વિદેશમાં 92 લાખ ગુજરાતીઓ છે પણ તેઓ દેશમાં પૈસા મોકલતા નથી

વિદેશમાં ગુજરાતીઓની વસ્તી વધી રહી છે, સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતી પ્રજા રહે છે. વિદેશમાં વસતાં 3 કરોડ ભારતીયોમાં 92 લાખ ગુજરાતીઓ સૌથી આગળ છે. અમેરિકામાં અને બાદમાં સાઉદી અરબ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. વિશ્વ ગુજરાતી સમાજે જાહેર કર્યું છે કે,  વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધારે 33 ટકા ગુજરાતની પ્રજા છે. ગુજરાતીઓએ વિદેશ ખેડવાનો પ્રારંભ આફ્રિકાથી કર્યો હતો. વિદેશી ગુજરાતીઓ પાસે 58 લાખ કરોડ રૂપિયાથી વધુ ધન છે તથા ભારતના અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ એટલે કે, 58 ગુજરાતી છે.

દુનિયાભરના દેશોમાં ગુજરાતના ‘પટેલ’ ફેલાયેલા છે. સમગ્ર વિશ્વમાં 5 લાખ જેટલા પટેલ જુદા-જુદા દેશોમાં વસે છે. યુએસ-યુકેમાં ગુજરાતીઓની સંખ્યા 2.92 લાખ છે. આ દેશોમાં સૌથી પોપ્યુલર સરનેમમાં 140 ક્રમે પટેલ છે. પટેલ અટક ધરાવતા સૌથી વધુ લોકો અમેરિકામાં 1.50 લાખ અને બ્રિટનમાં 1.50 લાખ પટેલ રહે છે.

ભારતની કુલ વસ્તીમાં ગુજરાતીઓનું પ્રમાણ 6% છે, અમેરિકાના કુલ ભારતીયોમાં 20% ગુજરાતી છે. અમેરિકામાં 9.27 લાખ ગુજરાતીઓ વસે છે. અમેરિકામાં છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યામાં 26 % નો વધારો થયો છે. અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં બીજા ક્રમે ગુજરાતી છે.

અમેરિકામાં 17 હજાર મોટેલ અને 12 હજાર દવાની દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. 1940માં અમેરિકામાં મૂળ દક્ષિણ ગુજરાતના કાનજી પટેલે મોટેલ શરૂ કરી હતી. 40 ટકા મોટેલ ગુજરાતીઓની છે.

1972માં યુગાન્ડામાંથી ખાલી હાથ અમેરિકા ગયા અને ત્યાં સમૃદ્ધ બન્યાં હતા. ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખ મુજબ 1910 પછી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરૂ કર્યું હતું. રાજકારણ, વેપાર-ઉદ્યોગથી લઈને કળા-સાહિત્ય સુધીના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતીઓનો ડંકો છે.

દુનિયામાં પ્રવાસીઓ દ્વારા પોતાના દેશમાં ધન મોકલવાના મામલામાં ભારતીયો સૌથી આગળ છે. 2018માં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતમાં કુલ 79 અબજ ડોલર એટલે કે પાંચ લાખ પચાર હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે.બીજા સ્થાને ચીન છે. ચીનમાં વિદેશમાં રહેતા ચીનીઓ દ્વારા 67 અબજ ડોલરની રકમ તેમના દેશમાં મોકલવામાં આવી છે.

ગુજરાતીઓ વિદેશથી પૈસા પાછા મોકલનારા રાજ્યોમાં ટોપ પાંચમાં નથી. વિદેશી હુંડિયામણ આવે છે તેમાં 40 ટકા હિસ્સો કેરાલાના પ્રવાસી ભારતીયોનો છે. એ પછી 12.7 ટકા હિસ્સા સાથે પંજાબ બીજા ક્રમે અને 12.4 ટકા સાથે તામિલનાડુ ત્રીજા તથા 7.7 ટકા સાથે આંધ્રપ્રદેશ ચોથા ક્રમે છે.