રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર દૂર કરવા આવે છે: ક્લિનમેન અનિલ મુકીમ

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને દૂર કરવા માટે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા ગુજરાત કેડરના 1984 બેચના આઇએએસ ઓફિસર અનિલ મુકીમ ગુજરાતના સર્વોચ્ચ પદ ચીફ સેક્રેટરી તરીકે આવી રહ્યાં છે. તેઓ ગુજરાતમાં જ્યારે નાણા વિભાગના અધિક મુખ્યસચિવ હતા ત્યારે ભારત સરકારે તેમને ડેપ્યુટેશન પર લઇ જવાનો નિર્ણય કર્યો હતો.

સ્વચ્છ અને નિર્મળ પ્રતિભા

ગુજરાતની બ્યુરોક્રેસીમાં સ્વચ્છ અને નિર્મળ પ્રતિભા ધરાવતા આ અધિકારીને ભ્રષ્ટાચારથી નફરત છે. સત્તાવાર ઓર્ડર થયો નથી પરંતુ અનિલ મુકીમ શનિવારે વહીવટી તંત્રના વડાનો ચાર્જ સંભાળે તેવી સંભાવના છે. તેઓ શનિવારે ગાંધીનગર આવી રહ્યાં છે. હાલ તેઓ ભારત સરકારના ખાણ વિભાગના સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. રાજ્ય સરકારમાં ચીફ સેક્રેટરી પદ માટે સાત જેટલા નામો ચાલતા હતા જેમાં સિનિયર મોસ્ટ અરવિંદ અગ્રવાલનો ચાન્સ હતો, કેમ કે તેઓ હાલ નાણા વિભાગના અધિક મુખ્યસચિવનો ચાર્જ સંભાળે છે.

ડેપ્યુટેશન પર દિલ્હી મુકાયા

ગુજરાતમાં જે અધિકારી ચીફ સેક્રેટરી બન્યાં છે તે ક્યાંતો નાણા વિભાગ કે ગૃહ વિભાગનો ચાર્જ સંભાળતા હતા. છેલ્લે જ્યારે જેએન સિંહને મુખ્યસચિવ બનાવવામાં આવ્યા ત્યારે તેઓ નાણા વિભાગના અધિક મુખ્યસચિવ હતા. અનિલ મુકીમ દિલ્હી ગયા તે પહેલાં પણ નાણા વિભાગનો હવાલો સંભાળતા હતા ત્યારે એવી અટકળો હતી કે અનિલ મુકીમ જેએન સિંહના અનુગામી બનશે પરંતુ ભારત સરકારે તેમની નિયુક્તિ ખાણ સચિવ તરીકે કરી હતી.

એક પણ વિવાદ, ભ્રષ્ટાચારનો છાંટો નહી

અનિલ મુકીમે ગુજરાત સરકારમાં અનેક વિભાગોમાં કામ કર્યું છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યાં છે. સચિવાલયમાં એવું કહેવાય છે કે અત્યાર સુધીની નોકરીની કારકિર્દીમાં તેઓ ક્યારેય વિવાદમાં આવ્યા નથી અને તેમના પર ભ્રષ્ટાચારનો એક છાંટો પણ ઉડ્યો નથી. તેમણે જે વિભાગોમાં કામ કર્યું છે ત્યાં પ્રામાણિકતા પહેલી જોવા મળી છે, એટલે તેમના હાથ નીચેના અધિકારીઓ  અને કર્મચારીઓ તેમનાથી ફફડતા રહ્યાં છે.

ગુજરાતના ભ્રષ્ટાચારને કાબુમાં લેવા માટે નિમણુક?

સચિવાલયના સૂત્રો કહે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં વિવિધ વિભાગોમાં ખાસ કરીને મહેસૂલ અને શહેરી વિકાસમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે ત્યારે રાજ્યના વહીવટી વડા જો પ્રામાણિક હોય તો વિભાગોના અધિકારીઓ પણ ખોટું કરતાં ખચકાશે. અનિલ મુકીમ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી પસંદ હોવાનું પણ કહેવામાં આવે છે. શક્ય છે કે ગુજરાતના ભ્રષ્ટાચારને કાબુમાં લેવા માટે તેમણે નવી દિલ્હીથી આ નામની ભલામણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરી હોય. અનિલ મુકીમના કારણે 1984 બેચના અરવિંદ અગ્રવાલને સચિવાલયમાંથી બહાર પોસ્ટીંગ આપવું પડે તેથી તેમના માટે કોઇ મહત્વનું બોર્ડ નિગમ પસંદ કરવામાં આવે તેવું પણ જાણવા મળ્યું છે.

ગુજરાતની બ્યુરોક્રેસીમાં બદલાવ

અનિ મુકીમની નિયુક્તિ સાથે ગુજરાતની બ્યુરોક્રેસીમાં થોડો બદલાવ થાય તેવી સંભાવના છે. રાજ્યના મહત્વના વિભાગોમાં પાંચ થી સાત અધિકારીઓની બદલી થવાની સંભાવના છે જ્યારે અગ્રસચિવ થી અધિક મુખ્યસચિવના પ્રમોશન પણ કરવામાં આવે તેમ મનાય છે.