અમદાવાદ, તા.25
ગુજરાત મેરિટાઈમ બોર્ડે આશ્ચર્યજનક રીતે હવે દીનદયાળ પોર્ટ ટ્ર્સ્ટ તરીકે ઓળખાતા જૂના કંડલા પોર્ટ ટ્ર્સ્ટની અંદર જ પ્રસ્થાપિત નિયમોને ચાતરી જઈને કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના મીઠીરોહર વિસ્તારમાં મેસર્સ આહિર સોલ્ટ્સ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ લિમિટેડને નવી જેટ્ટી બનાવવાની છૂટ આપી દીધી છે. મોટા બંદરના ધંધા પર અસર ન પડે તે માટે તેની 100 કિલોમીટરના પરિસરમાં બીજું બંદર ન વિકસાવવા દેવાના નિયમનો ધરાર ભંગ કરીને ગત 16મી ઓગસ્ટે આ માટે મંજૂરી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ એક્ટ 1981ની કલમ 35(1)ની જોગવાઈ હેઠળ આ મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે જ તેની સામે કંડલા પોર્ટ ટ્રસ્ટે વિરોધ પણ નોંધાવ્યો છે. આ વિરોધ દર્શાવતો પત્ર 18મી મે, 2019એ લખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂની જેટ્ટી રિવાઈવ કરવાને નામે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
લીઝની જમીન વોટરફ્રન્ટ નથી
સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે જેટ્ટી બનાવવાની મંજૂરી મેળવનારી કંપની આહિર સોલ્ટ પાસેની લીઝની જમીનને વોટર ફ્રન્ટ નથી. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો તેની જમીન દરિયાને ટચ થતી નથી. તેથી જેટ્ટી બનાવે તો જહાજ લાંગરવાની જગ્યા અને જેટ્ટી વચ્ચે ખાસ્સું અંતર રહી જવાની શક્યતા છે. બીજું, જેટ્ટી પર માલ ઉતાર્યા પછી પાછળ તે માલને સ્ટોર કરવા માટેના ગોદામ બનાવવાની કોઈ જ જગ્યા આહિર સોલ્ટ પાસે નથી. પરિણામે કન્ટેઈનર ઉતાર્યા પછી તેણે તેને સીધા પોર્ટની બહાર લઈ જવાની નોબત આવે અને દૂર ગોદામમાં સંગ્રહવા પડે તેવી સ્થિતિ છે. પરિણામે આ મંજૂરી આપવામાં સ્થાપિત હિતો કામ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
કોઈ અભિપ્રાય લીધા વિના ઓહિર સોલ્ટસને મંજૂરી મળી
ગાંધીધામ તાલુકામાં મીઠીરોહર ખાતે એક જેટ્ટી બનાવવાની મંજૂરી આપવાની માગણી કરતી વિનંતી કરતો પત્ર મેસર્સ આહિર સોલ્ટ્સ દ્વારા આપવામાં આવ્યો હતો. આ વિનંતી મળ્યા પછી ગુજરાત મેરિટાઈમ બોર્ડે તેના લીગલ એડવાઈઝર સિંઘાનિયા એન્ડ પાર્ટનર્સ એલએલપી સોલિસિટર્સ એન્ડ એડવોકેટ્સનો અભિપ્રાય લઈને આહિર સોલ્ટ્સને આ મંજૂરી આપી છે. જોકે બંદરને લગતી એક્ટિવિટીઝના જાણકાર સૂત્રોનું કહેવું છે કે ગુજરાત સરકારના લીગલ ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય લીધા પછી આ પ્રકારે નિર્ણય લેવાવો જોઈએ. ગુજરાતના એડવોકેટ જનરલનો મત પણ લઈ શકાય છે. આ નિર્ણય લેવામાં પંડિત દીનદયાળ પોર્ટના સત્તાવાળાઓના વિરોધની સદંતર અવગણના કરવામાં આવી છે. તેમ જ ગુજરાત સરકારના લીગલ ડિપાર્ટમેન્ટની પણ અવજ્ઞા કરવામાં આવી છે. આ માટે ભારત સરકાર તરફથી મંજૂરી લેવામાં આવી છે કે નહિ તે પણ એક સવાલ જ છે.
જમીનને ફ્રી હોલ્ડમાં રૂપાંતરનો અગાઉ પણ વિરોધ થયો હતો
મેસર્સ આહિર સોલ્ટની લીઝ હોલ્ડની જમીન કંડલા પોર્ટ ટ્રસ્ટના વિસ્તારમાં જ આવેલી છે. આ જમીનને ફ્રી હોલ્ડની જમીનમાં રૂપાંતરિત કરવાના પ્રયાસ સામે પણ અગાઉ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બહુ જ જંગી રોકાણ કરીને તૈયાર કરવામાં આવેલા મોટા બંદરના ધંધા વ્યવસાય પર અવળી અસર ન પડે અને ભવિષ્યમાં આ પ્રકારે મોટા બંદરો બનાવવા માટે કોઈ આગળ ન આવે તેવી નોબત ન આવે તે માટે મોટા બંદરની 100 કિલોમીટરની પરિસરમાં બીજું બંદર ન સ્થાપવાનો નિયમ કરવામાં આવેલો છે. કેન્દ્ર સરકારની સંસદીય સમિતિએ આ નિયમ કરેલો છે. આ નિયમની પણ આહિર સોલ્ટને જેટ્ટી બનાવવાની મંજૂરી આપવાની પ્રક્રિયામાં અવગણવામાં આવી છે. જોકે અગાઉ કરવામાં આવેલી રજૂઆત મુજબ કંડલા પોર્ટ ટ્ર્સ્ટના વિસ્તારમાં મેસર્સ આહિર સોલ્ટને રેલવે સાઈડિંગ તૈયાર કરવા માટે જ લીઝ પર જમીન ફાળવવામાં આવેલી છે. આ માટે રૂા.192 કરોડના ઇન્વેસ્ટમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
બંધબારણે સેટિંગ
આ આયોજનને અમલમાં મૂકવા માટે જૂની જેટ્ટીને રિવાઈવ કરવાની વાત સાથે દરખાસ્ત મૂકવામાં આવી હતી. ત્યારબાદ લીઝ હોલ્ડની જમીનને ફ્રી હોલ્ડની જમીનમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમીન કઈ શરતે લીઝ પર આપવામાં આવી છે તેની વિગતો અંગે પણ ફોડ પાડવામાં આવ્યો નથી. લીઝની જમીનને ફ્રી હોલ્ડની જમીનમાં રૂપાંતરિત કરી આપવા માટે જંત્રી પ્રમાણેના ભાવ લેવામાં આવે છે. આ જંત્રીના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો ગાળો ભ્રષ્ટાચાર કરવા માટેની મોટી તક પૂરી પાડે છે. આ બધું જ બંધબારણે પતાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.