January 20th, 2018
નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે માનવ કલ્યાણકારી સાર્વજનિક ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સજીવ ખેતી અંગે પરિસંવાદ યોજાયો હતો.જેને જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડયાએ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.સી.જે.ડાંગરીયાની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકયો હતો.આ પરિસંવાદમાં જિલ્લા ૨૦૦ ખેડૂતોએ ભાગ લઇને સજીવ ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.પરિસંવાદ દરમિયાન ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અંગે ખેતરમાં નિદર્શન પણ કરાવવામાં આવ્યું હતું.માનવ કલ્યાણકારી સાર્વજનિક ટ્રસ્ટના રશ્મિકાંતભાઇ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.
પરિસંવાદને ખુલ્લો મુકી પોલીસ અધિક્ષક ગીરીશ પંડયાએ જણાવ્યું હતું કે,મારો નાતો કૃષિ સાથે રહયો છે.નવસારી કૃષિ યુનિવર્સિટીએ ખેતી ક્ષેત્રે ખેડૂતો સુધી ટેકનોલોજી પહોંચાડવાની શ્રેષ્ઠતાની વાટ પકડી છે અને તેમાં સફળતા પણ મળી રહી છે. આજના સમયમાં પડકારો વધુ છે.તેમ છતાં હવે લોકો ખેતીમાં રસ લઇ રહયા છે. તેમણે ખેડૂતોને માર્કેટીંગમાં ભાગ લઇને કૃષિ ક્ષેત્રને ધમધમતું રાખવા અનુરોધ કર્યો હતો.
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે,ખેડૂતોએ સહકારી ક્ષેત્રનો વધુ ઉપયોગ કરીને આગળ વધી શકે છે.નવસારી જિલલમાં સજીવ ખેતી માટે ખેડૂતો આગળ વધી રહયા છે.સજીવ ખેતી અંગે સારી તકો રહેલી છે.પશ્વિમી દેશોમાં કેમીકલ પેસ્ટીસાઇટના ઉપયોગ પર બેન મુકયો છે.આપણે ત્યાં પણ આ વસ્તુને અટકાવવી પડશે.જેની સામેના પડકારો અંગે તેમને માહિતગાર કરતા રહેવું પડશે.
કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.સી.જે.ડાંગરીયાએ જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ખેતી માટે નવસારીના ખેડૂતો જાગૃત થયા છે. ખેતીમાં સુધારો થયો છે. ઔદ્યોગિક વિકાસના કારણે જમીન, પાણી અને વાતાવરણમાં બદલાવ આવ્યો છે. હવે આપણે પરંપરાગત સજીવ ખેતી તરફ વળવું પડશે. સજીવખેતીમાં સંશોધન અને ટેકનોલોજી વડે ઓછી જમીનમાં વધુ ઉપજ થાય તે માટે કૃષિ યુનિવર્સિટી તમામ પ્રયત્નો કરશે. ખેડૂતો સજીવ ખેતીમાં સારૂ વળતર મેળવે તે માટે માર્કેટીંગ કરવા પણ આપણે સૌએ આગળ આવવું પડશે.
કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે, આપણી આપણી જુની સજીવ ખેતીની સંસ્કૃતિને અનુસરીને આગળ વધવાનું છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા ૧૨ હેકટરમાં ઓર્ગેનિક ફાર્મિંગ કરીે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે.
કૃષિ વૈજ્ઞાનિકો ર્ડા. સી.કે.ટીંબડીયા, ર્ડા.કે.એ.શાહ, ર્ડા.પ્રભુ નાયકા, અલ્પેશ લાડએ સજીવ ખેતીના લાભો જૈવિક ખાતરના ઉપયોગ અને લાભ, સજીવખેતી પંચગવ્ય બનાવટ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ખખવાડાના ૨૦ વર્ષથી સજીવ ખેતી કરતા રમેશકાકાએ સજીવ ખેતી,ગૌ આધારિત ખેતી વિશે વિસ્તૃત સમજ આપી હતી.ખેરગામના સજીવ ખેતી કરતા ખેડૂત ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના ખેડૂતોને સારી તક મળી છે. ઓર્ગેનિક મંડળી પણ બનાવી છે,જેના દ્વારા માર્કેટિંગની તક મળશે. તેમણે જિલ્લાના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે ટીમ બનાવીને વધુ ખેડૂતો જોડાઇ તે માટે ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.સરીખુર્દના કિરણભાઇ છેલ્લા સાત-આઠ વર્ષથી સજીવ ખેતી કરે છે. તેઓ કહે છે કે, નિર્જીવ જમીનને સજીવ કરવા વર્મીકમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન ફળદ્રુપ બનશે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર વૈજ્ઞાનિક અને કો-ઓર્ડિનેટર ર્ડા.સી.કે.ટીંબડીયાએ સૌને આવકાર્યા હતા.માનવ કલ્યાણકારી ટ્રસ્ટ્રના રશમીકાંતભાઇ પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ર્ડા.ઘનશ્યાભાઇ પટેલ, ખડસુપાના અગ્રણી ખેડૂત ડાહયાભાઇ પટેલ, ચાર્ટર એકાઉન્ટન્ટ વિનોદભાઇ દેસાઇ, સજીવ ખેતી કરતા ખેડૂત જયંતિભાઇ પટેલ, બેંક ઓફ બરોડાના સ્ટેટ કો.ઓર્ડિનેટર અંજનભાઇ ઉપસ્થિત રહયા હતા.