સૌથી પૂરાણું હેરિટેજ શહેર જુનાગઢ અમારૂં….

ગાંધીનગર, કે ન્યૂઝ,તા:૨૭

ભારતનું સૌથી જુનું હયાત શહેર જૂનાગઢને હેરિટેજ શહેરનો યુનેસ્કોનો દરજ્જો મળે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યુનેસ્કોમાં દરખાસ્ત કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે. ભારતમાં એકમાત્ર હેરિટેજ સિટી તરીકે વૈશ્વિક દરજ્જો મેળવનાર અમદાવાદ શહેર કરતાં વધુ પુરાણો ઐતિહાસિક વારસો જૂનાગઢ શહેર ધરાવે છે.  બે હજાર વર્ષ જૂના પણ હયાત હોય એવા એકમાત્ર શહેર જૂનાગઢને વૈશ્વિક પુરાતન શહેરનો દરજ્જો મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરાઈ છે.

રાજ્યના બે વિશ્વ પ્રસિદ્ધ વૈશ્વિક હેરિટેજ સ્થળ પાટણની રાણીની વાવ અને ચાંપાનેરના કિલ્લા તેમજ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ કરતાં વધુ પ્રાચીન અને સમૃદ્ધ વારસો અને ઈતિહાસ સચવાયેલા પડ્યા છે. જેની સરકાર દ્વારા ઉપેક્ષા થઈ રહી છે. જૂનાગઢને પણ હેરિટેજ સ્થળ તરીકેનો દરજ્જો પ્રાપ્ત થાય તે જરૂરી છે.

જૂનાગઢને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળે તે દિશામાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મેયર ધીરુભાઈ ગોહેલે જણાવ્યુ હતું.  જૂનાગઢને વૈશ્વિક હેરિટેજનો દરજ્જો મળે તે માટેના પ્રયાસોશરૂ કર્યા છે. આ માટે અમદાવાદની સંસ્થાને સરવેની કામગીરી સોંપવા વાતચીત શરૂ કરી છે.

અહી જે બે હજાર વર્ષ જૂનો વારસો ધરાવતા જૂનાગઢ પુરાતન સમયમાં કારંકુબજ, મણિપુર, રેવત, ચંદ્રકેતુપુર, નરેન્દ્રપુર, ગિરિનગર અને પુરાતનપુર જેવા નામોથી પ્રચલિત હતું.  ‘જૂનાગઢ’ તરીકેનું નામ ઈ.સ. 1820માં આપવામાં આવ્યું હતું.

ઈસવીસન પૂર્વે 319 વર્ષ પહેલા અહિયાં મૌર્ય વંશના રાજાઓએ રાજ કર્યું હતું. સમ્રાટ અશોકે જૂનાગઢ પર રાજ કર્યું હતું. આ ઉપરાંત ગ્રીક સામ્રાજ્યએ પણ અહી પોતાનું શાસન કર્યું હતું. અહી શક, ગુપ્ત, ચુડાસમા, મોહમ્મદ બેગડો, મુજફ્ફર ખાન, સિકંદર અને નવાબ વંશના શાસકોના રાજાઓએ શાસન કર્યું હોવાના પૂરાવા જૂનાગઢમાં મોજૂદ છે.

આ ઉપરાંત ચીની પ્રવાસી હયૂ એન સંગએ પોતાના પુસ્તકોમાં જૂનાગઢ અંગેની નોંધ કરેલી છે. માત્ર ઐતિહાસિક રીતે જ નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે જૂનાગઢ ભારતનું એક ધબકતું કેન્દ્ર તરીકે પ્રચલિત હતું.

‘વર્લ્ડ હેરિટેજ’ના દરજ્જા માટે શું કરવું જરૂરી

જૂનાગઢને ‘વર્લ્ડ હેરિટેજ’નો દરજ્જો અપાવવા માટે સ્થાનિક કક્ષાએથી મહાનગરપાલિકા કે અન્ય સ્થાનિક સંસ્થાઓ કે એનજીઓ દ્વારા એક સમિતીની રચના કરવી પડે. આ કમિટી દ્વારા જૂનાગઢની ઐતિહાસિક ધરોહર અને વારસાની જાળવણી કરવા માટે લોકોમાં જાગૃતિ લાવે, સમિતિ દ્વારા એક ડોજીયર તૈયાર કરવું પડે છે. આ ડોજીયરને યુનેસ્કોને મોકલવાનું હોય છે. યુનેસ્કો દ્વારા તેની મુલાકાત લઈને તેની ચકાસણી કરવામાં આવે છે અને ત્યાર બાદ ‘વર્લ્ડ હેરિટેજ’નો દરજ્જો આપવામાં આવતો હોય છે.

જૂનાગઢને હેરિટેજનો દરજ્જો મળે તે માટે માંગણી કરાઇ છે: ધીરુ ગોહેલ, મેયર

જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલે જણાવ્યુ હતું કે, મધ્યકાલીન યુગનો પણ વારસો સચવાયેલો પડ્યો છે, તો આ વારસાની જાળવણી કરવા અને જૂનાગઢને હેરિટેજનો દરજ્જો મળે તે માટે જૂનાગઢ મહાપાલિકા દ્વારા સરકાર સમક્ષ માગણી કરાઈ છે. આ માટે મહાનગર પાલિકા દ્વારા અમદાવાદની સંસ્થાને આ અંગે સરવે કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જે જૂનાગઢના ઇતિહાસનો સરવે કરીને તેનો અહેવાલ તૈયાર કરશે. આ અહેવાલ સાથે મહાનગરપાલિકા દ્વારા સરકારને દરખાસ્ત કરવામાં આવશે. જૂનાગઢને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળે તે માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી દરખાસ્ત કરાશે.

‘વર્લ્ડ હેરિટેજ’ માટે નીચેની બાબતોને સામેલ કરી શકાય

જૂનાગઢની પાસે ધાર્મિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક સહિતના સાધનો ઉપલબ્ધ છે કે, જૂનાગઢને ‘વર્લ્ડ હેરિટેજ’નો દરજ્જો અપાવવા માટે પૂરતા છે. જેમાં અશોકનો શિલાલેખ હોય કે, ઉપરકોટ, બૌદ્ધની ગુફાઓ હોય કે પછી ગિરનારનો પર્વત, એશિયાટિક સિંહ હોય કે ગીરનું જંગલ સહિતની અનેક વસ્તુઓ જૂનાગઢને ‘વર્લ્ડ હેરિટેજ’ તરીકેનો દરજ્જો અપાવી શકે છે. જો કે આ માટે સ્થાનિક કક્ષાએથી હિલચાલ શરૂ કરવાની તાતી જરૂરિયાત છે.

જૂનાગઢની ધરોહર અશોકની શિલાલેખ

જૂનાગઢના ઉપરકોટથી માત્ર સવા કિલોમીટર દૂર સમ્રાટ અશોક દ્વારા લખાયેલા બે શિલાલેખ છે. જેમાં મૌર્ય વંશના શાસક એવા સમ્રાટ અશોકે બ્રાહ્મી ભાષામાં લોકોને કેટલાક સંદેશાઓ આપવા માટે બોધ આપેલો છે. પર્વતના પથ્થરો ઉપર લખાયેલું આ લખાણ અંદાજે 2250 વર્ષ પુરાણું છે. પથ્થર ઉપર લખાયેલું હોવાથી આજે પણ સદીઓ બાદ આજે સચવાયેલું રહ્યું છે. જ્યારે અન્ય પથ્થરો પર લખાયેલા લેખો સંસ્કૃત અને પાલી ભાષામાં છે. અશોકના શિલાલેખ જૂનાગઢના શાસકો અને તેમણે કરેલા કાર્યો ઉપરાંત સુવર્ણ ભૂતકાળ અને ઇતિહાસના અનેક પાનાં ખોલે છે. જૂનાગઢમાં ઈસવીસન પૂર્વે 450 સુધીના રાજાઓ કોણ હતા તેમના નામો આ લેખ પરથી જાણવા મળી આવે છે.

આ ઉપરાંત તે સમયના રાજવીઓ દ્વારા પ્રજાહિતના કેવા કામો કરવામાં આવતા હતા તેનો પુરાવો અહી ઉપલબ્ધ છે.

જૂનાગઢનો પુરાતન કિલ્લો એટલે ઉપરકોટ

જૂનાગઢનો સૌથી જૂનું 2319 વર્ષ પુરાતન સ્થળ ઉપરકોટનો કિલ્લો છે. આ કિલ્લો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાને રાજગઢ પણ કહેવામાં આવે છે. આ કિલ્લાની દીવાલો 20 મીટર પહોળી છે. અહી સદીઓ પુરાણા મંદિર છે. આ કિલ્લામાં મધ્યયુગના સમયમાં મુકાયેલી બે તોપો ‘નીલમ’ અને માણેક’ આજે પણ હયાત જોવા મળે છે. આ તોપોને તુર્કો દ્વારા મૂકવામાં આવી હતી. ૮૦૦ વર્ષ પૂર્વે તેનું 16 વખત સમારકામ કરવામાં આવ્યું હતું. અડી-કડી વાવ છે. આ રાજવીઓ દ્વારા ઉપરકોટ ઉપર નવઘણ કૂવો બનાવવામાં આવેલો છે.

બૌદ્ધ ગુફાઓ

જૂનાગઢમાં એકથી ચાર સદી પુરાણી બૌદ્ધ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓની કળા-કારીગરી બેનમૂન છે, આ ગુફાઓના સુંદર મંડપ, થાંભલાઓ, નકશીકામ વાળી બારીઓ ઉપરાંત વિધાનસભા ખંડ પણ આ ગુફાઓમાં છે.

સુદર્શન તળાવ

ભારતનું સૌથી પહેલું વરસાદી પાણી સંગ્રહવા માટે અને સિંચાઈ માટે જૂનાગઢનાં તત્કાલિન શાસકો દ્વારા સુદર્શન તળાવ બનાવવામાં આવ્યું હતું. જે આજે નાશ પામ્યું છે. પરંતુ આ તળાવ સમ્રાટ આશોકના સમયમાં એટલે કે બે હજાર વર્ષ જૂનું તળાવ છે.

જૂનાગઢને વર્લ્ડ હેરિટેજ તરીકેનો દરજ્જો મળી શકે તેમ છે. પરંતુ આ મામલે સરકાર દ્વારા થોડી કસરત કરવી પડી શકે તેમ છે. જો કે આ માટે સ્થાનિક નાગરિકોની પણ મદદ લેવી પડે તેમ છે.