓઇલના ભાવ જેવા વિદેશી કારણો રૂપિયાની સ્થિતિ આસમાન સે ગીરા ખજુર પે લટકા જેવી કરી નાખશે. ચીન સાથેના આપણા વેપારને લીધે યેનમાં થતી વધઘટનાં આંચકા રૂપિયાને પણ સહન કરવાના રહેશે. ગત સપ્તાહે વેપાર ઝઘડામાં નાટ્યાત્મક વળાંક આવતા ડોલર સામે ચીની ચલણ યુઆન અસામાન્ય નબળો પડી ગયો હતો.

રૂપિયાની નબળાઈના અન્ય કારણોમાં ચીન પર વધારાની આયાત જકાત, ઉંધેકાંધ પડેલો આર્જેન્ટીના ચલણ પેસો અને ભારતની બજારમાંથી છેલ્લા નવ મહિનામાં ધરખમ નાણા પ્રવાહ વિદેશમાં પાછો ફરી જવાનો સમાવેશ થાય છે. અર્થતંત્રમાં રાહત પેકેજ આપવાનો આશાવાદ, પણ અન્ય એક શક્ય કારણ છે. આગામી ૧૦ દિવસમાં સરકાર આપણા માથે નિરાશાજનક, પણ મહત્વાના ડેટા ફટકારશે. આગામી ૩૦ ઓગસ્ટે સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકસ ઓફીસ અર્થતંત્રની તબિયત કેવી છે, તેની જાણ કરતા જુન ત્રિમાસિકના જીડીપીના નવા આંકડા રજુ કરશે, જે માર્ચ ત્રિમાસિકના પાંચ વર્ષ કરતા નીચા ૫.૮ ટકા કરતા વધુ ઘટાડીને ૫.૪ કે ૫.૬ ટકા રજુ કરે તેવી સંભાવના છે.

રિઝર્વ બેન્કે વિકાસના નવા આંકડા રજુ કર્યા પછી ઓટોમોબાઈલ વેચાણમાં સતત ઘટાડો અને હવે ઓગસ્ટમાં સૌથી નબળી એશિયન કરન્સી તરીકે રૂપિયાના સમાચાર આવ્યા છે. સોમવારે રૂપિયો છ મહિનાના તળિયે રૂ. ૭૧.૪૩ મુકાયો હતો. બેન્ચમાર્ક ૧૦ વર્ષીય બોન્ડનું યીલ્ડ ઘટીને ૬.૫૮ ટકા રહ્યું હતું. વર્ષાનું વર્ષ રૂપિયો ૧.૮૩ ટકા નબળો પડ્યો છે, પણ ઓગસ્ટમાં અત્યાર સુધીમાં ૩.૫ ટકા ગબડ્યાનો માસિક ઈતિહાસ ચાર વર્ષમાં આ બીજી વખત નોંધાયો છે. નબળો રૂપિયો એ કઈ દરેક માટે ખરાબ સમાચાર નથી. સોનાના રોકાણકારો અને ગુડ્સ અને સર્વિસ ક્ષેત્રનાં નિકાસકારો માટે ઊંચા વળતર સાથે આ સારા સમાચાર છે. જો છેલ્લા ૨૦ વર્ષનો સોનાનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ જોઈએ તો તે ૯ ટકા છે જ્યારે ભારતીય રોકાણકારોને આ વળતર ૧૨ ટકા મળ્યું છે.

ગોલ્ડમેન સાસએ તેના સાપ્તાહિક વરતારામાં અમેરિકન ઈકોનોમી ગ્રોથ રેટમાં કાપ મુકીને ચેતવણી ઉચ્ચારી હતી કે ઓક્ટોબર ૨૦૨૦મા યોજાનારી અમેરિકન પ્રમુખપદની ચૂંટણી અગાઉ વેપાર વિવાદનો ઉકેલ આવવાની સંભાવના સાવ ઓછી થઇ ગઈ છે, જે જાગતિક મંદીનું જોખમ વધારવાની ભૂમિકા તૈયાર કરશે. ભારતીય કરન્સી ટ્રેડરો કહે છે કે ઈકોનોમી અને કરન્સીમાં નબળાઈ કેમ આવી રહી છે? તેના વાસ્તવિક કારણો શોધવામાં સરકારને હજુ સફળતા મળી નથી. શુ થયુ છે અને શુ થવાનું છે તેના વિષે નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપણને કહ્યું હતું, પણ આ બધું કેમ થયું કે થશે તે નથી કહ્યું. પરંતુ આશાવાદી નિષ્ણાતોને સમસ્યાનાં મૂળ ખુબ ઊંડા હોવાનો ડર છે.

જ્યારે આપણે જાણી ગયા છીએ કે ઇકોનોમીની ગતિ ધીમી પડવાનું વલણ ધરાવે છે, ત્યારે આપણે પણ આપણી પોતાની વાજબી મોનીટરી કે ફિસ્કલ ઘડી કાઢવી જોઈએ. શુ કરવું જોઈએ તે વિષે કોઈ સત્ય કહેતું નથી, ત્યારે કોઈ પણ નિર્ણય ખુબજ સાવધાનીપૂર્વક અને હકારાત્મક રીતે લેવા જોઈએ. દરમિયાન, રીઝર્વ બેન્કના તાજા આંકડા કહે છે કે દેશની વિદેશી હૂંડિયામણ અનામત, ૯ ઓગસ્ટે પુરા થયેલા સપ્તાહમાં ૧.૬૨ અબજ ડોલર વધીને ૪૩૦.૫૭૨ અબજ ડોલરની નવી લાઈફ ટાઈમ ઉંચાઈએ પહોચી ગઈ હતી. ડેટા કહે છે કે સોનાના ભાવમાં વધારો થવાને પગલે દેશની સુવર્ણ અનામત પણ ૧.૫૯૧ અબજ ડોલર વધી ૨૬.૭૫૪ અબજ ડોલર થઇ હતી.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૦-૮-૨૦૧૯

 

 

 

 [:]