મેદાન ન હોવાથી 250 શાળઓને મંજૂરી નહીં મળે

રમાતનું મેદાન નહીં તો શાળાને મંજૂરી નહીં, 250 શાળાને મંજૂરી નહીં મળે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારીની બેઠકમાં નવી સ્કૂલની મંજુરી માટેની પેન્ડિંગ અરજીઓની સુનાવણીમાં પહેલા તબક્કામાં 19 શળાની અરજીઓને નામંજૂર કરી દેવામાં આવી હતી. બીજી 300  અરજીઓ પેન્ડિંગ છે. સ્કૂલ મંજૂરી માટેના નવા નિયમો લાગુ કરાયા બાદ 300માંથી 50 જેવી અરજીઓને મંજૂરી મળે તેવી શક્યતા છે.

રાજ્યની 8 હજાર ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી. જ્યારે 12,599 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી 6004 શાળાઓ પાસે મેદાનો નથી. જે મોટા ભાગે શહેરોની શાળાઓ છે. શહેરની શાળાઓના બાળકો હવે રમવાનું ભૂલી રહ્યાં છે. કારણ કે તેમની પાસે મેદાન નથી. જો કે ગ્રામ્ય વિસ્તારનું ચિત્ર આનાથી તદ્દન વિપરિત છે. પણ તાલુકા મથકો કે મોટા નગરોમાં વિકસતી ખાનગી – અંગ્રેજી શાળાઓ પણ મેદાન વગર જ ચલાવાતી હોવાનું જણાયું છે.

નવી સ્કૂલોને મંજૂરી આપવા માટેના નિયમોમાં  ફેરફાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી નવી સ્કૂલ શરૂ કરવા ઇચ્છતાં ટ્રસ્ટ પોતાની જમીન દર્શાવતા હતા પરંતુ મેદાન માટે નજીકનો કોઇ ખાલી પ્લોટ ભાડાપટ્ટે દર્શાવવામાં આવે તેને અમાન્ય કરવાનું નક્કી કર્યું છે. આ અંગે સ્કૂલ મંજૂરીના નિયમોમાં  પણ ફેરફાર કરી દેવાયો છે. નવા નિયમ પ્રમાણે સ્કૂલની મંજૂરી માગતી સંસ્થા પાસે રમત-ગમત માટેનું મેદાન પણ ટ્રસ્ટના નામે હોવુ જોઇએ તેવુ નક્કી કરાયું છે. એટલે કે હવે કોઇપણ ટ્રસ્ટ રમતનું મેદાન ભાડાપટ્ટે દર્શાવી શકશે નહી.
આ નવા નિયમો પછી ડિસેમ્બરના અંતમાં મળેલી કારોબારીની બેઠકમાં પહેલા તબક્કામાં જ નવી સ્કૂલો માટેની 19 અરજીઓ રદ કરવામાં આવી હતી, જે નવી સ્કૂલ માટે રમતનું મેદાન પોતાનું નહોતું. ભાડાપટ્ટે દર્શાવેલ મેદાનને માન્ય ગણવામાં આવતું નથી. આગામી દિવસોમાં કુલ 300 પૈકી મોટાભાગની અરજીઓ રદ થાય તેવી પણ શક્યતા છે. સમગ્ર રાજયના અનેક શહેરોમાં એવી સ્કૂલો ચાલે છે કે જેમાં રમત માટેનું કોઇ મેદાન જ ઉપલબ્ધ નથી. પરંતુ જૂના નિયમો પ્રમાણે મેદાનને ભાડાપેટે દર્શાવીને જેતે સમયે મંજૂરી મેળવી લેવામાં આવી હતી. હવે નવા નિયમ પ્રમાણે આ સ્કૂલની મંજૂરી અપાતી નથી.

ક્યાં મેદાન કેટલા

અમદાવાદ 47, અમરેલી 63, આણંદ 255, અરવલ્લી 288, વડોદરા 305, વલસાડ 393, છોડાઉદેપુર 516, દાહોદ 296, ડાંગ 217, દ્વારકા 256, સુરત 210, તાપી 121, કચ્છ 315, ખેડા 276, મહીસાગર 444, મહેસાણા 94, બનાસકાંઠા 835, ભરૂચ 439, ભાવનગર 427, બોટાદ 67, મોરબી 184, નવસારી 506, પંચમગાલ 588 શાળાઓમાં મેદાન નથી.

નર્મદામાં મેદાન નહીં

નર્મદામાં જીલામાં કૂલ 690 પ્રાથમિક શાળામાંથી 411 શાળાઓમાં મેદાન નથી. તમામ શાળાઓ જીલ્લા પંચાયત હસ્તક છે. નજીકની કોઇ ખુલ્લી જગ્યાનો વિદ્યાર્થિઓ મેદાન તરીકે ઉપયોગ કરે છે. બીજી તરફ ખેલ મહાકુંભનાં આયોજન કરાઇ રહ્યા છે. પ્રાથમિક શાળાઓમાં હવે શારીરિક શિક્ષણનાં શિક્ષકો મૂકાતા ન હોય તો વિદ્યાર્થિઓને રમત રમત કોણ શિખવાડશે.

જામનગરમાં સ્થિતી સારી નથી

રાજ્ય સરકાર ખેલ મહાકુંભ જેવા તાયફા કરીને ‘ખેલે ગુજરાત’નું આયોજન કરે છે.  જામનગર જિલ્લાની 704 પ્રાથમિક શાળાઓમાંથી 103 પ્રાથમિક શાળાઓમાં મેદાન જ નથી.

શહેર અને જિલ્લામાં સરકારી ખેલ મહાકુંભ થાય છે. શહેરની શાળાઓના ઘણા ખરા ખેલાડીઓની શાળાઓ પાસે તો રમતગમતના મેદાનો પણ નથી. શહેરની શાળાઓના મેદાનો અત્યંત નાના હોઇ ત્યાં એથ્લેટિક્સને તો સ્થાન જ ન આપી શકાય. મોટાભાગની શાળાઓમાં વ્યાયામના તાસ પણ સપ્તાહમાં વર્ગદીઠ બે જ ફાળવવામાં આવે છે. તે પણ મેથ્સ – સાયન્સ કે અંગ્રેજીના શિક્ષકો લે છે.

ડીઇઓ કચેરી તરફથી નિરીક્ષકોની જે ટીમ શાળાઓના ઇન્સ્પેકશનમાં જાય છે. તેઓ પણ મેદાન બાબતે કોઇ ગંભીર નોંધ લેતી નથી. મેદાન નહીં ધરાવતી શાળાઓ સામે કોઇ કાર્યવાહી પણ થતી નથી.

જે સમાજ ખેલકૂદમાં આગળ હોય છે તે સમાજ રાષ્ટ્રને ગૌરવ અપાવવાની સાથે સ્વસ્થ અને સુખી સમાજનું પણ નિર્માણ કરે છે. સ્પોર્ટ્સ વ્યક્તિનો આત્મવિશ્વાસ અને સ્વાભિમાન વધારે છે. સામાજિક અને સાંસ્કૃતિક હદોને વળોટીને સ્પોર્ટ્સ રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત કરે છે. સામાજિક સમરસતા અને ભાઇચારો સ્થાપવા માટે સ્પોર્ટ્સથી ઉત્તમ વિચાર બીજો કોઈ નથી. એક ટીમમેટ તરીકે તમે સાથી ખેલાડીઓની જ્ઞાતિ, જાતિ કે સમાજને જોતા નથી કે તેમની આર્થિક સ્થિતિ પણ આડી આવતી નથી.

ર૦૦૯માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય રમતોત્સવ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે લાગતું હતું કે હવે રાજ્યમાં સ્પોર્ટ્સનો માહોલ સર્જાશે, પરંતુ રમતની માળખાકીય સુવિધા અને દાનતના અભાવે સમય જતા ખેલ મહાકુંભ સ્પોર્ટ્સને બદલે એક રાજકીય ઇવેન્ટ બની ગઈ. એક તરફ ખેલ મહાકુંભ રમાડવા અને બીજી તરફ સ્પોર્ટ્સનું મહત્ત્વ શૂન્ય હોય એમ રમતનાં મેદાનો વગરની શાળા-કૉલેજોને શોપિંગ કોમ્પ્લેક્સમાં ચલાવવાની મંજૂરી આપતી જવી, આ પરસ્પર વિરોધી બે વિચારો વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો? શહેરોમાં રહેલાં સરકારી મેદાનો નજીકની પ્રતિષ્ઠિત શાળાઓને આપી દેવાં અને શાળાઓ દ્વારા આ મેદાનોનો પાર્કિંગ વિસ્તાર તરીકે ઉપયોગ થવો, આમાં સ્પોર્ટ્સનું કલેવર કઈ રીતે જીવે?

નેશનલ, કોમનવેલ્થ કે એશિયન ગેઇમ્સમાં મેડલ મળી જવાથી એવી ઘોષણા ન થઈ શકે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે રાજ્ય આગળ છે. ગામ- શહેરોની ગલીઓમાં ઠેરઠેર સ્પોર્ટ્સનાં દર્શન થાય તો માની શકાય કે સ્પોર્ટ્સ કલ્ચર વિકસી રહ્યું છે. આ સ્પોર્ટ્સ કલ્ચર હરિયાણા જેવાં રાજ્યોમાં છે. આપણે ત્યાં સ્પોર્ટ્સ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગની ફાઇલોમાં બંધ છે.

ગુજરાતમાં જે કોઈ ખેલ પ્રતિભાઓ વિકસી તે અનેક વિઘ્નો સામે જાતે ઝઝૂમી છે. મોટાભાગના કિસ્સાઓ જોઈએ તો તેમાં એમનાં મા-બાપે પોતાના સંતાનની ખેલ પ્રતિભાને વિકસાવવા સર્વસ્વ દાવ પર મૂક્યું હોય છે અને તે કહેવાયેલી દાસ્તાન છે. સગવડ અને સપોર્ટના વાંકે મુરઝાઈ ગયેલી અગણિત ખેલ પ્રતિભાઓની ન કહેવાયેલી દાસ્તાનનો આંક ઘણો મોટો છે.

વિકાસની વાતો વચ્ચે જ વ્યાયામશાળાઓ ભુલાઈ
આધુનિક સમયમાં સ્પોર્ટ્સ સાથે જોડાવું વધારે મહત્ત્વનું બન્યું છે. પહેલાં શારીરિક શ્રમનું મહત્ત્વ હતું અને લોકોનાં જીવનમાં સ્ટ્રેસનું સ્થાન નહીંવત્ હતું. આજે દરેક ક્ષેત્રે ઓટોમેશનના પગલે લોકોનું જીવન બેઠાડુ થઈ ગયું છે અને તણાવનું પ્રમાણ ભયાનક હદે વધી રહ્યું છે. આ સ્થિતિમાં સ્વસ્થ સમાજ માટે સ્પોર્ટ્સથી મોટી કોઈ દવા નથી, પરંતુ ઘણાં સમયથી સ્પોર્ટ્સ કલ્ચરની ઘોર ખોદાઈ છે. આ માટે એક-બે ઉદાહરણો પૂરતાં થઈ પડશે. વસતી ખૂબ ઓછી હતી અને વ્યાયામની બહુ ઓછી જરૂર પડતી ત્યારે જૂના અમદાવાદમાં દરેક વિસ્તારમાં સરકારી વ્યાયામશાળાઓ બાંધવામાં આવી હતી. જેની સામે પશ્ચિમ વિસ્તારમાં વિસ્તરેલા નવા અમદાવાદમાં વ્યાયામશાળાઓ શોધવા દૂરબીન લઈને નીકળવું પડે એવી સ્થિતિ છે.

અમદાવાદના જૂના વિસ્તારોમાં વ્યાયામ શાળાની વાત કરીએ તો કાંકરિયામાં અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા, ચાંદખેડામાં ક્રાંતિવીર બંકીમચંદ્ર, સાબરમતીમાં ક્રાંતિવીર મહાદેવ રાનડે, એલિસબ્રિજમાં વીર ચંદ્રશેખર, શાહપુરમાં રામપ્રસાદ બિસ્મિલ્લ, દરિયાપુરમાં ક્રાંતિવીર સુખદેવ, સૈજપુરમાં ક્રાંતિવીર કિનારીવાલા, નિકોલમાં ચંદ્રશેખર આઝાદ, સરસપુરમાં રતનલાલ ગુપ્તા, કાલુપુરમાં તાત્યા ટોપે, રાયખડમાં ગુરુ સ્વામી પરમાનંદ નાયડુ, જમાલપુરમાં અશફકુલ્લાહ ખાન, સરદારબ્રિજમાં સરદારબ્રિજ, ખાડિયામાં સરદાર પટેલ, ગોમતીપુરમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રખિયાલમાં પ્રહ્લાદ પટેલ, ઓઢવમાં વિઠ્ઠલભાઈ પટેલ, મણિનગરમાં રાજગુરુ, ઇસનપુરમાં ઇસનપુર, ભાઈપુરામાં મહાદેવ દેસાઇ, બાગે ફિરદોસમાં સ્વામી વિવેકાનંદ, દુધેશ્વરમાં માણેકશા સરકાર, શાહીબાગમાં રાજમાતા વિજયારાજે, હાજીપુરામાં મેડમ કામા, ગિરધરનગરમાં મંગલ પાંડે, કુબેરનગરમાં ચિત્તરંજનદાસ અને નરોડામાં સરદારસિંહ રાણા વ્યાયામશાળા છે.

જ્યારે નવા વિકસિત પશ્ચિમ અમદાવાદમાં વેજલપુર, વાસણા, પરિમલ ગાર્ડન, બોડકદેવ અને રાણીપમાં વ્યાયામશાળાઓ છે. પશ્ચિમ વિસ્તારમાં લોકો કામના ભારણ અને સ્ટ્રેસ હેઠળ જીવે છે ત્યારે આ વિસ્તારમાં વધુ વ્યાયામશાળાઓ, જિમખાનાં હોવા જોઈએ, પરંતુ આ વાસ્તવિક સ્થિતિને સરકારે નજરઅંદાજ કરી છે.

નિયમો હવે બની રહ્યા છે
શહેરી વિકાસમાં રમતગમતના માળખાને સમાવવાની જરૂરિયાત અંગે વાત કરતા રાજ્ય રમતગમત મંત્રી નાનુભાઈ વાનાણી કહે છે, “આ વાતો નીતિમાં આવતી નથી, નિયમોમાં આવે છે અને નિયમો હવે બની રહ્યા છે.”આપણે ત્યાં એવું છે કે કદાચ સરકાર નવાં અને તમામ સુવિધાઓવાળાં જિમખાનાં શરૂ કરી દે તો પણ તેનાથી મુખ્ય હેતુ સરતો નથી, કારણ કે ટૂંક સમયમાં જ સાધનો ભંગાર અને મેદાનો ઉકરડા જેવાં થઈ જાય છે. રમત માટે ઉપયોગમાં લેવાતાં ઉપકરણો અને મેદાનો માટે વિવિધ ક્ષેત્રના કુશળ કારીગરોની જરૂર પડે એ વાત સરકાર સમજતી નથી.

ગ્રાઉન્ડના મેઇન્ટેનન્સ અને માર્કિંગ, સાધનોના સ્ટોરેજ અને મેઇન્ટેનન્સ માટે તેમજ સાધનો રિપેર કરનારા કુશળ કારીગરોની જરૂર પડે અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં એવા કારીગરો પેદા કરવા પડે, તેમને નોકરી પણ આપવી પડે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ જતીન સોની કહે છે, “સ્પોર્ટ ટેક્નોલોજીનું હજુ ઊગતું ફિલ્ડ છે, અમે ફુલ ફ્લેજ્ડમાં આવીશું ત્યારે કોર્સ શરૂ કરીશું. હાલ અમારી યુનિવર્સિટીમાં સ્પોર્ટ મેનેજમેન્ટના કોર્સ ચાલુ છે. વ્યાયામશાળાઓમાં આવા સ્પોર્ટ મેનેજમેન્ટ ભણેલાની ભરતી કરવામાં આવે તો વ્યાયામ સંકુલો વધુ વાઇબ્રન્ટ બને. જોકે તેની ભરતીનું કામ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના કમિશનરનું છે.”

સરકાર દ્વારા ટેલેન્ટને ઓળખીને તેનું ઘડતર થાય તેવી વ્યવસ્થા તો વિકસાવી શકાઈ છે, પરંતુ દુર્ભાગ્યે જનસામાન્ય સ્પોર્ટ્સમાં રુચિ લેતો થાય તેવું માળખું ન તો ઊભું કરી શકાયું છે કે ન તો તેના પ્રત્યે સરકાર સંવેદનશીલ છે. ખેલકૂદ નીતિમાં સરકાર કહે છે, આરોગ્યમય જીવન માટે ખોખો, કબડ્ડી જેવી પારંપરિક રમતો ઉપર વિશેષ ભાર મુકાશે. સરકાર તો અર્થતંત્રના કુલ જીડીપીમાં ફાળો આપે તેવી રીતે રમતગમત-ખેલકૂદની ઉદ્યોગ તરીકે સ્થાપના કરવાની મંશા સેવે છે, પરંતુ પાર્ક અને બગીચામાં દાયકા જૂની તૂટેલી લસરપટ્ટીઓ કે હીંચકાઓ ન બદલાતાં હોય ત્યાં ખેલકૂદ ઉદ્યોગ સ્થાપવાની વાત શેખચલ્લીના વિચાર જેવી લાગે છે.

કોમ્પ્લેક્સમાં ચાલતી શાળાઓમાં વ્યાયામ શિક્ષકો શું કરશે?
ખેલકૂદ નીતિમાં શાળાઓમાં લાયકાત વાળા વ્યાયામ શિક્ષકોની તબક્કાવાર ભરતી કરવાની વાત છે એ સારી બાબત છે, પરંતુ એ હકીકત સરકાર વિસરી ગઈ છે કે સરકારી નીતિના પ્રતાપે જ પ્રાઇવેટ સ્કૂલ-કૉલેજોનો રાફડો ફાટ્યો અને વિદ્યાર્થીઓ એ દિશામાં ફંટાયા. શોપિંગ કોમ્પ્લેક્સમાં બીજા-ત્રીજા માળે પ્રાથમિક, માધ્યમિક શાળાઓને મંજૂરી આપી છે તેઓ વ્યાયામ શિક્ષકોનું શું કરશે? કેટલીક કૉલેજો પણ શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલે છે.

ઘણી ખાનગી શિક્ષણ સંસ્થાઓ શોપિંગ કોમ્પ્લેક્સમાં નથી ચાલતી તો પણ તેમની પાસે પોતાનાં મેદાન નથી. આવી શાળા-કૉલેજો કસરત કે સ્પોર્ટ્સના નામે કુંભક, રેચક કે યોગાસનો જ કરી શકે તેમ છે. વ્યાયામ શિક્ષકો નથી તેવી ખાનગી શાળાઓને વ્યાયામ શિક્ષકો રાખવાની સરકાર ફરજ પાડશે? નાનુભાઈ વાનાણી કહે છે, “કોઈ કોઈને ફરજ ન પાડી શકે. સરકારે નીતિ લાગુ કરી છે તે પ્રમાણે ચાલવાનું હોય.”

નવી ખેલકૂદ નીતિમાં દર બે કિલોમીટરના અંતરે ઓછામાં ઓછું ૨૦૦૦ ચોરસ વારનું ખુલ્લા મેદાનની અને ખેલકૂદ સંકુલો માટે જરૂરી જમીન નગરપાલિકા કે શહેરી વિકાસ સત્તામંડળમાં અંકિત રાખવાની વાત કરાઈ છે. અરે, શહેરોમાં રમતગમત માટેનાં સરકારી મેદાનો હતાં તેમાંથી મોટાભાગનાં તો સરકારે પ્રતિષ્ઠિત શાળાઓને આપી દીધાં અને આવી શાળાઓ આ મેદાનોનો ઉપયોગ પાર્કિંગ માટે કરે છે. આવાં મોટાભાગનાં સાર્વજનિક મેદાનો ફરતે જે-તે શાળા દ્વારા દીવાલ ચણી લેવામાં આવી છે, જેથી લોકો એવું પણ માનવા લાગ્યા છે કે તે મેદાન સરકારી નહીં, પરંતુ શાળાનું પોતાનું છે. એક તરફ રમતનાં મેદાનો વગર શાળાઓ ચલાવવાની મંજૂરી આપી છે અને બીજી તરફ ખેલકૂદ નીતિમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કોમર્શિયલ પાર્કમાં સ્પોર્ટ્સ ફિટનેસ સેન્ટરને પ્રોત્સાહનની વાતો છે.

જિલ્લા સ્તરીય ખેલકૂદ શાળા છે જ નહીં!
ખેલકૂદ નીતિમાં અપાયેલાં વચનોને લઈને બહુ હરખાવા જેવું નથી. કેમ? નીતિમાં એક જાહેરાત કરાઈ છે કે ગુજરાતના દરેક જિલ્લામાં જિલ્લા સ્તરીય ખેલકૂદ શાળા(ડીએલએસએસ)ની રચના કરવામાં આવશે. આ જાહેરાત જોઈને સહજ પ્રતીતિ થાય કે હવેથી દરેક જિલ્લામાં માત્ર ખેલકૂદ માટેની એવી વિશેષ શાળા હશે જ્યાં ખેલાડી પ્રેક્ટિસ કરવા જઈ શકશે, કસરત માટેના અત્યંત મોંઘાં ખાનગી જિમમાં જોઈને જીવ બાળવો નહીં પડે. કોઈ પણ ખેલની પ્રેક્ટિસ માટે હવે કોચ પણ શોધવા જવું નહીં પડે.

રાજ્યમાં રમતગમતનું માળખું જ નથી ત્યારે આવી જાહેરાત જોઈને થાય છે કે સરકાર પ્રજાને પાયાની સુવિધા આપવા ગંભીર બની છે ખરી. આ સમજ સાથે જ જિલ્લા સ્તરીય ખેલકૂદ શાળાના ડાયરેક્ટર લક્ષ્મણસિંહ બારિયા સાથે વાત કરી તો હકીકત કંઈક ઊલટી જ નીકળી. વાસ્તવમાં સરકાર એક પણ જિલ્લામાં આવી કોઈ સ્કૂલ બાંધવાની નથી કે નવું માળખું ઊભંુ કરવાનું નથી. રાજ્યની ખાનગી શાળાઓ પૈકી દરેક જિલ્લામાં જેની પાસે રમતગમતની વધુ સુવિધા હોય એવી એક શાળા પસંદ કરીને તેને જિલ્લા સ્તરીય ખેલકૂદ શાળા(ડીએલએસએસ) નામ આપવામાં આવશે. ખેલકૂદ નીતિની જાહેરાત કરાઈ એ પહેલાં જ ઓલરેડી આવી ૧૬ જિલ્લા સ્તરીય ખેલકૂદ શાળા પસંદ કરી લેવામાં હતી.

જેમાં અમદાવાદ જિલ્લા માટે સંસ્કારધામ તેમજ ધોળકાની સી.વી. મિસ્ત્રી સરસ્વતી વિદ્યાલય, રાજકોટ માટે કડવીબાઈ વિરાણી કન્યાવિદ્યાલય, આણંદમાં મોગરની વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વડોદરામાં ઉર્મિ સ્કૂલ, મહેસાણામાં આદર્શ હાઇસ્કૂલ, સાબરકાંઠામાં મોડાસાની જે.બી.શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, તાપીમાં વ્યારાની એસ.એ. સાર્વજનિક શાળા, દાહોદમાં દેવગઢબારિયાની એસ.આર. હાઇસ્કૂલ, રાજકોટમાં કડવીબાઈ વિરાણી હાઇસ્કૂલ, સાબરકાંઠામાં ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલ અને હિંમતનગરની આદર્શ પ્રાથમિક શાળા, નર્મદામાં રાજપીપળાની અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલ, ભાવનગરમાં સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને પાલિતાણાની લોકવિદ્યાલય, જૂનાગઢમાં ચાંપરડાની બ્રહ્માનંદ વિદ્યાલય અને સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીની કે.એચ. ઝાલા હાઇસ્કૂલનો સમાવેશ થાય છે.

આ શાળાઓ કહેવાય છે જિલ્લા સ્તરીય ખેલકૂદ શાળા, બાકી તે અન્ય શૈક્ષણિક કાર્ય કરતી શાળાઓ જેવી જ છે. આ શાળાઓ મુલતઃ સ્પોર્ટ્સ નહીં પરંતુ સિલેબસ પર વધુ ધ્યાન આપતી શાળાઓ જ છે. ફરક એટલો કે તેમાં સ્પોર્ટ્સની થોડી વધારે સુવિધા હોવાથી સરકારે કરારો કરીને, પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) મૉડલ લાગુ પાડીને જિલ્લા સ્તરીય ખેલકૂદ શાળામાં ખપાવી દીધી છે.

આવી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પછીના સમયમાં પસંદ કરેલા વિદ્યાર્થી-ખેલાડીઓને રમતની તાલીમ અપાય છે. જેમાં સરકાર ખેલાડી દીઠ વર્ષે ૨.૨૫ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. છેલ્લા ૧ વર્ષથી ચાલતી ૧૬ જિલ્લા સ્તરીય ખેલકૂદ શાળાઓના લાભાર્થી તરીકે કુલ ૫૯૪ ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે. જિલ્લા સ્તરીય ખેલકૂદ શાળા એટલે રમતનાં સાધનો અને કોચથી સંપન્ન સંકુલ કે જ્યાં કોઈ પણ સ્પોર્ટ્સની પ્રેક્ટિસ કરવા ઇચ્છુક ખેલાડી જઈને પોતાનું નામ નોંધાવી, રોજ પ્રેક્ટિસ કરી શકે એવું માનવું એ ભ્રમ હશે.

સેન્ટર ઓફ એક્સલન્સ પણ નામમાત્રનું
ખેલકૂદ નીતિમાં જેનો ઉલ્લેખ છે તે, સ્વામી વિવેકાનંદ સેન્ટર ઓફ એક્સલન્સમાં નામ પ્રમાણે એવું કંઈ નથી કે રાજ્યમાં ઠેરઠેર ક્ષમતાવાન ખેલાડીઓ ધરાવતાં રમતગમત કેન્દ્રો સરકાર ઊભાં કરશે. વાસ્તવમાં સરકારના માપદંડોમાં ખરા ઊતરનાર ૧૪૦૦ ખેલાડીઓ આ યોજના અંતર્ગત તાલીમ મેળવશે. લક્ષ્મણસિંહ કહે છે, “જિલ્લા સ્તરીય ખેલકૂદ શાળા અને સેન્ટર ઓફ એક્સલન્સ વચ્ચે મહત્ત્વનો ફરક એ છે કે શાળામાં વિદ્યાર્થી ખેલાડી હોસ્ટેલમાં રહીને તાલીમ મેળવે છે, જ્યારે સેન્ટર ઓફ એક્સલન્સમાં અભ્યાસ સાથે રમતની તાલીમ મેળવીને રોજ વિદ્યાર્થી ઘરે આવી જાય છે.”

સરકાર પીપીપી મોડલને અનુસર્યા વગર શા માટે ઠેરઠેર સ્પોર્ટ્સ સંકૂલો ઉભા નથી કરતી. જવાબ નિરાશાજનક મળે છે, નાનુભાઈ વાનાણી કહે છે, “સ્પોર્ટ્સ સંકુલ ખાનગી શાળા અને સરકાર વચ્ચે, એકેડેમી કોર્પોરેશન અને સરકાર વચ્ચે પીપીપી ધોરણે ચાલે છે, જેને વધુ મજબૂત કરાશે.”

સરકારનું કામ મંથર ગતિએ
સરકારી કામ કેટલું મંથર ગતિએ ચાલે છે તે પણ જોઈએ. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ઓક્ટોબર ૨૦૧૪માં ભાવનગરમાં ખેલ મહાકુંભના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું કે, “ભાવનગરમાં રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ અને બાસ્કેટબોલની એકેડેમી બનાવાશે.” તે વખતે ભાવનગરને કરાયેલી લહાણીમાં મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ૧૫ કરોડના ખર્ચે બહુહેતુક હોલ, ૬ કરોડના ખર્ચે સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, ઘોડેસવારી અને હોર્સ સ્પોર્ટ્સ માટે ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવાની જાહેરાત કરી હતી, જેના પોણા બે વર્ષ પછી સરકાર માત્ર બહુહેતુક હોલ બાંધવા માટે ટેન્ડર બહાર પાડવા સુધી જ પહોંચી છે.

જાહેર સ્થળો કે બગીચા જેવાં સ્થળોએ મૂળભૂત માળખાકીય સુવિધા ઊભી કરવા સહાય માટેની પ્રોત્સાહક યોજનાઓ સરકાર લાવી રહી છે. નવી ખેલકૂદ નીતિમાં કહેવાયંુ છે કે જાહેર સ્થળોએ તંદુરસ્તી માટેનાં પાયાનાં ઉપકરણો લગાડવા વિશેષ પગલાં ભરાશે. હકીકત એ છે કે પબ્લિક પાર્કમાં વર્ષો પહેલાં લગાવેલા હીંચકા તૂટેલા જોવા છે, લસરપટ્ટીઓનાં પતરાં ઘસાઇ-કટાઈને છેદવાળાં થઈ ગયાં છે અને તે બાળકોને વાગી રહ્યાં છે.

મામૂલી કિંમતનાં આ સાધનો નહીં બદલી શકતી સરકારને તંદુરસ્તી માટેનાં પાયાનાં ઉપકરણો લગાવતી વખતે પાર્ક અને બગીચાઓમાં આ તૂટેલાં સાધનો દેખાશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. જ્યાં રમતગમતનું બેઝિક માળખંુ જ નથી અને આ માળખું ઊભું થવાના કોઈ આસાર દેખાતા નથી ત્યાં ખેલકૂદ નીતિમાં આરોગ્ય જાળવી રાખવા વ્યાખ્યાનો, જાગૃતિ અભિયાન, મેરેથોન, સાઇકલ રેસ, ક્રોસ કન્ટ્રી રેસ વગેરે યોજવાની વાત કરવામાં આવી છે. મતલબ કે રાજ્યમાં સ્પોર્ટ્સની સ્થિતિ જે હોય તે, દેશ-દુનિયાનું ધ્યાન ખેંચવા, પ્રસિદ્ધિ મેળવવા ‘રેસ’ આયોજનમાં કોઈ કસર નહીં છોડાય.

એક તરફ શાળા-કૉલેજો વિદ્યાર્થીઓને ભણતરમાં જ ઉલઝાવી રાખે છે. એમને મન સ્પોર્ટ્સ એટલે સમયની બરબાદી જ છે. વિદ્યાર્થીઓનાં માતા-પિતાનાં માનસ પણ એવાં થઈ ગયાં છે કે બાળક અમસ્તું રમવામાં તલ્લીન થયું હોય ત્યાં જ તેને ભણવા બેસાડી દે છે. મેદાન રહ્યાં નથી એટલે મેદાની રમતો રમવાનો તો સવાલ જ નથી, કમ્પાઉન્ડમાં દોડાદોડી કરતાં બાળકોને લઈને પણ મા-બાપ ચિંતિત હોય છે, કેમ કે વળી કમ્પાઉન્ડમાં કોઈ વાહન ધસી આવે અને નાહકનો બાળકને અડફેટે ચડાવી દે તો. શેરીઓ અને શેરી રમતો ખોવાઈ ગઈ છે. ત્યારે દરેક વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધાય તો સમાજમાં સ્પોર્ટ્સની લહેર ફેલાય. ખેલાડીઓને તૈયાર કરવા માટે કુશળ પ્રશિક્ષકો પણ નીમવા પડે.

ક્રિકેટ સિવાયની રમતમાં વ્યવસાયિક તકો નથી એટલે રમત પાછળ ફાળવેલા સમયને બરબાદી ગણી લેવાય છે. વાસ્તવમાં વિવિધ રમતોમાં ઉત્તમ પ્રશિક્ષકો, મનોવૈજ્ઞાનિકો, સ્પોર્ટ્સ ટેક્નોલોજીના નિષ્ણાતો, સ્પોર્ટ્સ એન્જિનિયર્સ, પરફોર્મન્સ એનાલિસ્ટ, આંકડાશાસ્ત્રીઓ, સ્પોર્ટ્સ ન્યુટ્રિશિયનોની તીવ્ર અછત છે. આ ક્ષેત્રમાં આગળ વધવા ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી કે રમતવીર વિચારે છે. સ્ટાર્ટઅપની વાતો વચ્ચે સરકાર સ્પોર્ટ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભંુ કરવા ઉદાસીન જણાય છે.

સ્પોર્ટ્સ યુનિવર્સિટી કેટલી કારગર?
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરાવી હતી, જે અંતર્ગત હાલમાં રમત પ્રશિક્ષકોનો કોર્સ વડોદરામાં માંજલપુર ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનિંગ એન્ડ કોચિંગ હેઠળ ચાલે છે. હાલમાં આ યુનિવર્સિટીના ચાર ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં ડીપીઇએસ, એમપીઇએસ, પીએચ.ડી સહિતના કોર્સ ચાલે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનિંગ એન્ડ કોચિંગમાં પીજી ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કોચિંગનો અભ્યાસક્રમ ચાલે છે. સ્પોર્ટ્સ એડવેન્ચર ડિપાર્ટમેન્ટમાં પીજી ડિપ્લોમા એડવેન્ચર સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસક્રમ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ચાલે છે.

જતીન સોની કહે છે, “એ સિવાય ઘણા બધા સર્ટિફિકેટ કોર્સ ચાલે છે. જેમ કે, વ્યાયામશાળામાં જિમ્નાસ્ટિક કોચ કે એથ્લેટિક કોચ તરીકે કામ કરવું હોય તો ૧૨મા ધોરણ પછી તેનો ૩ મહિનાનો ફુલ ટાઇમ કે ૬ મહિનાનો પાર્ટટાઇમ સર્ટિફિકેટ કોર્સ કરી શકાય. ફિટિંગ વેલનેસ, એડવેન્ચર સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન વગેરેમાં કૉલેજ ચાલુ રાખીને પાર્ટ ટાઇમ કોર્સ કરી શકાય છે.”

લજ્જાએ પારકી રાઇફલથી મેડલ અપાવેલો
આણંદની વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ઍવોર્ડ વિજેતા શૂટર લજ્જા ગોસ્વામી પાસે પ્રેક્ટિસ માટે પોતાની રાઇફલ નહોતી અને તે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા શૂટર ગગન નારંગની રાઇફલ મેળવીને પ્રેક્ટિસ કરતી હતી. ઉછીની રાઇફલથી શૂટિંગ શીખેલી લજ્જાએ કહ્યું કે, “તે વખતે ગગને મને રાઇફલ આપવાની ના પાડી હોત તો હું શૂટિંગમાં આટલી આગળ વધી શકી ન હોત.”

એપ્રિલ ૨૦૧૪માં ગગન નારંગ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા ત્યારે કુલપતિને ભલામણ કરી હતી કે, ભારત શૂટિંગ ક્ષેત્રે નામના મેળવી રહ્યું છે અને હાલ ભારતમાં શૂટિંગ ક્ષેત્રે પ્રશિક્ષકો તૈયાર કરવાની કોઈ સગવડતા નથી તો તમે શૂટિંગનાં તાલીમી ઉપકરણો વસાવો. સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ૧૦ મીટર રાઇફલ શૂટિંગની શરૂઆત થાય તેવી ભલામણ પણ નારંગે કરી હતી અને આ માટે નિઃસ્વાર્થ મદદ માટે પણ તૈયારી બતાવી હતી. સારી બાબત એ છે કે, સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં છ માસનો શૂટિંગ પ્રશિક્ષકનો કોર્સ ચાલુ થઈ ગયો છે અને અત્યારે તેની બીજી બેચ ભણી રહી છે. ગુજરાત રાઇફલ્સ ક્લબમાં જ તેની તાલીમ આપવામાં આવી રહી છે.

સુવિધા વગરનું ખેલકૂદ કપોળકલ્પિત
રાજ્યમાં દરેક રમતો માટેની કોચ સાથેની સુવિધા ઊભી કરાઈ છે. રાજ્યમાં વડોદરા, નડિયાદ અને ભાવનગર એમ ત્રણ જગ્યાએ જ વિવિધ ૧૩ સ્પોર્ટ્સ એકેડેમી કાર્યરત છે. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એથ્લેટિક, હોકી અને શૂટિંગ એકેડેમી ચાલે છે. સમા ઇન્ડોર સ્ટેડિયમમાં બાસ્કેટબોલ, સ્વિમિંગ અને બેડમિન્ટન એકેડેમી છે.

નડિયાદના રમત સંકુલમાં એથ્લેટિક, જુડો, વોલીબોલ અને આર્ચરીની એકેડેમી છે. સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ભાવનગરમાં બાસ્કેટબોલ અને ટેબલ ટેનિસની એકેડેમી છે. ગુજરાત સ્પોર્ટ્સ એકેડેમીના ચીફ કોચ તનસુખ છાંટબાર કહે છે, “માંજલપુરની એથ્લેટિક એકેડેમીમાં પ્રશિક્ષણ માટે અમે પી.ટી. ઉષા, હોકી માટે ધનરાજ પિલ્લાઇ તેમજ શૂટિંગ માટે ગગન નારંગ, વેદ પ્રતાપ અને સંજોય ચૌધરી, બાસ્કેટબોલ માટે સતીશ સુરી, બેડમિન્ટન માટે ગોપીચંદ પુલેલા સાથે કરારો કર્યા છે.”

સ્પોર્ટ્સ ઈકોનોમીમાં વિશાળ તક
સ્પોર્ટ્સમાં ફિઝિયોલોજી, બાયોમિકેનિક્સ, સાઇકોલોજી, ટેક્નોલોજી, પરફોર્મન્સ એનાલીસ્ટ, આઈટી એક્સપર્ટ, સ્પોર્ટ્સ લેબોરેટરી ટેકનિશિયન, કોચિંગ માટે વિવિધ પ્રકારના સોફ્ટવેર ડેવલપર્સ જેવાં ક્ષેત્રો વણખેડાયેલાં છે. સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે વિપુલ સંભાવનાઓ છે. જેમ કે, સ્પોર્ટ્સમાં ઇવેન્ટ મેનેજમેન્ટ, એચઆર મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ ટૂરિઝમ, સ્પોર્ટ્સ ઇકોનોમિક્સ અને ફાઇનાન્સિંગ મેનેજમેન્ટ, યુનિવર્સિટી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ લૉ વગેરેમાં નોકરી અને સ્વરોજગારીની ઘણી શક્યતા છે.

સ્પોર્ટ્સમાં મેક ઇન ઇન્ડિયા આધારિત સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વિકસાવી શકાય. કેમ કે સ્પોર્ટ્સના સામાનના ઉત્પાદનમાં સુથારીકામ, લુહારીકામ, લેધર વર્ક, ફાઇબર વર્ક, ફોમવર્ક, સ્પોર્ટ્સ હોઝિયરી અને ગારમેન્ટ્સ વગેરેમાં આપણે વિદેશ ઉપર વધુ આધાર રાખવો પડે છે.

પીપીપી મૉડલમાંથી બહાર નીકળીને સરકાર પોતે સ્પોર્ટ્સનું સુદ્રઢ માળખું બનાવે તો છેવાડાના માનવીને તેનો લાભ મળી શકે. સ્પોર્ટ્સમાં યોગ્ય સુવિધાથી રાજ્યની અનેક પ્રતિભાઓ ખીલી શકે તેમ છે. જોકે તે માટે જૂની પૉલિસીઓ પર માત્ર પૉલિશિંગ કરવાને બદલે સરકારે વાસ્તવિકતા સમજીને નક્કર કામગીરી હાથ ધરવી પડશે. અન્યથા નવી સ્પોર્ટ્સ પૉલિસીનો રંગ પણ ઝડપથી ઊતરી જશે અને સ્પોટ્ર્સ ક્ષેત્રની પ્રતિભાઓ મુરઝાતી જ રહેશે.

આપના દ્વારા ડાયલ કરેલો નંબર પહોંચની બહાર છે…
સરકારની અમલીકરણની નબળાઈનો એક પુરાવો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની હેલ્પલાઇન છે. ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૪૧૫૧ પર ડાયલ કરતા ‘આપના દ્વારા ડાયલ કરેલો નંબર પહોંચની બહાર છે’ ની રેકર્ડ સાંભળવા મળે છે. ખેલ મહાકુંભની વેબસાઇટ પર પણ આ જ ટોલ ફ્રી નંબર મૂકવામાં આવ્યો છે.

વેબસાઇટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી વી.કે. મહેતાને બદલે આઈ.કે. પટેલ, ચીફ કોચ તનસુખ છાંટબારને બદલે જૂના કોચ એસ.પી. સમાનું નામ ચાલી રહ્યું છે. મહિનાઓ અને વર્ષો સુધી વેબસાઇટને અપડેટ ન કરાતી હોય તો ઓથોરિટીની સક્રિયતા ઉપર સહજ શંકા જાય. આ બેદરકારી અંગે ટિપ્પણી કરતા એસએજીના ચીફ કોચ તનસુખભાઈ કહે છે, “તમે ધ્યાન દોર્યું, હવે તાત્કાલિક વેબસાઇટ અપડેટ કરાવીશું અને ટોલ ફ્રી નંબર પણ ચાલુ કરાવી દઈશું.”

રાજ્યમાં ૬૧૦૨ શાળાઓમાં મેદાનો નથી
ગુજરાત વિધાનસભાનાં સત્રમાં કોંગ્રેસનાં વિરમગામનાં ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલના એક પ્રશ્નનો જવાબ આપતાં સરકારે કબૂલાત કરી કે રાજ્યની ૬ હજારથી વધુ શાળાઓમાં રમતગમતનાં મેદાન નથી. આવી શાળાઓમાં સુવિધા ઊભી કરવાને બદલે સરકાર સ્પોર્ટનાં નાણાં વાહવાહી મેળવવામાં વાપરે છે.

સરકારી મેદાનોનો પાર્કિંગમાં ઉપયોગ!
સ્પોર્ટ ક્ષેત્રે ઉદાસીનતા સમજવા આ નમૂનો જ પૂરતો છે. અમદાવાદની કેટલીક ખાનગી શાળાઓએ નજીકના સરકારી મેદાનની માગણી કરી. અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ એક પરિપત્રથી ૨૧ શાળાઓને મેદાનો ફાળવ્યાં. જેમાં મેદાનમાં બાંધકામ ન કરવું, શાળાના સમય સિવાય તેનો ઉપયોગ ન કરવા જેવા નિયમો મૂક્યા હતા. જોકે મોટાભાગની શાળાઓએ મેદાન ફરતે બાઉન્ડ્રી વૉલ ચણી લેતા આ મેદાનો ખાનગી જણસ બની ગયા છે. ઘણી શાળાઓ મેદાનનો ઉપયોગ પાર્કિંગ માટે પણ કરે છે.

ઔડા પાસેથી મેળવેલા મેદાનની લાભાર્થી શાળાઓમાં ઘાટલોડિયાની અમૃતા વિદ્યાલયમ્, કેલોરેક્સ પબ્લિક સ્કૂલ, પી.એસ. પટેલ એજ્યુકેશન કેમ્પસ, સ્વામિનારાયણ સર્વોપરી સિદ્ધાંત દિગ્વિજય ટ્રસ્ટ, ત્રિપદા હાઈસ્કૂલ, ઘનશ્યામ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, બોડકદેવમાં નિરમા વિદ્યાવિહાર, પ્રકાશ હાઇસ્કૂલ, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ, મેમનગરમાં એચ.બી. કાપડિયા સ્કૂલ, દર્શન ટ્રસ્ટ, વેજલપુરમાં કાપડિયા એજ્યુકેશન ટ્રસ્ટ, મોહીદરાની ચેરિટેબલ ટ્રસ્ટ, ઝાયડસ સ્કૂલ, એચ.આર.શાહ કેળવણી મંડળ, થલતેજમાં જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ, રાણીપમાં દિવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ, ચાંદખેડામાં દૂન બ્લોસમ સ્કૂલનો સમાવેશ થાય છે.

ક્રિકેટની રમત બાબતે સૌરાષ્ટ્ર થોડુંક નસીબદાર ખરું
રમતનાં મેદાનો અને સુવિધા બાબતે સૌરાષ્ટ્ર થોડુંક નસીબદાર ખરું. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં બે આધુનિક ક્રિકેટનાં મેદાન છે. રેસકોર્સનું માધવરાવ સિંધિયા મેદાન રાજકોટ કોર્પોરેશન હસ્તક છે, જ્યારે ખંઢેરીનું અત્યાધુનિક મેદાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન હસ્તક છે. આ ઉપરાંત સોૈરાષ્ટ્ર યુનિવસિર્ટી કેમ્પસમાં તથા રેલવે પાસે પણ ગ્રાઉન્ડ છે. આમ, ક્રિકેટ માટે રાજકોટમાં સ્થિતિ સારી છે. જોકે અન્ય રમતો માટે સારાં મેદાનો અને સુવિધાઓ ખૂટે છે.

રાજકોટમાં રેસકોર્સ સંકુલમાં કોર્પોરેશન હસ્તકનું ફૂટબોલનું મેદાન છે, જેમાં મેઈન્ટેનન્સના અનેક પ્રશ્નો છે. દાયકાઓથી અહીં ફૂટબોલના ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવતા સિનિયર સ્પોર્ટ્સમેન લાલભાઈ ચોૈહાણ કહે છે, “આ મેદાન પર અનેક યુવાનો ફૂટબોલ શીખવા આવે છે. દર વર્ષે ૧૦થી ૧પ યુવાનો નેશનલ મેચ રમવા માટે જાય છે. કોર્પોરેશન આ મેદાનના મેઈન્ટેનન્સમાં ધ્યાન આપે તો સારી સુવિધાઓ મળી શકે.”

હોકીની રમત માટે પણ રેસકોર્સ સંકુલમાં આંતરરાષ્ટ્રી્ય સ્તરનું હોકીનું મેદાન બની રહ્યું છે. હોકી કોચ મહેશભાઈ દિવેચા કહે છે, “સાતેક કરોડના ખર્ચે હોકીના મેદાનમાં ટર્ફ વિકેટ બનાવાઈ રહી છે. રાજકોટમાંથી દર વર્ષે રપથી ૩૦ ખેલાડીઓ નેશનલ લેવલે હોકી રમવા જાય છે. રાજકોટને ટર્ફ વિકેટ મળી એ ખેલાડીઓ માટે મહત્ત્વનું છે.”

રાજકોટ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ કહે છે, “સ્પોર્ટ્સ ક્ષેત્રમાં રાજકોટ હબ બને તેવા પ્રયાસો કોર્પોરેશન દ્વારા થઈ રહ્યા છે. હોકીનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં ગ્રાઉન્ડ ઉપરાંત બે ટેનિસ કોર્ટ તૈયાર કરાયાં છે અને બીજા છ ટેનિસ કોર્ટ તૈયાર કરવાનું આયોજન છે. ઉપરાંત એથ્લેટિક ટ્રેક પણ તૈયાર કરાઈ રહ્યો છે.”

રમત ક્ષેત્રે જામનગરક્રિક્રેટનંુ પિયર કહેવાય છે. મૂળ જામનગરના બે મહાનુભાવો જામ રણજી અને દુલિપસિંહજીના નામે ડોમેસ્ટિક ક્રિકેટ મેચો રમાય છે. જામનગરનું એકમાત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ અજિતસિંહ પેવેલિયન ‘ક્રિકેટ બંગલો’ તરીકે ઓળખાય છે. પૂર્વ ક્રિકેટર સલીમ દુરાની કહે છે, “ક્રિકેટની દુનિયામાં જામનગરની ઓળખ જળવાઈ રહે તે માટે જામનગર કોર્પોરેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

‘ક્રિકેટ બંગલો’માં સારી સુવિધાઓ વિકસાવવી જોઈએ તથા નવાં મેદાનો પણ તૈયાર કરવાં જોઈએ જેથી ભવિષ્યની પેઢી માટે તે મદદરૂપ થાય.” જામનગર કોર્પોરેશન પાસે સ્પોર્ટ્સ સંકુલ છે, પરંતુ ત્યાં પણ સુવિધાઓ વધારવાની જરૂર છે. તો પોરબંદરના દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડનું હાલમાં રિનોવેશન થઈ રહ્યું છે. આ ગ્રાઉન્ડને રાજકોટ પછીનું સૌરાષ્ટ્રનું બીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવાઈ રહ્યું છે.

…ત્યાં સાઇકલ કોણ ચલાવશે?
ખેલકૂદ નીતિમાં યાત્રાધામો, પ્રવાસન કેન્દ્રો અને વન્ય વિસ્તારોમાં વૉકિંગ અને સાયક્લિંગ ટ્રેક વિકસાવવા જાહેરાત કરાઈ તે હાસ્યાસ્પદ છે. અમદાવાદ, રાજકોટ, સુરત જેવાં હવા પ્રદૂષણથી પીડિત શહેરોમાં સાઇકલ માટેના ટ્રેકની સ્થિતિ જોતાં હકીકત સમજાઈ જાય છે. શહેરોમાં સાઇક્લિંગ માટે સલામત રસ્તો ન હોઈ સાઇકલ લઈને નોકરીએ જવા ઇચ્છા લોકો ટ્રેકના અભાવે તેમ કરી શકતા નથી.

જ્યારે સરકાર જ્યાં પ્રવાસીઓ મોટેભાગે કાર-બસનો ઉપયોગ કરે છે તેવાં યાત્રાધામ અને પ્રવાસન કેન્દ્રો પર સાઇકલના ટ્રેક બનાવવાની વાત કરે છે. કેટલું અવ્યવહારુ? જો સામાન્ય જીવનમાં સાઇકલના વપરાશની આદત પડે તો પ્રવાસન સ્થળે લોકો સાઇકલ વાપરશે. બાકી પૈસા- પરિશ્રમની બરબાદી જ થશે.