વિરમગામ નગરપાલિકાના ભાજપના પ્રમુખને બરતરફ કરવા માંગણી

અમદાવાદની વિરમગામ નગરપાલિકામાં ખોટા ઠરાવો કરવાના મુદ્દે 36 સભ્યોમાંથી 26 સભ્યોએ પ્રમુખ સામે ખાસ સભા બોલાવવા માટે માંગણી કરી છે. ભાજપ સંચાલિત વિરમગામ નગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો બહાર આવી રહ્યો છે. તેથી પ્રમુખને હાંકી કાઢવા માટે માંગણી થઈ છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખરીદ અને વેચાણ દિવસે દિવસે વધી રહ્યું હોવાથી કોંગ્રેસ માટે મોટો ભય ઊભો થયો છે, કારણ કે ભાજપ પાસે નાણાંનો પ્રવાહ વધ્યો હોવાથી તેની ખરીદ શક્તિ અને સત્તાનો દૂરુપયોગ કરવાની શક્તિ સતત વધી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પણ આવું જ થયું હતું. અહીં ભાજપ અને કોંગ્રેસ એમ બન્નેને એવો ભય હતો કે તેમના સભ્યોનું બજાર ભરાશે તેથી બન્ને પક્ષો 5 દિવસ કોંગ્રેસના અને 3 દિવસ ભાજપના એમ કુલ 20 થી વઘું કાઉન્સિલરોને પ્રમુખની ચૂંટણી સમયે અજ્ઞાત સ્થળે સંતાડી દેવા પડ્યા હતા.

વિરમગામ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બીજા અઢી વર્ષની ટર્મ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ પદે ભાજપના ચિઠ્ઠી પ્રમુખ તરીકે રેખાબેન પંડ્યા અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ સમર્થક અપક્ષ કાઉન્સિલર બિમલ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. આમ ઉપપ્રમુખ માટે ભાજપને મોટો ફટકો પડ્યો છે અને કોંગ્રેસના ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના 17-17 સભ્યો બોર્ડની બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં ચીઠ્ઠી ઉપાડીને પ્રમુખ અને ઉપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના એક સભ્ય મનોજ પરીખ પક્ષ સામે બળવો કરીને મતદાનથી અળગા રહ્યાં હતા. તેથી ચિઠ્ઠી ઉપાડીને ચિઠ્ઠી પ્રમુખ ચૂંટવા પડ્યા હતા.

ડિસેમ્બર 2015માં વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 17, કોંગેસના 16 અને અપક્ષના 3 કાઉન્સિલર ચૂંટાઇ આવ્યાં હતાં. બાદમાં ભાજપે નગરપાલિકા પર સત્તા મેળવી હતી. પછીથી કોંગ્રેસના કાઉન્સિલર યાસીન મંડલીએ સત્તાનો દૂરઉપયોગ કરી નગરપાલિકાની મિલકતનું મંજૂરી વગર વેચાણ કરી દીધું હતું. વળી તેમણે ચીફ ઓફિસર સાથે અસભ્ય વર્તન કર્યું હતું. જેને પગલે ગાંધીનગર કમિશનર દ્વારા તેમને સભ્ય પદેથી દૂર કર્યા હતા.

છેલ્લાં દોઢ વર્ષથી આ વિવાદ ચાલતો હતો પણ ભાજપ સરકારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ચૂંટણીના બે દિવસ પહેલા તા.6 જૂન 2018ના રોજ તેમનું સભ્યપદ રદ કરવાનો વિવાદાસ્પદ આદેશ કર્યો હતો. તે સત્તા મેળવવા માટે ભાજપની હવસ દેખાઈ આવે છે. તો ભાજપના મનોજ પરીખ ગેરહાજર રહ્યા હતા. તેથી બન્ને પક્ષ પાસે સમાન સભ્યો 17-17 રહ્યાં હતા. તેથી ચિઠ્ઠી ઉપાડીને પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટવામાં આવ્યા હતા.

વિરમગામ નગરપાલિકાની ચૂંટણી ભારે રસાકસી ભર્યુ વાતાવરણ દેખાઈ રહ્યું હતું. ચૂંટણીના દિવસે જ ભાજપના એક સભ્ય ગેરહાજર રહેતાં બન્ને પક્ષે સમાન સભ્યો થતાં ઉત્તેજના વધી હતી. આખરે અપક્ષ ત્રણ સભ્યો બાજી મારશે એવું છેલ્લી ઘડી સુધી લાગતું હતું. પણ સમાન સભ્યો થવાના કારણે ચિઠ્ઠી પ્રમુખ ચૂંટાયા હતા.

વિરમગામ વિઘાનસભા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોર સામે ભારે વિરોધ છે અને જ્યારે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં આવેલાં ડો.તેજશ્રી પટેલ સામે ભાજપના જબ્બર વિરોધ હજુ પણ ચાલુ છે. તેમને ભાજપના જ લોકોએ વિધાનસભાની ચૂંટણીમાં હરાવ્યા હતા.

RCC રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર

વિરમગામ શહેરમાં એસબીઆઇથી મંગલમ સોસાયટી સુધી બનેલા આર.સી.સી.ના રસ્તામાં આઠથી દસ જગ્યા ઉપર ગાબડા પડતાં લોખંડના સળિયા ઓ ભયજનક રીતે બહાર આવી ગયા હતા. ભ્રષ્ટાચારના કારણે રોડ નબળા બન્યા છે. ફરિયાદો થઈ છે પણ ભાજપના સત્તાધીશો તરફથી કોઈ પગલાં લેવામાં આવતાં નથી. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને બીજા નવા કામ આપવામાં આવે છે. કોન્ટ્રાકટરો દ્વારા રીંગ બનાવીને કામ લે છે અને ભ્રષ્ટાચાર કરે છે.

વિરમગામ શહેરની હાલત એટલી કથળી ગઈ છે કે, એક સમયે લાઈટ બિલ ભરવાના પૈસા ન  હોવાથી વીજ જોડાણ કપાઈ ગયું હતું.