અપશબ્દો બોલી કુહાડી અને પાવડા વડે મારમારતા ચાર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી

થરાદ, તા.૧૬
આપણી જૂની કહેવત છેકે જર જમીનને જોરું ત્રણે કજિયાના છોરું, જે થરાદના વાઘાસણ ગામમાં સાચી ઠરી છે. એકજ પરિવારના સભ્યોની વચ્ચે ઘરની માંગણી સાથે કુહાડી અને પાવડા ઉછળતા લોહિયાળ જંગના ગુના સાથે પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે.

અત્રેના બનાવની વિગતો અનુસાર થરાદ તાલુકાના વાઘાસણ ગામના રમેશભાઈ ભાંણાભાઈ પ્રજાપતિ શનિવારના ઘરે હાજર હતા. આ વખતે પિતરાઈ ગણપતભાઇ જોધાભાઈ પ્રજાપતિ તથા ઉદાભાઈ ખુમાભાઇ પ્રજાપતિ આવ્યા હતા અને કહેલ કે, આપણા બાપદાદાની રહેણાંક જમીન પર બનાવેલા ઘર તમારા એકલા નથી એમાં અમારો પણ ભાગ છે. જે અમોને છુટી કરી આપો. જેથી ગણપતભાઇ પ્રજાપતિ એકદમ ઉશ્કેરાઇ ગયા અને બાપુ કસ્તુરભાઈને મારવા ધસી આવતાં રમેશભાઈ વચ્ચે પડતા તેમના હાથમાંની કુહાડી માથાના ભાગે વાગી હતી. જ્યારે ઉદાભાઈ ખુમાભાઇ પ્રજાપતિએ તેના હાથમાંનો પાવડો કસ્તુરભાઈના લમણા તથા છાતીના ભાગે મારતાં બંન્નેને લોહીયાળ ઇજાઓ થવા પામી હતી. જ્યારે વધાભાઈ લગધીરભાઈ પ્રજાપતિ તથા ખુમાભાઇ વધાભાઈ પ્રજાપતિએ અપશબ્દો બોલી ગમે તેમ કરી ગામની જમીનમાંથી અમને ભાગ આપવો જ પડશે. તેમ કહીને તેમણે પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આ વખતે દોડી આવેલા રમેશભાઈના પિતાજીએ વચ્ચે પડી વધુ મારમાંથી બચાવ્યા હતા. પિતરાઈઓ જતાં જતાં જો જમીન નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. બંને ઈજાગ્રસ્તોને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. રમેશભાઈની ફરિયાદના આધારે પોલીસે ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.