ભાજપના ભરતી ભોપાળા

હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક માટે લેવાયેલી પરીક્ષામાં ઘણાં પરીક્ષાકેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે વિવિધ સ્થળોએ તે અંગે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. દરમિયાનમાં કોંગ્રેસે  મોટાપાયે થયેલી ગેરરીતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ્દ કરવાની માગણી પણ કરવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ અંગેનો પર્દાફાશ કરતાં કોંગ્રેસે કહ્યું કે, ઘણાં પરીક્ષા કેન્દ્રો પર નિરીક્ષકોની હાજરીમાં જ ચોરી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. આ મામલે કોંગ્રેસ દ્વારા વિવિધ સેન્ટરોના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે, કેટલાંક પરીક્ષાર્થીઓ ફોન દ્વારા પ્રશ્નપત્રમાં પૂછાયેલા સવાલોના જવાબ મેળવીને લખી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ ભાજપના શાસનમાં જ અનેક ભરતી કૌભાંડો થયા છે અને તેની તપાસના આદેશો કરાયા બાદ તમામ તપાસનું ફીડલાં વાળી દેવામાં આવ્યાં છે.

વ્યાપમ કરતાં પણ મોટું કૌભાંડ..

ઘણાં સમય પહેલાં મધ્યપ્રદેશમાં ભાજપના શાસનકાળ દરમિયાન વ્યાપમ પરીક્ષાઓમાં મોટાપાયે વ્યાપક ગેરરીતિઓ થઈ હતી. તેમાં તત્કાલિન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ઉપરાંત અનેક ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ ખૂલી હતી. તેમ છતાં કેન્દ્રની મોદી સરકારે આ પરીક્ષાઓ રદ્દ કરી નહોતી અને મધ્યપ્રદેશની તેમના પક્ષની સરકારને છાવ રવામાં આવી હતી. આવા જ પ્રકારની મોટી ગેરરીતિઓ છડેચોક ગુજરાતની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થઈ હોવાનો ખુલાસો થયો છે અને તે વ્યાપમ કરતાં પણ મોટું કૌભાંડ હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યો છે. પરંતુ આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી સમિતિના ચેરમેન આસિત વોરા અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

સીસીટીવી ફૂટેજમાં મળ્યાં ગેરરીતિના પુરાવા..

ખૂબ વિવાદ બાદ લેવામાં આવેલી બિન-સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ બાદ હોબાળો મચી ગયો છે. કોંગ્રેસે આ મામલે સુરેન્દ્રનગરના બે સેન્ટરો પર ગેરરીતિ થઈ હોવાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. કોંગ્રેસે જાહેર કરેલા સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થીઓ ચીઠ્ઠી સાથે પરીક્ષા આપી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે.

તલાટી ભરતી કૌભાંડ..

રાજ્ય સરકારે 2014મા 1,500 તલાટીની ભરતી કરી હતી. તેની ભરતીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાથી તે ભરતી 4 જૂલાઈ, 2015ના રોજ રદ કરવી પડી હતી. જેમાં આઠ લાખ બેકાર યુવાનોએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદના નીસલ શાહને પકડીને એક ઉમેદવાર પાસેથી રૂ. 10 લાખ લેખે પડાવાયા હતા. તેની પાસેથી રૂ. 1.43 કરોડ રોકડા પકડાયા હતા. કૌભાંડના મુખ્ય આરોપી ગાંધીનગર સ્માર્ટ ટ્રેનિંગ સેન્ટર ચાલવતા કલ્યાણસિંહ ચંપાવત હોવાનું સરકાર જાહેર કરી રહી હતી પણ આરોપી કહી રહ્યો હતો કે મુખ્ય કૌભાંડી તો રાજ્ય સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા છે. 2014મા તલાટી કૌભાંડ બહાર આવ્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે રૂ. એક લાખની ગેરેન્ટી સાથે ઉમેદવાર લેવાના અને ત્યારબાદ રૂ. 10 લાખ લેવાના. તેમણે આરોપ લગાવ્યો કે તેને બનાસકાંઠાની ટિકિટ મળે તેમ હોવાથી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ આખા કાવતરાને અંજામ આપ્યો છે. જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી દરેક પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવે છે.

ડિસેમ્બર 2018 લોકરક્ષક ભરતી કૌભાંડ..

ગત વર્ષે ડિસેમ્બર 2018માં લોકરક્ષક દળની પરીક્ષા યોજાવાની હતી.  એ માટે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. પરંતુ પરીક્ષાના શરૂ થવાના બે કલાક પહેલા પેપર લીક થયાના સમાચાર મળતાની સાથે જ પોલીસ ભરતી બોર્ડે આ પરીક્ષા રદ કરી દીધી હતી. જેનાથી આશરે નવ લાખ પરીક્ષાર્થીઓને હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે તાત્કાલિક તપાસના આદેશ અપાયા બાદ પાંચ આરોપીઓનાં નામ સામે આવ્યાં હતાં. પોલીસે આ પાંચમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેના કથિત મુખ્ય સુત્રધાર યશપાલ સોલંકીને પોલીસ હજી પકડી શકી નથી. પેપર લીક કાંડમાં ભાજપના બે પદાધિકારીઓનાં નામ આવતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પેપર લીકના આરોપી-સાગરીતનું બેલીફ ભરતીમાં પણ કૌભાંડ..

લોકરક્ષક પરીક્ષાના પેપરલીક કાંડમાં ભાજપના આગેવાન મનહર પટેલની ધરપકડ થતાં આ જ આરોપી અને તેના સાગરિત એવા ભાજપના જ બ્રિજેશ પટેલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલી બેલીફની પરીક્ષામાં પાસ કરવા માટે અઢી લાખમાં સોદાબાજી કરી હોવાની માહિતી સપાટી પર આવી છે. અઢી લાખમાં સોદો થતાં ટોકન રૂપે ઉમેદવારના સગા પાસેથી ૮૦ હજારની રકમ બ્રિજેશને પૂરી પાડવામાં આવી હતી.

ભાજપના રાજમાં અન્ય ભરતી કૌભાંડો..

ભાજપનું રાજ્યમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી શાસન છે અને તેના રાજમાં આ સિવાય જે ભરતી કૌભાંડો થયા છે તેમાં નાયબ ચિટનીશ ભરતી કૌભાંડ, ચીફ ઓફિસર ભરતી કૌભાંડ, રેવન્યૂ તલાટી કૌભાંડ, દહેજ પ્રતિબંધક અધિકારીનું કૌભાંડ, વર્ગ-1 અને 2માં ભરતીનું કૌભાંડ જેવા અનેક કૌભાંડોનો સમાવેશ થાય છે. અને આ તમામ કૌભાંડોની તપાસ કરવાની જાહેરાતો કરીને સરકારે તમામ તપાસના ફીડલાં વાળી દીધાં હોવાનું પણ જાણવા મળ્યું છે.