અમદાવાદમાં હવે કંડક્ટર વિના દોડશે AMTS

અમદાવાદ,તા:૩૦  ખોટમાં ચાલતી લાલબસ એટલે કે AMTS હવે કંડક્ટર વિના જ બસો દોડાવશે. ટિકિટની વાત કરીએ તો મુસાફરો માટે જનમિત્ર કાર્ડ હવે જરૂરી બનશે, જેના માટે બસોમાં પોલવોલિડેટર મશીન લગાવવામાં આવશે, જેની પ્રાયોગિક ધોરણે શરૂઆત પણ થઈ ચૂકી છે. જો કે હાલમાં કાર્ડ ન ધરાવનારા લોકોનેડ્રાઈવર દ્વારા ટિકિટ આપવામાં આવશે.

દૈનિક રૂ.1 કરોડની ખોટ કરતી AMTS વિકાસના પોકળ દાવાને સાર્થક કરવા અને સ્માર્ટ સિટીની છબિને ઊભી કરવા 606 પૈકી 578 બસમાં પોલવોલિડેટર મશીન લગાવવામાં આવ્યાં છે. મ્યુનિ. કમિશનરે 1 સપ્ટેમ્બર 2018થી કોર્પોરેશનની તમામ સેવા ડિજિટલાઈઝ કરવાની જાહેરાત કરી હતી, જેના ભાગરૂપે જનમિત્ર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું હતું. જો કે મ્યુનિ. કમિશનરના આ નિર્ણયનો વિરોધ થતાં તેનો અમલ થઈ શક્યો નહોતો.

AMTSએ હાલમાં તેમની 606 પૈકી 578 બસમાં પોલવોલિડેટર મશીન લગાવ્યાં છે, જે તમામ બસમાં લગાવ્યા બાદ કંડક્ટર લેસ બસની દિશામાં પ્રયાણ કરશે. હાલમાં પ્રાથમિક તબક્કે AMTSએ રૂટ નં.15/1, 40, 63/1, 46, 125/શટલ, 34/3 અને 47 નંબરની બસોમાં આ પ્રયોગ શરૂ કર્યો છે. સૂત્રોન જણાવ્યા પ્રણાણે આગામી એક મહિનામાં તમામ રૂટની તમામ બસ કંડક્ટર લેસ દોડાવવાનું આયોજન છે. જે મુસાફર પાસે જનમિત્ર કાર્ડ ન હોય તે ડ્રાઈવર પાસેથી ટિકિટ લઈ શકશે, જે માટે કંડક્ટરને પ્રશિક્ષિત કરી મિની ATM મશીન અપાયું છે.

હાલમાં BRTS સાથે સ્પર્ધામાં પાછળ પડી રહેલી AMTS મેટ્રોના આવ્યા બાદ વધુ કંગાળ થવાની શક્યતા છે, તેવા સમયે કોર્પોરેશનના આ નિર્ણયનો કમિટી સભ્યો દ્વારા જ વિરોધ થઈ રહ્યો છે, છતાં સ્માર્ટ સિટીના નામે AMTSને વધુ નુકસાનમાં ધકેલવાના પ્રયોગો થઈ રહ્યા હોવાનું કમિટી સભ્યો જણાવી રહ્યા છે.