ગણેશ જીનીસિસ આગ દુર્ઘટનામાં દિકરી ધ્રુતિએ માતા અંજનાબહેનને આપેલી ચેતવણી સમયે જો તેઓ ઘર છોડી નીચે ઉતરી ગયા હોત તો આજે તે પણ જીવતા હોત. ઘરઘંટી બંધ કરવાની જીદ્દના કારણે અંજનાબહેનને સમય લાગ્યો અને આગ વિકરાળ બનતા તેઓ ઝપટમાં આવી ગયા હતા.
ઈ-બ્લોકમાં છઠ્ઠા માળે ઈ-603માં ડૉકટર મહેશભાઈ પટેલ તેમના પત્ની અંજનાબહેન અને ટ્વીન્સ પુત્ર ધ્રુવ તથા પુત્રી ધ્રુતિ સાથે રહેતા હતા. મહેશભાઈ હોસ્પિટલમાં હતા. તે અરસામાં નીચેના ફલેટ નંબર 503-504માં લાગેલી આગની જાણ થતા ધ્રુતિએ તુરંત તેની માતા અને ભાઈને ઘરમાંથી નિકળી જવા કહ્યું હતું. માતા અંજનાબહેને ઘરઘંટી ચાલુ છે તે બંધ કરીને નીચે આઉ છું તું નીચે જા કહેતા ધ્રુતિ સીડીઓ ઉતરવા લાગી હતી. ધ્રુવ પણ માતાને સાથે આવવા માટે રોકાઈ ગયો હતો.
આ સમગ્ર ઘટનાની જાણકારી આપનાર મૃતકના ભાઈ મિતેશભાઈએ કહે છે કે, ધ્રુતિ પાંચમા માળે આવી તો તેણે ત્યાં આગ અને ધૂમાડો જોઈ ફરીથી માતા અને ભાઈને ઉતાવળે નીચે ઉતરવા કહ્યું હતું. એક પછી એક માળની સીડીઓ ઉતરતી વખતે ભાણી ધ્રુતિએ લગભગ તમામ ફલેટના બેલ મારી સૌને ચેતવવાનો પ્રયાસ કર્યો હતો. અંજનાબહેન અને ભાણો ધ્રુવ આગ વિકરાળ બનતા ફસાઈ ગયા હતા અને બહેનનું ગુંગળામણ અને દાઝી જવાથી મોત થયું હતું. જ્યારે ધ્રુવ ફલેટની બાલ્કનીમાં લાગેલા રૂફટોપ ઉપર ચઢી ગયો હતો. જેને પાછળથી ફાયરબ્રિગેડની ટીમે રેસ્કયુ કર્યો હતો.
આ ફલેટની સ્કીમમાં ફાયર સેફટી લગાવવાનું કામ કરનાર વ્યકિતના ઘરમાં લાગેલી આગમાં તેનું ઘર બળીને ખાક થઈ ગયું હતું.
44 પરિવારોને એક સપ્તાહ સુધી બહાર રહેવું પડશે
ગણેશ જીનીસિસના ઈ-બ્લોકમાં લાગેલી વિકરાળ આગના કારણે ભારે નુકશાન થયું છે. ઈ-બ્લોક ખાલી કરાવી દેવાતા તેમાં રહેતા 44 પરિવારોના ચા-નાસ્તા અને જમવાની સગવડ સોસાસટી એસોસીએશને કરી હતી. આગની ઝપટમાં આવેલા ફલેટનું વાયરીંગ પણ બળી ગયું છે. જેથી યુજીવીસીએલ કંપનીએ પાવર સપ્લાય કટ કરી દીધો છે. બીજી તરફ બ્લોકમાં ભારે નુકશાન થતા તેના રિપેરીંગમાં સમય લાગશે. જેથી તમામ પરિવાર પરિચિત અથવા સોસાયટીના ખાલી પડેલા ફલેટમાં એક સપ્તાહ સુધી રોકાશે.