દેશમાં ઓછી બહુમતી સાથે સરકાર બનાવવાનો મંત્ર ચીમનભાઈએ આપ્યો હતો

છેલ્લાં કેટલાંક સમયથી દેશના રાજકારણમાં જે રીતે રાજ્યોમાં સરકાર બનાવવા માટે નીતનવા પેંતરા રચાઈ રહ્યા છે તે ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનની દેન હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં પહેલાં કર્ણાટક અને પછી મહારાષ્ટ્રમાં સત્તા માટે જે પ્રકારની રાજનીતિ રમવામાં આવી છે તેના મુખ્ય સૂત્રધાર ગુજરાતમાં હતા. વર્ષ 1973માં સ્વ. ચીમનભાઈ પટેલે જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને પોતાને મુખ્યપ્રધાનની ખુરશી પર બેસાડી દીધા હતા તે જ તર્જ પર આજકાલ વિવિધ રાજ્યોમાં સરકાર બનાવવાની કામગીરી ચાલી રહી છે.

પંચવટી ફાર્મનું રાજકારણ

27મી જૂન 1973માં ગુજરાતમાં રાજકીય કટોકટી ઊભી થઈ હતી. તત્કાલિન મુખ્યપ્રધાન ઘનશ્યામ ઓઝાને પદ પરથી હટાવીને પોતાને મુખ્યપ્રધાન બનવા માટે ચીમનભાઈ પટેલે એક મોટી ચાલ ચાલી હતી. આ ચાલ પ્રમાણે અમદાવાદ-વડોદરા હાઈવે પર આવેલા તેમના ખાસ સમર્થક મનુભાઈ પટેલના ફાર્મ હાઉસ પંચવટી ફાર્મ પર તેમણે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ભેગા થવા કહ્યું અને જોત જોતામાં તે સમયે 168 ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં ઈન્દિરા ગાંધીના કોંગ્રેસના 140 ધારાસભ્યો હતા. જેમાંથી 70 ધારાસભ્યો ચીમનભાઈના કહેવાથી પંચવટી ફાર્મ પર આવી ગયા અને તમામે ઘનશ્યામ ઓઝાની વિરૂદ્ધમાં સહી ઝૂંબેશ હતી તેમાં પોતાના હસ્તાક્ષર આપી દીધા અને જોત જોતામાં ઘનશ્યામ ઓઝાના પગ નીચેથી ધરતી ખસી ગઈ અને તેમને મુખ્યપ્રધાનપદેથી જવું પડ્યું હતું. સ્વ. ચીમનભાઈ પટેલ એવા અઠંગ રાજકારણી હતા કે તેઓ પોતાનું ધાર્યું કામ તે સમયે દિલ્હી હાઈકમાન્ડ પાસેથી કરાવી લેતા હતા. આ કિસ્સામાં પણ કોંગ્રેસના મોવડીમંડળે તે સમયે ગુજરાતના પ્રભારી સ્વર્ણિમસિંહને ગુજરાત મોકલ્યા અને તેમણે રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભા પક્ષના નેતા તેરીકે ચૂંટણી કરાવી હતી. જેમાં પક્ષ તરફથી બે ઉમેદવારો હતા જેમાં એક હતા કાંતિલાલ ઘીયા અને બીજા હતા ચીમનભાઈ પટેલ. આ બન્ને નેતાઓના સમર્થનમાં ધારાસભ્યોએ મતદાન કર્યું અને આ મતદાન બાદ મતપેટી લઈને દિલ્હી ગયેલા સ્વર્ણિમસિંહે બીજા દિવસે મતગણતરી બાદ ચીમનભાઈ પટેલને ઘીયા કરતાં સાત મત વધારે મળ્યા હોવાથી તેમને મુખ્યપ્રધાન તરીકે જાહેર કર્યા હતા. આ આખું ચોકઠું ખુદ ચીમનભાઈ પટેલે જ ગોઠવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેમ કે, ચીમનભાઈ પટેલે જ્યારે પંચવટી ફાર્મ પર કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને ભેગા કર્યા ત્યારબાદ તેઓ દિલ્હીમાં તત્કાલિન વડાપ્રધાન અને કોંગ્રેસના પ્રમુખ ઈન્દિરા ગાંધીને મળવા ગયા હતા અને તે સમયે જ તેમને મુખ્યપ્રધાન બનાવવા માટેનો તખ્તો મને કમને પણ કોંગ્રેસે ઘડવો પડ્યો હતો. કેમ કે, રાજકારણના અઠંગ ખેલાડી ગણાતા ચીમનભાઈ પટેલની વાત જો કોંગ્રેસ ન માને તો કોંગ્રેસની સરકાર ટકી શકે એમ નહોતી અને એનું એક જ કારણ હતું કે મોટાભાગના કોંગ્રેસના ધારાસભ્યો ચીમનભાઈ પટેલની તરફેણ કરી રહ્યા હતા અને તેના કારણે કોંગ્રેસે તેમને મુખ્યપ્રધાન બનાવવાની ફરજ પડી હતી.

1995માં બાપુનો ખજૂરાહોકાંડ

1995માં પ્રથમ વખત રાજ્યમાં ભાજપે 121 બેઠકો સાથે સત્તાનું સુકાન સંભાળ્યું હતું અને આ સરકારના સુકાની તરીકે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈ પટેલની નિમણૂંક કરી હતી. ભાજપનું શૂન્યમાંથી સર્જન કરનારા શંકરસિંહ વાઘેલાની તે સમયે ઉપેક્ષા કરાઈ હતી. પરંતુ શંકરસિંહે આ મામલે કોઈ પ્રતિક્રિયા તે સમયે ન આપી. પરંતુ જેમ જેમ સરકાર કામ કરતી થઈ તેમ તેમ શંકરસિંહ વાઘેલાએ પોતાનો મોરચો પણ ખોલી દીધો. તેમણે ભાજપ હાઈકમાન્ડને અનેકવાર ફરિયાદ કરી કે ગુજરાતની ભાજપ સરકાર મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ નહિ પણ ભાજપના તત્કાલિન સંગઠન મંત્રી નરેન્દ્ર મોદીના ઈશારે ચાલી રહી છે. જોકે તે સમયે કેન્દ્રીય ભાજપની નેતાગીરીએ તેને નજરઅંદાજ કરી. 1995ના સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વ્યાપારિક રોકાણો મેળવવા કેશુભાઈ પટેલ અમેરિકા રવાના થયા અને અશોક ભટ્ટને કાર્યકારી મુખ્યપ્રધાનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અમેરિકા જતા પહેલાં કેશુભાઈ અને વાઘેલા વચ્ચે યોજાયેલી બેઠકમાં કેશુભાઈને બાપુએ ઈશારો કર્યો હતો કે અમેરિકાથી પરત આવો ત્યારે કદાચ મુખ્યપ્રધાન ન પણ હો. આ ઈશારો તે સમયે કેશુભાઈ સમજી શક્યા નહોતા. અને જેવા કેશુભાઈ અમેરિકા જવા ઉપડ્યા કે તરત જ વાઘેલા એક્શન મોડમાં આવી ગયા અને તેમણે તેમના સમર્થક ધારાસભ્યોને પોતાના વતન વાસણ ગામ લઈ ગયા. અને તેમણે તેમના સમર્થકોને સ્પષ્ટ કહ્યું કે, જો મારી સાથે રહેવું હોય તો તમારે સરકાર છોડવી પડશે. ત્યારબાદ જે થયું તેના આધારે કેશુભાઈના પરત આવ્યા બાદ ભાજપે સુરેશ મહેતાને મુખ્યપ્રધાન બનાવ્યા. પણ તેમ છતાં બાપુનો અસંતોષ દૂર ન થતાં તેમણે તેમના સમર્થક ધારાસભ્યોને ખજૂરાહો મોકલી દીધા અને ભાજપની સરકારને પાડી દીધી. ત્યારબાદ તેમણે કોંગ્રેસના સમર્થન સાથે સરકાર બનાવી અને આમ તેમણે પોતાની મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા પૂર્ણ કરી. પરંતુ તેમની સરકાર પણ ઝાઝો સમય ન ચાલી અને છેવટે તેમણે પણ મુખ્યપ્રધાન પદ છોડવું પડ્યું.

બન્ને સરકારોમાં ઓછા ધારાસભ્યો હતા

આમ 1973માં ચીમનભાઈ પટેલની સાથે 168 ધારાસભ્યો પૈકી 70 જ ધારાસભ્યો હોવા છતાં તેમણે પોતે મુખ્યપ્રધાન બનીને સરકાર બનાવી હતી. તો 1996માં ભાજપની સરકાર ગબડાવીને સત્તાસ્થાને આવેલા શંકરસિંહ વાઘેલા પાસે પણ તે સમયે ખૂબ જ ઓછી એટલે કે માત્ર 55 ધારાસભ્યોનો ટેકો હતો. પરંતુ કોંગ્રેસના ટેકાથી તેમણે સરકાર બનાવી હતી. આમ રાજ્યમાં બે વખત ઓછી બહુમતી હોવા છતાં પણ રાજ્યના રાજકારણના અઠંગ રાજકારણી ગણાતા બે નેતાઓએ પોતાની સરકારો બનાવી હતી, જોકે આ સરકારો ઝાઝો સમય નહોતી ચાલી.