પાણીના નીચા સ્તરના કારણે દહેજ-ઘોઘા રૉ-રૉ ફેરી સર્વિસ બંધ

ભાવનગર, તા:24  ઘોઘા-દહેજ વચ્ચેની રૉ-રૉ ફેરી સર્વિસ ફરી બંધ કરી દેવાની ફરજ પડી છે. હવે પાણીના નીચા સ્તરના કારણે રૉ-રૉ ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા પ્રમાણે પાણીનું સ્તર ઊંચું આવતાં ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

રૉ-રૉ ફેરી સર્વિસ બંધ થતાં તેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે કે સરકાર તેની અણઆવડતના કારણે સર્વિસ બંધ કરે તે અયોગ્ય છે. સરકાર દ્વારા કાયમ ભાવનગરને અન્યાય કરવામાં આવતો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

સ્થાનિકોએ રોષ સાથે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ઘોઘા આવ્યા ત્યારે ભાવનગરથી હજીરાની રૉ-રૉ ફેરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોવાનું એ છે કે ઘોઘાથી દહેજની ચાલુ સર્વિસ પણ યોગ્ય રીતે ચલાવી શકાતી નથી, ત્યારે બીજી ચાલુ કરીને તેનું સંચાલન સરકાર યોગ્ય રીતે કરી શકશે?

અગાઉથી બુકિંગ કરનારા મુસાફરને અપાશે રિફંડ

રૉ-રૉ ફેરી સર્વિસમાં રોજના આશરે 500 મુસાફરો મુસાફરી કરે છે, ત્યારે કેટલાક મુસાફરો દ્વારા એડવાન્સ બુકિંગ પણ કરાવી લેવામાં આવે છે. આવા એડવાન્સ બુકિંગ કરાવનારા મુસાફરોને તંત્ર દ્વારા રિફંડ આપવાનું શરૂ કરાયું છે.