ગુજરાતના મોટાકદના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે તેમના સ્વાગત માટે પાર્ટીના નેતાઓ ઉપરાંત રૂપાણી સરકારની કેબિનેટ થનગની રહી છે, કારણ કે કેન્દ્રીય નેતાને વહાલા થવા માટે સરકારના પ્રત્યેક મિનિસ્ટર તેમને મળવા જશે. આગામી 28 અને 29મી ઓગષ્ટના ગુજરાત આવી રહ્યાં છે
જમ્મુ અને કાશ્મીરમાં 370ની કલમ રદ કર્યા પછી તેઓ પહેલીવાર ગુજરાત આવી રહ્યાં છે. તેથી તેમને સત્કારવા માટે પાર્ટીના સંગઠન સાથે સરકાર તૈયારી કરી રહી છે. કેબિનેટમાંથી પત્તા કટ ન થાય તે માટે કેબિનેટના મંત્રીઓ અમિત શાહને મળશે, જ્યારે સંગઠનમાં નવી નિમણુંકોને ઓપ આપવામાં આવનાર છે, ત્યારે અમિત શાહને મળવા માટે પ્રદેશના પદાધિકારીઓ આતુર બન્યા છે.
અમિત શાહનો મુખ્ય કાર્યક્રમ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં છે. આ ઉપરાંત તેઓ પાર્ટીના સંગઠન સાથે બેઠકો કરશે. પાર્ટીમાં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે. ગુજરાતમાં અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કચેરી અમિત શાહના કાર્યક્રમની તૈયારી કરી રહી છે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ નવેમ્બરમાં થવાની હોવાથી તેમજ તે પહેલાં જિલ્લા અને તાલુકા સ્તરના સંગઠનની રચના થવાની છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણી સરકારની કેબિનેટના વિસ્તરણની અટકળો વહેતી થઇ છે, ત્યારે અમિત શાહના નિર્ણય પર સૌની નજર છે. રાજ્યમાં સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી થવાની છે, ત્યારે કેબિનેટનો વિસ્તાર આ ચૂંટણીના પરિણામો પછી થાય તેવી સંભાવના છે, પરંતુ જો અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રીને લીલીઝંડી આપે તે પહેલાં પણ કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે. જો કે સીએમઓના સૂત્રો હાલ વિસ્તરણનો ઇન્કાર કરી રહ્યાં છે.
સચિવાલયના સૂત્રો કહે છે કે, સંગઠન પર્વ ચાલી રહ્યું હોવાથી ગુજરાતમાં પાર્ટીના સિનિયર રાષ્ટ્રીય નેતા ઓમપ્રકાશ માથુર પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. ગુજરાતના હાલના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા નહીં હોવાનું સચિવાલયના સૂત્રો કહી રહ્યાં છે. ત્યારે અમિત શાહ ગુજરાતના પ્રદેશ પ્રમુખપદે કોઇ નવા નેતાની પસંદગી કરે તેમ મનાય છે.