ભાજપે નહેર ન બનાવીને ખેડૂતોને પાણી ચોર ગણી 2 લાખનો દંડ ને કેદ કરશે

ભાજપની મોદી, આનંદી અને રૂપાણી સરકારોએ નહેરો બનાવી ન શકી તેથી ખેડૂતોને નહેરમાંથી પાણી લેવાની ફરજ પડે છે. જે નહેર પરથી ખેડૂતને પાણી લેવાનો હક્ક છે તે હક્ક છીનવી લેતો કાયદો રૂપાણી સરકારે બનાવીને ખેડૂતોને દંડ કરવા કાયદો પસાર કર્યો છે.

ભાજપ સરકારે નહેરમાંથી પાણીની અનધિકૃત ચોરી કરનારા ખેડૂતોને દસ હજારથી બે લાખ સુધીના દંડની જોગવાઇ ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા (સુધારા) વિધેયક ૨૦૧૯ કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે.

નહેરમાં અવરોધ મૂકી, એન્જીન કે અન્ય સાધનોથી પાણી લે તે માટે વીસ હજાર સુધીનો દંડ અથવા છ મહિના સુધીની કેદ, સાથોસાથ નહેરમાં પાણીના પ્રવાહનું નિયમન અને નિયંત્રણમાં અડચણ ઊભુ કરનાર અને નહેરના પાણીને પ્રદુષિત કરનારને એક વર્ષ સુધીની કેદ અથવા પચાસ હજાર સુધીના દંડ અથવા બંનેની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.

નદીના પાણીનો પ્રવાહ અનધિકૃત રીતે વાળવા, નદીમાં કોઈ બંધ કે અવરોધ ઉભો કરે તેને દોઢ વર્ષ સુધીની કેદ અથવા એક લાખ સુધીની દંડ અથવા બંનેની શિક્ષાની જોગવાઈ કરેલી છે. ઉપરાત નહેરમાં છેદ પાડી, પાઈપ દાખલ કરી નહેરની મજબૂતી અને સલામતીને નુકસાન પહોંચાડનારને બે વર્ષ સુધીની કેદ અથવા બે લાખ સુધીના દંડની જોગવાઈ કરી છે.

એન્જિન અથવા પાઇપલાઇન અથવા અનઅધિકૃત રીતે નહેરનું પાણી ખેચવા માટે વપરાતા સાધનો જપ્ત કરવાની સત્તા નહેર અધિકારીને આપવામાં આવી છે અને આ માટે એક લાખ સુધીનો દંડ ખેડૂતોએ ચૂકવીને આવા સાધનો પરત લઇ શકાશે.