ગાંધીનગર,તા.07
અમદાવાદની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને સૂચના આપી છે. તેમણે આ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે મેટ્રો રેલના 40.03 કિલોમીટરના પ્રથમ તબક્કામાં કુલ 12787 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
મેટ્રોરેલના એમડી એસએસ રાઠોરે કહ્યું હતું કે પ્રથમ તબક્કાના રૂટમાં 6.5 કિલોમીટરનો રૂટ અંડરગ્રાઉન્ડ છે. આ રેલ પ્રોજેક્ટમાં 32 સ્ટેશન અને બે ડેપો તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, અમદાવાદ મહાપાલિકાના કમિશનર વિજય નહેરા અને મેટ્રો રેલ કોર્પોરેશનના તથા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. જો કે મેટ્રો રેલનો પ્રથમ તબક્કો ક્યારે પૂર્ણ થશે તેની કોઇ માહિતી આપવામાં આવી નથી.
રૂપાણીએ આ પ્રોજેકટમાં હાલ ચાલી રહેલા વાયેડકટ, સેગ્મેન્ટ તથા ટ્રેકના નિર્માણ બાંધકામ તેમજ ક્રોસ સેકશન પોર્ટલ સ્ટેશન્સની વિગતો મેળવી હતી. તેમણે ઇર્સ્ટન કોરીડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક, અંડરગ્રાઉન્ડ કોરીડોરમાં એપેરલ પાર્કથી કાલુપુર અને શાહપુર તેમજ ઇસ્ટવેસ્ટ કોરીડોરમાં થલતેજ ગામથી સ્ટેડિયમ સહિતના વિવિધ કોરીડોરની હાથ ધરાનારી કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
રૂપાણીએ મેટ્રોરેલ પ્રોજેકટ માટેની જમીન સંપાદન પ્રક્રિયા અને અસરગ્રસ્તોના પૂર્નવસન માટેની જમીન મેળવવા અંગે મેટ્રોરેલ કોર્પોરેશન અને અમદાવાદ મહાપાલિકાને સંકલન કરી સમયાંતરે સમીક્ષા બેઠક કરવા પણ સૂચન કર્યુ હતું અને કહ્યું હતું કે અમદાવાદ મહાનગરમાં મેટ્રોરેલની કામગીરીને પરિણામે જે માર્ગોના મરામતની જરૂર જણાય ત્યાં પણ મહાપાલિકા સાથે પરામર્શ કરીને તે રિપેરીંગ કાર્ય મેટ્રોરેલ કોર્પોરેશને હાથ ધરવાની રહેશે.
અમદાવાદ મહાનગરમાં ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશનના પ્રોજેકટ અંતર્ગત 34.78 કિલોમીટરના માર્ગો પૈકી 8.41 કિલોમીટરમાં મરામતની જરૂરિયાત ઊભી થયેલી છે તે સંપૂર્ણ દુરસ્ત કરી દેવામાં આવેલું છે. રૂપાણીએ મેટ્રોરેલ પ્રોજેકટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટેની કામગીરીનું ફોલોઅપ અને સમીક્ષા રાજ્ય સરકાર, અમદાવાદ મહાપાલિકા અને મેટ્રોરેલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સંયુકત બેઠકો યોજીને સતત કરતા રહે તેવી તાકિદ કરી હતી.